આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ – મહિલા એ મુઠી ઉંચેરી નહીં પણ સરખે સરખી

0
837
Photo Courtesy: womanatics.com

8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો. દર વર્ષે ઉજવાય છે એની પાછળનો હેતુ નારીના ઉત્કર્ષ માટે સમાજને જાગૃત કરવાનો, સ્ત્રીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવાનો છે. સ્ત્રી સાક્ષરતાનો દર ઊંચો લાવવાનો છે.

Photo Courtesy: womanatics.com

સૌથી પહેલા 1909માં 28 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો હતો. ત્યાર બાદ 8 માર્ચ, 1910માં ન્યૂયોર્કમાં ઇન્ટરનેશનલ વિમેન કોન્ફરન્સ યોજાઈ જેમાં 17 દેશમાંથી 100 મહિલા ભેગી થઈ હતી. એ પછી 8 માર્ચનો દિવસ ઇન્ટરનેશનલ વિમેન્સ-ડે તરીકે ઓળખાયો.

અને મુખ્ય વાત એ કે પશ્ચિમના દેશોમાં જ્યાં મહિલાઓને મતાધિકાર નહોતો અને પુરુષ-સ્ત્રીમાં ભેદભાવ હતો એના વિરોધમાં સ્ત્રીઓએ ચળવળ શરૂ કરી, જેમાં જીત થઈ અને એ નિમિત્તે ઇન્ટરનેશનલ વિમેન્સ-ડેનું સેલિબ્રેશન શરૂ થયું. રશિયામાં તો આ દિવસે રજા જાહેર કરવામાં આવી છે. દરેક જગ્યાએ મહિલાઓને એક સાથે સફળતા નહોતી મળી, પણ લડાઈ ચાલુ રાખવામાં આવી હતી. યુએન તરફથી પછી દર વર્ષે અલગ-અલગ થીમ મુજબ ઇન્ટરનેશનલ વિમેન્સ-ડે ઉજવાતો રહ્યો છે. વર્ષ 2018ની થીમ વુમન ઇન ચેન્જીંગ વર્લ્ડ ઓફ વર્ક છે.

બહુ વર્ષોની તપસાધના પછી હવે સમાજમાં ધીરેધીરે સ્ત્રી પોતાનું સ્થાન બનાવતી ગઈ છે. આજની સ્ત્રીએ અંધકારને ફગાવી દીધો છે. ઘરની ચાર દીવાલોમાંથી બહાર નીકળવાનું પસંદ કર્યું છે અને તો પણ જવાબદારીથી ક્યારેય વિમુખતા નથી કેળવી. હકીકતમાં સ્ત્રી પોતાના અસ્તિત્વને પ્રસ્થાપિત કરવા માટે પોતાની જાત સાથે જ વચનબદ્ધ થઈ છે.

હવેની સ્ત્રી બદલાવ લાવી રહી છે, ઘરથી માંડીને ગગન સુધી ટેકનોલોજી સાથે કામ કરી રહી છે. એક બાજુ આપણે ડિજિટલ રીવોલ્યુશનના જમાનામાં પ્રવેશી રહ્યા છીએ તો બીજી તરફ આપણે સ્ત્રી સશક્તિકરણને વધુ મજબૂત કરી રહ્યા છીએ.

આપણી 2018ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની થીમ પણ વિમેન ઇન ચેન્જીંગ વર્લ્ડ ઓફ વર્ક છે.

બધો  જ બદલાવ શિક્ષણમાં, ઘરકામમાં, વ્યાપાર ક્ષેત્રે, એક પણ ફિલ્ડ બતાવો જેમાં સ્ત્રી ન હોય ! દરેક જગ્યાએ સ્ત્રીએ પગદંડો જમાવ્યો છે.

હમણા જ યોજાયેલી ISSF વર્લ્ડ કપમાં મનુ ભાખેર શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો, નવજીત કોરે એશિયન રેસ્લીંગમાં ગોલ્ડમેડલ જીત્યો,

ક્રિકેટમાં મહિલા ટીમ વર્લ્ડ કપની ફાઈનલ સુધી પહોચી, અરે ત્યાં સુધી કે અવની ચતુર્વેદી નામની આપણી ભારતીય મહિલા ફાઈટર એરક્રાફ્ટ પણ ઉડાવા લાગી છે.

સ્ત્રી ઘર-પરિવાર, સમાજની જવાબદારી સાથે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે. હવેનો આપણો ટાર્ગેટ જેન્ડર ઇક્વાલિટીનો છે.

આપણે પુરુષ નથી બનવું, સ્ત્રી અને પુરુષ બંને સરખા છે જ. જો આપણે તેમના સમકક્ષ સ્વીકારની અપેક્ષા રાખતા હોઈએ તો આપણે તેમનો પણ સ્વીકાર કરવો પડે, આપણે હરિફાઈમાં છીએ જ નહીં, કારણ સમાન છીએ જ છીએ.

હવે સ્ત્રીઓ રોદણા જ રોવે એ માન્યતાને તોડવાનો જમાનો છે નહીં, સ્ત્રી પાણીની જેમ રસ્તો કરતી ગઈ છે અને આગળ વધતી ગઈ છે. શા માટે સ્ત્રી એમ વિચારે કે અમારો સ્વીકાર કરો ? એવું વિચારીને તો આપણે આપણી ઉપર એક સત્તા છે, ઓથોરિટી છે એવું કબૂલ કરીએ છીએ. આપણે તો સરખા છીએ એ આપણે સાબિત કરી ચૂક્યા છીએ.

હા હજી અંતરિયાળ ભાગોમાં, કોઈ ખાસ જ્ઞાતિમાં છાને ખૂણે સ્ત્રીની દશા સો ટકા બદલાવ માંગે છે. આપણે જે સ્ત્રીઓ સમાજમાં સમાનધારો ભોગવી રહી છે તેણે જાગૃતિ સાથે એકજૂથ થઈ આવી મહિલાઓ સુધી છેવાડાના ભાગમાં પહોંચવાની જરૂર છે. ત્યાં પણ વિચારધારાના બીજ તો રોપાઈ ચૂક્યા જ છે કારણ આ મહેનત તો દાયકાઓથી થઈ રહી છે. ઘણી સંસ્થાઓ આ દિશામાં કામ કરી રહી છે. આપણે બસ ત્યાં સુધી નક્કર યોજના સાથે પહોંચવાનું છે.

આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક વાત ખાસ યાદ રાખવાની છે કે ક્રાંતિ લાવવાની છે, વિદ્રોહ નહીં. સમાજનો તાલમેલ જાળવી રાખવાની જવાબદારી પણ આપણી જ છે, સહિયારી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here