‘શ્રી’ અને હું – ક્યારેય નહીં લખાયેલી લવસ્ટોરી નો ઉત્સવ…

1
507
Photo Courtesy: indiatoday.in

1983નું એ વર્ષ, અમદાવાદના આશ્રમ રોડ પર આજે જ્યાં શિવ સિનેમેક્સની બરોબર બાજુમાં મંગલમૂર્તિ કોમ્પ્લેક્સ છે ત્યારે ત્યાં અજંતા-ઈલોરા એમ બે થિયેટરો ઉપર નીચે આવેલા હતા અને એમાંથી ઉપરના થિયેટર ઈલોરામાં હું અને શ્રીદેવી પહેલીવાર મળ્યા હતા. હા, હું વાત કરું છું ફિલ્મ હિમ્મતવાલાની જ્યાંથી અમારી લવસ્ટોરી શરુ થઇ. એ જમાનામાં એક જ બિલ્ડીંગમાં એકથી વધુ ‘સ્ક્રિન્સ’ હોય એટલે એને મલ્ટીપ્લેક્સ કહેવાય એવું કોઈ ચલણ ન હતું, પરંતુ અજંતા ગ્રાઉન્ડ ફ્લોર પર અને ઈલોરા ઉપરના માળે હતું એટલે હિમ્મતવાલા જોવા માટે લિફ્ટમાં જવાનું હતું એનો આનંદ જ અનોખો હતો.

લવસ્ટોરી આમ શરુ થઇ…

Photo Courtesy: indiatoday.in

આ ફિલ્મની રિલીઝ વખતે હું માત્ર નવ વર્ષનો હતો અને કુટુંબમાં ફિલ્મો જોવાના DNA મારામાં ઓલરેડી પ્રસ્થાપિત થઇ ચૂકયા હતા. આમ તો અમારું કુટુંબ અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાનું બાય ડિફોલ્ટ ફેન એટલે એમના પિક્ચરો તો ક્યારેય ન ચૂકતા પણ મસાલેદાર ફિલ્મો જોવામાં પણ અમે બધાં અગ્રેસર એટલે હિમ્મતવાલાની કેટેગરી અમારી ચોઈસમાં ફીટ બેસતી હતી એટલે કાયમની જેમ પપ્પાની ઓફિસનો ટાઈમ પત્યો એટલે એ ઇન્કમટેક્સ થી અજંતા-ઈલોરા આવી પહોંચ્યા અને હું અને મમ્મી ૯૦/૪ માં ઘરેથી ત્યાં પહોંચ્યા.

ફિલ્મો તો હું દોઢ વર્ષનો હતો ત્યારથી જ જોતો હતો અને એ સમયે ફિલ્મો જોવી તે ઉત્સવથી જરાય ઓછું મહત્ત્વ ધરાવતું ન હતું. નવી ફિલ્મ જોવા જવી તેનું અઠવાડિયા અગાઉજ પ્લાનિંગ થતું. એટલે હિમ્મતવાલા જેવી એક નવી ફિલ્મ જોવાનો ઉત્સાહ તો હતો જ. બરોબર યાદ નથી પણ અત્યારસુધીમાં રેખા, ઝીનત કે પછી પરવીન બાબી કે રીના રોયને જોઈ જોઇને ટેવાઈ ગયેલી મારી નવ વર્ષની આંખોએ પહેલીવાર શ્રીદેવીને જોઈ કે ખબર નહીં પણ કેમ તરતજ એને સીધા દિલમાં ઉતારી દીધી. શ્રીદેવી અને હિમ્મતવાલા વિષે મારી પત્ની અને મારી ખાસ સખીઓને આજસુધી જે વાત મેં ખાનગીમાં કહી છે એ આજે હું જાહેરમાં કહેવા માંગું છું.

