બાળકોને ઘરે મૂકીને વેકેશન પર જઈએ તો શું આપણને પાપ લાગે?

0
445
Photo Courtesy: thestar.com

“હાય હાય આવું તો કરાતું હશે?” વિજયે સ્મિતા સમક્ષ જ્યારે આવતા મહીને આવનારી સળંગ ત્રણ-ચાર દિવસની રજાઓમાં એકલા એટલેકે બાળકોને ઘરે મમ્મી-પપ્પા પાસે મૂકીને ક્યાંક વેકેશન પર ઉપડી જવાનો પ્રસ્તાવ મુક્યો ત્યારે સ્મિતાનું પહેલું રિએક્શન કઈક આ પ્રકારનું હતું. વિજય અને સ્મિતા દર વર્ષે બે વખત બાળકોને લઈને ભારતમાં ગમેત્યાં વેકેશનમાં ઉપડી પડતા. એમના બંને બાળકો અનુક્રમે દસ અને બાર વર્ષના હતા એટલે એમને માતાપિતા વગર ત્રણ દિવસ ન જ ચાલે એવું જરાય ન હતું.

Photo Courtesy: thestar.com

આટલું જ નહીં પરંતુ વિજય અને સ્મિતાના બંને બાળકો પણ લગભગ દર વર્ષે બે દિવસની સ્કૂલની લાંબી ટ્રીપમાં નાનપણથી જતા એટલે એમપણ તેમને માતાપિતા વગર ઘરથી દૂર રહેવાની આદત તો હતીજ. વળી, અહીં તો આ કપલની ગેરહાજરીમાં બાળકોની સંભાળ લેવા વિજયના માતાપિતા પણ હતા. પણ, લોકો શું કહેશે કદાચ એ ડરે સ્મિતાનું મન બાળકોને મૂકી ને ચાર દિવસ બહાર જવાનું નહોતું થઇ રહ્યું. વળી, આપણે બંને મોજ કરીએ અને તેનાથી બાળકો વંચિત રહી જાય એ વાત પણ સ્મિતાના ગળે ઉતરતી ન હતી. જ્યારે વિજયને સ્મિતા સાથે એકલા જઈને લગ્નની શરૂઆતનો સમય ફરીથી વાગોળવો હતો અને રોજબરોજના જીવનમાં એક નોખા પ્રકારની કિક મેળવવાનો એનો આશય હતો.

વિજય અને સ્મિતાની આ સમસ્યા એમની એકલાની નથી, આવી સમસ્યા સાથે ભારતના ઘણા મિડલ એજ કપલ્સ અનુભવી રહ્યા છે. જ્યારે આ બાબતે અમેરિકાનું ઉદાહરણ આપીએ તો આવા કપલ્સ પાસે એક જવાબ હાજર જ હોય છે કે ત્યાં તો આવું ચાલે આપણે ત્યાં ન ચાલે! કેમ વળી? ત્યાંના કપલ્સ દેવના દીધેલ છે? ઘણીવાર લગ્નજીવનમાં રસ ટકાવી રાખવા માટે પતિ-પત્ની પોતાની અલગ મોજ માણે એવી સલાહ પણ આપવામાં આવતી હોય છે, જેમાં એકલા એકલા ફિલ્મ જોવા જવી કે શોપિંગ કરવું પણ સામેલ છે, તો પછી આ તો સાથે મળીને સમય ગાળવાની વાત છે, તો એમાં શો વાંધો હોઈ શકે?

