દર્દ દિલો કે કમ હો જાતે … હ્રદય અને તેના રોગોનું મુખ્ય કારણ વિષાદ…

1
485
Photo Courtesy: radionz.co.nz

રીમા લાગુ પછી બીજી હદય રોગ ના હુમલા થી અપમૃત્યુ પામનાર અભિનેત્રી શ્રીદેવી અચાનક કાર્ડિયાક એરેસ્ટ નો શિકાર બન્યા. દિલ ઉપર ઘણી જ ફિલ્મો થી માંડી ગીતો ગવાઈ ચુક્યા છે કેમકે દિલ હૈ કી માનતા નહીં. હ્રદય એક સ્વાયત્ત (Autonomous) અવયવ છે. જેમ હાલ આંતરડાને પોતાને એક મગજ હોય છે એ દિશામાં શોધો થઇ રહી છે એમ વર્ષો થી હ્રદયને પોતાની એક સ્વતંત્ર કાર્યપ્રણાલી છે એ સિદ્ધ થઇ ચુક્યું છે. જે પોષતું તે મારતું એ ક્રમ દિસે છે કુદરતી… જે હ્રદય આખા શરીર માં પમ્પીંગ કરી લોહી પહોંચાડે પરંતુ જયારે તેને જ કામ કરવા લોહી પહોંચાડતી નળીઓ કોરોનરી આર્ટરીઝમાં જ્યારે ખામી સર્જાય ત્યારે બ્લોકેજ, ફેઇલ્યોર, એરેસ્ટ, માયો કાર્ડિયલ ઇન્ફાર્કશન જેવી અનેક સમસ્યાઓ સર્જાય છે. હ્રદયના ચોક્કસ ભાગમાં લોહી પહોંચતું બંધ થવાથી તે ભાગ ના કોષો મૃત-જડ થતા જાય તેને માયો કાર્ડિયલ ઇન્ફાર્કશન કહે છે. તે વધવાથી કે બ્લોકેજ મુખ્ય નળીમાં હોય તો અચાનક હ્રદય બંધ પડી જાય છે.

Photo Courtesy: radionz.co.nz

આયુર્વેદમાં હજારો વર્ષ પહેલા શરીર માં મુખ્ય ત્રણ મર્મો નું વર્ણન કરેલું છે. મર્મ એટલે વાઈટલ પાર્ટ કે જેમાં પ્રાણ રહે છે. જે છે હ્રદય, બસ્તિ (કીડની સહીત બ્લેડર) અને મસ્તિષ્ક. આજે પણ આ ત્રણ ભાગના રોગો કે આ ત્રણ ભાગના ઓપરેશનમાં પ્રાણનો ખતરો ખાસ રહેલો હોય છે. જાડો હોય એને હ્રદય રોગ વધુ થાય, ચરબીવાળાને વધુ થાય એવું સાંભળ્યું હતું તો આ પાતળાબાંધાના લોકોને પણ હ્રદયરોગ થાય છે એનું શું?? ચાલો કારણો તપાસીએ…

  • ચિંતા: સતત માણસને કોરી ખાનારી કોઈક ને કોઈક ચિંતા, કોઈક વાત નો સતત ભય, ત્રાસ વગેરે કારણો થી શરીરના હ્રદયમાં રહેલું ઓજ તત્વ ઘટે છે અને હ્રદય પર હુમલો થઇ શકે. શરીરનું ઓજ કે ઓરા માપવાના કેમેરા પણ આવી ચુક્યા છે. ખુશ વ્યક્તિ અને દુઃખ ની ઓરા અભણ પણ અલગ તારવી શકે છે. અચાનક મન પર આઘાત થવાથી પણ હુમલાના કિસ્સા બને છે. જેમ જેમ વિકાસ અને સાધનો વધતા જાય છે તેમ તેમ લોકોની અપેક્ષાઓ વધતી જાય છે. અધીરાઈ અને ચડસાચડસીની દૌડ અને દેખાદેખીમાં પાછળ રહી જવાથી હ્રદય જાણે વિંધાય છે. આ નાનામોટા આઘાતો હુમલા તરફ દોરી જાય છે.
  • ખોટા ઉપચારો: કોઈપણ રોગ થાય તરત દબાવી દેવો, વધારે પડતી પાવરવાળી દવાઓ, દુઃખાવાની દવાઓ, વિટામીનના ફાકડા, વારેતહેવારે શોખ ખાતર કરાવતા ઓપરેશન હ્રદયને ચોક્કસ નુકસાન પહોંચાડે છે. રોજ પેટ સાફ કરતા ભારે દવાઓ લેવાથી પણ હાર્ટએટેક આવી શકે કોકવાર હરડે પણ શરીરમાંથી સ્નેહ ઓછો કરી વાયુ વધારી એટેક લાવી શકે. જાતે દવાઓ આ માટે જ ના લેવી. મેડીકલેઈમ મળતો ભલે હોય પણ નાના નાના રોગોમાં દાખલ થઈ દવાઓ ઓપરેશન કરાવવા નુકસાન કરી જ શકે.
  • તેલ/ઘી વિવેક: સાવ તેલ ઘી બંધ કરી કોરે કોરું લુખ્ખું ખાવાથી પણ હ્રદય રોગનો એટેક આવી શકે. સમજ્યા વગરના ડાયેટ પ્લાનો, ઝીરો ફિગરની પળોજણ, તે માટેની દવાઓ, ફિગર જાળવી રાખવા ખાવું અને પછી ઉલટીઓ કરવી, ખાલી પ્રોટીન પાવડર પી કસરતો કરે રાખવી, વગેરે નુકસાન કારક ખરું જ.

