શ્રીદેવીએ કરેલા ‘બિજલી’ ના ચમકારાથી એ પોતે પણ બચી શકી નહીં

2
409
Photo Courtesy: indiatvnews.com

શ્રીદેવી, ઇંડિયન સિનેમા જગતનું એક અત્યંત જાણીતું નામ. 25મી ફેબ્રુઆરીએ સવારે ઉઠતાં સાથે શ્રીદેવીએ દુનિયામાંથી વિદાયની ખબર મળતાં જ જાણે મન ચકરાવે ચડયું. નાનપણમાં જોયેલા એનાં મૂવી આંખ સામે તારવરવા લાગ્યાં. આખરી રાસ્તા, મિસ્ટર ઈન્ડિયા, ચાંદની, લમ્હે, ચાલબાઝ, ખુદાગવાહ, સદમા, જુદાઈ, અને લિસ્ટ ઘણું લાંબુ…

Photo Courtesy: indiatvnews.com

શ્રીદેવી, જેને આપણે શ્રી નાં હુલામણા નામે ઓળખીએ છીએ, તેનો જન્મ સિવાકાસી, તામિલનાડુમાં, 13 ઑગસ્ટ, 1963 માં થયો હતો. નાનપણથી જ તમિલ ફિલ્મમાં કામ કરવા માટે તેની માતાએ તેને પ્રોત્સાહન પૂરું પાડ્યું. માત્ર 4 વર્ષની કુમળી વયે રમવા, ભણવાનું છોડી, શ્રીદેવીએ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું હતું. તેની પહેલી ફિલ્મ એમ. એ. થીરૂમુગમની થુનૈવન હતી. તમિલ ફિલ્મમાં નામના મેળવ્યા બાદ, શ્રીદેવીએ હિન્દી ફિલ્મોમાં 1979 માં કામ કરવાનું શરૂ કર્યું. તેની પ્રથમ હિન્દી ફિલ્મ સોલવા સાવન હતી. શરૂઆતમાં જ તેને જીતેન્દ્ર, મિથુન ચક્રવર્તી, અમિતાભ બચ્ચન જેવા મોટા ગજાના કલાકારો સાથે ફિલ્મ મળવાનું નસીબ પ્રાપ્ત થયું. જીતેન્દ્ર સાથે તેને હિંમતવાલા, તોહફા, મવાલી, જસ્ટિસ ચૌધરી, વિગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું જે તે જમાનાની હિટ ફિલ્મોમાં સ્થાન પામી.

1987 માં અનિલ કપૂર સાથે આવેલી મિસ્ટર ઈન્ડિયા ફિલ્મમાં તેણે શેખર કપૂર સાથે કામ કર્યું. આ ફિલ્મના પ્રોડ્યૂસર અને હીરો અનિલ કપૂરનાં મોટા ભાઈ બોની કપૂરની નજરમાં શ્રી વસી ગઈ હતી. બોની કપૂરે તેને ઇમ્પ્રેસ કરવાનાં એક પણ મોકા ગુમાવ્યા ન હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન, શ્રી ને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બોની કપૂરે ઘણી મહેનત કરી હતી. પરંતુ પોતાના કામને મહત્વ આપનાર શ્રીદેવીએ “પરણિત” અને બે બાળકોના “પિતા” એવા બોની કપૂરને મિત્રથી વધારે સ્થાન આપ્યું નહોતું.

થોડા સમય પછી, શ્રીદેવીની મિથુન ચક્રવર્તી સાથે ફિલ્મો આવી અને હિટ રહી. દર્શકોને તેમની જોડી ઘણી પસંદ આવી. બંને વચ્ચે અફેરની ખબર પણ ત્યારનાં અખબારોમાં પ્રસિધ્ધ થયેલ. એટલી હદ સુધી ખબર આવી કે શ્રી અને મિથુન, બંને લગ્ન બંધનમાં બંધાઈ ગયા. મિથુનની પત્ની યોગિતા બાલિને આ વાતની જાણ થતાં, તેણે મિથુનને શ્રી સાથેના તમામ સબંધો પર પૂર્ણવિરામ મુકી દેવા દબાણ કર્યું હતું. ત્યારબાદ બંનેએ સાથે એક પણ ફિલ્મમાં કામ ન કર્યું.

