અમૃતાનાં જીવનમાં દરેક પડાવે કોઈક પુરુષનો સતત સાથ, પ્રેમ મળતા રહ્યા છે તેની વાત આપણે આગલા ભાગમાં કરી. એ રીતે અમૃતાનાં જીવનમાંથી પ્રેમનું તત્વ ક્યારેય ઘટ્યું નથી. મિત્રતાની વ્યાખ્યા વ્યક્તિએ-વ્યક્તિએ બદલાતી હોય છે. અમૃતાનાં જીવનમાં પણ ખુબ સારા કહી શકાય તેવા બે ચાર મિત્રો મળ્યા અને જેમની દોસ્તીને સરહદ પણ નથી નડી તેવા દોસ્ત સજ્જાદ હૈદર મળ્યા. કે જે જે તે સમયે પાકિસ્તાનમાં સ્થાયી થયેલ કવિ હતા. અમૃતા અને સજ્જાદ લાહોરમાં મિત્રો બન્યા હતા.

અમૃતા તેમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’માં કહે છે કે ‘મારી એકલતાનો અભિશાપ ઈમરોઝએ તોડ્યો છે પણ તેને પણ મળ્યા પહેલા એક પવિત્ર દિલ મનુષ્યની દોસ્તી મળી છે મને અને તે દોસ્ત એટલે સજ્જાદ હૈદર.’ જે સમયે હજુ ભારતના ભાગલા નહોતા પડ્યા ત્યારે સજ્જાદ સાથે તેમની મિત્રતા થયેલી અને એ સમય હતો વિરોધનો. અમૃતાનાં વિરોધનો, તેમનાં લેખનનાં વિરોધનો. તે સમયની આ દોસ્તી અમૃતા માટે આધાર સમાન હતી. અમૃતા કહે છે ‘ તેની કોઈ પણ મુલાકાતમાં તેના હોઠો પર ધૃષ્ટ શબ્દ ક્યારેય નથી આવ્યો, તે આવતો ત્યારે એક અદબ એની સાથે જ પગથીયા ચડતી.’ અને ત્યારબાદ તોફાનો શરુ થયા, કર્ફ્યું આખો દિવસ રહે તેવા ભારેખમ વાતાવરણમાં પણ કર્ફ્યું ખુલે એટલે થોડીવાર માટે પણ સજ્જાદ અમૃતાને મળવા આવે. એ જ દિવસોમાં અમૃતાની પુત્રીનો જન્મદિવસ હતો, ભારેખમ માહોલ વચ્ચે પણ સજ્જાદ અમૃતાની પુત્રીની પ્રથમ વર્ષગાંઠની કેક બનાવીને આવેલો. આમ આ દોસ્તી ફક્ત ઉપરછલ્લી નહોતી. એકબીજા માટે પોતાનાથી બનતું કરી છૂટવું એનું જ નામ દોસ્તી.
ત્યારપછી ભાગલા પડ્યા બાદ અમૃતા લાહોર છોડીને દહેરાદુન આવીને વસ્યા હતા. તે સમયે અમૃતા સજ્જાદ સાથે પત્ર વ્યવહારથી સંપર્કમાં રહેતા. ત્યારે અમૃતાનાં દીકરાનો જન્મ થયેલો અને તેમણે તેનું નામ નવરાઝ રાખ્યું અને એ જ સમયે લાહોરમાં સજ્જાદનાં ઘેર પણ દીકરાનો જન્મ થયો તો તેમણે પોતાના પુત્રનું નામ ‘નવરાઝ’ પરથી ‘નવી’ રાખ્યું હતું.
એક વખત નવરાઝને ખુબ તાવ આવતો હતો અને તે સમયે અમૃતા સજ્જાદનાં પત્રના જવાબ રૂપે તેને પત્ર લખી રહયા હતા. ત્યારે નવરાઝનાં તાવ વિષે પણ લખાઈ ગયું. ત્યાર પછીના વળતા પત્રમાં સજ્જાદએ ખુબ જ હૃદયદ્રાવક વળતો પત્ર મોકલ્યો હતો. તેમણે લખ્યું કે ‘ હું આખી રાત ભગવાન પાસે પ્રાર્થના કરતો રહ્યો કે તમારો દીકરો સારો થઈ જાય. અરબી કહેવત છે કે જ્યારે દુશ્મન પ્રાર્થના કરે છે ત્યારે તે જરૂર મંજુર થાય છે. અત્યારે હું દુનિયાની નજરે તમારો દુશ્મન છું. ઈશ્વર એવું ના કરે કે હું ક્યારેય તમારો કે તમારા બાળકોનો દુશ્મન બનું.’ મિત્રતાનાં અનેક રંગો હોય છે અને તે રંગો આપણા બ્લેક એન્ડ વાઈટ જીવનના કેનવાસ પર અનેક રંગ ભરે છે.