ચરબી બે પ્રકાર ની છે:

1. સંતૃપ્ત જે સામાન્ય કે તેથી ઓછા તાપમાને થીજેલી હોય. પનીર, ચીઝ, મોટા ભાગના તેલ, વનસ્પતિ ઘી. આ બધું હ્રદય માટે નુકસાનકારક છે.

2.અસંતૃપ્ત ચરબી : દેશી ગાયનું ઘી, કોપરેલ, તલનું તેલ જે હ્રદય માટે નુકસાન કારક નથી.

હાલ હ્રદય ની તંદુરસ્તી નામે કરડીનું તેલ અને સુરજમુખીના તેલ ખાવાની સલાહો અપાય છે. પરંતુ આ આયુર્વેદની દ્રષ્ટિ એ ખાસ મદદરૂપ નથી તેના બદલે દેશી ઘી ની ચોપડેલી રોટલી ખાવી સારી.

વ્યસન: તમાકુ લોહી નળીઓ ને કડક અને સ્થિતિસ્થાપકતા વગર ની બનાવી દે છે. ઓજ ને ઘટાડી હદયને કોરું કરી ચોક્કસ હુમલો લાવે છે. વધુ પડતું દારુનું સેવન પણ હુમલો લાવી શકે પરંતુ ડોક્ટરની સલાહથી યોગ્ય માત્રામાં દ્રાક્ષાસવ કે બ્રાંડી સારા ગણાય છે.

કમ ખાવ,ગમ ખાવ: ઠાંસીઠાંસીને જમવું અને ફેશન ખાતર પંજાબી, માંસની વાનગીઓ ખાવી એ હ્રદય રોગ તરફ દોરી જાય. સૂપ, સ્ટાર્ટર, ભારે ખોરાક અને છેલ્લે આઈસક્રીમ ખાવાથી ખોરાક પચતો નથી. હ્રદય અકળામણ અનુભવે છે. જેમ આપણે અકળામણમાંથી બહાર આવવા આળસ ખાઈ ફ્રેશ થઈએ એમ હ્રદય પણ અકળાય ત્યારે દુઃખાવા રૂપે આળસ કાઢે છે જેને એન્જાઈના કહે છે…

જાતીય સંબંધો: અતિશય જાતીય આવેગ કે ઉત્કટતાપૂર્વક સંબંધ બાંધવા, નશીલા દ્રવ્યોની કિક લઇ સંબંધ બાંધવા કે અજાણ્યા પાર્ટનર જોડે સંબંધ બાંધવાથી હ્રદય પર ભાર ખુબ આવે છે. અજાણી વ્યક્તિ સાથે સંબંધ બાંધતી વખતે ઘણા ને હ્રદય રોગનો હુમલો આવ્યો હોવાના કિસ્સા પણ બનતા હોય છે. જેમ નાક ખોલવાની દવા અમુક સમય પછી આડ અસર રૂપે પોતે જ નાક બંધ કરે એમ જાતીયતા વધારતી દવાઓ હ્રદય રો નો હુમલો ચોક્કસ કરે જ છે.

શું ધ્યાને લેવું??

