પાછલા અંક માં જોયું હતું એમ, એક તરફ DC કોમિક્સ પાસે જાણીતા ડીરેક્ટર્સ ની અને સારા સુપરહીરોઝ ની લાઈન લાગી છે, અને સામે માર્વેલ પાસે સારા સુપરહીરો તો નથી જ સાથે સાથે કોઈ જાણીતા ડીરેક્ટર પણ નથી. પણ આ તરફ DC ની એક પછી એક ફિલ્મો પીટાઈ રહી છે અને માર્વેલ ની અત્યાર સુધી ની 18 એ 18 ફિલ્મો ને પ્રેક્ષકો અને વિવેચકો એ વખાણી છે. અને એમાં કેવિન ફેઈજ, માર્વેલ ની ડિરેક્ટર્સ ની પસંદ, અને કેવિન ફેઈજ સાથે આ ડિરેક્ટર્સ નું સંકલન બહુ મોટો ભાગ ભજવી જાય છે.
આમાંના બે ત્રણ સિવાય કોઈ ડીરેક્ટર જાણીતા નથી, પણ દરેક ડીરેક્ટર એક સ્ટાઈલ લઇ ને આવે છે. કોઈ ડીરેક્ટર હોરર અને સાઈન્સ ફિક્શન માટે જાણીતો છે. કોઈ ડીરેક્ટર એ બે થી ત્રણ નાની ફિલ્મો બનાવી છે પણ ટીવી સીરીઅલ્સ માં એ લોકો જાણીતા નામ છે. કોઈ ડીરેક્ટર ને રોમ-કોમ (રોમાન્ટિક કોમેડી) માંથી સુપર-હીરો ફિલ્મો માં લઇ આવ્યા છે.
અને એ દરેક ડીરેક્ટર તરફથી આપણને ઓરીજીનલ કોમિક્સ ને વફાદાર રહી અને પોતાના દ્રષ્ટિકોણ વળી સુપરહીરો ફિલ્મ મળી છે. કોઈ ફિલ્મ એક ક્રિસમસ બડી મુવી છે(આયર્ન મેન ૩) તો કોઈ ફિલ્મ સુપરહીરો ફિલ્મ ના ઓછાયા માં પોલીટીકલ થ્રીલર છે (રૂસો ભાઈઓ ની કેપ્ટન અમેરિકા ફિલ્મો) કોઈ ફિલ્મ વિખરાયેલા ફેમીલી ની વાર્તા ને એક જોરદાર કોમેડી ના સ્વરૂપ માં દેખાડેલી છે(થોર રેગ્નારોક) અને કોઈ ફિલ્મ દોસ્તો, પિતા અને કુટુંબ ની વાત કરે છે (ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી). આ દરેક ફિલ્મો, વાર્તા, પેસિંગ(વાર્તા કહેવાની અને દેખાડવાની ઝડપ), વિઝ્યુઅલ્સ અને સંગીત ની પસંદગી સહીત જે-તે ડીરેક્ટર માટે પોતાની ફિલ્મ થી વિશેષ એક પર્સનલ સ્ટેટમેન્ટ બની જાય છે.
અને એ હોવા છતાંય DC કોમિક્સ ની જેમ કોઈ ફિલ્મ (અને ફિલ્મ યુનિવર્સ) પીટાઈ નથી, કારણકે 2008 ની આયર્ન મેન થી દરેક ફિલ્મો એક જ વિઝન સાથે ચાલે છે, એક સારી કોમિકબુક ફિલ્મ બનાવવી, અને એ ફિલ્મ એક શેર્ડ યુનિવર્સ નો ભાગ હોય એનું ધ્યાન રાખવું. અને દરેક ફિલ્મો ક્યાંક ને ક્યાંક એક બીજી ફિલ્મ ના દરવાજા ખોલે છે. માર્વેલ સ્ટુડીઓઝ ની બે ફિલ્મો એક બીજા સાથે સંબંધ ધરાવતી હોય એના તો બહુ બધા ઉદાહરણ છે, પણ કેવિન ફેઈજ નું વિઝન કઈ રીતે કામ કરે છે એ જાણવા ૩-૪ ઉદાહરણ પૂરતા છે .

