‘ગૃહલક્ષ્મી’ જાહેરમાં સ્તનપાન કરાવે, એમાં પ્રોબ્લેમ શું છે?

0
834
Photo Courtesy: pulplup.com

હજી બે દિવસ પહેલાં જ પોતાની નવજાત બાળકીને જાહેરમાં સ્તનપાન કરાવતો યુ.કે.ની એક મોડેલનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો. મલયાલમ મેગેઝીન ‘ગૃહલક્ષ્મી’ના તાજા અંકના કવરપેજ પર એક સ્તનપાન કરાવતી મહિલાનો ફોટો છે. નીચે લખ્યું છે, “મમ્મીઓ, કેરળને કહી દો કે તાકીતાકીને ન જુએ. અમારે સ્તનપાન કરાવવું જરૂરી છે.” કવરસ્ટોરીનો ભાવાર્થ એવો છે કે નૈતિકતાના બંધનો તોડીને બાળકની પ્રાથમિક જરૂરિયાતને સંતોષવી જરૂરી છે. બ્રેસ્ટફિડિંગ જરૂરિયાત છે, કુદરતી છે, એમાં છૂપાવવા જેવું શું છે?

ક્યા બાત! આને કહેવાય હિંમત! બોલ્ડ સ્ટેપ! It’s the need of the hour!

Photo Courtesy: pulplup.com

સોશિયલ મિડીયામાં એવી અટકળો છે કે આ પબ્લિસિટી સ્ટંટ છે. મેગેઝીનનું વેચાણ વધારવાના નુસ્ખા! ધારો કે ‘ગૃહલક્ષ્મી’ મેગેઝીને પબ્લિસીટી માટે આવું કવરપેજ મૂક્યું, તો એમાં શું થઈ ગયું? ફિલ્મોના પોસ્ટરોમાં, બાઈકની જાહેરાતોમાં, ઠંડાપીણાની ઍડમાં સ્તનનો ઉપયોગ નથી થતો? ત્યાં એની તદ્દ્ન જરૂરિયાત હોય છે કાં? આ હજી આપણા જાહેર સમાજ માટે ટેબૂ છે. આપણો સમાજ આ વિષય પર હંમેશા ડબલ-સ્ટાન્ડર્ડ રાખે છે – બહારથી ચિબાવલા અને અંદરથી લુચ્ચા-લંપટ! આપણે સ્તનને હંમેશા જાતિય સંદર્ભમાં જ જોડી રાખ્યા છે. જબ કી સ્તન શરીર કા વો અંગ હૈ જિસકા શિશુકે લિયે એક અલગ હી મતલબ હૈ! બાળકોને તો ખબર પણ નથી હોતી કે જે અવયવ તેમની ભૂખ-તરસ છિપાવવાનો સ્ત્રોત છે એ આગળ જઈને ફક્ત અને ફક્ત જાતિય-આનંદનો એક હિસ્સો બનીને રહેશે.

ચેન્નાઈની કવિયત્રી કુટ્ટી રેવતીએ ત્રણ પુસ્તકો લખ્યાં છે. 2002માં લખેલા કાવ્યસંગ્રહનું નામ છે – મુલાઈગલ (એટલે જ્યારે કઠોળમાં ફણગાં ફૂટે એ સમય, જેનો બીજો અર્થ સ્તન કે Breasts પણ થાય છે). આ કાવ્યસંગ્રહની રજૂઆત વખતે તમિળ સાહિત્યિક સ્થાપનાના રૂઢિચુસ્તો તરફથી વિરોધનું તોફાન ઊઠ્યું હતું. એમાં એક કવિતા છે જેનું શિર્ષક છેઃ સ્તનો!

સ્તનો પરપોટા છે, વધી રહ્યાં છે ભીના માર્શલેન્ડ્સમાં
મેં નિહાળ્યાં છે, સાવચેતીપૂર્વક ધીમે ધીમે
મારી યુવાવસ્થામાં પરિપક્વ થતાં જોયા છે.
બીજા કોઈને કંઈ કહેવા કરતાં, એ બંને મારી સાથે ગાય છે.
હંમેશા, અત્યાનંદમાં, હાર્ટબ્રેકમાં.
મારા અંગની દરેક ઋતુની નર્સરીઓમાં,
તેઓ એક વાર ભૂલી ગયા અથવા નિષ્ફળ નથી થતા
ઉત્તેજના લાવવામાં.
તપશ્ચર્યામાં ફૂલી જાય છે, જેમ કે તણાવમાં હોય
વાસનાના ખેંચાણમાં ઉગ્ર થઈને છૂટે છે
અને ઉડે છે, સંગીતની ઊર્મિઓને યાદ કરીને
આલિંગનના દબાણથી તેઓ નિસ્યંદિત થાય છે
બાળકના જન્મ સમયે, રક્તમાંથી દૂધ ઠાલવે છે.
એક અધૂરા પ્રેમમાં રહેલા આંસુના ટીપાની જેમ
જેને લૂંછી શકાય નહીં
તેઓ દુઃખમાં હોય છે, અને ઊભરાઈ જાય છે.

