અમદાવાદીઓને પુસ્તકો વાંચતા કરવા Matrubharti નું અનોખું અભિયાન

4
445

શ્રી મહેન્દ્ર શર્માએ અમદાવાદમાં એક આંદોલનની શરૂઆત કરી છે. તેમની સંસ્થા Matrubharti ના બેનર હેઠળ એક મુવમેન્ટ શરુ કરવામાં આવી છે જેને તેમણે ‪‎#FreeBooksAmdavad નું નામ આપ્યું છે. આ આંદોલનનો હેતુ અમદાવાદ શહેરમાં વાંચનને વેગ મળે અને દરેક નાગરિકોને સુધી વાંચનની સામગ્રી પહોચે તેના માટે છે. અમદાવાદનીલાઈફલાઈન બની ચૂકેલી BRTSના અમુક રૂટ પર આવતા સ્ટેશનો પર તેમની ટીમ દ્વારા પ્રથમ તબક્કામાં 100 જેટલા પુસ્તકો મુકવામાં આવ્યા છે. આ આયોજન હેઠળ આવરી લેવામાં આવેલા તમામ પુસ્તકો પાછળ તમને ટેગ મારેલું જોવા મળશે કે “વાંચી લીધા બાદ આ પુસ્તક કોઈ પણ BRTS સ્ટેન્ડ પર મુકી દેવા વિનંતી.”

‪#FreeBooksAmdavad નો વિચાર મહેન્દ્રભાઈને એવી રીતે આવ્યો કે દિલ્લીમાં અમુક સંસ્થા દ્વારા ત્યાંની મેટ્રોમાં આ પ્રકારની ચળવળની શરૂઆત થયેલી અને બીજા થોડા કિસ્સાઓ અલગ અલગ શહેરોમાં પણ તેમણે જોયા અને સાંભળ્યા અને ત્યારબાદ તેમને આ મુવમેન્ટ કરવાનો વિચાર આવેલો. Matrubharti માટે આજે  5000 જેટલા લેખકો લખે છે. આ લેખકોને સંસ્થા દ્વારા મેસેજ મોકલવામાં આવ્યો કે તેમની પાસે સંગ્રહ કરેલુ પુસ્તક હોય તો તે Matrubharti ને મોકલી આપવા વિનંતી. આ અપીલના જવાબમાં 10 થી 15 લેખકોએ અને કેટલાક પ્રકાશકોએ પણ કુલ 300 જેટલા પુસ્તકો મોકલી આપ્યા હતા, જેમાંથી ઘણા તો સ્વપ્રકાશિત હતા કે એકવાર વંચાઈ ગયા હતા અને પુસ્તકો મળવાનો એ પ્રવાહ હજુપણ ચાલુ જ છે. ઘણા લેખકો તો અમદાવાદ આવે ત્યારે સામેથી ફોન કરીને પુછે છે કે અમે પુસ્તકો ક્યાં મોકલી આપીએ? ટૂંકમાં કહીએ તો  Matrubharti દ્વારા પુસ્તક, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે પહોંચે તેવો આ અભિયાનનો મુખ્ય હેતુ છે.

Photo: eChhapu

આ ચળવળ માત્ર BRTS  પૂરતી જ માર્યાદિત નથી તેવું ભારપૂર્વક મહેન્દ્રભાઈકહે છે, “હજી તો BRTSનો પ્રથમ તબક્કો પૂરો થયો છે, હજી BRTSના બીજા માર્ગ કવર કરવાના છે, ત્યારબાદ આ મુવમેન્ટ ને ઇન્ડિયન રેલ્વે સુધી લઇ જવાનો ઇરાદો છે.” આ આખી મુહીમને અમલ કરવામાં તેમની આખી ટીમનો ફાળો છે. Matrubharti ના એડિટર કંદર્પભાઈ સાથે કોઇપણ કાર્ય માટે સદાય તત્પર એવા જયેશભાઈ પણ છે. આ બંને હંમેશા મહેન્દ્રભાઈના નવા વિચારને વધાવી લે છે. આ વખતે પણ પુસ્તકો ભેગા કરવાથી માંડીને તેમને ટેગ મારવા અને તેને જુદા જુદા માર્ગ પર મુકવા જવા…આ બધી પ્રક્રિયામાં કંદર્પભાઈ અને જયેશભાઈ ઉપરાંત તેમની ટીમ હોંશે હોંશે ભાગ લે છે.

