પિયા કા ઘર – જ્યારે ‘પિયાનું ઘર’ નાનકડું હોય ત્યારે પ્રેમ કેમ થાય ગોપાલા?

0
407
Photo Courtesy: thehindu.com

એક સમયે મુંબઈના નવદંપતીઓની જે સમસ્યા હતી અને જેને પિયા કા ઘર ફિલ્મમાં સુપેરે દર્શાવવામાં આવી હતી તે સમસ્યા હવે લગભગ દેશના તમામ નાના મોટા શહેરોમાં જોવા મળે છે. એક નાનકડા ઘરમાં, અરે એક જ રૂમમાં જ્યારે પરણ્યા પછી નવા બનેલા કપલ્સને રહેવું પડે છે ત્યારે તેમને માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક ત્રાસમાંથી પણ પસાર થવું પડતું હોય છે. આ ફિલ્મમાં વર્ષો અગાઉ આ સમસ્યા પર ખુબજ સરળતાથી સમજણ આપવામાં આવી હતી અને આપણી બોલિસોફીમાં આજે પિયા કા ઘર ફિલ્મમાં આપવામાં આવેલો સંદેશ જ વિષય બનીને આવ્યો છે.

માલતી અને રામના લગ્ન થાય છે. નાનકડા ગામમાં રહેતી માલતીને પરણીને મુંબઈ જેવા મોટા શહેરમાં આવવાનો ઉમંગ જ જબરદસ્ત હોય તે સ્વાભાવિક છે. તે પોતાના પિયા કા ઘર ને કેવી રીતે સાચવશે એનો કેવો શણગાર કરશે એવો ઉત્સાહ પણ ખુબ હોય છે. પરંતુ આ ઉમંગ અને ઉત્સાહ લગ્ન કરીને પોતાના પિયા એટલેકે રામને ઘેર પહોંચીને જ ઠરીને ઠીકરું થઇ જાય છે કારણકે રામનું કુટુંબ ખુબ મોટું છે. આ વિશાળ અને સંયુક્ત કુટુંબમાં સાસુ સસરા ઉપરાંત એક જેઠ-જેઠાણી અને નાના દિયર અને નણંદ પણ હોય છે. માલતીને કદાચ સંયુક્ત કુટુંબમાં આવવાનો જરાય વાંધો ન હતો પરંતુ આ વિશાળ કુટુંબ મુંબઈની ચાલીમાં ગણીને દોઢ રૂમના ઘર માં રહેતું હતું. એમાં જે પાર્ટીશનવાળો રૂમ હતો જ્યાં અંગત ક્ષણો માણી શકાય એના પર જેઠ-જેઠાણીનો કબ્જો જામી ચૂક્યો હતો. હવે આવામાં માલતી અને રામ એકબીજાને પ્રેમ તો શું પ્રેમની વાતો પણ કરી શકે તેવી કોઈજ શક્યતાઓ ન હતી.

રામને પણ આ અંગે ખુબ ગુસ્સો અને દુઃખ હતું કે તેને નાનકડા ઘર ને કારણે માલતી સાથે સમય ગાળવા નથી મળી રહ્યો. અમુક દિવસો બાદ સાસુ અને સસરા રામ અને માલતીનું દુઃખ આપોઆપ સમજી જાય છે અને થોડા સમય માટે નાના દીકરા-દીકરીને લઈને ફિલ્મ જોવા જતા રહે છે. પણ ત્યાં જ ઘર મધ્યે માંડમાંડ મળેલા એકાંતનો ભંગ કરવા જાણેકે ટાંપીને જ બેઠો હોય એમ રામનો એક દૂરનો સગો ટપકી પડે છે. પછી રામ એક ઉપાય કરે છે. તે માલતીને લઈને એક દિવસ ખુદ મુંબઈ દર્શને જતો રહે છે અને થોડું ફર્યા પછી એક હોટેલની રૂમ બૂક કરે છે. પણ અહિંયા પણ નસીબ બે ડગલા આગળ હોય છે. આ હોટલ પર ગેરકાયદે એકાંત માણતા કપલ્સને રંગેહાથ પકડી લેવા માટે પોલીસની રેડ પડે છે અને માલતી સાથે રામને અમુક સમય પોલીસ સ્ટેશનની મુલાકાત લેવી પડે છે.