ફેબ્રુઆરી 2018માં જ લોકો સમક્ષ રજૂ કરવામાં આવેલી “100 Great Indian Poems” માં આ કવિતાને સ્થાન મળ્યું છે. આ એ જ પુસ્તક છે જેમાં આપણા ઉદયન ઠક્કર અને સિતાંશુ યશચંદ્ર પણ પોંખાયા છે.

કટ ટુ મેગેઝીન પુરાણ!

એક સવાલ એ ઊઠ્યો કે મેગેઝીનના કવર પર જે સ્ત્રીનો ફોટો છે એ અસલ જિંદગીમાં માતા નથી, તો એ મોડેલને ફોટોશૂટમાં લેવાની શી જરૂર છે? ચલો, માની લઈએ કે એક સાચી, પોતે બનેલી માતાના ફોટોને કવરપેજમાં મૂકી દઈએ – પણ આપણી બહેનો, માતાઓ, માસીઓ, મામીઓ, કાકીઓમાંથી કોણ તૈયાર થાય આ રીતે ફોટોશૂટ માટે અને કવરફોટો આપવા માટે? ગીલુ જોસેફ નામની મોડેલ આ માટે તૈયાર થઈ! મેગેઝીનના મેનેજમેન્ટે કહ્યું છે કે અમે લીધેલા દરેક ઈન્ટરવ્યુમાં સ્ત્રીઓએ કહ્યું કે જાહેરમાં સ્તનપાન કરાવવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ પણ એક પણ મહિલા કવરફોટો માટે તૈયાર ન હતી.

બીજો એક હોબાળો એમ પણ થયો કે શા માટે એક હિંદુ સ્ત્રીને જ કવરફોટોમાં દેખાડવામાં આવી? એક વાત છે કે મેગેઝીનનું નામ ‘ગૃહલક્ષ્મી’ છે – એટલે બહોળો વાચકવર્ગ હાઉસવાઈફનો અને મમ્મીઓનો હોવાનો. એટલે એક સુહાગન (સેંથામાં સિંદૂર લગાડી, સા્ડી પહેરેલી) હોય તો વાચક સાથે જલ્દી તાલ મળે. ધારો કે ટાઈટ જીન્સ પહેરેલી, પોનીટેલ વાળેલી, ટીશર્ટ પહેરેલી સ્ત્રીનો કવરફોટો હોત તો? તો આપણે બીજા કોઈ ટોપિક પર હોબાળો કરત. ‘ઊંટ ન મેલે આંકડો, બકરી ન મેલે કાંકરો’ આ કહેવતની જેમ આપણે દરેક ઘટનામાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય જ છે! આપણે તો શ્રીદેવીના મૃત્યુને પણ નથી છોડ્યું તો બીજી શું વાત કરવી. કોઈ ફિલ્મ રિલીઝ થાય ત્યારે ફિલ્મના નામ પર અથવા ફિલ્મમાં બોલાયેલા સંવાદો, દેખાડેલા દ્રશ્યો કે પછી એવા કોઈ કારણસર વિવાદ જાગે જ! કહેવાનો ભાવાર્થ એ જ છે કે આપણને જ્યારે લાગે ત્યારે, સમયાનુસાર, પરિસ્થિતિનુસાર આપણા વિરોધની પતંગ ચગાવવા મંડી પડીએ છીએ. છેલ્લે કંઈ નહીં તો સરકાર પર ઢોળી દેવાનું. આપણને એટલી પણ ખબર નથી કે ડિસેમ્બર 2016માં આદિજાતિ મંત્રાલય (Ministry of Tribal Affairs) દ્વારા ‘સ્તનપાન સુરક્ષા ઍપ’ રિલીઝ થઈ હતી. આ ઍપનો હેતુ છે – અનુચિત અને અયોગ્ય બાળખોરાકની ચકાસણી કરવી. જો તમે કોઈ જગ્યાએ અયોગ્ય રીતે બાળકને અપાતો ખોરાક જોઈ જાઓ – તો ફોટો પાડીને ઍપમાં અપલોડ કરી દેવો – ઍપનું મેનેજમેન્ટ જે-તે જગ્યાએ યોગ્ય કાર્યવાહી કરશે. ઍપમાં પ્રશિક્ષિત સલાહકારોનો ડેટાબેઝ પણ છે જે ગામોગામ લોકોને સ્તનપાન વિશેની સમજણ અને મહત્તા સમજાવે છે, સહાય કરે છે.

