“આવનારી 15મી ઓગસ્ટે જ્યારે નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરશે ત્યારે તે એમનું આખરી ભાષણ હશે. નરેન્દ્ર મોદીની આ પહેલી અને છેલ્લી સરકાર હશે.” તૃણમુલ કોંગ્રેસના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય ડેરેક ઓ’બ્રાયને બે દિવસ પહેલા આવું કહ્યું હતું. એમણે માત્ર મોદીની હારનું સ્વપ્ન જોઈ નાખ્યું પણ મોદીને તેઓ, તેમની પાર્ટી અને તેમનું થનારું ગઠબંધન કેવી રીતે હરાવશે એવો સવાલ જો પેલા પત્રકારે પૂછ્યો હોત તો એમની પાસે કદાચ કોઈજ જવાબ ન હોત.

વાત માત્ર તૃણમુલ કોંગ્રેસની કે કોંગ્રેસની નથી. વાત સમગ્ર વિપક્ષની છે. આ તમામ આજે મોદી સરકારના ચાર વર્ષ વીતવા આવ્યા બાદ પણ કદાચ એવું વિચારી રહ્યા છે કે આવનારા એક વર્ષમાં લોકો મોદીથી એટલા બધા કંટાળી જશે કે મોદીને તેઓ ઘેર બેસાડીને તેમને સત્તા સામેચાલીને સોંપી દેશે. એક સામાન્ય લોજીક આ બધા નથી સમજતા કે ભારતની પ્રજાની સહનશક્તિ બહુ મજબૂત છે. જો તે આઝાદી પછીના 70 વર્ષમાં કોંગ્રેસને માત્ર ત્રણ થી ચાર વાર જ નકારી શકતી હોય તો હજી મોદીને તો એમણે ચાર વર્ષ જ આપ્યા છે.
એક તરફ કોંગ્રેસ અને અન્ય વિપક્ષ આંબા પર ઝટ કેરી પાકીને પોતાના ખોળામાં પડી જાય એવા દિવાસ્વપ્નમાં રાચે છે તો મોદી અને તેમના જોડીદાર અમિત શાહ ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય જેવા નવા નવા રાજ્યોમાં નવા નવા આંબાઓ રોપવા લાગ્યા છે. જ્યારે કેન્દ્ર અને રાજ્યોમાં કોંગ્રેસની એકચક્રી આણ પ્રવર્તતી હતી ત્યારે વિરોધપક્ષ ન હોવાની ચિંતા ન કરનારા બુદ્ધિજીવીઓ અને કહેવાતા રાજકીય પંડિતોને હવે મોદી-શાહનો અશ્વમેઘ રથ અને તેની ગતિ ખૂંચવા લાગી છે. દેશના 29 રાજ્યોમાંથી હવે 22 પર ભાજપનું શાસન છે તો એમાં વિપક્ષી પાર્ટીઓ જરાય જવાબદાર નથી?
મોદીને અને તેમના રાજકારણને ધ્યાનથી ફોલો કરનારાઓને ખ્યાલ છે જ કે એમણે પોતાની હાજરી દરમ્યાન ગુજરાતને ત્રણ વખત ‘નવિપક્ષી’ કરી હતી. કદાચ મોદીને અંગતરીતે વિપક્ષ ન ગમતો હોય એવું બને પરંતુ એમને ભાવતું ભોજન પીરસવામાં ખુદ વિપક્ષો જ એટલા જવાબદાર છે. 2002થી એ વારંવાર સાબિત થતું આવ્યું છે કે મોદીને તમે જેટલી ગાળો આપશો એ એટલાને એટલા મજબૂત થતા જાય છે. આજે 16 વર્ષ પછી પણ દેશની સૌથી વૃદ્ધ પાર્ટી કે નવી જૂની તમામ પાર્ટીના નેતાઓમાં કે પછી મોદીદ્વેષી પત્રકારોમાં એટલી અક્કલ પણ નથી કે મોદીને એટલીસ્ટ ગાળો આપવાનું બંધ કરવી જોઈએ જેથી એમનું મજબૂત બનવું અટકી જાય.
મોદીને હરાવવા હશે તો ઠગબંધન નહીં પરંતુ ગઠબંધન કરવું પડશે. મોદીના ચાર વર્ષના શાસનમાં હજીસુધી એમના પર કે એમના કોઇપણ મંત્રી પર એક જરા સરખો ડાઘો પડ્યો નથી. આ પરિસ્થિતિમાં કોંગ્રેસને જો 2019માં મોદીને હરાવવાની ઈચ્છા હશે તો પહેલા તો એમનું જાસૂસી તંત્ર મજબૂત કરવું પડશે જેથી મોદી સરકારનું જો કોઈ સ્કેમ હોય તો એ બહાર આવે. જો એ શક્ય નથી કારણકે મોદીનો પ્રભાવ એમના મંત્રીઓ પર જબરદસ્ત છે તો પછી જે લોકોના હાથ સ્કેમ સાથે ખરડાયેલા છે જેમ કે લાલુપ્રસાદ યાદવ, મમતા બેનરજી કે પછી માયાવતી, આ તમામથી પોતાની જાતને અળગી કરીને અને આજની પેઢી જે પ્રકારની સરકાર ઈચ્છે છે એ પ્રકારનો કોઈ એજન્ડા જે ભાજપની નીતિ ને પણ ટક્કર આપતો હોય એ લાવવાની જરૂર છે જે માત્ર પાંચ વર્ષ નહીં પરંતુ પચ્ચીસ વર્ષ બાદના ઇન્ડિયાની કલ્પના કરતો હોય.
પણ ખાટલે મોટી ખોડ એ છે કે કોંગ્રેસ જો ભ્રષ્ટાચારીઓને પોતાના પક્ષથી અળગા કરશે તો પોતે તેનાથી કેવી રીતે બચી શકશે?
eછાપું