લાંચ પર આધારિત થોડાં સમય પહેલાં હાસ્યલેખક વિનોદ ભટ્ટની એક હાસ્યકથા વાંચેલી – યુધિષ્ઠિર. લ્યો તમેય વાંચો:
નામ તેનું યુધિષ્ઠિર. ‘સરકારી’ અધિકારીના ઊંચા પદ પર હોવા છતાં ક્યારેય તે લાંચ લે નહીં. અત્યંત પ્રામાણિક. પોતાના અંગત કામ માટે સરકારી ટેલિફોનનો ઉપયોગ કરે તો આઠ આનાની પોસ્ટની ટિકિટો ખરીદીને ફાડી નાખે. કાયદેસર રીતે થતો લાભ પ્રજાને કરી આપે – નિરપેક્ષભાવે. પગાર ઓછો ને લાંચ ખાય નહીં એટલે એની પાસે સ્કૂટર કે કાર નહોતી, તે સાઈકલ વાપરતો. પ્રામાણિકતાનેય પોતાનું તેજ હોય છે. આ તેજને લીધે તેની સાઈકલ જમીનથી એક વેંત અદ્ધર રહેતી. તે જે પોળમાં રહેતો હતો એ પોળના રહીશો સાઈકલ પર જતાં તેની સામે કુતૂહલથી જોતાં. કો’કે પૂછ્યુંય ખરું, ‘સાઈકલ પરથી પડી જવાની બીક નથી લાગતી?’ એ દિવસથી તેને સાઈકલ ચલાવતાં થોડી થોડી બીક લાગવા માંડેલી. અને એક દિવસ એક વેપારી તેની પાસે આવ્યો. તેનું કામ યુધિષ્ઠિરે સારી રીતે પતાવી આપેલું, એટલે ખુશ થઈને તેણે કંઈક આપવાનું વિચાર્યુ. પણ આ માણસ ચોખ્ખો છે એટલે એવું કશું કરવા જતાં તે માઠું લગાડી બેસશે એવો ડર વેપારીને લાગ્યો. અચાનક કંઈક યાદ આવતા ખિસ્સામાંથી તેણે એક કી-ચેઈન કાઢી યુધિષ્ઠિર સાહેબના ટેબલ પર સરકાવતાં કહ્યું, ‘સાહેબ, આ તમારા માટે છે….’
સાહેબ તેની સામે જોઈ રહ્યા એટલે વેપારી બોલ્યો, ‘આ તો ગિફ્ટ-આર્ટિકલ છે…’ ને કી-ચેઈન ટેબલ પર છોડીને વેપારી ચાલ્યો ગયો. તેના ગયા પછી કી-ચેઈન હાથમાં લઈ રમાડતાં યુધિષ્ઠિરે મનમાં વિચાર્યું, ‘આને લાંચ કહેવાય કે નહીં?’. કી-ચેઈનની પાછળ લખ્યું હતું – નરો વા કુંજરો વા!
એ દિવસે ઓફિસ છૂટ્યા પછી યુધિષ્ઠિરે સ્ટેન્ડમાંથી સાઈકલ બહાર કાઢી. સાઈકલ પર બેસવા જતા તેણે જોયું તો આજે સાઈકલ જમીનથી એક વેંત ઊંચી નહોતી. તેના ટાયર જમીનને અડકતા હતા. આ ચમત્કાર જોઈને તે સહેજ મરક્યો. પછી મનોમન બોલ્યો, ‘હાશ ચાલો, સારું થયું…..પડવાની બીક હવે નહીં લાગે.’

PNB નું કૌભાંડ બહાર આવ્યું છે પણ એનું હજી ખોદકામ ચાલુ છે. એક ભાઈને ઍરેસ્ટ કરાયા છે, ખબર નહીં હજી કેટલા લોકો એમાં સંડોવાયેલા હશે! ભ્રષ્ટતા વિશ્વભરમાં વ્યાપેલી છે, એવું શ્રીમતી ઈન્દિરા ગાંધી કહેતાં હતાં. આઝાદી મળ્યાના સાત દાયકા થયા છે પણ એકપણ દાયકો એવો નથી કે જેમાં આપણી સ્વતંત્રતાને લાંછન લગાડે એવાં મસમોટાં કૌભાંડો ન થયાં હોય. ‘એક સે બઢકર એક’ એવા કૌભાંડો કરવામાં આપણે Ph.D. કરી નાખી છે – દે ધનાધન!
પડકાર ફેંકે વિધાતાને એ, કરે ગોટાળા કિસ્મતના લેખમાં,
ઈચ્છા પડે એને જોડી આપે છે નવી રેખા એ હાથોની રેખમાં.
એ તો સપનાઓ વેચે છે બ્લેકમાં…
આંસુ-હસીથી એ કામ લે છે કેવું, શસ્ત્રોની જેમ માપી-માપી,
નાના-મોટા કરી વાપરી શકે છે એ સંબંધોને’ય કાપી-કાપી,
‘ઈમોશનલ બ્લેકમેઈલ’નો જાણકાર છે એનો જોટો જડે ના અનેકમાં.
એ તો સપનાઓ વેચે છે બ્લેકમાં…
લાગણિયું વેચીને ઊભાં કર્યાં છે એણે કોણ જાણે કેટલાંય ફદિયાં,
ગઈકાલે કે’તો’તો જાત સાથે થાતા’તા પહેલાં તો કેટલાય કજિયા,
પોતાની જાતનેય પૈસા ગણી મૂકી રાખે છે લોકરમાં, બેન્કમાં.
એ તો સપનાઓ વેચે છે બ્લેકમાં…
સમયને પટાવતા કયે કે થાકી ગ્યો હો તો ઊભો રહે એક પળ,
ઓફર કરે છે સૂરજને લાંચની, આવ મારા રૂમમાં નીકળ,
હૂંફ અને પ્રેમ અને એવું બધું એ તો શોધ્યા કરે છે કોરા ચેકમાં.