“જે દિવસે મને સેલીબ્રીટી જેવું લાગવા લાગશે  તે દિવસ મારી જિંદગીનો છેલ્લો દિવસ હશે! મિત્રો હંમેશા મને  ડાઉન ટુ અર્થ રાખે છે. મને પ્રેક્ષક બનીને રેહવું ગમે છે “ આ શબ્દો છે Matrubharti ના કો-ફાઉંડર શ્રી મહેન્દ્ર શર્માના સાથે #Matrubhartiના એડિટર કંદર્પ પટેલ ઉમેરે છે કે, “એક સફર જેના પ્લેટફોર્મ પર લખવાનું શરુ કર્યું ત્યાંથી લઇને તેનો એડિટર બન્યો, તેમાં સેલીબ્રીટી જેવું લગાડવાનું જ ના હોય અને 24 વર્ષની ઉમરમાં જો મને સેલીબ્રીટી  જેવું લાગવા લાગે તો તો મારો પતન કાળ ચાલુ થઇ ગયો!”

જયારે કોઈ નવું કામ હાથમાં લઈએ ત્યારે તેમાં ખરાબ અનુભવ થવાના જ હોય પણ મહેન્દ્રભાઈ માટે કોઈ અનુભવ ખરાબ નથી તેમના માટે  “ખરાબ” શબ્દ જ નકારાત્મક ભાવ રજુ કરે છે જેથી તેઓ તેને કાયમ અવોઇડ કરતા હોય છે. સાહિત્યને ડીજીટલ સ્વરૂપે મુકવા Matrubharti એક પ્લેટફોર્મ  છે. ઘણા જાણીતા લેખકોએ તેમને ના પાડી દીધી હતી કે અમે આવી રીતે અમારું સાહિત્ય ડીજીટલી મુકવા નહીં આપીએ, આમ પહેલેથી જ સ્વીકારથી માંડીને અસ્વીકાર મહેન્દ્રભાઈને અત્યારસુધીની સફરમાં આવા કેટલાય અનુભવો થયા છે.

Photo: eChhapu

તેમને આ આંદોલનને આગળ લઇ જવા સાથ આપતા કંદર્પભાઈ કહે છે, “પુસ્તકો બંધિયાર ન હોવા જોઈએ, તે હંમેશા ફરતા રહે તે જરૂરી છે જો સમાજના ઉચ્ચવર્ગના લોકો, લેખકો અને પ્રકાશકો આગળ આવે અને પુસ્તકનો સંગ્રહ કરવાને બદલે જે લોકો પુસ્તકો ખરીદી નથી શકતા અને જે લોકોને ખરેખર વાંચવું છે તેમની માટે સારા પુસ્તકો પુરા પાડે તો સમાજને ઘણો લાભ થશે. આનાથી પુસ્તક, લેખક અને પ્રકાશક પણ મોટા થશે. તેમનું પણ કમર્શિયલ માર્કેટ આગળ વધશે અને સાથે વાંચનને વેગ મળશે તે નફામાં અને હવે તો અમુક પ્રકાશકો પણ આ મુહીમમાં જોડાવા માટે સહમત થયા છે.“

સ્વાભાવિકપણે આ રીતે નિશુલ્ક પુસ્તકો આપીએ એટલે બધાને એવો વિચાર આવે જ કે કોઈ પુસ્તક રાખી લેશે તો ? પણ મહેન્દ્રભાઈ આમાં પણ નકારાત્મક પાસું ન જોતા માને છે કે જો આવું થશે તો સૌથી સારું થશે, જો તેમની સામે પુસ્તક પડ્યું હશે તો તેમને વાંચવાનું મન તો થશે અને આપણો હેતુ એ જ છે કે લોકો વધુ ને વધુ વાંચતા થાય અને એટલે જ તો આ આંદોલન છે

Photo: eChhapu

મહેન્દ્રભાઈ #FreeBooksAmdavad માટે  મેસેજ આપવા માંગે છે કે, “સંગ્રહ કરેલી વસ્તુ કોઈ કામની નથી હોતી પછી તે કંઈપણ હોય. પુસ્તકનો સંગ્રહ ના કરો. પુસ્તક કોઈની ઓળખ ન હોઈ શકે તેનું જ્ઞાન એ તેની સાચી ઓળખ છે. ઘણા લોકો છે સમાજમાં જે પુસ્તક ખરીદીને વાંચી નથી શકતા તો તે લોકો સુધી પુસ્તક કેવી રીતે પહોંચશે? પુસ્તક સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે જરૂરી છે “

