કાર્તિ ચિદમ્બરમ – રાજકીય ધરપકડ કે પછી ધરપકડનું રાજકારણ?

0
311
Photo Courtesy: india.com

INX Media કેસમાં પૂર્વ નાણામંત્રી અને ગૃહમંત્રી પી ચિદમ્બરમના સુપુત્ર કાર્તિ ચિદમ્બરમ ગઈકાલે છેવટે CBI દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. આમતો આ કેસની ડીટેઇલ ઘણી લાંબી છે એટલે એમાં ન ઉતરીએ તો એની થોડીઘણી હાઈલાઈટ્સ તો જરૂરથી લઇ શકાય.

Photo Courtesy: india.com

ભારતમાં વિદેશી મૂડીરોકાણની મંજૂરી લેવા માટે જે સંસ્થાની ઓફિસે જવું પડે છે તેને FIPB કહેવામાં આવે છે. હવે ઇન્દ્રાણી મુખરજીને તો તમે ઓળખતા જ હશો, એ જ ઇન્દ્રાણી મુખરજી જેના પર પોતાની પુત્રીની હત્યાનો આરોપ છે. હવે એક જમાનામાં ઇન્દ્રાણીએ આ જ FIPB પાસે પોતાની કંપની INX Media માટે અમુક કરોડ રકમના નિવેશની મંજૂરી માંગી હતી. પરંતુ FIPBએ નિયમોનો હવાલો આપતા માંગવામાં આવેલી રકમ કરતા ઓછી રકમના નિવેશની મંજૂરી આપી.

આથી ઇન્દ્રાણીએ એ સમયના નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર એટલેકે આજના આપણા શોર્ટ એન્ડ સ્વીટના હીરો કાર્તિ ચિદમ્બરમનો સંપર્ક કર્યો અને એવું કહેવાય છે કે કાર્તિ ચિદમ્બરમ દ્વારા ઇન્દ્રાણીને પોતાની કંપની Advantage Strategic Consulting Pvt Ltd ને અમુક રકમ આપવા જણાવ્યું અને ઇન્દ્રાણી દ્વારા આ રકમ ભરી દેવામાં આવ્યા બાદ એવું માનવામાં આવે છે કે સિનીયર ચિદમ્બરમના દખલથી ઇન્દ્રાણીને જરૂરી નિવેશની રકમ મેળવવાની મંજૂરી મળી ગઈ હતી. ટૂંકમાં કહીએ તો કાર્તિ ચિદમ્બરમ દ્વારા લાંચ લઈને ઇન્દ્રાણી મુખરજીનું કામ કરી આપવામાં આવ્યું હતું એવો તેના પર આરોપ છે.

હવે NDA સરકારના સત્તામાં આવ્યા બાદ પાછલી સરકારના ઘણા કાળા ચિઠ્ઠા ખોલવાનું શરુ કરવામાં આવ્યું અને એમાં એક કેસ કાર્તિ ચિદમ્બરમ એન્ડ કંપનીનો પણ હતો. દરેક મુદ્દે વારંવાર કોર્ટના દરવાજા ખટખટાવવા દોડી જવા માટે જાણીતા એવા સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રિમ કોર્ટમાં કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ફરિયાદ કરી અને મામલો બાદમાં CBIને સોંપી દેવામાં આવ્યો અને CBIની તપાસમાં સહકાર ન આપવાની દલીલ સાથે CBIએ ગઈકાલે કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરી લીધી.

આ મામલે રાજકીય પ્રત્યાઘાતો શું આવશે એની કોઈને પણ કલ્પના હોઈ જ શકે. ભાજપે કાયદો કાયદાનું કામ કરશે એમ કહ્યું જ્યારે કોંગ્રેસે આશા મુજબ આ ધરપકડને રાજકીય બદલો ઉર્ફે Political Vendetta જાહેર કરી દીધો. કોંગ્રેસના પ્રત્યાઘાતથી નવાઈ એ બાબતની લાગે છે કે એ જ્યારે સત્તામાં હતી ત્યારે હાલના ભાજપ પ્રમુખ અમિત શાહને ગમે તે રીતે  ભેરવી દેવામાં એણે જરાય પાછી પાની કરી ન હતી અને નરેન્દ્ર મોદી સાથે કોંગ્રેસે સતત બાર વર્ષ શું કર્યું હતું એ કોઈને યાદ દેવડાવવાની જરૂર નથી.

પણ જો આપણે એવું કહીએ તો કોંગ્રેસ અને એના સમર્થકો એમ કહે કે આ બધું ‘Whataboutrey’ છે એટલેકે “અમે આમ કર્યું તો તમે શું કર્યું હતું?” એમ કહીને દલીલ કર્યા વગર છટકી જવાનો પ્રયાસ. તો ચાલો આ Whataboutrey ને બાજુમાં મૂકીને કોંગ્રેસના સમર્થકોને એક જ સવાલ કરવાનું મન થાય કે સુબ્રમણ્યમ સ્વામી એટલે કે એક ખાનગી વ્યક્તિની ફરિયાદના આધારે સુપ્રિમ કોર્ટે આ મામલા પર નજર રાખવાનું શરુ કર્યું છે. ચલો, સ્વામી તો ભાજપના સભ્ય છે તો કદાચ એમનો રાજકીય રસ આ મામલે હોય પણ સુપ્રિમ કોર્ટ? શું એ પણ આ રાજકીય બદલાનો ભાગ છે?

શું એવું પણ શક્ય નથી કે કાલે સવારે 2G કાંડની જેમ કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ પણ CBI જડબેસલાક પૂરાવા નહીં આપી શકે તો એ પણ કનીમોઝી અને એ રાજાની જેમ છૂટી જશે? તો પછી અત્યારે સુપ્રિમ કોર્ટને નાહકની કેમ તમારા રાજકીય કાદવમાં ખેંચી લાવો છો? બીજું જેમ ઇન્દ્રાણીને મદદ કરવા પી ચિદમ્બરમ દ્વારા હસ્તક્ષેપ થયો હોવાની ચર્ચા ચાલી છે એવી ચર્ચા નિરવ મોદીને વધુ લોન આપવા સામે પંજાબ નેશનલ બેન્કના એક ઉચ્ચ અધિકારીએ ના પાડી હોવા છતાં ચિદમ્બરમના ખાતાએ મંજૂરી આપી હોવાની વાત પણ ચાલી હતી, તો આ બે મુદ્દે કોંગ્રેસ માત્ર રાજકીય બદલો કહીને છટકવા માંગે છે?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here