ટીકા – સ્વીકારવી એ ભૂલ કે પછી એને અવગણવી એ ભૂલ?

0
333
Photo Courtesy: arch2o.com

આપણે ત્યાં એક કહેવત છે, ગુજરાતીમાં નથી હિન્દીમાં છે પણ એનો વપરાશ કોઈ નિશ્ચિત વ્યક્તિની માતૃભાષા કઈ છે? એ સવાલનો મોહતાજ નથી. એ કહેવત છે, ‘હાથી ચલે બજાર, કુત્તે ભૌંકે હજાર’. જેનો ગુજરાતી ગુઢાર્થ  એવો થાય કે તમે ટીકા કરવાવાળા લોકો પર ધ્યાન ન આપો અને પોતાની જ મસ્તીમાં ચાલતા રહો.

Photo Courtesy: arch2o.com

‘ટીકા’, આ શબ્દ પંખીના માળાની સળેકડીઓ માફક ગૂંચવાયેલો છે. ટીકા બે પ્રકારના લોકોની હોઈ શકે, એક તો એવા લોકો તરફથી કે જેઓ જો તમે તમારું સર્વસ્વ દાન કરી દો તોય તમારા એ કામ માટે તમારી ટીકા કરે. મતલબ કે એવા લોકો જેમની સાથે તમારે નહીં, એમને તમારી સાથે અથવા તમારી અમુક ખૂબીઓ કે જે એમનામાં નથી એની સાથે બારમો ચંદ્રમાં છે. એવા લોકોને આપણે નકારાત્મક લોકોમાં ગણી શકીએ છીએ. એમનો પ્રતિભાવ દરેક વખતે નકારમાં જ હશે. ‘આવું તે કંઈ કરાતું હશે? સાવ મુર્ખ છે આ માણસ’, આવો પ્રતિભાવ એવા લોકોની માનસિકતાનું એક ઉદાહરણ છે. પણ શું આપણા ટીકાકારોમાં દરેક વખતે આવા જ લોકો હશે? તો એની શક્યતા સિત્તેરથી એંશી ટકા ગણી શકાય જે લોકો તમારા સારા કે ખરાબ કામની નહિ પણ તમારી જાતમાત્રની ટીકા કરતા હોય છે. ચાલો આવા એંશી ટકા લોકો માટે આ કહેવત તદ્દન સાચી છે.

મારો મુદ્દો એ છે કે બાકીના વીસ ટકા ટીકાકારો જે બચ્યા છે એમની ગણતરી પણ આ કહેવતની જેમ કુતરાઓમાં કરવાની? કદાચ એવું પણ બને કે એમની ટીકા એ ટીકા નહિ અને મૂલ્યાંકન હોય! શી ખબર કે એમની સાચી દલીલો ઉપરના એંશી ટકા લોકોના કર્કશ ભાસતા અવાજોમાં દબાઈ જતી હોય? આ મૂલ્યાંકન ભલે તમને તમારા Point of viewથી એક ટીકા જ લાગે અને તેને તમે અવગણી નાખો, પણ શી ખબર કે તમે જે કામ કરો છો એના વિષેની એ દલીલ બિલકુલ વ્યાજબી હોય! બની શકે, આવું બિલકુલ બની શકે. એ દલીલ તમારા પોતાનામાં સુધારો લાવવા માટે ઉપયોગી નીવડી શકે છે. એટલે લોકોની ટીકાઓને ધ્યાનથી સાંભળવાની ટેવ પાડવી જોઈએ. એ ટીકાઓનું પદ્ધતિસર વિશ્લેષણ થવું જોઈએ. આવા જ વિશ્લેષણો તમને પોતાના વ્યક્તિત્વમાં સુધારો લાવવા માટે ઉપયોગી થઇ પડે છે.

કોઈ જાહેરમાં તમારૂ અપમાન કરે અને એ સમયે તમારી પાસે એનો પ્રત્યુત્તર આપવા માટે શબ્દો ન હોય, કહો કે તમે નિશબ્દ થઇ જાઓ ત્યારે આપણને નાનપણમાં જ શીખવાડવામાં આવ્યું છે તેમ આપણે ‘હાથી ચલે બજાર કુત્તે ભૌંકે હજાર’ જેવો, એક રીતે કાયરતાની લાગણીમિશ્રિત જવાબ આપીને ત્યાંથી ચાલતા થઈએ છીએ અને એ વાતને, એ સમયને મગજની યાદોમાંથી રદબાતલ કરવા માટે મથીએ છીએ. પણ હું કહું છું કે આ અપમાનનું પણ ઘરે જઈને એક વિશ્લેષણ થવું જોઈએ. એણે મને આવું કહીને અપમાન કર્યું તો હું એને કેવા પ્રત્યુત્તરો આપી શક્યો/શકી હોત જેથી એને પણ એવું જ ફિલ થતું જેવું મને અત્યારે થઇ રહ્યું છે? આવા સવાલો જાતને પૂછવા જોઈએ. જેથી ફરીથી જો કોઈ તમારું એ જ પદ્ધતિથી અપમાન કરશે તો તમારી પાસે એને વળતો પ્રહાર કરવા માટે ઓછામાં ઓછા ચાર પાંચ વાક્યો હશે જ. દરેક વખતે પોતાની થતી ટીકાનું પૃથ્થકરણ કરવાથી તમારું ઘડતર થાય છે.

