બોલિવુડે પાકિસ્તાની કલાકારોને ઓછું મહત્ત્વ આપવું જોઈએ?

0
322
Photo Courtesy: patrika.com

ગયા વર્ષે કરન જોહરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ ની રિલીઝ એક ખાસ કારણસર ‘મુશ્કિલમાં’ આવી ગઈ હતી એ તો તમને યાદ હશેજ. એ સમયે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સર્વેસર્વા રાજ ઠાકરેએ ખુલ્લેઆમ ધમકી આપી હતી કે આ ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન હોવાને લીધે ફિલ્મને રિલીઝ નહીં કરવા દેવામાં આવે. એ સમયે પણ આજે જેમ ચાલી રહ્યું છે તેમ પાકિસ્તાન સરહદને સતત સળગતી રાખી રહ્યું હતું અને ઉરી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ તેની ચરમસીમાએ હતો.

Photo Courtesy: patrika.com

હવે કેન્દ્ર સરકારમાં મંત્રી અને એક સમયે બોલિવુડમાં પાર્શ્વગાયક રહી ચૂકેલા બાબુલ સુપ્રિયોએ ફરીથી આ મુદ્દો ઉઠાવ્યો છે. બાબુલ સુપ્રિયોનું માનવું છે કે એ દિલ હૈ મુશ્કિલ પછી પણ બોલિવુડના પાકિસ્તાની કલાકારો પ્રત્યેના વલણમાં કોઈજ ફરક પડ્યો નથી. સુપ્રિયોનું કહેવું છે કે પાકિસ્તાન હજીપણ આપણા દેશમાં આતંકવાદીઓ મોકલે રાખે છે અને સરહદ પર આપણા જવાનોને મારતું રહે છે. તો હવે સમય આવી ગયો છે કે બોલિવુડ આ બાબતે કોઈ અંતિમ નિર્ણય લઇ લે.

અહીં એ નોંધપાત્ર છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસીએશન (IMPAA) એ એક ઠરાવ પસાર કર્યો હતો કે તેમની સંસ્થા સાથે સંકળાયેલો કોઇપણ પ્રોડ્યુસર પોતાની ફિલ્મમાં પાકિસ્તાની કલાકારને નહીં લે. પરંતુ ત્યારબાદ એવી કેટલીક હિન્દી ફિલ્મો આવી ગઈ છે જેમાં આપણને પાકિસ્તાની કલાકારો જોવા મળ્યા છે.

તમને ગમશે: દરેક વ્યક્તિ સરેરાશ 7 એક્ટીવ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ધરાવે છે

સમાજના અન્ય હિસ્સાઓની જેમ બોલિવુડમાં પણ ડાબેરી અને લિબરલ તત્વો ભરેલા પડ્યા છે. આ લોકો માટે ક્યારેય દેશનું હિત પહેલું નથી હોતું. આ એ જ લોકો છે જે અમન કી આશાની પૂંછડી પકડીને બેઠા હોય છે. વળી કળાને  કોઈજ સરહદ નથી હોતી એવો મંત્રોચ્ચાર પણ આ લોકો વારંવાર કરતા હોય છે. અને આથીજ એમના માટે ભારતનું અપમાન એટલું ચિંતાજનક નથી લાગતું જેટલું કે પાકિસ્તાની કલાકારોની રોજીરોટી અથવાતો એની ગેરહાજરીની.

પાકિસ્તાન સરહદ પર ટેન્શન હોવું એ કોઈ નવી વાત નથી. સરકારની પણ કેટલીક ભૂલો છે જ. બોલિવુડે હવે પાકિસ્તાની કલાકારો અંગે કોઈ સ્ટેન્ડ લઇ લેવું જોઈએ તેવું બાબુલ સુપ્રિયોનું નિવેદન અત્યારેતો કસમયનું લાગે છે કારણકે હાલમાં કોઈ એવી ફિલ્મની જાહેરાત થઇ નથી જેમાં કોઈ પાકિસ્તાની કલાકાર હોય. સરકારનું કામ સરહદ સંભાળવાનું છે.

અલબત એ બોલિવુડની પણ ફરજ બને છે કે રાષ્ટ્રહિતમાં તે પાકિસ્તાની કલાકારોને ફિલ્મોમાં લેવાનું બંધ કરે. ટૂંકમાં કહીએ તો બંને પક્ષે સમજદાર લોકો છે જ અને આથીજ એમની પાસેથી કસમયના નિવેદનો અને પ્રતિનિવેદનો ન આવે એજ યોગ્ય રહેશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here