મારી ઉંમર ભલે તે વખતે નવ વર્ષની હતી પરંતુ હિમ્મતવાલામાં શ્રીદેવીને જોઈ ત્યારે પહેલીવાર એવું લાગ્યું કે એવો વિચાર આવ્યો કે “ યાર આને છોકરી કહેવાય અને હું છોકરો છું!” હિમ્મતવાલા જોયા પછી શ્રીદેવી દિલોદિમાગ પર મહિનાઓ સુધી છવાઈ ગઈ. એ વખતે અખબારમાં દર શુક્રવારે એક આખું પાનું ભરીને અમદાવાદના થિયેટરો એડ આપતા અને એમાં હિમ્મતવાલાની શ્રીદેવીને સતત જોતા રહેવાનો આનંદ જ અનોખો હતો. પણ એ તો આવતી બ્લેક એન્ડ વ્હાઈટ જાહેરાતો અને એમાંય જો બરોબર સેટિંગ ન થયું હોય તો જીતુભાઈ કે પછી શ્રી નો ચહેરો આડોઅવળો પણ થઇ જતો પણ આ મામલે એ અખબારને મનોમન શ્રાપ આપ્યા વગર બીજું તો મારાથી કશું થઇ શકતું નહીં.

લવસ્ટોરી આગળ વધે છે…

પરંતુ જ્યારે પણ અમદાવાદની બહાર જવાનું થાય ત્યારે સ્ટેશન પર કે પછી ST બસ સ્ટેન્ડ પર લટકતા મેગેઝીનો પર જ્યારે પણ રંગીન કવર પેજ પર શ્રી હોય એટલે બે ઘડી એની સમક્ષ ઉભા રહીને એને જોતા રહેવાનું આ કાયમનો નિયમ બની ગયો હતો. સમયાંતરે કોઈ સાધનસંપન્ન પરિવારના ઘરની મુલાકાત લઈએ અને ત્યાં Stardust, Cineblitz કે પછી FIlmfare મેગેઝિન આવતું હોય તો મમ્મી-પપ્પા ભલે એમની સાથે વાતો કરતા આપણે બંદા અમિતાભ અને શ્રીદેવીના ફોટા શોધવા લાગી પડતા અને આ મેગેઝિન્સની ફોટોગ્રાફ્સની ક્વોલિટી પણ કેવી? એટલે એમાં જો શ્રીદેવીના દર્શન થઇ જાય એટલે પત્યું. ટૂંકમાં કહું તો મારી અને શ્રીદેવીની લવસ્ટોરી હવે પરવાન ચડી રહી હતી.

લવસ્ટોરી મેચ્યોર થઇ રહી છે…

પછી તો કેબલ યુગ શરુ થયો અને કેબલ પર શ્રીદેવીની નવી રીલીઝ થતી લગભગ તમામ ફિલ્મો જોવી એટલે જોવીજ. જિંદગીમાં આ પ્રકારનું સન્માન અમિતાભ પછી શ્રીદેવીને જ મળ્યું હતું એની પણ અહીંયા નોંધ લેવી ઘટે. જો હિમ્મતવાલાએ શ્રી પ્રત્યેની મારી લાગણીના અંકુર વાવ્યા હતા તો એ અંકુર મિસ્ટર ઇન્ડિયા, ચાલબાઝ અને ચાંદની આવતા આવતા વટવૃક્ષમાં પરિવર્તિત થઇ ગયા હતા અને હવે હું પણ કિશોરાવસ્થામાં પ્રવેશી ચૂક્યો હતો એટલે પૂર્ણચંદ્રની ચાંદની જેવીજ સુંદર શ્રીદેવીને વારંવાર જોવાની ઈચ્છા થયે રાખે એ સ્વાભાવિક હતું. એ સમયે લુણાવાડાની NS ટોકિઝમાં ચાંદની ફિલ્મ ‘પડી’ હતી અને વેકેશન હતું એટલે ત્રણ થી ચાર વખત મિત્રો સાથે ફિલ્મ જોઈ. વળી કેબલ પર આ ફિલ્મ વારંવાર રિપીટ થાય ત્યારે તો જોવાનીજ  રિશી કપૂર અને વિનોદ ખન્ના તો માર્યા ફરે આપણે તો શ્રીદેવીને લાઈન મારવા જ ચાંદની અસંખ્ય વખત જોઈ કાઢેલી.

