ભાજપની ઉત્તરપૂર્વ ફતેહની ઉજવણીમાં હિમંતા બિસ્વા સરમાનો ફાળો ન ભૂલાય

0
362
Photo Courtesy: indianexpress.com

એવું કહે છે કે ઈતિહાસ કાયમ રિપીટ થતો હોય છે. મોટાભાગે આપણે ઇતિહાસના તો સાક્ષી નથી બની શકતા પરંતુ એ ઈતિહાસ જ્યારે રિપીટ થાય છે ત્યારે આપણે તેના જરૂરથી સાક્ષી થતા હોઈએ છીએ. આપણને ધનાનંદ દ્વારા ચાણક્યનું અપમાન થયું એના સાક્ષી તો નથી પરંતુ રાહુલ ગાંધીએ ઉત્તરપૂર્વ સાથે સંકળાયેલા હિમંતા બિસ્વા સરમાનું કરેલું અપમાન જરૂર યાદ છે.

Photo Courtesy: indianexpress.com

રાહુલ ગાંધીને અમસ્તીયે કોઈની કશી પડી નથી હોતી. ઉત્તરપૂર્વની ત્રણ વિધાનસભા ચૂંટણીઓના પરિણામો આવ્યા ત્યારે તેઓ પોતાના નાનીબાને ઘેર ઈટાલીમાં હોળી મનાવવા પહોંચી ગયા હતા. આવીજ બેફીકરાઇ રાહુલ ગાંધીએ 2014ની અતિશય મહત્ત્વની લોકસભા ચૂંટણી અગાઉ પણ બતાવી હતી જ્યારે હિમંતા બિસ્વા સરમા આસામ કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરીકે એમને સમજાવવા ગયા હતા કે આસામમાં તરુણ ગોગોઈના નેતૃત્વમાં જો કોંગ્રેસ આ લોકસભા ચૂંટણી અને બાદની વિધાનસભા ચૂંટણી લડશે તો કંકોડાય હાથમાં નહીં આવે.

એવું કહેવાય છે અને બિસ્વાએ પોતે ઘણા ઇન્ટરવ્યુમાં આ બાબત કહી છે કે જ્યારે લોકસભાની ચૂંટણી જાહેર થવાને લગભગ છ મહિનાનો સમય બાકી હતો ત્યારે બિસ્વા રાહુલ ગાંધીને મળવા ગયા હતા અને તરુણ ગોગોઈને બદલે કોઈ બીજાને, કદાચ પોતાને જ મુખ્યમંત્રી બનાવવાનું કહ્યું હતું. આમ કરવાથી બિસ્વાના મતે માત્ર લોકસભા જ નહીં પરંતુ ત્યારબાદ આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મજબૂત પરિણામો લાવી શકે તેમ હતી. પરંતુ રાહુલ ગાંધીએ બિસ્વાની વાત સાંભળવા ખાતર જ સાંભળી અને મિટિંગનો લગભગ આખો સમય પોતાના પાળતુ કુતરા પીડીને બિસ્કીટ ખવડાવવામાં વધુ સમય ગાળ્યો.

હેમંતા બિસ્વા સરમાને પોતાનું હળહળતું અપમાન લાગ્યું અને એમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો. આ તરફ મોદી-શાહની જોડીને તો આ તક જોઈતી જ હતી. એમણે બિસ્વાને વગર સમય બગાડે ભાજપમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. આ વખતેજ બિસ્વાએ પોતાના અપમાનના બદલારૂપે માત્ર આસામ જ નહીં પરંતુ સંપૂર્ણ ઉત્તરપૂર્વ માંથી કોંગ્રેસનો એકડો કાઢી નાખવાના સમ ખાધા. ત્યારબાદ બે વર્ષે આવેલી આસામ વિધાનસભાની ચૂંટણી માટે અમિત શાહે બિસ્વાને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ ન હતા કર્યા પરંતુ તેમને સમગ્ર ઉત્તરપૂર્વ ક્ષેત્રમાં ભાજપના પગ ફેલાવવાની જવાબદારી સોંપી.

આ જવાબદારી હેમંતા બિસ્વા સરમાએ બરોબર નિભાવી અને ભાજપને બહુમતી અપાવીને આસામમાં તેની પ્રથમવાર સરકાર બનાવડાવી. અમિત શાહે બિસ્વાના હ્રદય પર રાહુલ ગાંધીએ કરેલા આઘાતને બરોબર સમજીને તેમને આસામના મુખ્યમંત્રી બનાવીને બાંધી રાખવાને બદલે સમગ્ર ઉત્તરપૂર્વ સોંપી દીધું અને વન બાય વન, ચૂંટણીમાં જીત સાથે કે જીત વગર એક પછી એક રાજ્ય બિસ્વા ભાજપની ઝોળીમાં નાખતા ગયા. ત્રિપુરા, નાગાલેન્ડ અને હવે મેઘાલયમાં પણ NDAની સરકાર બનવાનું નિશ્ચિત થતા સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતા ઉત્તરપૂર્વના પાંચ રાજ્યો પર ભાજપ કે તેના સહયોગીનું શાસન છે અને આ જલવા પાછળ બિસ્વાનું પ્રદાન ભારોભાર છે.

આમ ધનાનંદે જે રીતે ચાણક્યનું અપમાન કર્યું અને સમગ્ર નંદ વંશને સહન કરવાનું આવ્યું એવી જ રીતે રાહુલ ગાંધીના એક અપમાને માત્ર હેમંતા બિસ્વા સરમા જ નહીં પરંતુ કોંગ્રેસ અને મહદઅંશે ભાજપનું ભવિષ્ય પણ કાયમમાટે બદલી નાખ્યું. આજે બિસ્વા આસામ સરકારમાં બીજા નંબરનું પદ શોભાવે છે અને એમની કાર્યરીતી પણ સાંભળવા પ્રમાણે નરેન્દ્ર મોદી જેવીજ એટલે કે વર્કોહોલિક પ્રકારની છે અને આ ઉપરાંત તેઓ સમગ્ર ઉત્તરપૂર્વ ભાજપમય કેમ બની જાય એની સતત સંભાળ પણ લઇ રહ્યા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here