ભારતીયોને સોગિયા ડાચાં લઈને ફેરવવાનું કાવતરું કરતી એક ખાસ જમાત

0
514
Photo Courtesy: theromanticvineyard.com

આપણા ભારતમાં એક ખાસ પ્રકારની જમાત છે જે આમતો લઘુમતીમાં છે પણ જોરજોરથી અને એના તમામ સભ્યો એકબીજાને અંગતરીતે ઓળખતા ન હોવા છતાં એક થઈને એવો અવાજ કરે છે જેનાથી ભારતીયો ના ઉત્સાહ પર કાયમ પાણી ફરી વળતું હોય છે. એક વાત સાથે આપણે બધા જ સહમત થઈશું કે આપણા દેશમાં ઘણીબધી સમસ્યા છે પરંતુ તેમ છતાં આપણો દેશ કોઈને કોઈ દૈવી શક્તિને લીધે ટકી રહ્યો છે અને આગળ પણ વધી રહ્યો છે. કદાચ આ દૈવી શક્તિ એ છે કે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી કશુંક પોઝિટીવ શોધીને એમાંથી ભારતીયો દ્વારા આનંદ લઇ લેવો. પરંતુ પેલી જમાત આટલું પણ પસંદ નથી કરતી. ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ.

Photo Courtesy: theromanticvineyard.com

ક્રિકેટ એ ભારતમાં જો ધર્મ નથી તો ધર્મથી ઓછું પણ નથી. નાનકડા મેદાનમાં કે શેરીમાં બાળકો ક્રિકેટ રમતા હોય તો એવરેજ હિન્દુસ્તાની બે મિનીટ તો એને જોવા રોકાઈ જ જાય એ શક્ય છે. જેમ બ્રાઝિલમાં ઘેરઘેર ફૂટબોલનો ક્રેઝ છે એમ ભારતમાં ક્રિકેટનો ક્રેઝ છે. પણ ફરક એટલોજ છે કે બ્રાઝિલમાં કોઈને એમ નથી કહેવામાં આવતું કે વિશ્વના ઘણા એવા દેશો છે જ્યાં ફૂટબોલએ એટલી બધી લોકપ્રિય નથી કે તમે આમ રોજ ફૂટબોલ લઈને મંડી પડો છો. પરંતુ આપણને ભારતીયો ને કાયમ પેલી જમાત દ્વારા સલાહો આપવામાં આવે છે કે, વર્લ્ડમાં દસ જ દેશો ક્રિકેટ રમે અને એમાં તમે કાઠું કાઢ્યું તો શી મોટી વાત? ટૂંકમાં તમને જે રમતથી બે ઘડી આનંદ મળે કે એના ખેલાડી કે ટીમ દ્વારા કોઈ સિદ્ધિ મેળવી હોય એના ગર્વથી તમારી છાતી ફાટફાટ થાય એટલે એની એવી તે અજ્ઞાનભરી ટીકા કરવાની કે પેલો ઉત્સાહી સાવ મોળો પડી જાય.

જો કે ક્રિકેટ કેટલા દેશોમાં રમાય છે અને ક્રિકેટની માતૃ કે પછી પિતૃ સંસ્થા ICC સાથે ચીન, કેનેડા, અમેરિકા કે યુરોપિયન દેશો સહીત કેટલા બધા દેશો એસોસિએટ મેમ્બર્સ તરીકે જોડાયા છે એ ગૂગલ મહારાજને પૂછી લઈએ તો પેલી જમાતને જડબાતોડ જવાબ જરૂર આપી શકાય. પણ આપણે આવી કેયર કરતા નથી અને મૂડ બગાડીને કિકેટ મેચ એ દિવસ પૂરતી જોવાની બંધ કરી દઈએ છીએ.

