માતૃભાષા મહાન જ છે એટલે બીજી ભાષાઓની લીટી ભૂંસી નાખવાની?

0
369
Photo Courtesy: thebetterindia.com

ગઈકાલે વિશ્વ માતૃભાષા દિવસ હતો અને જેમ eછાપુંમાં આપણે જમણી તરફ કોલમમાં જે અંગે નિર્દેશ કર્યો હતો એ રીતે સોશિયલ મિડિયા પર આ દિવસનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. એ કોલમમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો હતો કે દેશભક્તિ તમે રેગ્યુલર ટેક્સ ભરીને પણ દેખાડી શકો કે કાયદાનું પાલન કરીને પણ રોજ દેખાડી શકો અને સ્વતંત્રતા દિવસ કે પછી ગણતંત્ર દિવસ એ બે દિવસ આપણી રોજ દર્શાવેલી રાષ્ટ્રભક્તિના ઉત્સવ તરીકે જોઈ શકાય.

Photo Courtesy: thebetterindia.com

આવુંજ માતૃભાષા દિવસ માટે પણ કહી શકાય, કારણકે આપણે રોજબરોજના ઉપયોગમાં માતૃભાષાનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ પરંતુ ગઈકાલે ખાસ એનો દિવસ હતો એટલે આપણે એનો ઉત્સવ ઉજવ્યો. પરંતુ ગઈકાલે જે ઓબ્ઝર્વ કર્યું એનાથી એવું લાગ્યું કે માતૃભાષાનું ગૌરવ અનુભવી અને એની લીટી લાંબી કરવાના ઈરાદા સાથે ઘણા લોકોએ અન્ય ભાષાઓની લીંટી ભૂંસવાનો પણ આનંદ લીધો. ખાસકરીને એ માતાપિતાઓ પર અંગુલીનિર્દેશ કરવામાં આવ્યો જેમણે પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણવા મુક્યા છે.

અંગ્રેજી માધ્યમ એ આજની જરૂરિયાત છે એમાં શંકાને કોઈજ સ્થાન નથી. પરંતુ તેનાથી ગુજરાતી માધ્યમમાં ભણનાર બાળકોની અક્કલ ઓછી ગણાય કે પછી અંગ્રેજી માધ્યમના બાળકોનો IQ ઉંચો હોય એવું માનવાને કોઈજ કારણ નથી. પણ, ગઈકાલે માતૃભાષા દિવસનો ઉત્સવ મનાવતી વખતે આવું પરસ્પર ટીકાત્મક ભાવે જોવામાં આવ્યું. તો અમુક મિત્રોએ હળવા સૂરમાં એમ પણ જણાવ્યું કે અમુક શબ્દો જેમાં અપશબ્દો પણ સામેલ છે એ તો માતૃભાષામાં જ બોલવામાં મજા આવે.

કદાચ અન્ય ભાષાઓનો બહોળો અનુભવ ન હોય તો ઉપર કહેલો વિચાર આવે એ શક્ય છે. કારણકે અંગ્રેજી ભાષા કે હિન્દીની જ વાત લઈએ તો એના અમુક શબ્દો કે પછી રુઢિપ્રયોગો અને કહેવતોની મજા એ ભાષા બોલવામાં જ આવે. ઉદાહરણ તરીકે પ્રેમિકા કે પછી પત્ની મસ્ત તૈયાર થઈને તમારી સામે આવે અને તમારું અંગ્રેજીનું જ્ઞાન સારું હોય અને આપોઆપ બે હોંઠમાંથી “You Beauty!” નીકળી જાય તો એ એક્સપ્રેશનની મજા એમાં જ છે, “તું સુંદર!” એમ બોલીએ તો કેવું લાગે? આવું જ અંગ્રેજી અપશબ્દોનું પણ છે, ઘણીવાર તણાવ મુક્ત થવા માટે પેલો ‘F Word’ બોલવાની અલગજ મજા છે, ટ્રાય કરજો.

અલબત આપણને આપણી માતૃભાષા પર ગર્વ હોવો જ જોઈએ અને બને ત્યાંસુધી એકજ માતૃભાષા બોલતા બે વ્યક્તિઓ જ્યારે પણ મળે ત્યારે એમની માતૃભાષામાં જ વાત કરે એ આગ્રહ પણ હોવો જોઈએ,પરંતુ એટલે એવું નથી કે બીજી ભાષામાં બીજી વ્યક્તિ બોલે તો એનું મહત્ત્વ ઓછુ થઇ જાય. જ્યાંસુધી બાળકને અંગ્રેજી કે પછી ગુજરાતી માધ્યમમાં ભણાવવાની વાત છે તો હું મારી જ વાત કરીને આર્ટીકલ પૂરો કરું?

મારો પુત્ર આજે સાતમા ધોરણમાં ભણે છે અને અંગ્રેજી માધ્યમમાં ભણે છે. પરંતુ મને ગર્વ એ બાબતનો છે કે એ કડકડાટ ગુજરાતી બોલે છે, વાંચે છે અને લખે પણ છે, એટલુંજ નહીં પરંતુ એના પરિણામમાં સૌથી વધુ માર્કસ ગુજરાતીના જ હોય છે. ભવિષ્યનું ધ્યાન રાખીને એ ભલેને અંગ્રેજી માધ્યમમાં ભણતો પણ માતાપિતા સાથે અને કુટુંબીજનો સાથે એ ગુજરાતીમાં બોલે છે, એનું પ્રિય ચંપક એ ગુજરાતીમાં વાંચે છે, એને હિન્દી સાથે ગુજરાતી ફિલ્મો જોવી પણ એટલીજ ગમે છે અને એને મલ્હાર ઠાકર અને સિદ્ધાર્થ રાંદેરિયા અક્ષય કુમાર કે અમિતાભ બચ્ચન જેટલાજ ગમે છે એટલે આપણે તો ગંગા નાહ્યા, શું ક્યો છો?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here