લ્યો બોલો!! શેખર ગુપ્તા કરે ઈ લીલા પણ સહેવાગ કરે તો છીનાળું

0
345
Photo Courtesy: tehelka.com

નજીકના ભૂતકાળમાં આપણે અહીં eછાપુંમાં ઘણાબધા લિબરલ-ડાબેરી પત્રકારોને ખુલ્લા પાડ્યા છે. થેન્ક્સ ટુ સોશિયલ મિડિયા એમના ખુલ્લા જુઠ્ઠાણાં સતત જાહેર થતા રહે છે અને એ કડીમાં નવું પ્રકરણ ઉમેરાયું છે જેનું નામ છે શેખર ગુપ્તા. આમ તો શેખર ગુપ્તા કેટલા ‘ન્યુટ્રલ’ છે એનો આપણને બધાને ખ્યાલ છે જ. આ એજ શેખર ગુપ્તા છે જેમણે મનમોહનસિંહના શાસનકાળના છેલ્લા વર્ષોમાં દિલ્હીની રાયસીના માર્ગ પર તે સમયના સેનાપ્રમુખ જનરલ વી કે સિંઘ પર ટેન્ક દોડાવવાનો વાહિયાત આરોપ એમના મેગેઝીનમાં લગાવ્યો હતો અને ખોટા સાબિત થયા બાદ પણ માફી માંગી ન હતી.

Photo Courtesy: tehelka.com

એનીવેઝ, આ શેખર ગુપ્તાજી સોશિયલ મિડિયા પર પોતાના ભોપાળાઓના સતત ઉત્પાદન માટે ઘણા લોકપ્રિય છે. એમનું લેટેસ્ટ ભોપાળું બહાર આવ્યું છે એમના વીરેન્દર સહેવાગની ટ્વિટ પરના રિએકશનથી. બન્યું એવું કે ગત ગુરુવારે કેરળમાં માનસિક રીતે વિકલાંગ એવા એક વ્યક્તિએ લગભગ એક કિલો જેટલા ચોખાની ચોરી કરી અને આપણે ત્યાં જેમ ટોળાની માનસિકતા એનું કામ કરે છે એમ આ વ્યક્તિ નામે મધુને ટીપીટીપીને મારી નાખ્યો.

હવે વીરેન્દર સહેવાગે કઈ ન્યૂઝ ચેનલ કે ઓનલાઈન સમાચારનો સહારો લીધો હોય એ તો એ જાણે પણ એણે પોતાની ટ્વિટમાં એ ટોળામાં રહેલા કેટલાક મુસ્લિમોના નામ લખીને તેમની ટીકા કરીને મધુના મોત અંગે શોક વ્યક્ત કર્યો. સહેવાગે એમ જાણીજોઈને કર્યું કે કેમ એની કોઈને પણ ખબર નહોતી એ અહીં નોંધવું રહ્યું.

બસ શેખર ગુપ્તા અને રામચંદ્ર ગુહા જેવા લિબરલ-ડાબેરી પત્રકારો અને ‘ઈતિહાસકારો’ ને તો આ જ જોઈતું હતું. શેખર ગુપ્તાએ સહેવાગની આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું કે એ ટોળામાં બધાજ ધર્મ અને સમાજના લોકો સામેલ હતા અને આ મુદ્દાને સહેવાગ જેવા આઇકોને કોમવાદી સ્વરૂપ આપવું ન જોઈએ.

શેખર ગુપ્તાની આ વાતથી કોઇપણ ભોળો વ્યક્તિ ઈમ્પ્રેસ થઇ જ જાય, પણ જે લોકો  શેખર ગુપ્તાનો ઈતિહાસ જાણે છે એમને આ ટ્વિટથી હસવું તો આવ્યું અને એમને વિશ્વાસ પણ હતોજ કે શેખર થોડાજ દિવસમાં એણે સહેવાગને જે સલાહ આપી એનાથી વિપરીત કોઈક ટ્વિટ જરૂર કરશે, અને શેખરે એમને નિરાશ પણ ન કર્યા. હજી સહેવાગને આપેલી સલાહને 48 કલાક પણ વીત્યા ન હતા કે શેખર ગુપ્તાએ એક ટ્વિટ કરી.

જમ્મુમાં 8 વર્ષની બાળકી પર થયેલા પિશાચી બળાત્કારની માહિતી આપતી ટ્વિટ કરતા શેખર ગુપ્તાએ ભરડી માર્યું કે એ બાળકી મુસ્લિમ હતી અને એના પર બળાત્કાર કરનારા તમામ પિશાચો હિન્દુ હતા. મામલો સંગીન હતો, ગંભીર હતો, એની જેટલી ટીકા થાય એટલી ઓછી એવો હતો, એના પર આક્રોશ આવે એમ હતું પરંતુ શેખર ગુપ્તાના ભવ્ય ભૂતકાળને  લીધે જે રિએકશન આ ઘટનાનું આવવું જોઈતું હતું એ ન આવતા શેખર ગુપ્તાના બેવડા ધોરણો અંગે વધુ ચર્ચા થવા લાગી.

કદાચ શેખર આ પ્રકારે ટ્વિટ કરીને સહેવાગને કહેવા માંગતા હતા કે જોયું હિન્દુઓ પણ આવા જ  હોય છે, પરંતુ પોતાનો કક્કો ખરો કરવામાં શેખર ગુપ્તા કાશ્મીરની ઘટનાની ગંભીરતા ભૂલી ગયા. પણ, કદાચ એમને એનાથી કોઈજ ફરક ક્યારેય પડ્યો નથી અને હવે પણ નહીં પડે.

શેખર ગુપ્તા એકલા આવા પત્રકાર કે બુદ્ધિજીવી નથી, આવી તો આખી એક જમાત છે જે માત્ર અને માત્ર હિન્દુઓને જ કાતિલ, બળાત્કારી અને પિશાચી ચિત્રિત કરવામાં આગળ પડતા હોય છે. આ લોકોમાં હજી પણ અક્કલ નથી આવી કે સોશિયલ મિડીયામાં તેમના પણ પિતામહો આવી ગયા છે જે એમના આવા બેવડા ધોરણોને પળવારમાં પ્રમાણ સાથે નગ્ન કરી નાખે તેવી શક્તિઓ ધરાવે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here