ધોરણ દસ અને બારની પરીક્ષા મોસમ ચાલી રહી છે. છોકરા અને છોકરીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે સારા માર્ક્સ લાવીને સારું કેરિયર બનાવવા માટે. પરંતુ સમાજ હંમેશા આવી પરીક્ષાઓ દરમ્યાન પણ છોકરા અને છોકરી વચ્ચે તફાવત કરતો આવ્યો છે. ભલે આ તફાવત ગુણ દસમાની પરીક્ષામાં પૂછાતો નથી પણ આવો તફાવત તમને હંમેશા જોવા મળે છે જેને તમે સતત ઇગ્નોર કરતા હોવ છો કે પછી કરવું પડતું હોય છે. જેમ છાપાવાળાઓ વરસાદના, હોળીના કે પછી ઉત્તરાયણના ફોટો છાપવા દરમ્યાન છોકરાઓ સાથે જાણીજોઈને અન્યાય કરી બેસે છે તેમ દસમા અને બારમાની પરીક્ષા દરમિયાન પણ અન્યાયનો સામનો કરવો પડે છે.

- છોકરો ધોરણ દસ અથવા બારની પરીક્ષાની આગલી રાત્રે વાંચવા બેઠો હોય તો લોકો એને મળવા જાય તો એને બીવડાવે છે કે જો સારા માર્ક્સ નહીં લાવે તો કોઈ સારી નોકરી નહીં આપે અને એની કેરિયર બગડી જશે. “અમારા ફલાણાનો છોકરો પણ દસમામાં 50% જ લાવ્યો હતો અને આજકાલ રખડી ખાય છે બોલો!” જ્યારે છોકરીને ફક્ત એટલું જ કહેવામાં આવે કે “બેટા સરસ પેપર લખજે માતાજીની દયાથી સારા માર્ક્સ જ આવશે”.
- છોકરી જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે એને સવારે “ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ આજે એક્ઝામ છે બેટા ઉઠી જા..” કરીને ઉઠાડાય છે , જ્યારે છોકરા માટે “સાત વાગી ગયા હજુ ઉઘે છે? પરીક્ષા આપવા તારા બાપા જશે?” એવા સુવાક્યોથી સવાર પડે છે.
- છોકરો નાહીને તૈયાર થઇને પાંચ પેપર સુધી ઘણા સંજોગોમાં જ્યાં સુધી વાસ ના મારે ત્યાં સુધી એકજ જીન્સ ટી-શર્ટ પહેરીને પરીક્ષા આપવા જાય છે જ્યારે છોકરીઓને દરેક પેપર વખતે અલગ અલગ કપડા સિલેક્ટ કરવા પડે છે અને સૌથી અઘરું કામ તો છોકરીઓ માટે ડ્રેસ સિલેકશન કર્યા પછી એના મેચીંગ સ્ટેશનરી પાઉંચ સિલેક્ટ કરવું પડે તે છે. છોકરીઓ દસ જુદાજુદા કલરની તો પેનો એ પાઉચમાં ભરે છે, પેન્સિલની કોઈ જરૂર હોય કે નહીં બે ત્રણ પેન્સિલ છોલીને પાઉચમાં મુકે છે. બીજી બાજુ ઘણા છોકરાઓ પરીક્ષા ની આગલી રાત્રે કોઈ ગીફ્ટ કરી ગયું હોય એવી મફતની પેન ખિસ્સામાં નાખીને પરીક્ષા આપવા હાલતી પકડે છે.
- છોકરી પરીક્ષા આપવા જતા પહેલા આજુ બાજુનાં પાડોશી, માતા-પિતા, દાદા દાદી, કાકા કાકી, ભગવાન બધાને પગે લાગે છે. ગાયને રોટલી ખવડાવે છે, એની મમ્મી એને ગોળ કે દહી ખવડાવે છે, માથે કુમકુમનો ચાંલ્લો કરે છે જાણે પરીક્ષા આપવા નહીં પણ કોઈ જંગમાં લડવા છોકરી જઈ રહી હોય! જયારે છોકરો બચારો કોઈને પગે પણ લાગે તો એને આશિર્વાદ એવા મળે છે કે, “તું ખાલી પાસ થાય તોય અમારે તો ઘણું છે.” છોકરીને મુકવા લેવા માટે માતા-પિતા, કાકા-કાકી બધા જાતે જાય છે જયારે છોકરો બચારો સાઈકલ લઈને પરીક્ષા આપવા ઘણીવાર એકલો જાય છે અને મુકવા આવવાનું કહે તો જવાબ મળે છે “આટલો મોટો થઇ ગયો તોય અમારે તને પરીક્ષામાં મુકવા આવવાનો? જાતે જતો રહેજે.”