કંદર્પ ભાઈ કહે છે, “#Matrubharti દ્વારા આવા ઘણા પ્રોજેક્ટ પર કામ થયેલું છે અને થતું રહેશે પણ આ પ્રોજેક્ટમાં સામાજિક હેતુ છે, પુસ્તકને બહાર કાઢો, તડકો આપો, ઘરમાં રાખશો તો ઉધઈ ખાશે. અને એટલે જ પહેલાના જમાનામાં આપણે કથા અગાઉ પોથી ફેરવતા એ એટલા માટે કેમકે સમાજના લોકો તેને જોવે, તો પછી પુસ્તક જે સમાજનો અરીસો છે તેને સમાજ જોવે તે પણ એટલુંજ જરૂરી છે. પુસ્તક ફરતું રહેવું જોઈએ અને ભવિષ્યમાં સરકારથી માંડીને બધા લોકો આ મુહીમમાં ભાગ લે, બાકી Matrubharti તો આવા સારા કાર્યો કરતું જ રેહશે”

આ બન્ને પોતાના કુટુંબ માટે પુરતો સમય કાઢી લે છે. મહેન્દ્રભાઈ પોતે ITના માણસ હોવાથી દરેક વસ્તુને IT સાથે જોડી દે છે જેથી સમયનો બચાવ થઇ શકે. જયારે કંદર્પભાઈને ઘરે રોજ સાથે બધા અડધો કલાક ભેગા બેસે તેવો નિયમ છે, ઘણીવાર તેઓ આ સમય નથી આપી શકતા પણ મોટાભાગે પરિવાર માટે સમય કાઢી જ લે છે.

Matrubharti દ્વારા ડિજિટલ સાહિત્યમાં અભૂતપૂર્વ સફળતા મેળવ્યા બાદ હવે ઓનલાઈન પુસ્તક વેચાણ પણ ચાલુ કરવાનું છે. તેની એપ પર હવેથી દરેક પુસ્તકની બાજુમાં બે વિકલ્પ જોવા મળશે. એક વિકલ્પમાં પુસ્તક ડાઉનલોડ થશે અને બીજા વિકલ્પમાં પુસ્તક ખરીદી પણ  શકાશે. આ બાબતે માહિતી પૂરી પાડતા મહેન્દ્રભાઈ કહે છે કે સાહિત્ય લોકો સુધી પહોંચાડવા માટે ડિજીટલ અને ફિઝીકલ એમ બે ભાગ તો પડી જ ગયા છે અને આથીજ Matrubharti આ બંને ભાગને એકજ પ્લેટફોર્મ પર મૂકીને વાચકોને તેમની પસંદગી કરવાની આઝાદી આપે છે.

જો સમાજના અદ્ભુત લોકો દ્વારા દરેક નાગરિકને વાંચવાનું સાહિત્ય મળે તે માટે આટલું ઉમદા કામ થતું હોય તો તમે અને હું કેમ હજી બેસી રહ્યા છીએ?!! જે લોકો સંગ્રહ કરેલા પુસ્તકો આ સામાજિક કામ માટે આપવા માંગે છે,  તે નીચેના સરમાના પર મોકલી આપે.તમારું પુસ્તક ક્યાંક કોઈ વાંચશે તે આશા સાથે..

Matrubharti,

409, SHEETAL VARSHA,

Near Shivranjani Cross Roads,

Satellite Road, Ahmedabad – 380 015

 

eછાપું

4 COMMENTS

  1. આપનો વિચાર ઘણો જ ઉત્તમ છે અને એના અમલીકરણ માટે સર્વ શુભકામનાઓ।
    આવું જ કાંઈ અમદાવાદના બગીચાઓ, જેવા કે લો ગાર્ડન , પરિમલ ગાર્ડન માં શરુ થાય તો સાંજ કે સવારે લોકો ફરવા સાથે એકાદ પુસ્તક લઈને બાંકડે બેસીને વાંઢી શકે અને એનો લાભ ઘણા નિવૃત્ત અને વૃદ્ધ હોય એવાને મળી શકે,
    એક વિચાર આવ્યો તે જણાવ્યો।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here