તમારી ચાલવાની સ્ટાઈલ એટલે તમારી તબિયતની હાલતીચાલતી જાહેરાત

0
291
Photo Courtesy: simplemost.com

જો સ્વસ્થ રહેવું હોય તો રોજ થોડું થોડું ચાલો, આવી સલાહ આપણને દરેક ડોક્ટર આપતા હોય છે. પરંતુ તમારી ચાલવાની સ્ટાઈલ પરથી તમારી અત્યારની તબિયતમાં કેવીકેવી તકલીફો છે એની જાણ થઇ શકે છે. કોઈની ચાલવાની સ્ટાઈલ પરથી એની તબિયતના સાચા હાલ જાણવા એ  કોઈ રોકેટ સાયન્સ નથી. લોજીક એકદમ સિમ્પલ છે, આપણું ચાલવું એ આપણી કરોડરજ્જુ સાથે સીધો સંબંધ ધરાવે છે અને જો કરોડરજ્જુમાં કોઈ તકલીફ હોય તો એનો સીધો સિગ્નલ વ્યક્તિના ચાલવાની સ્ટાઈલ પરથી ખ્યાલ આવે છે.

Photo Courtesy: simplemost.com

આવો જાણીએ વ્યક્તિની ચાલવાની સાત જુદીજુદી સ્ટાઈલ વિષે અને તેનાથી એ વ્યક્તિને કયા પ્રકારની બીમારી હશે એની જાણકારી મેળવવા અંગે.

નાનાનાના પગલાં લઈને ચાલવું

જો કોઈ વ્યક્તિ નાનાનાના પગલાં એટલેકે ઓલમોસ્ટ બેબી સ્ટેપ્સ લઈને ચાલતી હોય તો તેના ઘૂંટણમાં કે પછી થાપામાં કોઈ તકલીફ હશે એમ માનવું. જ્યારે આપણે આગળ ડગ માંડીએ છીએ ત્યારે આપણો ઘૂંટણ અને થાપા સાથેનો જોઈન્ટ બન્ને સીધા થાય છે પણ જો એમ ન થાય તો એનો મતલબ છે કે તમારા ઘૂંટણમાં તકલીફ છે અને આથી જ તમારે નાના ડગ લેવા પડે છે.

લંગડાતા લંગડાતા ચાલવું

આ આર્થરાઇટિસની સ્પષ્ટ નિશાની છે. જ્યારે કોઈ વ્યક્તિ લંગડાઈને ચાલતી હોય તો એનો મતલબ એવો છે કે ચાલતી વખતે તેનાથી તેનો પગ વાંકો વાળી શકાતો નથી અને એનો ઘૂંટણ લોક થઇ જવાથી તે પોતાનું બેલેન્સ ગુમાવી શકે છે અને એથી જ તેને લંગડાઈને ચાલવું પડે છે. હા પગમાં મચકોડ આવી હોય કે કાંટો વાગ્યો હોય તો વાત જુદી છે….

તમને ગમશે: Project Loon દ્વારા પ્યુર્ટો રિકોના એક લાખ અસરગ્રસ્તો સુધી ઈન્ટરનેટ પહોંચ્યું

ચાલતી વખતે હાથ અને શરીર એકબીજાને સાથ ન આપે

તમે ધ્યાન આપ્યું હશે કે જ્યારે આપણે ચાલતી વખતે આપણો ડાબો પગ આગળ વધારીએ ત્યારે આપણી ડાબી તરફનું શરીર પણ સાથેજ આગળ ઝુકે છે, આવું જ જમણો પગ આગળ વધારતી વખતે પણ થતું હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ચાલતી વખતે પોતાનો હાથ બાકીના શરીર સાથે આગળ ન વધારતા એને કડક રાખીને ચાલતો હોય તો એનો મતલબ એવો થાય કે એને પીઠની તકલીફ છે. આવા વ્યક્તિની કરોડરજ્જુને ઈજા થઇ હોય એવું પણ શક્ય છે અથવાતો ઘણીવાર કોઈ જન્મજાત તકલીફ પણ આમ થવા પાછળનું કારણ હોઈ શકે.

આગલો પગ ભાર દઈને મુકવો

ઘણા લોકો ચાલતી વખતે સામાન્ય રીતે પગ આગળ કરવાને બદલે તેને સહેજ ઉંચો કરીને પછી ભારપૂર્વક જમીન પર મુકીને ચાલતા હોય છે. જો તમારી સમક્ષ કોઈ વ્યક્તિ આમ કરતી જોવા મળે તો સમજી જજો કે તેને વિવિધ પ્રકારના સ્ક્લેરોસિસ, સ્નાયુઓની વિકૃતિ છે અથવાતો એના સ્નાયુઓમાં મોટી તકલીફ છે.

એક તરફ ઢળીને ચલાવું

જ્યારે તમે સામેથી કોઈ વ્યક્તિને ચાલતી આવતી જોવો જે એક તરફ ઢળીને ચાલી રહી હોય, તો એવું માની બેસવાની ભૂલ બિલકુલ ન કરતા કે તે કેફી પીણાંની અસર હેઠળ છે. જે વ્યક્તિને માથામાં ઈજા થઇ હોય તેને બેલેન્સ જાળવીને ચાલવામાં તકલીફ પડતી હોય છે અને ઘણીવાર સીધા થઈને ચાલવાથી એમને ચક્કર પણ આવતા હોય છે અને આથી બેલેન્સ જાળવવા તેઓ એક તરફ ઢળીને ચાલતા હોય છે.

ગોકળગાયની ગતિએ ચાલવું

કોઇપણ વ્યક્તિ જ્યારે અત્યંત ખરાબ રીતે કોઈ માનસિક તકલીફ અથવાતો ટેન્શનનો શિકાર હોય ત્યારે તે અત્યંત ધીમી ગતિએ ચાલતી જોવા મળે છે. આવી વ્યક્તિ સતત પોતાનામાં જ ખોવાયેલી હોય છે અને આથી તે ધીમેધીમે ચાલવાનું પસંદ કરે છે. આ પ્રકારની વ્યક્તિ માત્ર ગોકળગાયની ગતિએ જ ચાલતી નથી પરંતુ એ કમરથી બેવડ વળીને અને હાથ પણ ધીમે ધીમે હલાવીને ચાલે છે.

સ્પ્રિંગની જેમ ઉછળીને ચાલવું

માત્ર સ્ત્રીઓ જ નહીં પરંતુ હવે તો ઘણા પુરુષો પણ ઉંચી એડી વાળા શૂઝ પહેરવાનો શોખ ધરાવે છે. જો આ પ્રકારના શૂઝ કે સેન્ડલ વધુ સમય સુધી પહેરી રાખવામાં આવે તો તેમના પગના ગોટલા કઠણ થઇ જાય છે અને જ્યારે તેઓ ચાલવા જાય છે ત્યારે એ ગોટલા જલ્દીથી છૂટા પડતા નથી અને પરિણામે એમને સ્પ્રિંગની જેમ ઉછળીને ચાલવું પડતું હોય છે.

તો હવે તમને કોઇપણ વ્યક્તિની ચાલવાની સ્ટાઈલ પરથી ખબર પડી જશેને કે એને કઈ શારીરિક તકલીફ છે? તમારા અનુભવો અમને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here