તીન બહુરાનિયાં – પછેડી હોય એટલીજ સોડ તાણો અને મોજ માણો

1
501
Photo Courtesy; YouTube

મારા પિતાશ્રી જ્યારે નોકરી કરતા ત્યારે કોઈ એમની પાસે પાર્ટી માંગે અને જો એ સમયે મહિનાની પંદરમી તારીખ વીતી ગઈ ન હોય તો એ એમ કહીને હા પાડી દેતા કે “અત્યારે તો ઈદ છે, પણ છેલ્લા પંદર દિવસમાં પાર્ટી માંગી હોત તો ના પાડત કારણકે રોજા હોત”. આનો સાફ મલતબ છે કે કમાણી જેટલી હોય તેને ધ્યાનમાં રાખીને જ આપણા શોખ પૂરા કરવા નહીં કે કોઈની દેખાદેખીમાં. આવો સીધો અને સરળ મેસેજ હિન્દી ફિલ્મ તીન બહુરાનિયાં પણ આપે છે.

Photo Courtesy; YouTube

તીન બહુરાનિયાં આમતો છેક 1968માં એટલેકે આજથી બરોબર પચાસ વર્ષ પહેલા રિલીઝ થઇ હતી, પરંતુ એ ફિલ્મમાં આપવામાં આવેલો મેસેજ આજે પણ આપણે જીવનમાં જો ઉતારીએ તો ક્યારેય આપણી આખા મહિનાની કમાણી પંદર દિવસમાં નહીં વપરાઈ જાય. ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂર અને તેમના પરિવારની વાર્તા છે. પૃથ્વીરાજ કપૂર નિવૃત્ત શિક્ષક હોય છે અને તેના ત્રણેય પુત્રો અનુક્રમે આગા, રમેશ દેવ અને રાજેન્દ્ર નાથ સારુંએવું કમાતા હોય છે અને દર મહિનાની પહેલી તારીખે પોતાનો સમગ્ર પગાર તેમના પિતાને જમા કરાવી દે છે જેમાંથી પિતાજી આખો મહિનો ઘર ચલાવે છે.

હવે બને છે એવું કે બરોબર બાજુના બંગલામાં એક અત્યંત લોકપ્રિય અભિનેત્રી રહેવા આવે છે. ઘરની ત્રણેય વહુઓ એની ફેન તો હોય જ છે અને પછી ઓળખાણના બહાને એ અભિનેત્રીના ઘરે એમની આવનજાવન શરુ થાય છે. એક દિવસ આ ત્રણેય વહુઓ એટલેકે તીન બહુરાનિયાં એ અભિનેત્રીને પોતાને ઘેર આમંત્રિત કરે છે અને પછી તકલીફ શરુ થાય છે. ઘરની હાલત કોઈ ખાસ સુંદર ન હતી આથી એ હિરોઈન જો આપણા ઘેર આવે અને આવું તૂટેલું ફૂટેલું ઘર જોવે તો આપણી ઈમેજનું શું? આવો વિચાર ત્રણેય વહુઓ અને દીકરાઓને આવે છે.

પછી તો ઘરની સાથે સાથે એ ત્રણેય વહુઓએ પોતાનું સમારકામ પણ ફરીજીયાત કર્યું અને ઘરના સામાનની સાથે પોતાના દાગીનાઓ, સાડીઓ પણ ઉધાર કે પછી લોન પર લાવી દીધા. એક્ટ્રેસ તો અમુક સમય એમના ઘરની મુલાકાત લઈને જતી રહે છે, પરંતુ બાદમાં વ્યવહાર વધારવા માટે એ તીન બહુરાનિયાં જ નહીં પરંતુ ત્રણેય પુત્રો પણ એ અદાકારાને ઈમ્પ્રેસ કરવા ખોટા ખર્ચા કરવા લાગે છે. પિતાજી આ બધું જોતા હોય છે અને સમજતા પણ હોય છે, પરંતુ એમ એમના સમજાવવાથી પુત્રો માની જતા હોત તો જોઈતું’તું શું?

છેવટે લોનના હપ્તા ભરવામાં અને ખર્ચાઓ વધી જવાને કારણે ત્રણેય પુત્રોએ પિતાજીને મહિનાનો પગાર આપવો પણ બંધ કર્યો અને ત્રણેય વહુઓએ ઘરનો કિમતી સામાન વેંચવા અથવાતો ગીરવે મુકવા લાગી. પણ જમાનાના ખાધેલ એવા પિતાજી કમ સસુરજી એટલેકે પૃથ્વીરાજ કપૂર પણ એમ હાર માને એવા નહોતા, એમણે આ બધાને  લાઈન પર લાવવા માટે એક આઈડિયા લડાવ્યો. હવે એ આઈડિયા શું હતો એ જાણવા તમારે આ ફિલ્મ YouTube પર જોવી પડે….