2010 માં આવેલી આયર્ન મેન ૨ માં કેપ્ટન અમેરિકા ની ઢાલ દેખાડી હતી, અને એ ઢાલ ની ધાતુ (વાઈબ્રેનીયમ) જ્યાં મળે છે એ વકાંડા દેશ નો ઉલ્લેખ હતો, એ વકાંડા અને એના રાજા T’Challa ની ફિલ્મ બ્લેક પેન્થર 8 વર્ષ પછી હજી હમણાં રીલીઝ થઇ. એ જ રીતે કેપ્ટન અમેરિકા વિન્ટર સોલ્જર માં જાણી જોઈ ને સ્ટીફન સ્ટ્રેન્જ નું નામ લેવાયું હતું, એ ડો. સ્ટીફન સ્ટ્રેન્જ ની સુપરહીરો ફિલ્મ ડો. સ્ટ્રેન્જ બે વર્ષ પછી 2016 માં રીલીઝ કરી. અને કેપ્ટન અમેરિકા વિન્ટર સોલ્જર ની રીલીઝ વખતે આ ફિલ્મ શરુ પણ ન થઇ હતી. જયારે ગયા અંક માં જેની વાત કરી એ આ ઉનાળે રજુ થનારી ઇન્ફીનિટી વોર જે 5 ઇન્ફીનિટી સ્ટોન (હિન્દી માં તિલીસ્મી પથ્થર) પર આધારિત છે એ 6 માનો પહેલો ઇન્ફીનિટી સ્ટોન સાત વર્ષ પહેલા 2011 ની કેપ્ટન અમેરિકા માં દેખાડ્યો છે.

અને આ ઇન્ફીનિટી વોર (અને 2019 માં આવનારી એની સિકવલ) એ 20 ફિલ્મો ની સહિયારી વાર્તા નો અંત છે. એ ઇન્ફીનિટી વોર માં અવકાશી સુપર વિલન થાનોસ 6 ઇન્ફીનિટી સ્ટોન (સ્પેસ, માઈન્ડ, રીયાલીટી, પાવર, ટાઈમ અને સોઉલ) અને એમાંથી મળતા અદ્ભુત પાવર ની મદદ થી સમસ્ત બ્રહ્માંડ ઉપર કાબુ મેળવવા માંગે છે અને આપણા સુપરહીરોઝ એને કઈ રીતે અટકાવશે એની વાર્તા છે. જયારે સમગ્ર બ્રહ્માંડ નાં સહુથી શક્તિશાળી યોદ્ધા નો સામનો કરવાનો આવશે ત્યારે મૃત્યુ તો નક્કી જ છે, એટલે ઇન્ફીનિટી વોર અને એની સિકવલ એ ઘણા મનપસંદ સુપરહીરોઝ નો અંત અને એને પડદા પર સાકાર કરનાર કલાકારો ની દસ વર્ષ ની મહેનત નો પણ અંત હશે. માર્વેલ નું આ યુનિવર્સ શરુ કરનાર આયર્ન મેન, થોર, લોકી, કેપ્ટન અમેરિકા જે છેલ્લા ઘણા વર્ષો થી ફેન્સ ની સાથે છે એ 2019 પછી આપણને ન પણ જોવા મળે, અને એને પડદા પર ભજવનાર રોબર્ટ ડાઉની જુનિયર, ક્રીસ હેમ્સ્વર્થ, ટોમ હિડલસ્ટન, ક્રીસ ઇવાન્સ જેવા ઘણા કલાકારો પણ આ રોલ થી અલગ થઇ શકે છે.