આ બધું સમજવા માટે એક પરિસ્થિતિ લઇ લો. ધારો કે તમે નાસ્તો કરવા માટે કોઈ હોટેલમાં જઈને ઉભા રહો છો, ટેબલ ખાલી થવાની તૈયારી છે અને કોઈ તમારી પાછળથી આવીને એ ખાલી થનારા ટેબલ પાસે ઉભો રહીને એમ કહે કે, “બે પ્લેટ સમોસા લઇ આવ ને!”. તમને પહેલા ન અનુભવેલો ઝટકો લાગશે, કારણ કે એ માણસે તમને વેઈટરમાં ખપાવ્યા. હવે આ જ પરિસ્થિતિ જો તમે  “હું વેઈટર નથી” એવું કહીને ભૂલી જવા માંગો તો એનાથી કશું જ ફરક નહિ પડે. કાલે તમે બીજી કોઈ હોટેલ પર નાસ્તા માટે જશો અને ત્યાં ફરીથી કોઈ બીજું આવીને આવું કહેશે તો શું કરશો? પહેલી જ વાર કોઈએ તમને આવું કહ્યું એ પરિસ્થિતિનું જો તમે એનાલીસીસ કર્યું હોત તો તમે જાતને સવાલ પૂછત કે કદાચ તમારા પહેરવેશના લીધે કોઈએ તમને આવું કહ્યું? કે પછી એ જાણીજોઈને પોતાને ઉંચો બતાવવા માટે તમને નીચા દેખાડવાનો એક પ્રયત્ન હતો? હવે જો પહેરવેશના લીધે કહ્યું હોય તો તમે બહાર જતી વખતે પોતાની કપડા પહેરવાની અને પસંદ કરવાની ઢબમાં સુધારો કરશો અને જો જાણીજોઈને તમને ખરાબ ફિલ કરાવવા માટે એવું કોઈએ કહ્યું હશે તો એના બદલામાં એને શું જવાબો આપવા એ તમે શોધી શક્યા હોત. એટલે કે આ બધું કરવાથી તમે આવું થવાના તમામ કારણોથી વાકેફ થઇ જાઓ છો.

હવે ફરીથી તમે બહાર જશો તો તમારો પહેરવેશ સુધરેલો હોવાનો અને તેમ છતાંય જો તમને કોઈ એમ કહે કે, “બે પ્લેટ સમોસા લઇ આવ ને!” ત્યારે તમે “પહેલા તું ટેબલ સાફ કરી દે, પછી લાવું છું” એવો પ્રત્યુત્તર આપીને તત્ક્ષણ સામેવાળાને એવું ભાન કરાવી શકો કે ‘એકલું તને જ નહિ, મને પણ આવડે છે’. આ તો માત્ર એક સામાન્ય ઉદાહારણ થયું. પણ કહેવાનું એટલું જ કે આવી તૈયારીઓ અને આવા વિશ્લેષણોથી આપણું ઘડતર થાય છે એ વાત નકારી શકાય તેમ નથી. દરેક વખતે ટીકાને કે પછી કોઈના આપણી વિષેના નકારાત્મક નિવેદનોને સાવ જ ધુત્કારી ન દેવા જોઈએ. એ લોકો ઘણી વાર સાચું પણ કહેતા હોય, પરંતુ એમની એવું કહેવાની પદ્ધતિ નકારાત્મક હોય છે. જેનાથી આપણને ખોટું તો લાગે જ છે કારણ કે એ દરેક વ્યક્તિનો સામાન્ય સ્વભાવ છે. પરંતુ એક વાત નક્કી છે કે જો બધી જ ટીકાઓને ઇગ્નોર કરવા જઈશું તો પછી આપણે કાં તો સ્વચ્છંદી બનીને રહીશું કે પછી ગભરું બનીને રહીશું.

આચમન : પાણિની મુનીને કોઈ પંડિતે, “તારા હાથમાં તો જ્ઞાનની રેખા જ નથી” એવું કહ્યું ત્યારે જો એમણે એ વિધાનને ગણકાર્યું જ ન હોત તો આજે આપણને સંસ્કૃતનું ભવ્ય વ્યાકરણ ન મળ્યું હોત.           

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here