ફક્ત આજેજ નહીં પરંતુ કાયમ પ્રિય રહેવાની છે આ નારી….

0
794
Photo Courtesy: idiva.com

જેમ વેલેન્ટાઈન્સ ડે નજીક હોય ત્યારે એવા ટોણા સાંભળવા પડતા હોય છે કે પ્રેમ માટે એક દિવસ થોડો હોય? ખરો પ્રેમ તો રોજ વ્યક્ત કરાય. એમ નારી પ્રત્યે પ્રેમ અને સન્માન તો ચોવીસ કલાક અને 365 દિવસ હોવું જોઈએ એના માટે માત્ર ઇન્ટરનેશનલ વિમેન્સ ડે પર એ બધું જતાવીને બાકીના 364 દિવસ એને મહત્ત્વ વિહીન ન કરી નખાય એવા ટોણા પણ આપણે સાંભળતા હોઈએ છીએ.

Photo Courtesy: idiva.com

એકરીતે જોવા જઈએ તો ઈશ્વરના આ સુંદર સર્જનને પ્રેમ કરવા એનું સન્માન કરવા ખરેખર તો 365 દિવસ પણ ઓછા પડે એમ છે. અહીં શ્રેષ્ઠ સર્જનની વાત નથી કરી પરંતુ સુંદર સર્જનની વાત કરી છે, કારણકે જ્યારે શ્રેષ્ઠ શબ્દ આવે છે ત્યારે સ્પર્ધા આવે છે અને જ્યારે સ્પર્ધા આવે છે ત્યારે નારી વિરુદ્ધ નર એવી એક અસુંદર કમ્પેરીઝન પણ ચર્ચામાં આવી જતી હોય છે.

ખરેખર નારી અને નર વચ્ચે કોઈજ સરખામણી ન હોવી જોઈએ એવું આપણે ગાઈવગાડીને કહીએ છીએ પરંતુ આ કમ્પેરીઝન કેમ ન હોવી જોઈએ તેનું સબળ કારણ આપણી પાસે ભાગ્યેજ હોય છે. અંગત મત જાહેર કરું તો ઈશ્વરનું સુંદર સર્જન એટલેકે સ્ત્રી સાથે પુરુષની સરખામણી એટલે ન હોવી જોઈએ કારણકે નારીને ઉપરવાળાએ પુરુષને પૂર્ણ કરવાના હેતુથી આ દુનિયામાં મોકલી છે નહીં કે એની શ્રેષ્ઠતા સાબિત કરવા.

સ્ત્રી વગરતો પુરુષ જન્મી પણ નથી શકતો બીજી વાત બાજુમાં મુકો. અને  જન્મતાવેંત પોતાના અત્યંત નાજુક અંગ સાથે વળગાડીને પોતાનું અમૃત પિવડાવીને નારી નર પર દુનિયામાં આવ્યાની સેંકડોમાં જ પોતાની પ્રેમધારા વરસાવવા લાગે છે. નસીબદાર હશો તો બહેન તરીકે બીજી નારી પણ ઘરમાં હશે. ભાઈ, ભઈલા ભાઈજાન કે બ્રધર નામના નર સાથે બહેન તરીકે જીવતી નારીનો પહેલો અધિકાર એમની સાથે ઝઘડો કરવાનો છે પણ ભઈલાનો મૂડ બરોબર નથી કે ભઈલાને કોઈ ગમી ગઈ છે એની પહેલી ખબર તો બહેનને જ પડે છે.

વધુ નસીબદાર હશો તો નારી તરીકે સખી મળી જશે જે તમને સાચા ખોટાની પરફેક્ટ ઓળખ કરાવી આપશે. તમારા નાનામોટા એચિવમેન્ટ્સને વિશ્વવિક્રમ જેટલું મહત્ત્વ આપશે અને તમે જ્યાં ખોટા હશો ત્યાં તમને વઢી નાખતા પણ અચકાશે નહીં. નારી અને નર વચ્ચેનું સખાપણું સૌથી ચર્ચિત સંબંધ હોવા છતાં સૌથી વધુ સંપૂર્ણ છે, જેટલો કદાચ પત્ની-પતિનો સંબંધ પણ નથી. બે નર વચ્ચેની મિત્રતા કરતા નારી અને નર વચ્ચેની મિત્રતા વધુ મેચ્યોર હોય છે અને જીવનભર ટકતી હોય છે.

હા, હવે આવીએ નર અને નારી વચ્ચેના સૌથી નજીકના સંબંધ પર એટલેકે પત્ની અને પતિનો સંબંધ! પોતાનું ઘર મૂકીને આપણા ઘરને પોતાનું બનાવવા જેટલો ભોગ આપ્યા છતાં સતત પ્રેમવર્ષા તો કદાચ નારી જ કરી શકીએ. આ વાંચતા તમામ નર દ્વારા માત્ર એક જ કલ્પના કરવાની છે અને એ છે માત્ર 24 કલાક સાસરામાં રહ્યા પછી ઘરે ક્યારે જવા મળશે એ ફીલિંગ!

આ આર્ટીકલનો હેતુ ઉપદેશ આપવાનો બિલકુલ નથી કે પછી સલાહ આપવાનો પણ નથી, કહેવું એટલુંજ છે કે આટલા બધા સ્વરૂપે નારી આપણા પણ પ્રેમ વરસાવતી હોય તો પછી એને આપણે ફક્ત વળતો પ્રેમ જ આપવાનો છે અને વિશ્વાસ કરજો જો એને વળતરમાં ધોધમાર પ્રેમ મળશેને, એને બીજું કશુંજ નહીં જોઈએ!

નારી દિવસની તમામ નર ને ખુબ શુભેચ્છાઓ!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here