સ્ત્રી – એને આ ગમે અને એને કદાચ પેલું ન પણ ગમે!!

5
471
Photo Courtesy: smu.edu.sg

સ્ત્રી કોઈ એક રૂપમાં નથી જન્મ લેતી, તેના ઘણા સ્વરૂપ હોય છે, પ્રેમિકા, માતા, પત્ની ,બહેન, દીકરી, સાસુ….. આ બધા સ્વરૂપમાં તે તેની ભૂમિકા ભજવતા ભજવતા એટલી એકરસ થઇ જાય છે કે તે પોતાના શોખ, ગમતી વસ્તુઓ કે ન ગમતી વસ્તુઓ પર ધ્યાન નથી આપતી – ક્યારેક આળસ, ક્યારેક થાક કે પછી ક્યારેક સમયનો અભાવ.

ઘણા એવા લોકો છે સમાજમાં જેમને એવા સવાલ થાય કે, “સ્ત્રી પાસે બધું જ તો છે પછી તેને બીજું શું જોઈએ?” પણ આવા સવાલ કરનારા જ પોતાની એવી માનસિકતા પુરવાર કરે છે જે સમજવા જ નથી માંગતા કે સ્ત્રીને પણ પોતાના મૂડ હોય છે – ક્યારેક કઈ કર્યા વગર બેસી રહેવાનો મૂડ, ક્યારેક જવાબ ન આપવાનો મૂડ, ક્યારેક તેને ગમતું કરવાનો કે ન કરવાનો મૂડ.

મોટાભાગે સ્ત્રી ને શું ગમતું હોય છે તેના વિષે વાત કરીએ તો કોઇપણ સ્ત્રીને સતત બંધન નથી ગમતું હોતું, પછી તે ઘરનું હોય, પતિનું હોય, સંતાનનું હોય. આ બધું તે કરે છે પણ અંદરખાને સ્ત્રી ઈચ્છતી હોય છે કે તેને પોતાની માટે સમય મળે! તેને સવાલો નથી ગમતા હોતા. તેને ક્યાં ગઈ’તી? અને કેમ વાર લાગી? આ બધા સવાલથી સ્ત્રી હંમેશા અકળાતી હોય છે.

તમને ગમશે: Wi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ

સ્ત્રી ભાવુક છે એટલે તેને ભાવનાત્મક સંબંધો ગમે છે. પણ આજની સ્ત્રી આવા સંબંધોને પોતાના પર હાવી નથી થવા દેતી. તેને લાગણી ગમે છે પણ અમુક હદ સુધી- જો તમે તેને ઓવર પ્રોટેક્શન પૂરું પાડશો તો તેને શરૂઆતમાં ગમશે પણ સમય જતા તે ત્રસ્ત થઇ જશે. સ્ત્રી નાની નાની વાતોથી ખુશ થઇ શકે છે બલ્કે ખુબ આસાનીથી તે ખુશ થઇ જાય છે જો સવારમાં એક પ્રેમ નીતરતું હાસ્ય, કે તેની કોઈ વાતમાં પ્રશંસા કરવામાં આવે.તે સાચી પ્રશંસાથી હંમેશા ખુશ થતી હોય છે.

આજની સ્ત્રીને સિક્યોરીટી કે સેફટીની જરૂર નથી. હા, પણ તમે તેને કહો કે “તારું ધ્યાન રાખવું મને ગમે છે” તો તે ખુશ ચોક્કસ થશે. આમાં “ગમે છે” શબ્દની પર ભાર આપવો, અમુક પતિ “તારું ધ્યાન રાખવું મારી ફરજ છે” તેવી વાત કરશે તો તે તમને એક પતિ તરીકે જ જોશે અને તમારી સામે બીજી ફરજોનો ઢગલો કરી દેશે.!!! તે કોઇપણ બાબતમાં તમારી સલાહ માંગે તો જ આપજો. જો તે ખાલી પોતાની વાત કરતી હોય તો તેને કોઈપણ સલાહ આપ્યા વગર શાંતિથી વાત સંભાળજો. સ્ત્રી હંમેશા પોતાની વાત કહેવા માટે ઉત્સુક હોય છે. તેને કોઈ પોતાની વાત સાંભળે તે ગમતું હોય છે. પણ વાતની વચ્ચે આખી વાત સાંભળ્યા વગર જો તમે સલાહ આપવા લાગશો તો તે ધીમે ધીમે તમને તમારી વાત કહેતી બંધ થઇ જશે.