ગામડાઓમાં, ગરીબ-પછાત-ભીલપ્રદેશોમાં તો સ્ત્રીઓ પોતાના બાળકને જ્યાં જરૂર પડે ત્યાં સ્તનપાન કરાવી જ લે છે. મેં તો કાઠિયાવાડમાં એ પણ જોયેલું છે કે ૨૦-૨૫ લોકોથી ભરેલા છકડામાં માતાએ બાળકને સ્તનપાન કરાવ્યું હોય. પ્રોબ્લેમ છે ભણેલા, અપ્પર ક્લાસનો. આ વર્ગ જાહેરસ્થળે બાળકને સ્તનપાન કરવવા – ફિડિંગરૂમ, બ્રેસ્ટફિડિંગ એરિયા, બેબીરૂમ શોધે છે. આ એ જ વર્ગ છે જે બસમાં, ટ્રેનમાં, ઑફિસમાં ‘ગેમ ઑફ થ્રોન્સ’ જોતાં અચકાતો નથી, આ એ જ સ્માર્ટપ્રજા છે જે જાહેરસ્થળોએ પોતાના સ્માર્ટફોનમાં પોર્ન વિડીયોનો લુત્ફ ઉઠાવે છે. ‘ઉન દિનોં’માં વપરાતા પૅડથી અને પછી બર્થ-કંટ્રોલની પિલથી મુક્ત થયેલી આજની નારીઓ ઈન્ટરનેટના ઘેઘૂર દરિયામાં નરવીરો જેટલી જ લહેરથી કામસામગ્રીની મહેફિલ માણે છે! પણ બ્રેસ્ટફિડિંગ કરાવે તો ફિગર ખરાબ થઈ જાય! 3 Idiots ફિલ્મમાં ‘સ્તન’ અને ‘બલાત્કાર’ના જોક પર આપણે પેટ પકડીને હસીયે છીએ પણ એની જાહેરમાં વાત કરવાનું આવે ત્યારે ઊભી પૂંછડીએ ભાગી જઈએ છીએ. વ્હોટ્સ-એપ ઉપર એમ.એમ.એસ. અને અશ્લીલ વિડિયો અને ફોટા શેર કરતી આપણી યુવાપેઢી જાહેરમાં કિસ નથી કરી શકતી માટે જ ‘કિસ ઑફ લવ’ નામના ઠેરઠેર પ્રોગ્રામો કરે છે. મેડિકલ શોપમાં જઈને નિરોધ માંગવાની શરમ આવે પણ યંગ-ઈન્ડિયા (યુવાનો અને યુવતીઓ પણ) રૂપિયા ૪૦૦૦ની ટિકિટ લઈને બીભત્સ ચેનચાળા થતા હોય અને ખુલ્લે-આમ ગાળો બોલાતી હોય એવા ‘નોકઆઉટ’ જેવા ચેરેટી(??) શોમાં હોંશે હોંશે જાય છે. એ સિવાય ‘ક્યા કુલ હૈ હમ?’, ‘ગ્રાન્ડ મસ્તી’ અને મલ્લિકા-સની લિયોનીની ફિલ્મોને આપણે જ કરોડોનો વકરો કરાવી દઈએ છીએ. શરીર પર ઢાંકી રાખેલાં સભ્યતાના ખોટા આવરણોને કારણે આપણી વિચારધારા પણ નાની-નાની અને ખોટી ગલીઓમાં ભમવા લાગી છે.

પડઘોઃ

સ્ત્રીઓની સરખામણીએ એવો કોઈ પુરુષ મળવો દુર્લભ છે જે પોર્નોગ્રાફીનો આનંદ ન માણતો હોય. બ્લુ ફિલ્મ, સ્ત્રૈણ મેગેઝીન, શૌચાલયની દિવાલો પર ચિત્રામણ, અશ્લીલ ટૂચકાઓ – આ બધું મોસ્ટલી પુરુષવાચી ગણાય છે. ભલે સ્ત્રીઓનું એંજિન પુરુષના એંજિનને મળતું આવતું હોય પણ તેમની મોટરના સ્ટાર્ટર અલગ હોય છે. સ્ત્રીઓના રંગસૂત્રો પુરુષોના રંગસૂત્રો કરતાં જુદા હોય છે પુરુષ બીભત્સ તસવીર, કલ્પના કે વાર્તાઓ વડે ઉત્તેજિત થઈ જાય પણ સ્ત્રીઓ ઝીણા-ધીમા સંવાદો અને સૌમ્ય સ્પર્શથી વધુ ઉત્તેજિત થાય છે

– ખુશવંત સિંઘ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here