Marvel Studios ને કોણ નથી ઓળખતું? એ એમનું નવું ચલચિત્ર “Black Panther” લઈને આવ્યા છે અને કરોડોની કમાણી કરી રહ્યા છે. Marvel Studios મોટા ભાગે સુપરહિરોવાળા ચલચિત્રો લઈને આવે છે અને હોલિવુડ ઓવરઓલ હંમેશા વિશ્વને જોખમમાંથી બચાવી લે છે. ‘’બેટમેન’’ સ્પાઈડરમેન સુપર મેન વગેરે દરેક હોલિવુડમાં જ પાકે છે. એલિયનનું આક્રમણ હોય કે MIB જેવા મુવીમાં વંદાઓને દરેક તકલીફ હોલિવુડ મુવીમાં જ પડે છે. આપણે તો ઘરમાં ટોઇલેટમાં વંદો નીકળ્યો હોય તો એને સાવરણી કે ચપ્પલથી મારી નાખીએ પણ હોલિવુડ જ એવી એક જગ્યા છે જેઓ વંદા ઉપર મુવી બનાવાનું વિચારે. બસ આ જ વિચાર મને પણ આવ્યો કે હોલિવુડ ચામાચીડિયા, વંદા, કુતરું, ગરોળી, વાંદરા અને છેવટે હથોડા મારવાવાળા Thor વગેરે વગેરે પર મુવી બનાવી શકતું હોય તો આપણે કેમ નહીં? અને હોલિવુડની હરીફાઈમાં હું અર્બન ગુજરાતી મુવી બનાવવાનું વિચારું છું, મુવીનું ટાઈટલ છે “Black મસી”.

મસી એ એક એવું જીવડું છે જે હોળી પહેલા આખા વાતારણમાં ઉડાઉડ કરીને પાકને નુકશાન પહોચાડે છે અને તમારા સફેદ અને પીળા શર્ટ ઉપર ચોટીને તમને કાળું ટપકું કર્યું હોય એવી રીતે નજર લાગતી પણ અટકાવે છે. તેમ છતાં કોઈ પણ હોલિવુડ ચલચિત્ર મેકરની મસી નામના જીવડા ઉપર હજુ સુધી નજર પડી નથી. એટલે જ નાના કરોળિયા (SpiderMan) થી માંડીને કીડી સુધી બધા વિષયો પર મુવી બનાવનાર હોલિવુડ ફિલ્મ મેકરોએ મસી પર ફિલ્મ જ નથી બનાવી. એમના સુપરહિરો કરતા વધારે દમ ભારતીય મસી માં છે. સુપરહિરો મસી ના ડરથી ભારત આવતા પણ ડરે છે. અરે અહી બાઈક ચલાવતા અને ચાલતા જતા મસી આંખમાં પડી જાય છે તો સુપરમેન જેવા સુપરહિરોને તો આકાશમાં ઉડવાનું હોય એને આટલી મસી આંખમાં પડે તો બચારો આંખો ચોળે કે લોકોની રક્ષા કરે એટલે જ ભલભલા સુપર હીરો પણ મસી થી ડરે છે.
તો પછી સુપર હીરોથી પણ ઉપર એવી મસી ઉપર કોઈ ચલચિત્ર બને તો કેવું હોય ? એટલે જ મેં એક સફેદ કાગળમાં ‘The Black- મસી” ની વાર્તા લખી હતી પણ એ સફેદ કાગળ ઉપર પણ બહુબધી મસી ચોંટી ગઈ અને કાગળ ખરાબ થઇ ગયો એનીવેઝ તો પ્રસ્તુત છે માંડમાંડ પાંચ હજાર રૂપિયા નાં ખર્ચે તૈયાર થયેલું પ્રથમ ગુજરાતી રંગીન (રંગીનની બહુ જરૂર નથી મસી જ બ્લેક છે તો) ચલચિત્ર “The Black- મસી” !!
