ગુજરાતના ગામડાઓની મહિલાઓ હવે અત્યાચાર વિરુદ્ધ પોલીસને મદદ કરશે

0
311
Photo Courtesy: indianexpress.com

મહિલાઓ વિરુદ્ધના અત્યાચારોની હવે નવાઈ રહી નથી. પતિ દ્વારા મહિલાઓને મારવી અને અન્ય કોઈ રીતે પ્રતાડિત કરવી તે લગભગ ભારતના ગામેગામમાં જોવા અને સાંભળવા મળે છે. પરંતુ ગામડાઓમાં ખાસકરીને મહિલાઓ એવું માનતી હોય છે કે પોતાને પતિ મારે છે કે અપશબ્દો કહે છે એ ખરેખર તો એનો પ્રેમ વ્યક્ત કરવાની જ એક રીત છે.

Photo Courtesy: indianexpress.com

ગ્રામીણ મહિલાઓની આ ખોટી માન્યતા દૂર કરવા અને મહિલાઓ સાથે થતા અન્ય અત્યાચાર અને ગુનાઓમાં તેમને મદદ કરવા હવે ગુજરાતના ગામડાઓમાં મહિલા પોલીસ વોલેન્ટિયર એટલેકે MPVની નિમણુંક કરવામાં આવી રહી છે. આ પદ માટે હાલમાં જ અમદાવાદ નજીક એક ખાસ ટ્રેઈનીંગ પણ આયોજીત થઇ હતી જેમાં અમદાવાદ અને સુરતની આસપાસના ગામડાઓમાં રહેતી 1,041 મહિલાઓને ખાસ ટ્રેઈનીંગ આપવામાં આવી હતી.

MVP એ ગુજરાતના ગૃહ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતો પ્રોજેક્ટ છે અને તે ભારત સરકારની જ નિર્ભયા ફંડ હેઠળ ચલાવવામાં આવતી યોજનાના એક ભાગરૂપે છે. ગુજરાતમાં MVPએ હાલમાં જ એક વર્ષ પૂરું કર્યું છે અને ગયા વર્ષે હરિયાણા બાદ ગુજરાત એવું બીજું  રાજ્ય બની ગયું છે જ્યાં મહિલા પોલિસ વોલેન્ટિયરના વિચારને અમલમાં મૂકવામાં આવ્યો હોય.

મહિલાઓ માટે ખાસ રક્ષા પૂરી પાડતી મહિલા પોલિસ વોલેન્ટિયર 21 વર્ષથી મોટી હોવી જોઈએ અને તે ઓછામાં ઓછું બારમું ધોરણ પાસ હોવી જોઈએ. દરેક ગામમાંથી સરકાર દસ-દસ મહિલાઓની ઓળખ કરે છે જેમાં સોશિયલ હેલ્થ વર્કર, સરપંચ કે પછી સ્કૂલ ટીચર પણ સામેલ હોય છે. આ દસ મહિલાઓમાંથી પછી એક મહિલાને પ્રતિ ગામ MVPનો દરજ્જો આપવામાં આવે છે.

કોઇપણ ગામમાં મહિલા પોલિસ વોલેન્ટિયરની નિમણુંક કરતા પહેલા જે-તે ગામડાની વસ્તીનું પ્રમાણ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમકે જે ગામડામાં મુસ્લિમ બહુમતી હોય તો ત્યાંની MVP મુસ્લિમ જ હોય છે અને એવી જ રીતે દલિત બહુમતી ધરાવતા ગામડાઓમાં પણ દલિત મહિલાને MVP બનાવવામાં પ્રથમ પસંદગી આપવામાં આવે છે.

આ કાર્ય કરવા માટે પસંદ થયેલી ગ્રામીણ મહિલાઓ દર મહીને રૂ. 1,000 મેળવવા માટે પાત્ર બને છે.

સુરત અને અમદાવાદના ગ્રામીણ વિસ્તારો પસંદ કરવા પાછળ ગુજરાત પોલિસનું કહેવું છે કે આ વિસ્તારો રાજ્યના અન્ય જીલ્લાઓ કરતા વધારે વિકાસ પામ્યા છે અને આથી અહીં આ પ્રકારના વિચારોને સમજાવી શકવામાં સરળતા રહે છે. ગયા વર્ષે મહિલા પોલિસ વોલેન્ટિયરના પ્રથમ બેચને ટ્રેઈનીંગ આપી દેવામાં આવી હતી અને આ મહિલાઓ પોતપોતાના ગામમાં જઈને ફરજ પણ બજાવવા લાગી છે. હવે MVP બનનાર મહિલાઓ નો આ નવો બેચ પણ બહુ જલ્દીથી પોતાના ગામડાઓમાં ફરજ બજાવવા લાગશે અને પોતાના ગામડાની ત્રસ્ત મહિલાઓની રક્ષા કરવાનું અને મદદ કરવાનું કાર્ય પણ કરશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here