પૂતળા વિનાશનું યુદ્ધ – ધ્વંસ થનારા પૂતળા છે કે ધ્વંસ કરનારા આપણે?

0
532
Photo Courtesy: shiningindianews.com

વર્ષ 2006 માં એક સવારે મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા ‘શિવાજી પાર્ક’માં જોગિંગ અને કસરત કરવા આવેલા અશોક કેળકર નામના એક શખ્સે જોયું કે મીનાતાઈ ઠાકરે (બાલ ઠાકરેના સ્વર્ગસ્થ પત્ની)ના પૂતળા પર કોઈએ કીચડના છાંટા ઉડાડ્યા છે. તરત જ કેળકરે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર જોષીનો સંપર્ક કરી આ વાતની જાણ કરી. જોતજોતામાં (લગભગ સવારે 10 વાગ્યા સુધીમાં) તો મુંબઈમાં શિવસૈનિકોએ બસો સળગાવી, દુકાનો બંધ કરાવી અને સ્વયંભૂ ‘બંધ’ જેવી સ્થિતિ નિર્માણ થયેલી.

Photo Courtesy: shiningindianews.com

સાનફ્રાન્સિસ્કો શહેરના ચાર્લોસવિલેમાં છેલ્લા ઉનાળામાં એક રેલી દ્વારા વેગ ચડ્યા પછી, ત્યાંનું આર્ટ્સ કમિશન એક વિવાદાસ્પદ મૂર્તિને નીચે ઉતારશે. Early Days તરીકે ઓળખાતી પ્રતિમા, એક કેથોલિક મિશનરીના પગલે મૂળ અમેરિકન માણસને બતાવે છે. ક્રિટીક્સે મૂર્તિને જાતિવાદી અને અવિનયી કહી, તે નરસંહારને પ્રોત્સાહન આપે છે, મૂળ અમેરિકનોને હલકી ગુણવત્તાવાળા તરીકે વર્ણવે છે અને અચોક્કસ પ્રથાઓ પર આધાર રાખે છે.

ત્રિપુરામાં ચૂંટણી પરિણામો પછી સોમવારે બેલોનિયામાં 11.5 ફૂટ ઊંચી લેનિનના પૂતળા ને બુલ્ડોઝરથી ઉખાડી નાખવામાં આવ્યું. મંગળવારે પણ રાજ્યમાં લેનિનના એક પૂતળા પર ગુસ્સો ઉતર્યો અને તેને ધ્વસ્ત કરવામાં આવ્યું. તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં મંગળવાર રાતે સમાજ સુધારક અને દ્રવિડ આંદોલનના સંસ્થાપક ઇ.વી. રામાસામી ‘પેરિયાર’ની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું. મેરઠ જિલ્લાના મવાના વિસ્તારમાં મંગળવાર રાતે તોફાની તત્વોએ ભીમરાવ આંબેડકરની મૂર્તિને તોડી નાખી. તેને લઇને સ્થાનિક લોકોએ ઘણીવાર સુધી હોબાળો કર્યો અને મૂર્તિને બદલવાની માંગ કરી. ટૂંક સમયમાં એડમિનિસ્ટ્રેશને નવી મૂર્તિ લગાવડાવી દીધી. કોલકાતાના કાલીઘાટમાં ‘જનસંઘ’ના સંસ્થાપક શ્યામા પ્રસાદની મુખર્જીની મૂર્તિ પર બુધવારે કાળી શાહી લગાવી દીધી. કન્નૂરના થાલીપરમ્બા વિસ્તારમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને કેટલાક અજાણ્યા લોકોએ નુકસાન પહોંચાડ્યું છે. તેમના ચશ્મા તૂટેલા મળ્યા છે. આ બધાં જ બિનજરૂરી કૃત્યોના ફળસ્વરૂપે મુંબઈ અને દિલ્હીમાં ‘એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. દરેક પૂતળાઓની આસપાસ પોલિસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આને કહેવાય – ગાંડાનાં ગામ ન વસે, એ ગામેગામ મળે.

આપણા સમાજસુધારકો, શહીદો, સ્વાતંત્ર્યવીરો, દેશ માટે ફના થનારા અને જીવન સમર્પિત કરનારાઓને આપણે પૂતળા બનાવી આસપાસ લોખંડની કે લાકડાની જાળી/સળિયા લગાવીને એક ચોકઠામાં પૂરી દીધા છે. ગામોગામ જોયેલું હશે કે નિશાળ કે શૌચાલય જેવી જીવનજરૂરી સગવડો નહીં હોય પણ ગામના ચોરે કો’ક નેતા કે સમાજસુધારકનું પૂતળું જરૂર હશે.