અમદાવાદ આવ્યા ત્યારે નટરાજમાં ‘લમ્હેં’ આવ્યું હતું અને રિલીઝ થયાના અમુક જ દિવસોમાં એની માઉથ પબ્લિસિટી અત્યંત નેગેટિવ થઇ ચુકી હતી. હજી કોલેજમાં હતો એટલે દર સોમવારે અઠવાડિયા માટે 10 રૂપિયા જેટલી માતબર પોકેટમની મળતી એમાં 7 રૂપિયામાં બાલ્કનીની ટિકિટ કેમની પોસાય? (4 રૂપિયાના અપર ક્લાસમાં કે પછી અઢી રૂપિયાના લોઅર ક્લાસમાં બેસીને અમિતાભ કે શ્રીદેવીને જોવા વો હમારી શાન કે ખિલાફ હતું) એટલે પછી ગૃહમંત્રી (મમ્મી) અને વડાપ્રધાન (પપ્પા) બંનેને કોઈક રીતે (મૂળ કારણ અત્યારે યાદ નથી આવતું પણ શ્રીદેવીને ગમેતેમ જોવીજ છે એ કારણ અત્યારે પુરતું છે) પટાવ્યા અને એમની સાથેજ થિયેટરમાં લમ્હેં જોયું. કદાચ લમ્હેં બાદ જ ધીરેધીરે શ્રીદેવી ટોચ પરથી નીચે આવવા લાગી અને એ સમયે માધુરી દિક્ષિત તેની એકમાત્ર પ્રતિસ્પર્ધી ગણાતી જેની લોકપ્રિયતા વધવા લાગી હતી.

માધુરી જેવી બેજોડ સુંદરતા મારા જેવા પુરુષને ન ગમે એવું બને? પણ એ શ્રીદેવીની હરીફ છે એટલે આવી સુંદર અપ્સરાને પણ નહીં ગમાડવાની એવી જીદ મનમાં પ્રવેશી ચૂકી હતી જે કદાચ આજે પણ માધુરી પ્રત્યે એની અદાકારી માટે અત્યંત સન્માન હોવા છતાં મનના કોઈના ખૂણે ટકી રહી છે.

લવસ્ટોરી મજબૂત બનીગઈ….

સોશિયલ મીડિયાના જમાનામાં ટ્વિટરે કમાલ કરી દીધી. અમિતાભ બચ્ચન અને શ્રીદેવી જેવા મારા અત્યંત ચહીતા કલાકારોને મારા કમ્પ્યુટર અને મોબાઇલમાં મારી સમક્ષ લાવીને મૂકી દીધા. દિવાળી, હોળી, પોંગલ વગેરે પ્રસંગોએ શ્રીદેવી શુભેચ્છાઓ પાઠવતી ટ્વિટ કરવી અને એની ટ્વિટનો જવાબ આપી એને પણ સામે શુભેચ્છાઓ આપવી એ એક નિયમ બની ગયો, કદાચ એને અથવાતો એનું ટ્વિટર હેન્ડલ ઓપરેટ કરતા સ્ટાફને ખ્યાલ આવી ગયો હશે કે આ જણ શ્રી નો મોટો ફેન લાગે છે એટલે અમુક સમય બાદ મારી શુભેચ્છાઓની લગભગ તમામ ટ્વિટને લાઈક કરવામાં આવવા લાગી અને આવું તો ઘણીવાર બન્યું જ્યારે શ્રીદેવીએ મારી શુભેચ્છાને લગતી ટ્વિટ લાઈક કરી હોય. શ્રીદેવીએ મારા કહેવા પર મને મારી પ્રથમ ઈ-નવલકથા શાંતનુના લોન્ચ પર All the best કહ્યું ત્યારે શાહબુદ્દીન રાઠોડ કહે છે કે મારે અને સ્વર્ગને જાણે હાથવેંતનું જ છેટું રહી ગયું.

આવી તો કેટલીય યાદો છે મારી અને શ્રીદેવીની લવસ્ટોરી ની. હવે એ શારીરિક રીતે મારી સાથે અને એના કરોડો ફેન્સ સાથે નથી, પણ અમારા બધાની શ્રી પ્રત્યેની આવીજ દિવાનગીભરી લવસ્ટોરી દ્વારા એ અમારા તમામના જીવનના અંત સુધી અમારા દિલો પર રાજ કરતી રહેશે.

I will not miss you Sri as you are part of me now…

eછાપું

1 COMMENT

  1. RIP SriDevi.

    બહુ સરસ વર્ણન. તમારી લવ સ્ટોરી નું મજેદાર વર્ણન જાણે economics ના પાયા ના સિધ્ધાંત, low of diminishing marginal utility નું છડેચોક ખંડન કરતું હોય એમ, ભૂખ ઘટાડવા ને બદલે એક એક પ્રસંગ સાથે વધુ મજબૂત થાય એવું રોમાંચક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here