હાલમાં ફેસબુક પર પણ એક બહુ મોટી ચર્ચા ચાલી હતી. ગુજરાતી સાહિત્યને જીવંત રાખવાના આપણે ત્યાં ઘણા પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ અત્યારે એ સત્ય છે કે ગુજરાતીમાં નવલકથા, કાવ્ય સંગ્રહ કે પછી અન્ય કોઈ વિષય પર પુસ્તક પ્રકાશિત કરનાર લેખકનું પેટ માત્ર લખવાથી ભરી શકાય એવું શક્ય નથી. આથી અતિશય કે પછી સારીએવી લોકપ્રિયતા મેળવનાર ગુજરાતી લેખકોને ઘણીબધી સંસ્થાઓ તેમને ત્યાં કોઈ વિષય પર સંબોધન કરવા બોલાવે છે અને એ લેખકો પોતાની લોકપ્રિયતાના આધારે આ લેક્ચર્સ આપવાનો પુરસ્કાર પણ સામેથી માંગતા હોય છે.

હવે અહીં પણ પેલી જમાતને વાંધો પડ્યો! સાહિત્યની સેવા જેવા રૂપાળા શબ્દપ્રયોગ હેઠળ એમણે લેક્ચર્સ આપીને સારી એવી કમાણી કરતા લેખકોની ટીકા કરી. એમના કહેવા અનુસાર ગુજરાતી સાહિત્યની સેવા તો માત્ર લખીને જ થાય અને એ લખાણ જેટલું વેંચાય એ જ લેખક કે પછી કવિની કમાણી. ઓહ માય ગોશ! આ લોકોને કાં તો ઉપર જણાવ્યા અનુસાર ‘ગુજરાતી સાહિત્યકાર’ની પુસ્તકો કે કોલમો દ્વારા થતી કમાણીનો આંકડો ખબર નથી અથવાતો એમને ખુદને બે માણસ સામે બોલવામાં ગેગેફેફે થઇ જાય છે એટલે એ લોકો પોતાનો મત આ રીતે ભારપૂર્વક મુકતા હોય એવું લાગે છે.

લોકપ્રિય લેખકની કલમ જ નહીં એનું મોઢું પણ બોલવું જોઈએ અને તો જ એ જે વિચારે છે એ તેના ચાહકો સુધી આરામથી પહોંચી શકે છે અને એનાથી જ એની લોકપ્રિયતા હાલની ગુજરાતી સાહિત્યની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વધુને વધુ લોકો સુધી પહોંચશે. અને જો આમ થશે તો જ એના આગલા પુસ્તકો વધુ સંખ્યામાં વેંચાશે. તો પછી એક રીતે તો આ ગુજરાતી સાહિત્યની આડકતરી સેવા જ થઇ ને? પણ ના આપણે જે નથી કરી શકતા એ બીજા કેમ કરી જાય? સારું છે કે લેખન કરતા બોલીને વધુ કમાણી કરતા આપણા ટોચના ગુજરાતી લેખકો અને કોલમિસ્ટ્સ દ્વારા જમાત દ્વારા થયેલા પેલા સોગિયા પ્રચાર પર ખાસ ધ્યાન આપવામાં ન આવ્યું.

આપણા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પ્રત્યેના આપણા ઉત્સાહમાં પંક્ચર પાડનારા લોકો પણ આ જ જમાતમાં સામેલ છે અને એ વિષે આપણે આ જ કોલમમાં લંબાણપૂર્વક ચર્ચા કરી ચૂક્યા છીએ. પણ આપણી દેશભક્તિનો પણ કેટલાકને ઓવરડોઝ ચડી જતો હોય છે. જાણે-અજાણે આ બધા લોકો પણ એ ખાસ જમાત ના ખાસ સભ્યો બની જતા હોય છે. આ બધાને રાષ્ટ્રીય સન્માન માત્ર સૈનિકોને જ મળવું જોઈએ એવો હઠાગ્રહ હોય છે.

ગયા અઠવાડિયે અભિનેત્રી શ્રીદેવીનું અવસાન થયું અને ઘણા મોટા વિવાદ બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. હવે શ્રીદેવી પદ્મ પુરસ્કારથી સન્માનિત હોવા ઉપરાંત એણે એની અદાકારીની કળા દ્વારા વિદેશોમાં પણ ભારતનું નામ ઉંચું કર્યું હતું. આ ઉપરાંત બંધારણમાં કરવામાં આવેલા ફેરફાર બાદ જે નવો નિયમ બનાવવામાં આવ્યો એને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે શ્રીદેવીના પાર્થિવ દેહને તિરંગામાં લપેટીને એને અંતિમ વિદાય આપી. શ્રીદેવી માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં નહોતી આવી જેની અહીં નોંધ લેવામાં આવે.