શ્રી પોતાની કેરિયરમાં ખુબ આગળ વધી ગઈ હતી. માધુરી દીક્ષિત સાથે તેની સખત કોમ્પિટિશન હતી. એવામાં યશ રાજ ફિલ્મ્સના નેજા હેઠળ બનેલી ચાંદનીએ શ્રીની કેરિયરમાં ચાર ચાંદ લગાવી દીધાં. રિશી કપૂર અને વિનોદ ખન્ના જેવાં પ્રથમ દરજ્જાના અભિનેતાઓ સાથે રૂપાળી શ્રીદેવીએ પોતાની એક્ટિંગથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યાર બાદ તેની એક પછી એક ફિલ્મ હિટ જવા લાગી. 1991 માં આવેલી લમ્હે ફિલ્મમાં તો તેણે હદ કરી નાંખી હતી. પોતાનાથી ઉંમરમાં ઘણા વર્ષ મોટા પુરુષ સાથે પ્રેમમાં પડવાની અને લગ્ન કરવાની વાર્તા, દર્શકોને ગળે ન પડી, પણ ક્રિટિકસની નજરમાં તેને શ્રીનો બેસ્ટ રોલ કહેવામાં અતિશયોક્તિ નથી. સફળતાના એવા મુકામે શ્રીદેવી પહોંચી કે જ્યાંથી ઘણા બધા સપના સાકાર થયા.

પણ, પોતાની પર્સનલ લાઇફમાં અધુરી શ્રીને એક સાથીની જરૂર હતી. મિથુન ચક્રવર્તી સાથેના સંબંધોનો અંત આવ્યો હતો. તેવામાં તેને ફરીવાર બોની કપૂરનો સાથ મળ્યો. બોનીએ શ્રીદેવીની માતાની ખરાબ તબિયતના સમયમાં તેનો ખૂબ સાથ આપ્યો. બોનીએ અમેરીકા સુધી જઈને શ્રીદેવીને તેનાં જીવનના સૌથી કપરા સંજોગોમાં તેની સાથે રહી તેનું દિલ જીતી લીધું હતું. શ્રીદેવીની માતાએ પણ બોની સાથેના તેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. માતાનાં અવસાન બાદ, શ્રીદેવીને બોનીમાં પોતાનો સહારો જણાયો. અને સમાજની વિરુધ્ધ જઈ તેણે 1996 માં અગાઉથી પરણેલા બોની કપૂર સાથે લગ્ન કર્યા. કહેવાય છે કે લગ્ન વખતે શ્રી ગર્ભાવસ્થામાં હતી. તેને સાતમો મહિનો ચાલતો હતો. અને લગ્નનાં 2-3 મહિનામાં જ તેની પ્રથમ પુત્રી જાહ્નવીનો જન્મ થયો હતો. બોની કપૂરની પહેલી પત્ની મોના કપૂર અને તેનાં સંતાનો માટે આ એક કપરો સમય હતો. મોના અને તેનાં બાળકો, અર્જુન કપૂર અને અંશુલાએ, શ્રીદેવીને ક્યારેય સ્વીકારી નહી. 2012 માં મોના કપૂરનું કેન્સરથી પીડાઈને મૃત્યુ થયું. અર્જુન કપૂરે તો એક ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે શ્રીદેવી અને તેની પુત્રીઓનું તેનાં જીવનમાં કોઈ સ્થાન નથી.

1996 પછી બોની કપૂર કાયમ માટે શ્રી સાથે તેમના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા. બીજી પુત્રી ખુશીનાં જન્મ પછી, શ્રીનો કપૂર કુટુંબમાં આવવા જવાનો સિલસિલો ચાલુ થયો. લગ્ન પહેલાં શ્રીની જુદાઈ ફિલ્મ રિલીઝ થઈ હતી. ત્યારબાદ 15 વર્ષ સુધી તેણે ફિલ્મોમાંથી સન્યાસ લીધો અને દીકરીઓના ઉછેરમાં ધ્યાન કેન્દ્રિત કર્યું.

પોતાનો મોટા ભાગનો સમય દીકરીઓને આપી તેણે દીકરીઓની કેરિયર બનાવવા માટે પણ પ્રયત્નો શરૂ કર્યા. તેની મોટી દીકરી જાહ્નવીનું પ્રથમ મૂવી “ધડક” જુલાઈ 2018 માં રિલીઝ થવાનું છે. પરંતુ ગયા અઠવાડિયે પોતાનાં ભત્રીજા (બોની કપૂરની બહેનના દીકરા) ના લગ્નમાં દુબઈ ગયેલી 54 વર્ષીય શ્રીદેવીને 24 મી ફેબ્રુઆરી, 2018 નો કાળ ભરખી જાશે તેની કલ્પના પણ દુનિયાને નહીં હોય.

ખબર સાંભળીને જાણે એમ થયું કે મન તો નથી માનતું પણ ખબરની પુષ્ટિ થતાં જાણે 80 અને 90 ના દાયકાની આ  “હવા હવાઇ” એ “ચાલબાઝ” બનીને આકાશમાંથી “ચાંદની” ચોરી લીધી. બસ, હવે તો “લમ્હે” ની પંક્તિઓ યાદ આવે છે કે… યે લમ્હે, યે પલ હમ, બરસોં યાદ કરેંગે..યે મૌસમ ચલે ગયે તો, હમ ફરિયાદ કરેંગે…

અસ્તુ!!

eછાપું

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here