- છોકરીઓ દસમા કે બારમાની પરીક્ષા સેન્ટર પર પહોચે એટલે ત્યાંના નિરીક્ષકો તેમનું ફૂલ આપીને સ્વાગત કરે છે અને આવા સ્વાગત સમારંભ નાં ફોટા પણ ન્યુઝ પેપર અને ઇલેક્ટ્રોનિક મીડિયા બીજે દિવસે છાપે છે ત્યારે છોકરો વિચારે છે કે સાલું હું પણ પરીક્ષા આપવા આ જ સેન્ટર પર ગયો હતો મારું તો આવું સ્વાગત કોઈએ કર્યું નહતું અને કોઈએ ફોટો પણ પાડ્યો નહતો??
- બીજી બાજુ છોકરો પરીક્ષા સેન્ટર પર પહોચીને IMP દસ સવાલ મળ્યા હતા એમાંથી આઠ જ તૈયાર થઇ શક્યા એનું દુઃખ વ્યક્ત કરતો હોય છે તો બીજી બાજુ છોકરો છોકરી સમાનના નારા સાથે છોકરી પણ એ બાબતે દુખી હોય છે કે એને આખા પરીક્ષાનાં કોર્સનું રીવીઝન ફક્ત છ વાર જ થઇ શક્યું છે.
- છોકરી પરીક્ષામાં લખવાનું ચાલુ કરે એટલે દસ પેન બેંચ પર ગોઠવે, બેંચ હોવા છતાં સાથે લાવેલા રાઈટીગ પેડમાં પુરવણી ભરાવે, કાળીપેનથી ઉપર અને જમણી બાજુ હાશીયો પાડે, જવાબ લખવાના શરૂ કરતા પહેલા પુરવણીમાં ‘જય માતાજી’, ‘શ્રી ગણેશાય નમઃ’ લખે, કોઈ મહત્વનો મુદો હોય તો એની નીચે લીલી પેનથી પાણીનાં વમળો જેવી ડીઝાઈન કરે જ્યારે છોકરો તો એક જ પેન એ પણ ગીફ્ટમાં આવેલી હોય એનાથી દે ઘા એ ઘા જવાબ લખે. છોકરીઓ વધારે પુરવણી માંગીને કાગળનો બગાડ કરે જ્યારે છોકરો માર્ક સામે જોઇને લીટીઓ ભરે.
- છોકરીને કઈ ના આવડતું હોય તો પરીક્ષા સેન્ટરમાં ખાલી છોકરાને ઈશારો કરે તો છોકરો આખી પરીક્ષા દરમ્યાન પુરવણી ઉચી કરીને છોકરીને જવાબ બતાવે છે. જયારે છોકરીઓ સ્વાર્થી હોય છે એમને કઈ આવડતું હોય અને છોકરો પૂછે તો ગણગણાટ કરતા એવો જવાબ આપે કે, “ઘરેથી વાંચીને આવતા હોવ તો? આખું વર્ષ રખડી જ ખાધું લાગે છે.”
- લખાઈ જાય પછી છોકરી બધી પુરવણી ભેગી કરીને પરિકરથી મસ્ત કાણું પાડીને આપેલી દોરીથી એને બાંધે, ઘણી વાર તો ફૂલ જેવી ડબલ નોટથી પણ દોરી બાંધે જ્યારે છોકરો જે પેન લખવા લાવ્યો હોય એ જ પેનથી કાણા પાડીને જેમ તેમ બાંધીને ખેચી ચેક કરી લે કે ગાંઠ ખુલતી તો નથી જતી ને.
આમ ધોરણ દસ અને બારની પરીક્ષામાં છોકરા સમાજ સાથે થતો આવેલો અન્યાય કોઈએ વર્ણવ્યો નથી. આ સત્ય હકીકતને અમે તો ખાલી વાંચા આપી છે. તો પરીક્ષામાં ના આવડતું હોય એમ આખો લેખ વાંચીને માથામાં પેન્સિલ કે પેન નાખીને ખંજવાળવાની જગ્યાએ વાંચતા રહો eછાપું .
અજ્ઞાન ગંગા:
ટ્યુશન ક્લાસની જાહેરાતમાં પણ અમારા ક્લાસીસનું ગૌરવ કરીને છોકરીઓનાં સારા ફોટા છાપેલા હોય છે જ્યારે બચારા છોકરાઓનાં ફોટા તો આધારકાર્ડ પરથી લઈને છાપી દીધેલા હોય છે.
eછાપું
તમને ગમશે: મેઇક ઇન ઈન્ડિયાને મળ્યું બળ; શાયોમી ભારતમાં ત્રીજો પ્લાન્ટ શરુ કરશે
તમે મારા સમયના બોર્ડની યાદ તાજી કરવી દીધી…
આભાર ભાઈ અમે પણ આવું જ કરતા હતા એક છોકરો જ છોકરા નું દુઃખ સમજી શકે છે .