તમને ગમશે: જાણો કેવીરીતે તમે તમારા PCમાંથી ઈન્સ્ટાગ્રામ પર તમારા મનગમતા ફોટોગ્રાફ્સ અપલોડ કરી શકો છો

પત્નીઓ ઘણીવાર પતિની આવી ઓફરને માત્રને માત્ર સેક્સ સાથે જોડી દેવાની ભૂલ પણ કરી દે છે. બાળકોની ગેરહાજરીમાં સેક્સ માણવો અને એ પણ નવી જગ્યાએ એ પરમાનંદની અનુભૂતિ બિલકુલ કરાવે છે પરંતુ આ પ્રકારે એકલા એકલા વેકેશન પર જવું એમાં સેક્સ એકમાત્ર ઈરાદો નથી હોતો. વિચારો કે ચાર દિવસ માટે તમે ક્યાંક ગયા હોવ તો એટલીસ્ટ ત્રણ દિવસ તમારે સવારે ક્યારે ઉઠવું એની કોઈજ ચિંતા નથી હોતી કે ન તો રાત્રે કેટલા વાગ્યા સુધી તમે જાગ્યા એની કોઈજ પરવા નથી કરતું. બાળકો સાથે હોય તો એમના માટે વેકેશન દરમ્યાન પણ સુવા-જાગવાના સમયનું ધ્યાન રાખવું જરૂરી બની જતું હોય છે.

આ પ્રકારના વેકેશનમાં પત્નીએ વહેલા ઉઠીને બેડ ટી કે નોર્મલ ટી બનાવવી પડતી નથી, બસ રૂમ સર્વિસમાં કોલ કર્યો કે ચા હાજર! ડિટ્ટો બંને સમયના ભોજન કે પછી બ્રેકફાસ્ટ માટે પણ આવુંજ કહી શકાય. જ્યારે તમારા મનમાં કોઇપણ પ્રકારની ચિંતા નથી હોતી ત્યારે પત્ની તરીકે તમે પતિ સાથે ક્વોલિટી સમય ગાળી શકો છો અને એ સમય દરમ્યાન માત્ર સેક્સ જ કરવો એ જરૂરી નથી.

આવા સમયે એકબીજાના ખભે માથું ઢાળીને ઘણીબધી વાતો થઇ શકે છે, ફલર્ટ થઇ શકે છે કે પછી મનમાં એકબીજા પ્રત્યે કોઈ નાની મોટી ફરિયાદ હોય તો તે ઘરકામના કે પછી ઓફિસના કોઈ ટેન્શનના અભાવે આસાનીથી દૂર પણ થઇ શકે છે અને એ પણ હોટલની ચ્હા પીતાપીતા.

બાળકોને ઘરે મુકીને વેકેશન પર ઉપડી જવાથી તમારો બાળકો પ્રત્યેનો પ્રેમ બિલકુલ ઓછો નથી થતો કે પછી તમે એમને અવોઇડ કરી રહ્યા છો એવું જરાય માનવાની જરૂર નથી. જો બાળકો પ્રત્યે સતત પ્રેમ પ્રગટ કરવો એ આપણી ફરજ છે અથવાતો આપણું એક જરૂરી અને કુદરતી ઈમોશન છે તો લગ્નના વર્ષો પછી આપણે આપણી પત્ની કે આપણા પતિને હજીપણ એટલો જ પ્રેમ કરીએ છીએ એ એને સીધેસીધું પરંતુ એકાંતમાં જતાવવું એ પણ એટલુંજ મહત્ત્વનું છે.

આ ઉપરાંત જ્યાં પણ ફરવા ગયા હોઈએ, ત્યાંનું નવું ફૂડ ખાઈ અને પછી ઘરે આવીને બાળકો માટે ઘરે જ એને બનાવીને કે પછી ત્યાંની કોઈ ખાસ વસ્તુ ખરીદી અને એમને ગિફ્ટ આપીને એમને પણ હેપ્પી હેપ્પી કરી શકાય છે.

વળી, આ સ્થળોએ હાથમાં હાથ નાખીને કોઇપણ સગો આપણને જોતો નથી એવી નફીકરાઈની લાગણી ઓટોમેટીકલી ધારણ થઇ જતા હનિમૂનની યાદ તાજી થતી હોય તો તમને તેનો શો વાંધો હોઈ શકે હેં?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here