મિર્ચી લવ 104 પર સજાતિય સંબંધો અંગે મશહૂર ડાયરેક્ટર કરણ જોહરનો એક વ્યક્તિ સાથેનો સંવાદ સાંભળ્યો, જે કદાચ આપણા દેશમાં સજાતિય સંબંધો ધરાવતા લોકો પ્રત્યે આપણે કેવું વલણ ધરાવીએ છીએ તેના પર તો પ્રકાશ પાડે જ છે પણ આપણને આ અંગે એક નવો જ આયામ પણ દેખાડે છે.

તો વાત એમ હતી કે, એક ગે-પુરુષે કરણ જોહર પાસે બળાપો ઠાલવ્યો હતો કે પોતે એક વર્ષથી પરિણીત છે પણ એને એની પત્નીમાં રસ નથી. કારણ એને પુરુષોમાં વધુ રસ છે. એને સાંજે ઓફિસથી ઘેર જતા અકળામણ શરૂ થાય છે, રાત પડે રૂમમાં જતા બેચેની થાય છે. પત્નીની ઈચ્છા સંતોષવી પડે છે. પણ પત્નીની સાથે સેક્સમાં ઇન્વોલ્વ નથી થઈ શકાતું કારણ પત્નીમાં રસ જ નથી. શું કરવું ?
બહુ જ સંવેદનશીલ સંવાદ હતો. પુરુષનું મનોમંથન વ્યાજબી હતું. અણગમતી વ્યક્તિ સાથે સેક્સમાં ઐક્ય ન આવે એ સ્વાભાવિક વાત છે.
પણ કરણ જોહરે એનો જે રસપ્રદ જવાબ આપ્યો એ બહુ જ ઊંડો હતો. “હું શું કરું ?’’ ના જવાબમાં કરણ જોહરે આખી પરિસ્થિતિને ગે-પુરુષની પત્નીની દૃષ્ટિએ મુલવી એ વાત બહુ સ્પર્શી ગઈ. કરણે એ ભાઈને ગે હોવા બદલ સૌ પહેલા તો લઘુતાગ્રંથિ છોડવા જણાવ્યું. દુનિયામાં લાખો પુરુષો સજાતિય સંબંધ ધરાવતા હોય છે. લાખો સ્ત્રીઓ પણ લેસ્બિયન હોય છે અને એથી આગળ બાય સેક્સ્યુઅલ પણ સ્ત્રી/પુરુષ હોય છે.
પણ, પરિસ્થિતિ થર્ડ પર્સન માટે બહુ કરુણ બની રહે છે જ્યારે આવી પર્સનાલિટી પરણેલી હોય છે.
જોહર સાહેબે એક પત્નીની વ્યથાને વાચા આપી, એણે સ્પષ્ટ એ પુરુષને કહ્યું ગે હોવું ગુનો નથી પણ તમે તમારી પત્નીથી ભાગી રહ્યા છો એ ગુનો છે. પત્નીનો વિચાર કરો કે એની સાથે સેક્સ સમયે ઉમળકાવાળી માનસિક ભૂખ સંતોષાતી નથી એટલે એ કેટલો ધૂંધવાટ અનુભવતી હશે. કોઈ પણ અંતરંગ સંબંધમાં એપ્રિશિયેશન/ઇન્વોલ્વમેન્ટ હોવું અતિ જરૂરી છે. જ્યારે એની ઉણપ સર્જાય છે ત્યારે સામેની વ્યક્તિમાં લઘુતાગ્રંથિ જન્મે છે જે એને ડિપ્રેશન-ફ્રસ્ટ્રેશન કે વિનાશ તરફ લઈ જઈ શકે છે. તમે એક નિર્દોષ સ્ત્રીની જિંદગી બગાડી રહ્યા છો. કરણ જોહરના સ્પષ્ટ જવાબ પરથી વિચાર એ આવ્યો કે એક એવો સળગતો પ્રશ્ન છે કે જેમાં થર્ડ પર્સન તદ્દન નિર્દોષ છે અને છતાં એ ભોગ બને છે.
આપણે ત્યાં સેક્સ વિશેના પ્રશ્નોને બહુ ક્ષોભજનક ગણવામાં આવે છે જે તત્ત્વ માનવજીવનની ધરોહરને આગળ વધારવામાં પાયા રૂપ છે તે અંગે જ આપણાં વિચારો રજૂ કરવામાં આપણામાં શરમ પ્રવર્તે છે. જો આ ગે-પુરુષ તેના માતાપિતાને કહી શક્યા હોત કે તેને લગ્નમાં રસ નથી અથવા તે પુરુષ સાથે જ જીવન જીવવા માંગે છે તો જેનો કોઈ દોષ નથી એવી એક સ્ત્રીનું જીવન બચી ગયું હોત. એવું લાગે છે કે યુવાન દીકરા – દીકરીનાં લગ્ન કરતાં પહેલાં તેમની સેક્સ અંગેની રૂચી વિશે પણ મા-બાપે જાણી લેવું જોઇએ .
