પોષાક એટલે તમારા વ્યક્તિત્વનો પડઘો અને તેનું પ્રતિબિંબ….

0
411
Photo Courtesy: lovetoknow.com

સ્ત્રી તરીકે પોષાકની પસંદગીમાં શું ધ્યાન આપશો? … પોષાક ને પરંપરા, કલ્ચર, વ્યક્તિત્વ, વિગેરે સાથે સીધી રીતે સાંકળી શકાય. કોઈ પણ વ્યક્તિ, જેને શિક્ષણ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું છે, તેમને માટે પોષાકને જે – તે કલ્ચરના એક અભિન્ન અંગ તરીકે સ્વીકારવું સ્વાભાવિક છે. મોટે ભાગે, પોષાક એ કોઈ પણ દેશ કે સમાજની પ્રકૃતિને સમજવા માટેનું અગત્યનું પરિબળ છે.

જ્યારે માનવજીવનની ઉત્પત્તિ થઈ ત્યારે પણ શરીરને ઢાંકવા માટેની સમજદારી ભણતર વગર આપમેળે વિકસી હતી. ત્યારના મનુષ્યો પાંદડા તો પાંદડા, પણ શરીરને પરિસ્થિતિ અનુરૂપ યોગ્ય પોષાકથી સજ્જ રાખતા. ત્યારના સમયમાં કોઈ શિક્ષણની જરૂર નહોતી પણ સમજદારી હોવાથી, આ ખ્યાલનો વિકાસ થયો અને જેમ જેમ સમય જાતો ગયો, તેમ તેમ, આપણે અલગ અલગ રીતે આપણા કલ્ચરને વિકસાવતા ગયા.

મારી દ્રષ્ટિએ, પોષાક એ માત્ર શરીર ઢાંકવાનું સાધન નથી. પરંતુ પોષાક એક માનસિકતા છે. નવાઈ લાગી? પણ સહેમતી જરૂર આપશો આગળ વાંચીને. આપણે આજના સમયની જ વાત કરીએ છીએ. વેસ્ટર્ન કલ્ચરમાંથી આપણે ઘણું શીખ્યા. કેવું અને શું એ મહત્વનું ખરું. પાશ્ચાત્ય સંસ્કૃતિ, જેને આપણે વેસ્ટર્ન કલ્ચરથી ઓળખીએ છીએ, તેની ઘણી ખરી અસર આપણા માનસ પર વર્તાય છે. સાડી, ચણિયા ચોળી, ઓઢણા, વિગેરેનું સ્થાન, જીન્સ, ટોપ (ઑફ શોલ્ડર, ક્રેપ, લો નેક, સ્ટ્રિંગ ટોપ વિગેરે વિગેરે), સ્કર્ટ, દુપટ્ટા વગરની કુર્તી, ફ્રોક (જેને ગુજરાતીઓ “ફરાક” ના હુલામણાં નામે ઓળખે છે) શોર્ટ ડ્રેસ, જેવા પરિધાનો એ લીધું છે.

જુના સમય અને સમાજની વાત બાજુ પર મૂકી, આજના મોર્ડન યુગની વાત કરીએ, તો મેં એક ખૂબ જ અલગ પ્રકૃતિને જાણી. કોઈ પણ સ્ત્રી કે પછી સ્કૂલ કે કૉલેજ જતી યુવતી જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે તેના મતે જો કોઈ સૌથી ધ્યાન કેન્દ્રિત કરવાની તક હોય તો તે છે તેનો પહેરવેશ. બહાર જવાનું નક્કી થવાની સાથે, એક ઐતિહાસિક પ્રશ્ન ઉદભવે. “આજે શું પહેરીશ?” દુનિયામાં ભવિષ્યની ચિંતા કરવા જેવા જેટલા મુદ્દા છે, એ બધા બાજુ પર મૂકી, આપણે બાહ્ય શારીરીક સુંદરતાને મહત્વ આપી, આપણા મગજને એક જ દિશામાં આગળ વધારીએ છીએ. ક્યારેય એ વાતને મહત્વ આપવાની કોશિશ કરી છે કે તમને ઓળખનાર વ્યક્તિ, તમારું મૂલ્યાંકન કરવા માટે કયા પરિબળોનું ત્રાજવું લે છે? બુદ્ધિમત્તા, સશક્તિ, એકાગ્રતા, જ્ઞાન, સામાજિક હોદ્દો, કે પછી માત્ર અને માત્ર, તમારો પોષાક!!!!!

હું એ વાતનો વિરોધ નથી કરતી કે કોઈ પણ વ્યક્તિના અસ્તિત્વ સાથે પહેવેશની તુલના થાય. પણ જો સંજોગ અનુરૂપ શણગાર ન હોય તો તે પણ એક વિચારવા લાયક પ્રશ્ન છે. પોષાકની પસંદગીને માનસિકતા સાથે સીધો સંબંધ છે. ઘણા ખરા વ્યક્તિઓ તેમના પોષાક પહેરવાની પદ્ધતિથી જાણીતા બને છે. જેમ કે, બોલીવુડની માનીતી અને જાણીતી અભિનેત્રીઓ. એમાં, રેખાજી, ઐશ્વર્યા રાય બચ્ચન, વિધ્યા બાલન, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, દીપિકા પદુકોણ, વિગેરેના દાખલા આપી શકાય. આ અભિનેત્રીઓ હંમેશા વેલ ડ્રેસ્ડ જોવા મળે છે. પ્રસંગને અનુરૂપ પોષાકની પસંદગીનું શ્રેષ્ઠ ઉદાહરણ બોલીવુડમાંથી જરૂરથી મળી રહે કારણ કે ભારત દેશનો મોટો વર્ગ, બોલીવુડ ફેશનને ફોલો કરે છે. (પછી ભલે ને અરીસો ના પાડતો હોય!!!)

મારા વિચારો મુજબ, લગ્ન અથવા ફોર્મલ પ્રસંગે સાડી, ભારે અનારકલી, ચણિયા ચોળી, વિગેરે પારંપરિક પોષાક પહેરવા જોઈએ. રિસેપ્શન કે ગેટ-ટુગેધર જેવા પ્રસંગોમાં ઈવનિંગ ગાઉન, તથા પાર્ટી વિયર સાડી પહેરી શકાય. પિકનિક, ફેમિલી આઉટિંગ, ફેમિલી ટ્રીપ, ફ્રેન્ડ્સ ટ્રીપ, સામાન્ય લંચ કે ડિનર (ફ્રેન્ડ્સ કે ફેમિલી) જેવા પ્રસંગોએ જીન્સ અને ટોપ, ફ્રોક, કુર્તી અને લેગીંગ્‌સ, લોંગ ડ્રેસ જેવાં કપડાં પહેરી શકાય. ડાંસ પાર્ટી, DJ પાર્ટી, કોલેજ ફંક્શન, તથા આ પ્રકારના ફંકશન્સમાં “શારિરીક” સંજોગો મુજબ અને “અરીસા” નું મંતવ્ય લઈને શોર્ટ ડ્રેસ કે પછી વેસ્ટર્ન ફેશનને ફોલો કરી શકાય. તમારો પોષાક, તમારા વિચારો, વર્તન, અને કાંઈક અંશે દેખાવનું પ્રતિબિંબ છે. એ સત્યને સ્વીકારી, પોષાકની પસંદગી કરો અને કોઈ પણ પ્રસંગને યાદગાર બનાવવામાં તમને જ મદદ કરો.

જો મારા વિચારો સાથે સહમત હો, તો આ આર્ટિકલ જરૂરથી શેર કરજો.

અસ્તુ!!

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here