આર્થિકરીતે તંદુરસ્ત એવા પરિવારોમાં સંયુક્ત કુટુંબની પરંપરા હવે તેના અંત તરફ જઈ રહી છે, પરંતુ જ્યારે આ પરંપરા તેના ચરમ પર હતી ત્યારે 1972માં આ ફિલ્મ એટલેકે ‘પિયા કા ઘર’ રિલીઝ થઇ હતી. ફિલ્મની વાર્તા સાથે ઘણા દંપતીઓ એ પોતાની જિંદગીને પણ સરખાવી હતી. આજે જેમ ઉપર જણાવ્યું તેમ નાના શહેરોમાં પણ હવે મોટા ઘર લેવાનું તો દૂર પણ એના ભાડાં પણ પોસાય એવા નથી હોતા. આથી કુટુંબોએ એક રૂમના ઘરમાં પાર્ટીશન અથવાતો ઘણી જગ્યાએતો માત્ર પડદાનું જ અંતર રાખીને રહેવું પડતું હોય છે. આમાં બહોળું કુટુંબ હોય એવું જરૂરી પણ નથી. રાત્રે એક તરફ યુવા કપલ તો બીજી તરફ માતા-પિતા સુતા હોય છે. આવા સંજોગોમાં યુવા પતિ-પત્નીને પ્રેમ કરવાનું તો દૂર પરંતુ પ્રેમના બે મીઠા શબ્દો બોલવાની પણ તકલીફ પડી જતી હોય છે.

લગ્નજીવનની સફળતા માટે આપણે ત્યાં જતું કરવાનું અને એકબીજાની સાથે સંજોગો સાથે સમાધાન કરીને જીવી લેવા જેવી ફિલોસોફીઓ ખુબ કહેવામાં આવી છે પરંતુ કોઇપણ લગ્નજીવનમાં મધુરતા અને ટકાઉપણું લાવવા માટે સેક્સનું પણ એટલુંજ મહત્ત્વ છે એવું આપણે કોઈવાર સોય ઝાટકીને કહ્યું નથી. કેમ? કારણકે સેક્સ એતો બહુ ગંદો વિષય છે, પછી ભલેને આપણું અસ્તિત્વ એને લીધે કેમ ન હોય? ‘પિયા કા ઘર’માં માલતી અને રામ બંનેની એકબીજામાં ખોવાઈ જવાની તલબને વગર કોઈ જાહેરાત કરે ખુબ સુંદર રીતે દેખાડવામાં આવી છે અને આ પ્રકારની તકલીફો નાના ઘરમાં રહેતા કદાચ તમામ કપલ્સને થતી હશે. સેક્સથી માત્ર બે શરીર જ એકાકાર નથી થતા પરંતુ બે આત્માઓ પણ એકબીજામાં ભળી જતા હોય છે. ખાસકરીને જ્યારે નવા લગ્ન થયા હોય ત્યારે. આમ થવાથી પ્રેમ વધે તો છે જ પરંતુ એકબીજાની સતત સંભાળ લેવાની વૃત્તિ પણ વિકાસ પામતી હોય છે.

જો નાનકડા ઘરમાં જેઠ-જેઠાણી પણ રહેતા હોય અને તેમને અલાયદી જગ્યા મળી હોય તો તેમણે પોતે જ્યારે લગ્ન કર્યા હતા ત્યારની પરીસ્થિતિ યાદ કરીને શરૂઆતમાં થોડા દિવસ નવા યુગલને જગ્યા ન કરી આપવી જોઈએ? આ સામાન્ય સમજ છે. પછી શાંતિથી ચર્ચા વિચારણા કરીને એક-એક અઠવાડિયું કે મહિનાનું રોટેશન પણ વિચારી શકાય. જેમ આપણે આગળ ચર્ચા કરી તેમ સેક્સ એ શારીરિક કરતા માનસિક ક્રિયા વધુ છે. એકબીજા પરનો પ્રેમ દેખાડવા માટે તો એ જરૂરી છે જ પરંતુ દિવસ આખો કામ કર્યા પછી ફ્રેશ કરી નાખતી એક્સરસાઈઝ પણ છે. પણ તેના માટે અંગત સ્પેસ મળવી ખુબજરૂરી છે. આટલું જો વિચારી લેવામાં આવે તો ઘણા ‘પિયા કા ઘર’ ટેન્શન મુક્ત થઇ શકે છે.

છેવટે તો જો બધા ખુશ રહેશે તો આખું કુટુંબ પણ ખુશ રહેશે ને? ધ્યાનથી જો આ વિષે વિચારવામાં આવે તો ઘણો ફાયદો થઇ શકે તેમ છે.

eછાપું

૬ માર્ચ, ૨૦૧૮, મંગળવાર

અમદાવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here