આપણને આ બધું ગમે છે એટલે ભારતીય મિડિયા આવું દેખાડે છે?

0
371
Photo Courtesy: ibtimes.co.in

1984માં ઈલેક્ટ્રોનિક મિડિયા એટલે દૂરદર્શન અને દૂરદર્શન એટલે ઈલેક્ટ્રોનિક મિડિયા. આવા સમયે તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થઇ. હત્યા થઇ અને બાદમાં એમનો પાર્થિવ દેહ એમના ઘેર લાવવામાં આવ્યો પછી લગભગ ત્રણેક દિવસ સળંગ ચોવીસ કલાક દૂરદર્શનના બે કેમેરા સતત ઇન્દિરાજીના મૃત શરીર પર તંકાયેલા રહેતા. કોઇપણ નાનો મોટો માણસ આવે, પુષ્પાંજલિ અર્પણ કરે, બે હાથ જોડે અને જતો રહે. સાથેસાથે રાજીવ ગાંધીનો શોકગ્રસ્ત ચહેરો આપણને એ લોકો વારંવાર દેખાડે. આવું ત્રણ દિવસ ચાલ્યું અને પછી ઇન્દિરાજીની વિશાળ સ્મશાન યાત્રા એમના નિવાસસ્થાનેથી નીકળી.

Photo Courtesy: ibtimes.co.in

આ બધું દૂરદર્શન પર લાઈવ આવતું અને એ પણ માત્ર સાંજના ત્રણ ન્યૂઝ બુલેટીનના બ્રેકને બાદ કરતા, કોઈજ મરીમસાલા વગર. જસદેવ સિંઘ વગેરેની એકદમ લિમિટેડ કમેન્ટ્સ સાથે સતત ચોવીસ કલાક ટીવી પર આ ભારેખમ દ્રશ્યો જોવા મળતા અને તોય અમે જોતા અને જાણેકે આપણા ખુદના દાદી ગુજરી ગયા હોય એવી લાગણી પણ થતી. ટૂંકમાં મરીમસાલા વગર જે દેખાડવામાં આવતું એ બધું શોકથી ભરપૂર હોવા છતાં તેને સતત જોતા રહેવાનું ‘ગમતું’ કારણકે જે હતું એ જ દેખાડવામાં આવતું, આડુંઅવળું કશુંજ નહીં. પણ હવે જમાનો બદલાયો છે. કોઈ મૃત્યુ પામે અને એ મોટી વ્યક્તિ હોય તો એનું મૃત્યુ કેવી રીતે થયું એની બધીજ ડીટેઈલ્સ મરીમસાલા સાથે આપણને દેખાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે શ્રીદેવીનું મૃત્યુ.

શ્રીદેવીનું મૃત્યુ થયું એ જાહેર કરવામાં આવ્યું ત્યારે કારણ કાર્ડિયાક એરેસ્ટ કહેવામાં આવ્યું. બસ આપણું ટીવી ન્યૂઝ મિડિયા આપણને સમજાવવા લાગ્યું કે જો આપણને પણ ભગવાન ન કરે ને કાર્ડિયાક એરેસ્ટ થાય તો એક્ચ્યુલી શું થાય. WhatsApp પર બે દિવસથી ફરતો ક્રૂર જોક કે આપણે બધાયે આ બે દિવસમાં કાર્ડિયાક એરેસ્ટ પર MBBS કરી લીધું એ ભલે ક્રૂર હોય પણ સાવ ખોટો તો નથીજ. આ બધું ચાલતું હતું ત્યાં દુબઈ પોલીસે શ્રીદેવીનો ઓટોપ્સી રિપોર્ટ જાહેર કર્યો જેમાં વધુ પડતા શરાબ સેવનને લીધે બાથટબમાં શ્રીદેવીના ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું.

આપણા મિડિયાવાળાને તોયે ચેન ન પડ્યું અને એ લોકો સ્ટુડિયોમાં બાથટબ લઇ આવ્યા અને કોઈ વ્યક્તિ એ ટબમાં કેવી રીતે ડૂબી જાય એનું સચોટ શિક્ષણ આપણને આપવામાં આવ્યું. વળી શ્રીદેવીની લંબાઈ તો આટલી હતી તો આટલા બાથટબમાં એ કેવી રીતે ડૂબી જાય?? એવી શંકા પણ ઉભી કરવામાં આવી. બસ આ મુદ્દો પકડી લીધો સોશિયલ મિડિયાએ અને ચારેકોર વાતો ફેલાવા લાગી. પણ કોઈએ એ વાતનું ધ્યાન ન રાખ્યું કે સ્ટુડિયોના બાથટબની અને કોઈ સ્ટાર હોટલના બાથટબની સાઈઝમાં આસમાન જમીનનો ફરક હોય છે. જીવનમાં બે-ત્રણ વખત ફાઈવસ્ટાર હોટલમાં રાત રોકાવાનો મોકો મળ્યો છે એટલે કહી શકું કે આ બાથટબ અત્યંત વિશાળ હોય છે અને એક તો શું ઘણીવાર બે વ્યક્તિ પણ ઈચ્છે તો સાથે સ્નાન કરી શકે છે.

આપણે આપણા મિડિયા દ્વારા ફેલાવાતી કોન્સ્પીરસી થિયરીની વાત નથી કરવી, પણ એનું સ્તર આટલી હદે નીચું જતું રહેશે એની કલ્પના તો જરાય ન હતી. ગુજરાતમાં આવેલા ભયાનક ભૂકંપ વખતે આપણા આ ઈલેક્ટ્રોનિક મિડિયાનો આવો કદરૂપો ચહેરો પહેલીવાર સામે આવ્યો હતો, જ્યારે ભૂકંપની અસર હજી તાજી હતી તો પણ કેટલાક પત્તરકારો અસરગ્રસ્તોના મોઢામાં માઈક ખોંસીને પૂછતા હતા કે “આપ કો કૈસા લગતા હૈ?” બસ એ જ દિવસથી આજ સુધી આપણું ઈલેક્ટ્રોનિક મિડિયા લગભગ દરરોજ નવુંને નવું તળિયું શોધવામાં સફળ રહ્યું છે.

જ્યારે પણ કોઈ ન્યૂઝ ચેનલના પ્રખ્યાત એન્કરને આ અંગે સવાલ કરવામાં આવે ત્યારે એની દલીલ હોય છે કે લોકોને આવું ગમે છે એટલે અમે આપીએ છીએ! ચલો, એગ્રી, પણ ક્યારેય તમે અમને ગીર ના જંગલમાં લઇ ગયા? ક્યારેય તાજમહાલ પર કોઈ ડોક્યુમેન્ટ્રી બનાવીને દેખાડી? ક્યારેય ફિલ્મોના કે સ્પોર્ટ્સના ઈતિહાસ પર સવાલ જવાબ કરવાની કોશિશ કરી? કાયમ મીઠાઈ ખવડાવીએ તો ક્યારેક ફરસાણ તો ખવડાવો? પછી જ ખબર પડશે કે લોકોને ખરેખર શું ગમે છે? સિક્કાની બીજી બાજુ દેખાડશો તો લોકોને એની જાણ થશે નહીં તો શોલે ના જયનો જ સિક્કોજ સનાતન સત્ય છે એવું લોકો માનશે.

ભારતમાં Discovery, History Channel, Nat Geo એમનેમ લોકપ્રિય થઇ હશે?

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here