ફિલ્મની આટલી વાર્તા પરથી તમે એ જરૂરથી જાણી ગયા હશો કે ફિલ્મમાં દેખાદેખીને લીધે વધી પડતા ખર્ચાઓ વિષે આજથી પચાસ વર્ષ પહેલા વાત કરવામાં આવી હતી. આજે આપણે ભલે એમ કહેતા હોઈએ કે, “અમે કોઈની દેખાદેખીમાં ન આવીએ હોં?” પણ આપણું ચંચળ મન આપણને આમ કરવા નથી દેતું. આપણે આપણા ધ્યાન બહાર અમુક ખર્ચા કરી દેતા હોઈએ છીએ જે ખરેખર તો દેખાદેખીથી જ ઉભા થયેલા હોય છે, ઉદાહરણ તરીકે કાર ખરીદવી!

વડોદરામાં થયેલા GLFમાં લોકપ્રિય કોલમિસ્ટ જય વસાવડાએ બહુ સરસ વાત કરી હતી. એમણે કહ્યું કે આપણું મન છે એ ઘણીવાર આપણને ખોટું કરવા માટે પ્રોત્સાહિત કરતું હોય છે. ઉપર જે આપણે કાર ની વાત કરી એમાં પણ આમ જ થાય છે. આપણને ખબર છે કે આપણી કમાણીમાંથી ઓલરેડી ઘરનો હપ્તો કે ભાડું જાય છે અને આપણે આરામથી બસમાં કે પછી આપણી બાઈકમાં આપણી ઓફિસે જઈ શકીએ છીએ. પણ આપણું મન છે ને એ આપણને આપણા કઝીન, ભાઈ કે પછી પાડોશીની નવી કાર જોઇને એમ સમજાવે છે કે, “બેટા, કાર હવે લક્ઝરી નથી રહી, હવે તો એ જરૂરિયાત બની ગઈ છે જેમ કે મોબાઈલ! શું તું મોબાઈલ ન વાપરે તો લોકો સાથે સંપર્ક ગુમાવી દઈશ? ના, પણ તોય તું મોબાઈલ વાપરે જ છે ને? એવીજ રીતે જો ઘરમાં કાર હોય અને કાલ સવારે અચાનક વડોદરા, રાજકોટ કે વાપી જવું પડે તો? કાર કેવી કામ લાગે?”

હવે આપણે આ ‘મન કી બાત’ સાંભળીને કાર તો ખરીદી લઈએ છીએ પરંતુ એ અચાનક વડોદરા, રાજકોટ કે વાપી જવાવાળી સવાર ક્યારેય નથી આવતી. ટૂંકમાં જરૂરી ન હતું તો પણ આપણે કારના ઇન્સ્ટોલમેન્ટ, મેઈન્ટેનન્સ અને વીમાના ખર્ચ રૂપી કુહાડી પર સામે ચાલીને આપણો પગ મૂકી દીધો. કાર તો એકમાત્ર ઉદાહરણ છે, શાંતિથી બેસશો તો તમે એક પાનું ભરીને લીસ્ટ બનાવી શકશો આવા નકામા ખર્ચનું.

કહેવું સરળ છે, પણ કરવું અઘરું છે. પહેલા તો આપણા મનને આપણે કયો ખર્ચ નકામો છે એ જડબેસલાક બતાવવું પડશે આથી એ પેલી આડીઅવળી સલાહો ન આપે. આપણામાંથી ઘણા લોકો એવા છે કે જે બચતને એટલું બધું મહત્ત્વ નથી આપતા અને વકરો એટલો નફો એમ માનીને દર મહિનાની શરુઆત કરતા હોય છે. ખરેખર આ જ લોકો સાચી બચત કરતા  હોય છે. આ જ લોકો પેલા નક્કામા ખર્ચને અવોઇડ કરીને પણ જલસાથી જીવતા હોય છે. આ એજ લોકો છે જે દર શનિ-રવિ સહપરિવાર કોઈને કોઈ મલ્ટીપ્લેક્સમાં જઈને નવી ફિલ્મ પણ જોવે છે અને ડિનર પણ કરે છે અને તોય મહિનાના અંતે એમના સેવિંગ્સ એકાઉન્ટમાં આરામથી આઠેક હજાર રૂપિયા લહેર કરતા હોય છે.