અમૃતાએ ત્યાર પછીના કેટલાક વર્ષો બાદ એક નજમ લખી હતી ‘સાત વર્ષ’ આ નજમ તેમણે સાહિરને સંબોધીને લખી હતી કે જ્યારે અમૃતા અને સાહિર બંને હિન્દુસ્તાનમાં હોવા છતાં સાત વર્ષ મળ્યા નહોતા અને વર્ષો બાદ મળ્યા પછી અમૃતાએ આ નજમ લખી જે છપાઈને પાકિસ્તાનમાં રહેલા સજ્જાદને વાંચવા મળી અને તરત જ સજ્જાદએ અમૃતાને પત્રથી જાણ કરી કે ‘પંદર-વીસ દિવસની રજા લઈને હું તમને મળવા માટે હિન્દુસ્તાન આવવા માંગુ છું.તમે બહુ ઉદાસ લાગો છો, હું તમારી સાથે એની વાત કરીશ જેણે માટે તમે ‘સાત વર્ષ’ કવિતા લખી છે’ એ આવ્યો અને અઢાર દિવસ દિલ્હીમાં રહ્યો અને અમૃતા સાથે સમય વિતાવ્યો. કેટલી સુંદર મિત્રતા. એ સમયે અમૃતાને લાગ્યું કે ‘મારે પણ દુનિયામાં કોઈ દોસ્ત છે. પ્રત્યેક હાલતમાં દોસ્ત, અને પહેલી વાર જાણ્યું કે કવિતા કેવળ ઈશ્કના તોફાનમાંથી જ નિર્માણ નથી થતી તે દોસ્તીના શાંત પાણીમાંથી પણ તરતી આવી શકે છે. અને ત્યારે મેં કવિતા લખી ‘ ક્યાંક પાંખ વેચાતી હોય તો મને આપો પરદેશી, નહિ તો અમારી પાસે રહી જાઓ’ કેટલી ઉત્કૃષ્ટતા હશે એ મિત્રતામાં.
એક બીજી રસપ્રદ ઘટના છે. લાહોરમાં એક મિજબાનીમાં સજ્જાદના કોઈ મિત્રની પત્નીએ સજ્જાદને ઘણી વખત ઈમરતી(એક મીઠાઈ જેનું નામ અમૃતાને મળતું આવે છે ) પીરસી. સજ્જાદએ તેમને કહ્યું કે તેના નામ સાથે આજ મારી સાથે મજાક કરી છે પણ તમને ખબર નહીં હોય કે મારી મહોબ્બતમાં તેના માટે પૂજા શામેલ છે. કોઈ વ્યક્તિ તમારી સાથે આનાથી વધારે કેવી મિત્રતા નિભાવી શકે ?
અમુક વર્ષો સુધી બંને દેશો વચ્ચેની તંગદીલીમાં પત્ર વ્યવહાર બંધ રહ્યો હતો અને જ્યારે ફરી શરુ થયો ત્યારે અમૃતાના જીવનમાં ઈમરોઝનું આગમન થઇ ચુક્યું હતું ત્યારે બંને એ મળીને સજ્જાદને પત્ર લખ્યો હતો જેના જવાબમાં સજ્જાદએ ઈમરોઝને વળતો પત્ર લખ્યો હતો જેનાં માટે અમૃતા કહે છે કે ‘દુનિયાના બધા ઈતિહાસ તેને સલામ કરી શકે છે’. તેમણે પત્રમાં લખ્યું હતું ‘મારા દોસ્ત, મેં તમને જોયા નથી પણ ‘એમી’(અમૃતા) ની આંખોથી જોઈ લીધા છે. અને દુનિયાના ઈતિહાસમાં જે નથી બન્યું તે આજે બન્યું છે. હું તમારો રકીબ (પ્રેમિકાનો બીજો પ્રેમી) તમને સલામ પાઠવું છું. અમૃતા માટે સજ્જાદની દોસ્તી એ પવિત્ર દોસ્તી હતી અને સજજાદનું નામ એ પવિત્ર નામ હતું. સજ્જાદની મિત્રતામાં મહોબ્બત ભળેલી હતી પણ તેણે ક્યારેય મહોબ્બતને મિત્રતા પર હાવી ન થવા દીધી અને તેથી જ રચાયો એક મિત્રતાનો સંબંધ, પરસ્પરનાં વિશ્વાસનો સંબંધ.
———ક્રમશ ———–
eછાપું