  • વાસ્તવિકતાનો સ્વીકાર કરી તણાવમુક્ત જીવન જીવો. હ્રદય ખોલવા માટે અંગત કોઈક રાખો. બધું કામ પડતું મૂકી સપ્તાહમાં એકવાર ધ્યાન કરી પ્રફુલ્લિત વાતાવરણમાં રહેવું. યોગ, આસનો શીખવા
  • બેઠાડું જીવન મૂકી વ્યાયામ કરવા, ચાલવું દોડવું જરૂરી. પોતાનું કામ પોતે કરવું. (ખાસ નોંધ લેજો) નજીક જવાના કામ માટે વાહન ન વાપરવું
  • જીભ પર કાબુ રાખવો. પેટ ભરાઈ ગયું છે તેની જાણ હોવા છતાં ખાનારને અને હાથે કરી આફત નોતરનાર માટે બ્રહ્મા પણ કાઈ કરી શકતા નથી. વ્યસન પણ મુકવા. ચાલુ કરવા દવા લીધી હતી? તો બંધ કરવા દવા ની શી જરૂર? મનથી મક્કમ બની તમાકુ, સિગારેટ, દારૂ મુકવા. ખોટી દલીલો ન કરવી. તમે પોતે નહીં તો તમારા સંતાન પણ આનો તમારા જીન્સ થકી ભોગ બનશે એ સનાતન સત્ય છે. ગર્ભાવસ્થામાં પુરતું પોષણ ન લેનાર કે વ્યસન કરનાર મા ના સંતાનો ને ચોક્કસ હ્રદય રોગ થાય છે.
  • એક ઝાટકે કામ પૂરું કરવાની ટેવ, અધીરાઈ, ખોટી ઉતાવળ, હું જ પરફેક્ટ, સતત પ્રેશરમાં કે ટાર્ગેટ પૂરો કરવાની ખોટી દોડધામમાં ન રહેવું.
  • કુદરતી આવેગો રોકશો નહીં. ઝાડો-પેશાબ, ઊંઘ, રુદન આદિ ને રોકી ના રાખો. રડો તો મન મૂકી ધનધનાઈને રડો. દિલ ખોલીને રડો. રોકેલો આવેગ ક્યારેક તો ઉથલો મારે જ છે. જબ વી મેટ ની કરીનાની જેમ નકામી વસ્તુઓને જીંદગીમાંથી ફ્લશ કરી નાખો. હ્રદયમાં સંઘરી રાખેલી ચિંતા વધે એના કરતા અઠ્ઠે મારે ડાયલોગ સાથે જીંદગી જીવો. થોડા જાડી ચામડીના બની જાવ.
  • ખુબ ચાવી ચાવીને ખાવ, બે ભોજનના ટાઈમ વચ્ચે કાઈ ના ખાવ. ભૂખથી થોડું ઓછું ખાવ. સમયે કકડી ને ભૂખ લાગે, પાકેલું ફળ ખરે એમ ૩-૫ મિનીટમાં મળ નીકળી જાય ને ગાદલા માં પડતા વ્હેંત ઊંઘ આવે તો તમારા સપનેય હ્રદય રોગ નહીં જ આવે.
  • નકામાં રિપોર્ટો, વારંવારની તપાસો, X-Ray, સોનોગ્રાફીથી બચો. કારણ વગર હળદર પણ ન ફાકો. 40 વર્ષ પછી દર વરસે એક પંચકર્મ કરવી શરીર ની શુદ્ધિ કરો, આ એક પ્રકારની બોડીસર્વિસ જ છે. સાચું પંચકર્મ કોને કહેવાય તે જાણી લો. અઠવાડિયે એકાદ નકોરડો ઉપવાસ કરો ઈન્ટરનેટ,મોબાઈલ,ટીવી વગરનો ખાસ નકોરડો..
  • છેલ્લે એક જ્યોતિષની વાત. હું ખાસ માનતો નથી પણ કોઈ માનતું હોય એના માટે. ઉત્તર દિશામાં સુવાથી હ્રદય રોગના હુમલા ની શક્યતા વધે છે. પાટડા કે બીમ નીચે ન સુવું. ઇશાન ખૂણામાં કે પૂર્વમાં સુવું. તાંબાના વાસણો વધુ વાપરવા. રુદ્રાક્ષ ધારણ કરવો. આ શાસ્ત્ર હમ્બગ નથી જ ચોક્કસ ગણતરીથી રચાયેલું હોઈ આ ઉમેર્યું છે. ઉનાળો આવે છે પાકેલી કેરીઓ, લીંબુના સરબતો ખાસ પીજો હદય માટે સારા છે.

જાણકારી બધી રાખવી, ડોકટરોને પ્રશ્નો નો મારો ચલાવી થકવી દેવા, ઈમરજન્સી પિલ્સ ખિસ્સામાં રાખવી.108 એપ્લીકેશન ડાઉનલોડ કરી લેવી. આગોતરા આયોજનો ક્યારેય ઈમરજન્સી લાવતા નથી.

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here