લેનિન સ્ટેચ્યુના ધ્વંસ થવાથી ઘણા છુપા ડાબેરીઓ દરમાંથી બહાર નીકળ્યા

0
450
Photo Courtesy: ndtv.com

ત્રિપુરાનો ભાજપ વિજય માત્ર ઐતિહાસિક જ નહીં પરંતુ પરિવર્તનનો પવન પણ લાવ્યો હોય એવું લાગે છે. આટલા વર્ષો સુધી એટલેકે 25 વર્ષ ગણોને, આપણને ખબર પણ ન હતી કે અહીં લેનિનના પુતળાઓ પણ અસ્તિત્વ ધરાવે છે. ત્રિપુરામાં સામ્યવાદીઓનું શાસન હતું ત્યારે એ લોકોએ પોતાની ભાંગફોડી વિચારધારા ફેલાવવા માટે અને લોકોના માનસ પર પક્કડ જમાવવા એટલી હદ સુધી જતા રહ્યા હતા કે એમણે અનેક સ્થળે લેનિનના પુતળાઓ ઉભા કરી દીધા હતા. પરંતુ હવે ત્રિપુરા બદલાયું છે અને હજી તો ભાજપ સરકારે શપથ પણ લીધા નથી અને ત્રિપુરામાં બે જગ્યાએ બુલડોઝરથી લેનિન ના પૂતળા પાડી નાખવામાં આવ્યા.

Photo Courtesy: ndtv.com

આ ઘટનાની એક સારી અસર એ થઇ કે આપણા દેશમાં છુપાયેલા લેનિન સમર્થકો એટલેકે ડાબેરીઓ પોતાના દરમાંથી અચાનક જ બહાર આવી ગયા, વિરોધ વ્યક્ત કરવા જ સ્તો! ડાબેરીઓ અમસ્તાય કોઈ મજબૂત કારણ સાથે દલીલ નથી કરી શકતા અને અહીં તો લેનિન જે દેશના નેતા હતા ત્યાં પણ એમના પુતળાઓને વિદાય આપી દેવામાં આવી છે તો અહીં એ કયા મુદ્દે એ લોકો વિરોધ કરે એની અસમંજસમાં તેઓ આવી ગયા હતા. પણ વિરોધ કરવો એટલે કરવો એ ડાબેરી માનસિકતા છે અને એને એ લોકો UPA-I ના ટેકેદાર હોવા છતાં તેનો સતત વિરોધ કરીને મનમોહનસિંહને સતત પરેશાન કરતા હતા એ આપણે ભૂલ્યા નથી.

જ્યારે એવું લાગ્યું કે દેશના નાગરિકો એમની જેમ લેનિનને પ્રેમ નથી કરતા એટલે ભગતસિંહને વચ્ચે લઇ આવ્યા અને ભગતસિંહે લેનિન વિષે શું કહ્યું હતું એ ક્વોટસ સોશિયલ મિડિયામાં ફેરવવા માંડ્યા. પણ ભગતસિંહ અને આજના ડાબેરીઓ વચ્ચે તાત્વિક ફરક એટલો છે કે ભગતસિંહ ભલે ડાબેરી વિચારધારામાં માનતા હતા પણ તેઓ ભારતને ભારોભાર પ્રેમ કરતા હતા, જ્યારે આ ક્વોટસ ફેરવતા નકસલવાદીઓ (જે ડાબેરી વિચારધારાનું જ સંતાન છે) તેના સમર્થકોમાં દેશપ્રેમનો છાંટો પણ નથી.