સ્ત્રી જયારે તૈયાર થતી હોય તો તે હંમેશા એવું ઈચ્છે છે કે તમે તે નોટીસ કરો. તેની નાની નાની બાબતો નોટીસ કરો. જો તમે તેની અંદર રહેલી સુંદરતાના વખાણ કરશો તો તે ઘણી ખુશ થશે. દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે પુરુષ તેની અંદર રહેલી સારી વાતોનું અવલોકન કરે અને તેને જતાવે. તેની પર હક્ક જતાવે તેવા પુરુષ અમુકઅંશે તેને ગમે છે. પણ વધુ પડતો હક્ક ન જતાવવો.

તેને તમારી સાચી જરૂર હોય ત્યારે મદદ કરશો તો તેને હંમેશા ગમશે. તે ક્યારેય પોતાની શારીરક નબળાઈ તમને બતાવશે નહીં. પણ જો તમે સામેથી સમજીને તેની આરોગ્યની કાળજી રાખશો તો તેને ચોક્કસ ગમશે. તેનામાં રસ લેતા પુરુષો તેને કોઇપણ ઉંમરે ગમતા હોય છે. પણ જો તેને સંબંધમાં એવું લાગવા લાગે કે એક પુરુષ તરીકે તમે રસ નથી લેતા કે એક્સપ્રેસ નથી કરતા તો સ્વાભાવિક રીતે પોતાને તમારાથી દુર સમજવા લાગશે.

માણસ માત્રમાં હંમેશા એક બાળક જીવંત હોય છે. સ્ત્રી ને તમે જો લાડ લડાવશો તો તેને ગમશે. તેને પુરુષ દ્વારા થતું અમુક સંબોધનો ગમતા હોય છે, જેમ કે બેટા, દીકું, જાનું….વગેરે…. તમે તેની નજીક હોવ તો પ્રેમથી તેના માથે હાથ મુકશો તો પણ તેને ગમશે.

તે પોતે ખુબ મક્કમ અને મજબુત છે, તેની મક્કમતાના વખાણ તેને હંમેશા ગમે છે. તેની સાથે ચરિત્ર વિશેની ચર્ચા હમેશા સમજી વિચારીને કરવી. તે ક્યારે પર્સનલ થઇ જાય તે તમને પણ ખબર નહિ પડે.

સ્ત્રી હંમેશા તમારા વર્તન ને લાગણી સાથે જોડતી હોય છે. તમારા વર્તનમાં આવેલ ફર્ક તે પોતાના મનમાં હંમેશા નોંધતી હોય છે. તમારા વર્તનમાં આવેલ નેગેટીવ ફરકથી તે હંમેશા અકળાય છે.

પેડમેન ફિલ્મમાં સ્ત્રીઓ માટે કઈ નવું નથી. સેનેટરી પેડ તે વર્ષોથી વાપરતી આવી છે. પણ આ વિષય એક પુરુષ દ્વારા ઉઠાવવામાં આવ્યો તેનાથી તે ખુશ થાય છે. તેની રોજબરોજની મુશ્કેલીઓ, જરૂરિયાતો જો એક પુરુષ સમજશે તો તે સૌથી વધુ ખુશ થશે.

તે ક્યારેય નથી ઈચ્છતી કે તમે ખોટી લાગણીનો દેખાડો કરો..પણ તેની સાથે હોવ ત્યારે તેના જ હોવ અને  તેના કરતા વધારે અગત્યનું કઈ નથી તેવી વાત જો સાચી રીતે જતાવશો તો તેને ગમશે.

સ્ત્રીને  થોડા થોડા સમયે તમારે  વર્તન કે વાણી દ્વારા એહસાસ અપાવવો પડે છે કે તે તમારી માટે અગત્યની છે.

 

eછાપું

5 COMMENTS

  1. ખૂબ જ સચોટ શબ્દો દ્વારા સ્ત્રીની લાગણી વ્યક્ત કરી છે .
    મહિલા દિવસ ની શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here