ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અગાઉજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટનને અમુક લોકોએ માત્ર ચૂંટણી પ્રચારનો ભાગ ગણાવ્યો હતો. ત્યારબાદ ઘોઘા ખાતે લિંકસ્પાન ઉભો કરવા માટે જાન્યુઆરી 5 થી 21 દિવસ માટે આ સેવા સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ સમયે પણ મોદીદ્વેષી કેટલાક ગુજરાતી અખબારોએ ઉછળી ઉછળીને આ સેવાનું બાળમરણ થયું હોવાનું જણાવીને તેની શ્રદ્ધાંજલિ પણ લખી દીધી હતી.

પરંતુ ઘોઘા ખાતેનો લિંકસ્પાન સમયસર સ્થાપિત પણ થઇ ગયો અને આ મહિનાની બીજી તારીખથી ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસ તેના નિયત ટાઈમટેબલ અનુસાર ફરીથી શરુ પણ થઇ ગઈ. આમ, આ સેવાનું બાળમરણ થવાનું સ્વપ્ન જોનારાઓ ખોટા પડ્યા. હવે એ જ લોકોને ફરીથી નીચું જોવું પડે એવું એક ડેવલોપમેન્ટ થવા જઈ રહ્યું છે. જ્યારે આ સેવા વડાપ્રધાને શરુ કરાવી ત્યારે તેમાં માત્ર મુસાફરો જ મુસાફરી કરી શકતા હતા, પરંતુ કોરિયાથી હવે એક નવા મહેમાન ઘોઘા આવી પહોંચવાના છે અને આ મહેમાન આવવાથી ગુજરાતના ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં ક્રાંતિ આવી શકે તેવી શક્યતાઓ ઉભી થઇ છે.
તમને ગમશે: NASA દ્વારા અવકાશમાં મોકલાયેલ સૌથી પાવરફૂલ સુપરકમ્પ્યુટર અને તેના કર્તા ડૉ ગોહ ઈન્ગ લીમ
Indigo Seaways જે ઘોઘા-દહેજ વચ્ચે ફેરી સર્વિસ ચલાવે છે તેના ડિરેક્ટર દેવેન્દ્ર મનરાલે માહિતી આપી છે કે આવતા મહિનાની શરૂઆતમાં જ દક્ષિણ કોરિયાથી એક Ro-Pax વેસલ ઘોઘા આવી પહોંચશે. આ વેસલમાં બે રેમ્પ હશે અને આ બંને રેમ્પ કાર્ગોની હેરફેરમાં કામે લાગી શકે તેમ છે. આ ઉપરાંત આ વેસલને તેના બંને છેડેથી લાંગરી શકાય છે. જે કોઇપણ ટ્રાન્સપોર્ટ કંપનીઓને ઘોઘાથી દહેજ પોતાના ટ્રક કે પછી ટ્રાવેલ કંપનીઓ પોતાની બસ મોકલવી હોય તો તેઓ હવે આ Ro-Pax વેસલ દ્વારા આસાનીથી મોકલી શકશે.
પ્રવાસીઓ માટે પણ આ વેસલમાં અનોખી સુવિધા હશે. અહીં અપર અને લોઅર એમ બે ડેક હશે જ્યાં 500 પેસેન્જર્સ આરામથી મુસાફરી કરી શકશે. પેસેન્જર એરિયા સંપૂર્ણપણે એરકંડિશન્ડ હશે અને અહીં બાળકો માટે પ્લેઇંગ એરિયા પણ હશે. 500 પેસેન્જરો સાથે 70 જેટલી ટ્રક અને વોલ્વો બસ આ Ro-Pax વેસલ દ્વારા ઘોઘાથી દહેજ એક જ મુસાફરીમાં લઇ જવાશે.
આમ દક્ષિણ કોરિયાથી આવનારા આ Ro-Pax થી ભાવનગર અને સુરત વચ્ચે વાહનવ્યવહારનો સમય નોંધપાત્ર રીતે ઘટી જશે અને માલસામાનની ગતિ પણ અસામાન્યપણે વધી જશે. એક તરફ ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસનું બાળમરણ થાય જેથી નરેન્દ્ર મોદીની ટીકા થઇ શકે એવા સ્વપ્ન જોઈ રહેલા લોકો છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નાગરિકો અને વ્યવસાયિકો છે જેમણે આ નવી રો રો ફેરી સર્વિસથી પોતાને થનારા ફાયદાને ધ્યાનમાં લઈને તેનો મહત્તમ ઉપયોગ પણ કરવો રહ્યો જેથી આ અનોખી અને આરામદાયક સેવા અવિરતપણે ચાલુ રહે.
eછાપું