આ શહેરી નક્સલવાદીઓ એવું ભરાવવાની કોશિશ કરી રહ્યા હતા કે ભગતસિંહ પણ લેનિનથી પ્રેરણા મેળવતા હતા અને આજે એ જ લેનિનનું પૂતળું ભારતમાં તોડી પાડવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો આ ડાબેરીઓ ઈમોશનલ અત્યાચાર કરવા લાગ્યા હતા. પણ જો ભગતસિંહને લેનિન એટલાજ પ્રિય હતા તો ત્રિપુરા, કેરળ કે પછી પશ્ચિમ બંગાળમાં જ્યાં સુધી એમનું શાસન હતું ત્યાં સુધી એમણે ભગતસિંહના કેટલા પુતળા ઉભા કર્યા એનો હિસાબ એમણે આપવો જોઈએ કે નહીં? કદાચ આમના માટે સાથી કોમરેડ્સ દ્વારા કેરળમાં, ત્રિપુરામાં અને અન્ય જગ્યાઓએ RSS અને ભાજપના કાર્યકર્તાઓની થયેલી નિર્મમ હત્યાઓ કરતા પણ પોતાના આદ્યપુરુષ લેનિનનું પુતળું વધારે મહત્ત્વ ધરાવે છે.

આગળ કહ્યું એમ ભગતસિંહ દેશપ્રેમથી છલોછલ હતા તો એમને છેક આજે યાદ કરનારા આ જ ડાબેરીઓ JNUમાં ‘ભારત તેરે ટુકડે હોંગે’ ગેંગને સમર્થન આપવા માટે કેમ દોડી ગયા હતા? અને આજે પણ એ ગેંગને સીધું સમર્થન કેમ આપી રહ્યા છે?

ઘણા ડાબેરી વિચારસરણી ધરાવતા લોકો એમ કહીને રડવા લાગ્યા કે કાલ સવારે દુનિયામાં ગાંધીજીના પુતળા અને દેશમાં ડાબેરીઓ દ્વારા સ્વામી વિવેકાનંદના પૂતળા તોડવામાં આવશે તો? હવે ગાંધીજી અને સ્વામી વિવેકાનંદ વચ્ચેની સરખામણી કરનારાઓનો IQ કેટલો હોય એ આપણે મનમાં જ સમજી જઈએ તો જ સારું. આમને તો માફ જ કરી દેવા સારા બરોબરને?

લેનિન માત્ર એક રાજનેતા જ ન હતા, એ એક વિચારધારા હતા અને એ વિચારધારા છે સામ્યવાદની. જે રશિયામાં એમણે ક્રાંતિ કરી અને સામ્યવાદી શાસન સ્થાપ્યું ત્યાંજ અમુક દાયકા બાદ પ્રજાએ કંટાળીને એને ફેંકી દીધું અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં એક પછી એક સામ્યવાદી શાસનનો અંત આવવા લાગ્યો અને હવે ગણ્યાગાંઠ્યા દેશોમાં જ તે મરવાના વાંકે જીવી રહ્યો છે. આપણે ત્યાં સામ્યવાદ એ વિચારધારા નથી પરંતુ ફેશન બનીને રહી ગયો છે.

પોતે સામ્યવાદમાં માને છે એમ કહીને ડોક ઉંચી રાખતા કેટલાક બુદ્ધિજીવીઓ અને પત્રકારો કે પછી લેખકોના અંગત જીવનમાં ડોકિયું કરીએ તો તેમાં મૂડીવાદથી વિશેષ કશુંજ જોવા નથી મળતું. આમ લેનિનનું પુતળું ત્રિપુરાવાસીઓએ તોડી નાખ્યું એ યથાયોગ્ય જ હતું કારણકે ભારતમાં સામ્યવાદ વર્ષો પહેલા જ અવસાન પામ્યો છે.

આપણે એટલુંજ વિચારવું કે જ્યાં જ્યાં પણ સામ્યવાદ શાસનનો અંત આવ્યો છે ત્યાં ત્યાં સૌથી પહેલો ભોગ લેનિન અને સ્ટાલિનના પુતળાઓ જ કેમ બને છે? આ પ્રશ્નનો જવાબ શું હો શકે એ અંગે વિચારો અને જરૂર વિચારો કારણકે એનાથી તમને વિશાળ જ્ઞાન પ્રાપ્ત થશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here