કેમ આપણી બાળપણ ની રમતોનું આજે બાળમરણ થયું છે?

0
850
Photo Courtesy: thebetterindia.com

જો તમે પણ તમારું બાળપણ મારી જેમ આનંદપૂર્વક પસાર કર્યું હશે તો તમને યાદ હશે કે આપણે કેવી કેવી રમતો રમતા હતા. “નદી કે પર્વત” જેમાં ઓટલા ઉપર ચઢવાનું અને કુદાકુદ કરી મુકવાની, આઈસ-સ્પાઈસ (આ રમતનું સાચું નામ તો આજે પણ યાદ નથી.)  આ રમતો અઠવાડિયાઓ સુધી ચાલતી. એક ડબ્બુ મૂકીને બધાને શોધવા જવાનું એ ડબ્બુ પણ મોટા ભાગે કાયમચૂર્ણ કે એવું ભંગારીયુ હોય તોય સોનાનું લાગતું અને રોજ સાચવીને એ જ ડબ્બાથી રમે રાખતા. રાત્રે મમ્મી ઘરે પાછા સુવા ના બોલાવે ત્યાં સુધી આ ગેમ ચાલતી અને ડબ્બો ના હોય તો એ જ ગેમનું જુનું વર્ઝન “થપ્પો” ચાલ્યા કરતો.

Photo Courtesy: thebetterindia.com

રમવામાં પણ આપણે દોડ પકડ, છૂટી-સાંકળ, ભેગી-સાંકળ, ચોર-પોલીસ,  જુના ગાભામાંથી મમ્મી એ સીવીને બનાવેલી માલદડી, પછી વેકેશન પડે છાપો, એ વખતે તો માચીસ બનાવતી કંપનીઓ પણ વધારે આવતી એટલે રમવાની પણ મજા આવતી. બરફની સળીઓ રમવાની,  ફોટાની અંદર ઉચ્છામ, ધાપબાજી, લખોટીમાં પણ પાછા દસા -વિસા રમવા માટે જમીનમાં ખાડો ખોદવાનો, ગોળ કુંડાળું કરીને એમાં લખોટીઓ મુકીને રમવાની જે બધાની લખોટી ઉડાડી મુકે એ કુંડાળાની બધી લખોટી લઇ જાય. કુંડાળામાંથી કોઈ એક લખોટી કહીને એને દુરથી પાટા પાછળ ઉભા રહીને ઉડાડીને બતાવાની.

ભમરડા, એમાં સાત જાળ કરીને હાથમાં ભમરડો લેવાનો , ભમરડો ઓટલા પર ફેરવવાનો, ભમરડો  વચ્ચે મૂકીને એને ઠોયા મારવાના. જેનો ભમરડો ના ફરે એની લદુ લેવાની. પછી ચોમાસું આવે અને વરસાદથી જમીન થોડી પોચી પડે એટલે કોચમડી રમવાની. એક લોખંડનો સળિયો જમીનમાં ખોપવાનો અને જેનાથી સળીયો ના ખોપાય એની લદુ લેવાની (એટલે એને લંગડી કરતા દોડાવાનો) અને સળિયો ના મળે તો જૂની સાણસીનો એક ભાગ તોડીને કોચમડી બનાવાની. ઓપીંગો – બેઠીન્ગો રમવાનું. આ ગેમમાં તો બાળકો એકબીજાનાં બરડા સુજાડી દેતા હતા, પેનનું ટપકું બતાવતી ‘’જોલી’’ રખાવાની, સ્ટેચ્યુ રખાવાનું આ બધી મજાની ગેમો ઘરની  બહાર રમવાની.

અને જ્યારે ઉનાળામાં ઘરમાં હોઈએ ત્યારે પત્તામાં સતી-અઠી, દો-તીન-પાંચ , ગધાચોર, નેપોલિયન, મીંડીકોટ , ધાપબાજી રમવામાં આખે આખો દિવસ પસાર થઇ જતો અને જમવાનું પણ યાદ આવતું નહીં , કેરમ રમવાની (જ્યુસ પીવાનું મજાની લાઈફ). ચેસ, નવો વેપાર, ઉનો, વિડીયો ગેમની કેસેટ ભાડે લાવીને મારિયો , કોન્ટ્રા  રમવાની અને એ પોસાય નહી તો હેન્ડ વિડીયોગેમમાં પેલા ટપકા ટપકા વાળી કાર રેસિગ રમવાની. રવિવારે કાર્ટુનમાં મોગલી જોવાનું, He-Man ડીઝનીનાં કાર્ટુનમાં ટોમએન્ડ જેરી , Duck Tales (ગાડીયા લેઝર હવાઈ જહાજ યે હૈ ડક ટેલ્સ), Telespin (બલ્લુ એન્ડ કિડ અને પ્લેનનાં નામ પરથી તો સાઈકલનું નામ પણ મેં C – Duck પાડ્યું હતું )

જ્યારે હવે બધી ગેમોનું બાળમરણ થયું છે. લોકો પોતાના બાળકો તડકામાં બહાર રમે નહીં એનું ધ્યાન રાખે છે. બહુ બહુ તો ક્રિકેટને એવી બધી થોડી ઘણી ખર્ચાળ ગેમો આઉટડોરમાં રમે છે. સવારથી સ્કુલે અને પછી કલાસીસમાં અને જો થોડીક રજા પડે તો ડ્રોઇગ ક્લાસીસ, કરાટે ક્લાસીસ, સ્કેટીગ ક્લાસીસ વગેરે વગેરેમાં બાળકોને શીખવા મૂકી દેવામાં આવે છે એટલે બાળકો એ બધું શીખે છે પણ બાળપણ નથી શીખતા. લોકોની સાથે ભેગા મળીને રમતા નથી શીખતા.

બાળકોને ફોનની લત લાગી ગઈ છે, બાળકો ઘરે હોય ત્યારે ફોન પર ગેમ રમ્યા કરે છે અથવા તો ટીવી જોયા કરે છે અને ટીવીમાં પણ પેલા રોતડા નોબિતા અને ડોરેમોનનાં વ્યસનમાંથી બહાર જ નથી આવી શકતા કે બીજી કોઈ રમતો રમવા માટે બહાર જાય. બહાર જાય છે તો પણ ફોન લઈને પોકેમોન પકડવા.

આપણા બાળપણ ની રમતો આપણને જે જ્ઞાન અને શારીરિક વિકાસ આપતી હતી એ આજની રમતોમાંથી મળતું નથી અને આપણા જમાનાની રમતોનું હવે બાળમરણ થઇ ચુક્યું છે. બાળકને હવે પોતે દોડવા કરતા સબવે સર્ફમાં પેલા બાબાને દોડાવાની મજા આવે છે . તો આજની જરૂર છે બાળકોને આજની ટેકનોલોજી સાથે સાથે જૂની ગેમો પણ શીખવાડવાની કે જેમાંથી આપણે ઘણું બધું શીખ્યા છીએ.

અજ્ઞાન ગંગા :

આજ ડોરેમોન અને નોબિતા એ વાળ્યો છે દાટ ,

લાગાવી દીધી છે બાળપણ ની રમતો ની વાટ.

લી. – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here