બીજો આપણો સામાજિક દુર્ગુણ એ છે કે આપણે સેક્સ્યુઅલ રિલેશન પરથી માણસના ચારિત્ર્યને માપી લઈએ છીએ. અને એટલે જ કદાચ માણસ ખુલીને વ્યક્ત નથી થઈ શકતો. એક ભાઈએ એકવાર મને ફોન પર કહ્યું, `બહેન, તમારી ફલાણી મિત્ર તો લેસ્બિયન લાગે છે.’ મેં પૂછ્યું તમને કેવી રીતે ખબર પડી, એમનો જવાબ વિચિત્ર હતો. `હું રાતે દોઢ વાગે એના ફોટા જોતો હતો તો એના ચહેરા પરથી એવું લાગ્યું.’
બોલો લ્યો ! મેં એમને તરત જ પૂછ્યું કે, ભાઈ રાત્રે દોઢ વાગે તમારે તમારાથી અડધાથીય ઓછી ઉંમરની યુવતિના ફોટા કેમ જોવા પડ્યા અને એની સેક્સ લાઇફ શું છે એ વિશે મને કોઈ ફરક નથી પડતો, ના મને એવી મેટરમાં રસ છે.
ફોન કટ…! કદાચ એમને મારા આવા જવાબની કલ્પના નહીં કરી હોય, પણ વાસ્તવિકતા એ જ છે કે આપણને માણસની અતિ અંગત વાત દ્વારા આપણી વિકૃત માનસિકતા સંતોષવી છે પણ એના ઉપાય શોધવામાં આપણને રસ નથી. કોણ પરણ્યું ? કોણ કુંવારું ? કુંવારી છોકરી હોય તો વર્જીન છે કે નહીં ? વોટ ધ હેલ યાર! અરે જે હશે એ હશે, એ એની બંધ ઓરડાની ભીતરની કથની છે. એની જગ્યાએ એ વ્યકિત સમાજમાં શું છે ? સમાજ માટે કશું કરે છે કે નહીં ? એનું વ્યક્તિત્વ ઉમદા છે કે નહીં ? કોઈને મદદરૂપ છે કે નહીં ? વ્યક્તિ સાચી અને પ્રામાણિક છે કે નહીં? એ બધી વાતોનું કોઈ મહત્ત્વ નથી?
થોડાં સમય પહેલાં જ સજાતિય સંબંધોના મામલે સુપ્રિમ કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવ્યા. એ અંગે કોર્ટે જે કહ્યું એનું પણ દરેક જણે પોતાની રીતે અર્થઘટન કર્યું. અરે કોર્ટે જે કહ્યું એ કહ્યું છોડો યાર! કોણ કોનામાં રસ દાખવે એ દરેકના પોતાના રસનો સવાલ છે. કોર્ટ એમ તો નહીં જ કહેતી હોય કે ગે પુરૂષને સ્ત્રી સાથે જ પરણાવો , ભલે વાતમાં માલ ન હોય કે લેસ્બીયન સ્ત્રીએ સ્ત્રીથી સગર્ભા બનવું ફરજીયાત છે.
આપણી આસપાસમાં નજર કરો તો આ પ્રકારે સજાતિય સંબંધો ધરાવતા લોકો મળી જ આવશે. આપણે એની સાથે પણ પ્રેમથી વરતીએ, સહાનુભૂતિપૂર્વક વરતીએ એ પણ સમાજનું જ અંગ છે એમ માની સ્વીકારીએ તો શા માટે કોર્ટ સુધી જવું પડે? આપણે આપણો અભિગમ બદલવો પડશે તો અને ત્યારે જ ખાટલે મોટી આ ખોડ ને કારણે સમાજમાં ઉદભવતા પ્રશ્ર્નોનું નિ્રાકરણ આવશે.
જે વ્યક્તિને સજાતિય સંબંધમાં જ રસ હોય એને ધરાર વિજાતિય વ્યક્તિ સાથેના સંબંધમાં બાંધવી એ દમન નથી? એ વ્યક્તિ પર તો છે જ પણ એની સામેના પાત્રનો તો વિચાર કરવો કે નહીં કે પછી એની જિંદગીની ભલે પત્તર ઠોકાઈ જાય તો પણ સમાજને સંતોષ થવો જોઈએ કે બે વિજાતિય પાત્રો લગ્નગ્રંથિથી જોડાયા, એને પાછા મૂર્ખાઓ આત્માનું મિલન કહેશે. વોટ નોસેન્સ !
eછાપું