પણ આ અંત (કે અંત ની શરૂઆત) નથી. એક તરફ વર્ષો થી લોકો ના દિલ માં જગા બનાવનાર પાત્રો અને એક્ટર્સ માર્વેલ સિનેમેટીક યુનિવર્સ માંથી વિદાય લઇ રહ્યા છે તો બીજી તરફ નવા પાત્રો અને નવા એક્ટર્સ ફેન્સ ના દિલ માં જગા બનાવી રહ્યા છે. એન્ટ મેન, ડોક્ટર સ્ટ્રેન્જ, ગાર્ડિયન્સ ઓફ ગેલેક્સી ના સ્ટાર લોર્ડ, ગ્રુટ, રોકેટ વગેરે પાત્રો સમય અને ફેન્સ ની કસોટી પાર કરી ચુક્યા છે, જયારે બ્લેક પેન્થર, કેપ્ટન માર્વેલ જેવા પાત્રો ફેન્સ ને પ્રભાવિત કરવા આવી રહ્યા છે.
અને એક પાત્ર એવું છે જે અત્યાર થી ફેન ફેવરીટ છે, માર્વેલ કોમિક્સ માં એના નામ ના સિક્કા પડે છે અને માર્વેલ ના સિનેમેટીક યુનિવર્સ માં એ કેરેક્ટર હમણાં જ પાછું આવ્યું છે. અને એ છે સ્પાઈડર મેન. અત્યાર સુધી બે રિબુટ જોઈ ચૂકેલ એકલા અટુલા પીટર પાર્કર ઉર્ફે સ્પાઈડર મેન ની માર્વેલ અને સોની પિક્ચર્સ ના સહયોગ થી 2016 ની સિવિલ વોર માં એક નાનકડો કેમિયો કરી ને માર્વેલ સિનેમેટીક યુનિવર્સ માં સંપૂર્ણ પધરામણી થઇ ગઈ છે. આ તરફ સ્પાઈડર મેન MCU(Marvel Cinematic Universe) માં આવી ચુક્યો છે અને બીજી તરફ કોમિક્સ ના જુના અને જાણીતા એવા X-Men અને ફેન્ટાસ્ટીક 4 ના રાઈટ્સ જેની પાસે છે એ 20th Century Fox ને માર્વેલ ની પેરન્ટ કંપની ડીઝની એ ખરીદી લીધી છે. એટલે DC કોમિક્સ ની જેમ આવતા બે-ત્રણ વર્ષ પછી કોમિક્સ ના બધા જ પાત્રો ના રાઈટ્સ માર્વેલ પાસે હશે અને MCU નું કામ આનાથી પણ વધારે સારી રીતે આગળ વધશે. અત્યાર ના સુપર હીરોઝ ની આ કહાની નો અંત MCU ની 20 મી ફિલ્મ માં આવશે અને કેવિન ફેઈજ ના કહેવા પ્રમાણે હજી બીજી 20 ફિલ્મો નું પ્લાનીંગ આગળ ચાલી રહ્યું છે.
અને એટલે જ ઉપર જણાવ્યું એમ. આ માર્વેલ સ્ટુડીઓઝ ના પહેલા દસ વર્ષ ની વાર્તા છે જેમાં માર્વેલ સ્ટુડિઓઝ તરફ થી કલાકારો, કસબીઓ ને સન્માન અને ફેન્સ ને ખુબ જ સરસ અને એન્જોયેબલ ફિલ્મો મળી છે . અને એઝ ફેન્સ આપણે આગળ ઘણું બધું જોવાનું અને અનુભવવાનું બાકી છે. અને એ આવું જ જોરદાર, એન્ટરટેઈનીંગ અને પાથબ્રેકીંગ રહે એ માટે એક ફેન તરફથી હાર્દિક શુભેચ્છાઓ.
હે માર્વેલ દેવતા, જેવા અમને ફળ્યા એવા સહુને ફળજો. 😉
અને અંતે, માર્વેલ સ્ટુડિઓઝ ને માનસ પિતા સ્ટાન લિ તરફ થી મળેલી શુભેચ્છાઓ ની ઝલક.
ભગવાન સ્ટાન લિ ને અને માર્વેલ સ્ટુડિઓઝ ને લાબું આયુષ્ય આપે એવી પ્રાર્થના
eછાપું