ચંદ્રાબાબુ નાયડુ માટે આ નવું નથી પરંતુ નવાઈ પમાડે તેવું જરૂર છે

0
365
Photo Courtesy: deccanchronicle.com

લગભગ એકથી દોઢ મહિનાથી મોદી સરકારમાંથી નીકળી જવાની ધમકી આપી રહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ એ છેવટે પોતાની ધમકી પર ગઈકાલે અમલ કરી જ દીધો. જે કોઇપણ ભારતના રાજકારણને ગઈ સદીના આઠમા દાયકાથી ફોલો કરતા હશે તેમને માટે ચંદ્રાબાબુ નાયડુ દ્વારા ઉઠાવવામાં આવેલું આ પગલું નવું નહીં લાગે પરંતુ નવાઈ પમાડે એવું જરૂર લાગશે. કોઇપણ પક્ષ સાથેનું ગઠબંધન ઉભું કરવું અથવાતો એમાં જોડાવું અને પછી અધવચ્ચે જ તેમાંથી નીકળી જવું એ ચંદ્રાબાબુ નાયડુના સ્વભાવમાં છે.

Photo Courtesy: deccanchronicle.com

1983માં નાયડુએ કોંગ્રેસને અલવિદા કરીને પોતાના સસરા NT રામારાવની પાર્ટી તેલુગુ દેસમમાં જોડાઈ જવાનો નિર્ણય કર્યો હતો. માત્ર છ જ વર્ષમાં તેમણે તેલુગુ દેસમના બહુમતી ધારાસભ્યોને હૈદરાબાદની એક સ્ટાર હોટલમાં પૂરી દઈને પોતાના જ સસરાની સરકાર પાડીને પોતે આંધ્રપ્રદેશની સરકાર બનાવી નાખી હતી. આ સમયે રોજેરોજ દૂરદર્શનના સમાચારમાં હોટલની બહારના દ્રશ્યો જોવાની બધાને આદત પડી ગઈ હતી.

પછી 1998માં ભેળપૂરી જેવા જે યુનાઇટેડ ફ્રન્ટની રચનામાં અમુક વર્ષ અગાઉ ચંદ્રાબાબુ નાયડુ એ મોટી ભૂમિકા ભજવી હતી એ જ યુનાઇટેડ ફ્રન્ટને એમણે અલવિદા કરી દીધી પણ મજાની વાત એ હતી કે એમણે તેના કન્વીનરના પદેથી રાજીનામું આપ્યું ન હતું. પછી નાયડુ સાહેબ વાજપેયી સરકારમાં પણ જોડાયા અને 2004માં એને પણ છોડી દીધી. વળી 2014ની લોકસભા ચૂંટણીઓ અગાઉ ચંદ્રાબાબુ નાયડુ NDAમાં પરત આવ્યા અને હવે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવે એ પહેલા એમણે કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપી દીધું છે.

પરંતુ, આ વખતે પણ ચંદ્રાબાબુ નાયડુએ 1998ની જેમ બેવડી રમત રમી છે. ત્યારે તેમણે યુનાઇટેડ ફ્રન્ટ છોડ્યો હતો પણ કન્વીનર પદેથી રાજીનામું આપ્યું ન હતું, આ વખતે એમણે પોતાનો વાંધો વ્યક્ત કરતા સરકાર છોડી છે પણ NDA નથી છોડ્યું. હવે આવીએ એ મુદ્દા પર જેના લીધે ચંદ્રાબાબુ નાયડુએ મોદી સરકારને રામરામ કર્યા છે.