આવું કેવી રીતે શક્ય બનતું હશે? કારણકે આવી વ્યક્તિઓની નજર સમક્ષ એમનું બેન્ક બેલેન્સ સતત અને લાઈવ અપડેટ થતું હોય છે. એમના મનમાં એમના ડેબિટ કાર્ડમાંથી થયેલી એક એક એન્ટ્રીની નોંધ હોય છે અને આથી જ એલોકો આખા મહિનામાં જો જરૂર પડે તો કોઇપણ ખર્ચ પર બ્રેક મૂકી શકતા હોય છે. જો આમ થવા પાછળનું સાચું કારણ જાણવા જશો તો તમને ખબર પડી જશે કે આ પ્રકારની વ્યક્તિઓ કોઇપણ મોટો ખર્ચ કરતી નથી. જ્યારે જરૂર પડે ત્યારેજ ખર્ચ કરે છે અને દેખાદેખીને અવોઇડ કરતા મન કી ગલત બાતનું ગળું દબાવીને તેને ક્યાંક ઉંડે દફનાવી દેતા હોય છે.

તીન બહુરાનિયાં નો અડધી સદી જૂનો જ મેસેજ આપણને એ સમજવા કામમાં આવશે કે પછેડી હોય એટલીજ સોડ તાણવાની અને મજ્જાની લાઈફ જીવવાની!

ટીટ બિટ્સ!

આવક અને ખર્ચનું બેલેન્સ તૂટી જાય તો શું થાય આવો સમજીએ તીન બહુરાનિયાં ના અત્યંત લોકપ્રિય ગીત દ્વારા…

 

 

૨૭ ફેબ્રુઆરી ૨૦૧૮, મંગળવાર

અમદાવાદ

eછાપું

1 COMMENT

  1. કાર વાળી વાત એકદમ સાચી લાગી. આજે પણ, ઘણી ઓછી વખત આ જરૂરિયાત પડે છે. અને આવા સમયે ઓલા કે ઉબરથી બધું જ પાર પડી જાય છે. મોબાઈલ વિષે પણ ઘણી વાર એવા કઝીન, દુરના સગા આવીને કહે છે કે તું આટલી મોટી પોસ્ટ પર છે અને આટલો હોશિયાર એન્જીનીયર છે તો તારી પાસે મોંઘો ફોન જ હોવો જોઈએ, આ એન્ડ્રોઇડ નો સસ્તો ફોન કેમ વાપરે છે? એ વખતે ૧૭ હજાર ની ઇન્કમ વાળા જોડે ૨૫ હજારનો ફોન જોઇને નવી લાગે છે. મને જો કે એવું કહે છે કે તારા સ્ટેટસ પ્રમાણે જો તારી પાસે આવો ફોન ના હોય તો તારી કોઈ રીસ્પેક્ટ કરે નહિ. મને તો સરપ્રાઈઝ થાય છે આ બાબતનું! સાથે જ કહે છે કે તને કાર કેમની ના પોસાય?? ગણતરી કરી તો સાચું જ છે કે આજે જો કાર હોત તો પછી બધા ખર્ચા ને મેનેજ કરવા મુશ્કેલ થઇ જાત! પણ બધા હજુય કહે છે, કે એ તો મેનેજ થઇ જ જાય, હવે આ ગણિત મને આજ સુધી ખબર પડી નથી!! અને ૭૫ હજારનો ફોન વાપરનારા અને કારમાં ફરનારા ઘણી વખત મારા જેવા ૧૨ હજારના ફોન વાપરીને સારી એવરેજ ની બાઈક લઈને ફરનારા પાસે ઉધાર માંગવા આવે ત્યારે હસવું રોકી શકાતું નથી!! (મારે બાઈક પણ મોંઘી જ વાપરવી જોઈએ એ કહેનારા પણ છે) કપડા/ઘડિયાળ/બુટ કશુય મોંઘુ કે બ્રાન્ડેડ નથી, પણ સારા છે. એમાય આ જ ટકોર!!

    દેખાદેખી જોઇને ખર્ચા કરનારા લોકો વિષે આ જ મગજ માં આવે છે કે, આમને ગમે તેટલો પગાર ઓછો જ પડે!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here