જે-જે લોકોને આ નવા નિયમના ફેરફાર વિષે અજ્ઞાન હતું એમણે તરતજ શ્રીદેવીને મળેલા સન્માનથી ઉત્સાહિત થયેલા લોકોના ઉત્સાહમાં પંચર પાડવાનું શરુ કર્યું. એમના મતે તિરંગો માત્ર એક સૈનિકના શવ પર જ શોભે કોઈ અભિનેત્રી ના (આ દલીલ માટે શ્રીદેવી માટે લખાયેલા શબ્દો અહીં લખી શકાય એમ નથી) શરીર પર નહીં. તો કેટલાક લોકોને એ વાંધો હતો કે શરાબની અસર હેઠળ મૃત્યુ પામેલી વ્યક્તિને વળી શેનું રાષ્ટ્રીય સન્માન?

જે લોકોને નિયમની ખબરજ નથી એમની દલીલનો જવાબ આપવાનો કોઈ અર્થ નથી પરંતુ જે લોકોને શ્રીદેવીની અંતિમ ક્ષણો જે રીતે વીતી અને એને લીધે એને તિરંગાનું સન્માન ન મળવું જોઈએ એમની માટે એક ખાસ જવાબ તૈયાર છે.

આપણે ત્યાં તકલીફ એ છે કે આપણે એક તરફ આપણે ત્યાં સ્પોર્ટ્સ કલ્ચર ન હોવાની અને ભારતમાં વિશ્વકક્ષાની ફિલ્મો ન બનતી હોવાની બૂમો પાડતા હોઈએ છીએ, પરંતુ વિદેશોમાં દેશનું નાક ઉંચું કરનારા આપણા જ સ્પોર્ટ્સવીરો અને અભિનેતા-અભિનેત્રીઓને જ્યારે દેશની સરકાર સન્માનિત કરેત્યારે આપણને ખોટું લાગી જાય છે. સરકાર કોઇપણ ખેલાડી કે અભિનેતાને જ્યારે રાષ્ટ્રકક્ષાનું સન્માન આપે ત્યારે એની અંગત લાઈફ નહીં પરંતુ તેની પ્રોફેશનલ લાઈફની સિદ્ધિઓ ધ્યાનમાં લઈને આપે છે.

સચિન તેન્દુલકર રાત્રે સુતા પહેલા ભલે કદાચ ચાર પેગ વાઈન પી ને સુતો હોય તો એનાથી સરકારને કોઈજ ફરક નથી પડતો, પરંતુ તેણે ક્રિકેટના મેદાનમાં ભૂતકાળમાં કોઈએ ક્યારેય ન કર્યું હોય એવું પ્રદર્શન કરીને દેશનું નામ ચમકાવ્યું હતું એટલે એને ભારતરત્ન આપ્યો હતો. આઝાદીના વર્ષો બાદ સચિન સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન મેળવનાર પ્રથમ ખેલાડી હતો એ પણ આપણે આપણા ખેલાડીઓને કેટલું માન આપીએ છીએ એ સાબિત થાય છે. નેલ્સન મંડેલા એટલેકે એક વિદેશી નાગરિક ભારતરત્ન થાય તો આપણી છાતી ફૂલાય, દેશના પૂર્વ વડાપ્રધાનો ખુદને જ ભારતરત્ન જાહેર કરે તો આપણને વાંધો નથી, પણ એમ કરોડોની કમાણી કરતો ખેલાડી કેમ ભારતરત્ન બની જાય ભાઈ?