એ તો સપનાઓ વેચે છે બ્લેકમાં…
રાજકોટના કવિ અલ્પેશ ‘પાગલ’ની આ રચના છે. ઘણાં પ્રકારના કપટ હોય છે પણ એમાં શ્રેષ્ઠ છે પૈસાને લગતું કપટ!. એના જેવો સ્વાદ બીજે આવતો નથી. ભ્રષ્ટાચાર સ્નોબોલ જેવો હોય છે, એક વખત તે ગબડવાનું શરૂ કરે એટલે તે મોટો ને મોટો જ થતો જાય છે. આ તો એવું છે કે દરેક યુધિષ્ઠિરને એમ જ લાગે છે કે આપણી સાઈકલ બહુ અદ્ધર રહે તો પડવાની બીક રહે. સંપત્તિની લાલચ દિવસે નહીં એટલી રાત્રે વધે છે અને રોજેરોજ લાંચનું લંચ જમનારા સપના પણ બ્લેકમાં વેંચે છે. એમને પોતાના સ્વમાન જેવું કંઈ હોતું નથી. પોતાની પ્રતિષ્ઠા પર ઊની આંચ આવે તોયે કરોડોના ફુલેકાં ફેરવતાં અચકાય નહીં. વખત આવ્યે પોતાની જાતને પણ વેચી નાખે.
‘આવ, તારું કરી નાખું’ એ આપણો મોટ્ટો બની ગયો છે. હરહંમેશ બીજાને છેતરવાની વૃત્તિ ધરાવતી પ્રજા છીએ આપણે. સમયે-સમયે આપણા આંસુ અને સ્મિતને વેરીને સામેવાળાને બાટલીમાં ઉતારવાની આવડત આપણામાં જન્મજાત આવી જાય છે. કયા સંબંધોને કયા સંદર્ભમાં ક્યાં વાપરવા અને ક્યાં વેતરવા એ આપણને કોઠે પડી ગયું છે. આખે આખા રાજ્યોના ખજાના ફોલી ખાવા અબજો રૂપિયા સગેવગે કરી નાખવામાં આવે, લોકોને કે મિડિયાને કે તંત્રને ભાન આવે એ પહેલાં તો પૈસા બારોબાર ચાઉં થઈ જાય. વર્ષો સુધી કોઈને ગંધ સુદ્ધા ન આવે એ રીતે કારોબાર ચલાવ્યે રાખવો એ કાબિલ-એ-તારિફ છે.
કૃષ્ણ દવે લખે છેઃ
તમને જરૂર છે ટેકાની ભાઇ મારા, અમને જરૂર છે કેશની (રોકડાની)! હાલો પથ્થારી ફેરવીએ દેશની!
છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા, આ વર્ષોની વાર્તાયું મેલો
સાત પેઢી નિરાંતે બેસીને ખાય, બસ એટલો જ ભરવો છે થેલો
દો’વા દે ત્યાં લગી જ, આરતીયું ઊતરે છે કાળી ડિબાંગ આ ભેંશની, હાલો પથ્થારી ફેરવીએ દેશની!
ફાઇલોના પારેવા ઘૂં ઘૂં કરે છે, હવે ચોકમાં દાણા તો નાખો
ગમ્મે તે કામ કરો અમને ક્યાં વાંધો છે? પણ આપણા પચાસ ટકા રાખો
ચૂલે બળેલ કૈંક ડોશીયુંનાં નામ પર આપી દ્યો એજન્સી ગેસની, હાલો પથ્થારી ફેરવીએ દેશની!
કોઈનું કામ કરી આપવામાં નિસ્વાર્થ ભાવ ન હોય પણ એક પ્રશ્ન ઊભો જ હોયઃ What’s in it for me? ભગવાનને સુદ્ધા ન છોડે એવા ‘ભગત’ માણસો માટે સ્વાર્થ અને મતલબની જ દુનિયા છે. કૈલાશ પંડિતનો એક શેર છેઃ ‘કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બૂરાને પૂછે છે? મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે? અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે? સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?’ જ્યારે સમયને પટાવતા માણસ થાકી જાય છે પણ પૈસાના જોરે સૂરજને પણ લાંચ આપતા અચકાતો નથી. પૈસાના બળે પોતાની અંધેરનગરીમાં ગંડુ રાજાઓ અજવાળું કરવા ફાંફાં મારતા હોય છે. કોબિજને કે ડુંગળીને ખોલીએ તો અંદરથી એક પછી એક પળ નીકળતા જ રહે! એ પતે તો બીજી ડુંગળી કે કોબિજનો દડો તૈયાર જ હોય! આ કૌભાંડોનું પણ એવું જ છે. આમાં કોની તરફ આંગળી ઉપાડવી એ જ સમજાતું નથી કારણ કે મનમાં ડર છે – એક આંગળી સામેવાળા તરફ હશે તો બીજી ચાર આપણી પોતાની તરફ! ખરેખર, આ દુનિયામાં માણસનો જોટો જડવો મુશ્કેલ છે.
પડઘોઃ
પાકિસ્તાનમાં કહેવાય છે કે ‘વઝીર સાહેબ (મિનિસ્ટર)ના મોઢામાં મૂકવા માટે કાઈદેઆઝમ જોઈએ!’ અહીં સંકેત મૂલ્યવાન ચલણી નોટો તરફ છે જેના પર કાઈદેઆઝમ મહંમદઅલી જિન્નાહનું ચિત્ર છે.
– બક્ષીબાબુની બુક ‘દેશ-ગુજરાત’માંથી સાભાર
eછાપું