આપણને ખ્યાલ છે કે આંધ્રપ્રદેશના ભાગલા પડ્યા અને તેમાંથી અલગ તેલંગાણા રાજ્ય બનવાથી આંધ્રપ્રદેશને મોટું આર્થિક નુકશાન થયું છે. કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશની નવી રાજધાની અમરાવતી માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે એ ઉપરાંત આંધ્રપ્રદેશના સર્વાંગી વિકાસ માટે પણ અમુક રકમ ફાળવી હતી. હવે ચંદ્રાબાબુને અચાનક જ દોઢેક મહિના અગાઉ લાગ્યું કે પોતાના રાજ્યને સ્પેશિયલ સ્ટેટ્સ આપીને કેન્દ્ર સરકારે વધારાનું ફંડ આપવું જોઈએ.

ગત UPA સરકારમાં આપણે જોયું હતું કે ઘણાબધા રાજ્યોએ કેન્દ્ર સરકારને સ્પેશિયલ પેકેજ અંગે બ્લેકમેઇલ કરી હતી, પરંતુ આ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મજબૂત બહુમતી ધરાવે છે એટલે એમણે કદાચ નાયડુને મચક આપી નહીં અને નાયડુનું જે કોઇપણ ગણિત હોય એમણે ગઈકાલે સરકાર છોડી દીધી. ઉપર આપણે નાયડુનો ઈતિહાસ જોયો એટલે આપણને ચંદ્રાબાબુ નાયડુ મોદી સરકાર છોડીને ગયા એ કોઈ નવી ઘટના ન લાગે.

પરંતુ નવાઈ એ બાબતની લાગે છે કે જો નાયડુને આંધ્ર માટે સ્પેશિયલ પેકેજ જોઈતુંજ હતું તો તે સરકારમાં રહીને અને બાર્ગેઈન કરીને મેળવી શક્યા હોત કે પછી હવે સરકારમાંથી બહાર આવીને મેળવી શકશે? કોઇપણ સામાન્ય બુદ્ધિ ધરાવતા વ્યક્તિને નવાઈ લાગે એવો નાયડુનો આ નિર્ણય છે. આથી લોકસભાની ચૂંટણીના માત્ર એક વર્ષ પહેલા જ સરકાર છોડી દેવા પાછળ નાયડુનું લોજીક કદાચ એ છે કે આવનારી ચૂંટણીઓ તેઓ એકલા હાથે લડે અને ત્રીજો વિકલ્પ લોકોને આપે.

હવે આવો ત્રીજો વિકલ્પ ચંદ્રાબાબુ નાયડુ અગાઉ પણ ટ્રાય કરી ચૂક્યા છે. આ વખતે એમના ત્રીજા વિકલ્પમાં પ્રાદેશિક પક્ષો એટલેકે તમિલનાડુનું DMK, ઓડિશાની BJD, શિવસેના અને મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ તથા સમાજવાદી પાર્ટી અને/અથવા બહુજન સમાજ પાર્ટી જોડાઈ શકે. પણ શું આ અલગ અલગ અંતિમવાદી વિચારધારાઓ પાર્ટીઓ સાથે નાયડુ જેમનું વિકાસનું વિઝન માત્ર મોદીના વિઝન સાથે મેચ થાય છે, ટ્યુનીંગ બેસાડી શકશે?

કોંગ્રેસ હવે સંકોચાતી જાય છે એટલે કદાચ ત્રીજા વિકલ્પ માટે જો અત્યારે સૌથી સાનુકુળ વાતાવરણ છે તો કોંગ્રેસ એમ સાવ મરણ પથારી પર પણ નથી એટલે કોંગ્રેસના નક્કી મત કાપવામાં ત્રીજો વિકલ્પ કેટલો સફળ થશે એ અત્યારે તો શંકા ઉપજાવે તેવું છે. બીજી તરફ મોદી અને શાહની જોડી હવે છેક ઉત્તરપૂર્વ સુધી વિકસી છે અને મોદીની લોકપ્રિયતા હજીપણ અકબંધ છે આવામાં મોદી સાથે ન રહીને ચંદ્રાબાબુ નાયડુ શું વિચારી રહ્યા છે એ પણ નવાઈ પમાડે તેવું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here