શ્રીદેવી, અમિતાભ, મિથુન ચક્રવર્તી, રાજ કપૂર આ બધાના કરોડો નહીં તો લાખો ચાહકો આપણને વિચારમાં ન આવે એવા દેશો કે જ્યાં હિન્દી બોલવાનું તો દૂર સમજવાનું પણ અઘરું છે ત્યાં રહે છે. રશિયા, ઓમાન, ઓસ્ટ્રિયા, જર્મની, અફઘાનિસ્તાન, જોર્ડન, ઇઝરાયેલ… શું આ બધા કલાકારો ભારતીયો નથી? શું આ બધા દેશોમાં એમણે એમની કળા દ્વારા દેશનું નામ રોશન કર્યું હોય તો એમને એમના જીવતા અને મર્યા બાદ સન્માનવાની ભારત સરકારની કોઈજ ફરજ નથી? દેશસેવા ફક્ત બોર્ડર પર જ થાય? ખેતી કરીને, કાયદાનું પાલન કરીને, ટેક્સ ભરીને, કરોડો દેશવાસીઓનું મનોરંજન કરીને ન થાય? બસ થોડી દ્રષ્ટિ બદલવાની જરૂર છે.

આ કોલમમાં જ્યારે પણ ભારતવાસીઓના નકારાત્મક પાસાંઓ વિષે ચર્ચા કરવામાં આવશે ત્યારે તેમને ક્યારેય દંભી કહીને ઉતારી પાડવામાં નહીં આવે. બલ્કે એમને એમના સ્વભાવને સુધારવાની અને હકારાત્મક બનવાની અને પેલી જમાતથી કે પછી ખોટી નકારાત્મકતાથી દૂર રહેવાની જ સલાહ આપવામાં આવશે. કારણકે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈના નકારાત્મક પાસાની ટીકા કરતી વખતે તમે એસિડથી પણ જલદ શબ્દપ્રયોગ કરશો તો એ વ્યક્તિની નકારાત્મકતા દૂર થવાની જ નથી, અરે એ ઉલટાણી વધી જશે અને પોતાની નકારાત્મકતાનું પૂછડું આજીવન પકડી રાખશે એ નફામાં.

ઉપર જે જમાત અંગે સવાલ કરવામાં આવ્યા છે એની પાછળનો ઉદ્દેશ એક જ છે કે આપણને ભારતીયોને ઓલરેડી ડાબેરીઓ અને લિબરલો દ્વારા ઘણુંબધું નહીં કરવાનો ફોર્સ કરવામાં આવી રહ્યો છે. જેમકે ઉત્તરાયણમાં પતંગ નહીં ચડાવવાના, હોળીમાં પાણી નહીં વાપરવાનું, દહીંહાંડીની ઉંચાઈ અમુક જ રાખવાની, નવરાત્રીમાં બાર વાગ્યા પછી ગરબા નહીં ગાવાના, ગણેશ ઉત્સવ બંધ કરી દેવાના વગેરે. વિચારો જો આ લોકો આ બધું કરાવવામાં સફળ જશે તો આપણે બે ઘડીનો આનંદ ક્યાંથી મેળવીશું? અને જો આપણે ઉપર કહેલી નાનીનાની બાબતોમાં પણ ખામીઓ શોધીશું તો આ લિબરલો અને ડાબેરીઓની જમાત જે મેલી મુરાદ પૂરી કરવાની જીદ લઈને બેઠી છે એને નિષ્ફળ કેવી રીતે બનાવશું?

વિચારો, ક્યાંક હવેલી લેતા ગુજરાત ખોવાનો વારો ન આવે….

આચારસંહિતા

“હોળી સેલિબ્રેશન પર પ્રતિબંધ મુકવો જોઈએ કારણકે તેનાથી યુવતીઓ અને સ્ત્રીઓની છેડતી થાય છે.”

– તિલક હોળી સરેઆમ નિષ્ફળ જવાથી ડાબેરી લિબરલ જમાત દ્વારા ફેંકવામાં આવેલો નવો દાવ. બોલો હજી આપણે કલાકારોના પાર્થિવ દેહને તિરંગામાં લપેટીને કેમ વિદાય આપવામાં આવી એવા ક્ષુલ્લક મુદ્દા પર લડવું છે?

૨ ફેબ્રુઆરી, ૨૦૧૮ (ધૂળેટી)

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here