મુવીની શરૂઆત થાય છે સાબરમતિ રીવરફ્રન્ટ ઉપર. હવે અર્બન ગુજરાતી મુવી છે એટલે સાબરમતિ રીવરફ્રન્ટ તો બતાવો જ પડે. સવારનો સૂર્ય ઉગ્યો છે, રીવરફ્રન્ટ ઉપર બહુ બધી મસી ઉડી રહી છે . એટલામાં કોલેજનાં ત્રણ છોકરાઓ અને ત્રણ છોકરીઓ આવે છે. (છોકરા-છોકરીઓની સંખ્યા સરખી રાખવામાં આવી છે જેથી કોઈ છોકરો મુવીનાં અંતે સેટીગ વગરનો રહી ના જાય અને સ્ત્રી પુરૂષ સમાનતા પણ મુવીમાં દેખાય) આ બધા રીવરફ્રન્ટ પર ફરવા નીકળે છે , અર્બન ગુજરાતી મુવી હોવાથી આ છોકરા/છોકરીઓ કોલેજમાં ભણતા બતાવાયા છે. થોડાઘણા વોટ્સએપ જોક પણ મુવીમાં છે ત્યારબાદ મુવી આગળ વધે છે. આખા શહેર પર મસીનું કાળું વાદળું છવાઈ જાય છે અને ભરબપોરે રાત પડી જાય છે. (નોધ: VFX અને ગ્રાફિક્સમાં વધારે ખર્ચો હોઈ આ દ્રશ્યનું રાત્રે શુટિંગ કર્યું છે ) કોલેજનાં છોકરા/છોકરીઓ ટેન્શનમાં આવી જાય છે, તેમને લાગે છે હવે તેમની જિંદગી નો આ “છેલ્લો દિવસ” છે.
લો બજેટ ચલચિત્ર છે તો શું થયું? અહીં પણ The Avengers આવે છે, જેમાં એક ઈસ્ત્રીવાળો (Iron Man ) બાવાઝાળા સાફ કરવા વાળો (Spider Man ) , લુહાર (Thor) નાં રૂપે કોલેજનાં છોકરાઓ “The Black- મસી” થી લોકોને સુપરહિરો બની બચાવે છે. ઈસ્ત્રીવાળો (Iron Man) કોલસા સળગાવી તેમાં લીમડો નાખી ધુમાડો કરે છે, બીજીબાજુ બાવાઝાળા સાફ કરવા વાળો પીળા બુસ્કોટનાં બાવા પકડવાના યંત્ર બનાવીને મસી ને પકડે છે અને લુહારભાઈ હથોડે અને હથોડે મસી ને ટીપી નાખે છે.
આમ, બધા સુપર હીરો, કોલેજ નાં છોકરા છોકરીઓ અર્બન ગુજરાતી મુવીના દારૂના સીનના નિયમ નં. 157 હેઠળ પ્રમાણે દારુ પાર્ટી કરતા હોય છે એટલામાં થોડી મસી પાછી આવી દારૂમાં પડે છે અને ‘The black-મસી’ પોતાના પ્રાણ આપી આ ચલચિત્રનું હેપી એન્ડીંગ થવા દેતી નથી. જેથી ફિલ્મ ક્રિટીક્સ પણ ખુશ રહે. આમ આખી એક્શન રોમાન્સ (મસી એક આંખમાં પડે ત્યારે એક આંખ બંધ થઇ એ રોમાન્સમાં ગણવું ) થી ભરપુર અર્બન ગુજરાતી મુવી બનીને તૈયાર છે. તો આંખમાં પાણીની છાલક મારી ,મસી દુર કરી જોવાનું નાં ચુકતા ‘The black-મસી’ અર્બન ગુજરાતી ચલચિત્ર.
અજ્ઞાન ગંગા:
“તું મારા પ્રેમમાં એવી ફસી છે,
જાણે હું પીળો બુસ્કોટ અને તું મસી છે.”
eછાપું
This site says……
Right click is not allow on this website.
——–
WHY?
Plenty of copy pasting of our articles were going on to forward the same on WhatsApp and Facebook which was a clear breach of copyright and hence we have made this change.