કુસુમાગ્રજ (વિષ્ણુ વામન શિરવાડકર) એ મરાઠી ભાષાના ઉત્તમ અને ખ્યાતનામ સાહિત્યકાર હતા. સમાજમાં અંધશ્રદ્ધા અને જાતિવાદને દૂર કરવા તેમણે ઘણાં પ્રયત્નો  કર્યા અને પોતાના લખાણ દ્વારા લોકો સુધી પોતાના વિચારોને પ્રગટ કર્યા. એક એમની વન-ઑફ-ધ-બેસ્ટ કવિતા છે (જેનો ગુજરાતી અનુવાદ જયા મહેતાએ કરેલો છે).

મધરાત વીત્યા પછી, શહેરનાં પાંચ પૂતળાં

એક ચોતરા પર બેઠાં અને આંસુ સારવા લાગ્યાં

જ્યોતિબા બોલ્યા, છેવટે હું થયો ફક્ત માળીનો

શિવાજી રાજા બોલ્યા, હું ફક્ત મરાઠાનો.

આંબેડકર બોલ્યા, હું ફક્ત બૌદ્ધોનો.

ટિળક ઉદ્‍ગાર્યા, હું તો ફ્ક્ત ચિત્પાવન બ્રાહ્મણોનો.

ગાંધીજીએ ગળાનો ડૂમો સંભાળી લીધો અને બોલ્યા,

તોયે તમે નસીબદાર

એક એક જાતજમાત તો તમારી પાછળ છે.

મારી પાછળ તો ફક્ત સરકારી કચેરીની દીવાલો.

***

કેવી મજાની કલ્પના કરી છે. મધરાતનો સમય છે અને નાનકડા ગામના પાંચ પૂતળાઓ એક ચોતરે ભેગા થઈને પોતાની વ્યથા વર્ણવે છે. ‘સત્યશોધક’ સમાજની સ્થાપના કરનાર જ્યોતિબા ફુલે ફક્ત માળીઓના જ થઈને રહી ગયા. દલિતો માટે જેમણે આંદોલન કર્યુ અને ભારતદેશના સંવિધાનના રચયિતા એવા ડૉ. બાબાસાહેબ આંબેડકર ફક્ત બૌદ્ધ ધર્મના જ થઈ ગયા. જેલમાં બેસીને ગીતારહસ્ય લખ્યું અને અંગેજોના હાંજા ગગડાવી દે એવા સાર્વજનિક (એટલે પબ્લિક, કોઈ એક જાતિ માટે નહીં) ગણેશોત્સવની શરૂઆત કરી એવા બાળગંગાધર ટિળક ફક્ત ચિત્પાવન બ્રાહ્મણોના જ! અને મરાઠા સામ્રાજ્યના અપ્રતિમ લડવૈયા છત્રપતિ શિવાજી મહારાજ ફક્ત મરાઠા જમાતના જ પૂજનીય દેવસમાન બની રહ્યા. ત્યારે ગાંધીજી નિઃસાસો નાખીને કહે છે તમે બધા નસીબદાર છો કે એક એક જાતિએ તમને પોતાના કર્યા તો ખરાં! સાચી વાત છે ગાંધીજીને આપણે ટેકન-ફોર-ગ્રાન્ટેડ જ લીધા છે. ભારત દેશની ચલણી નોટ પર બાપુનો ફોટો ન હોત તો ઈતિહાસના પાનાંઓમાં ક્યાંય ગુમ થઈ ગયા હોત! થાલીપરમ્બામાં ગાંધીજીના ચશ્મા તૂટ્યા – આમેય ચશ્માના બેય કાચમાંથી આપણને ‘સ્વચ્છ’ અને ‘ભારત’ બનાવતા આવડતું જ નથી. આજે ચશ્મા તૂટ્યા છે, કાલે આખું પૂતળું તૂટશે!

પૂચ્છ વિનાના મગર જેવી દેખાતી મુંબઈ નગરીમાં જ્યારે અતિશય જગ્યાની તંગી છે એવા વખતે એક લાખ ત્રીસ હજાર સ્ક્વેરમીટરમાં ફેલાયેલું ‘શિવ સ્મારક’ બનાવવામાં આવી રહ્યું છે. આ સ્મારક (!!) નો કુલ અંદાજિત ખર્ચ રૂપિયા 4000 કરોડ થશે! પર્યાવરણવાદીઓ અનુસાર આ સ્મારક અરબી સમુદ્રના જીવંત દરિયાઇ ઇકોસિસ્ટમ અને ઇકોલોજીને ભારે નુકસાન પહોંચાડશે. મુંબઈના મૂળ રહેવાસીઓ ‘કોળી માછીમારો’ના સમુદાયને પણ ડર છે કે તેઓ માછલીઓના મોતને કારણે તેમની આજીવિકા ગુમાવશે.

કોઈ એક સમુદાય કે કોમ કે જાતિ (મરાઠા)ને ખુશ કરવા, બીજી કોમને આવો અન્યાય? સરદાર સરોવરના ડેમ પાસે (સાધુ બેટ પર) અંદાજિત 3000 કરોડ રૂપિયાના ખર્ચે વલ્લભભાઈ પટેલનું ભવ્ય ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ Statue of Unity બની રહ્યું છે. જે જમીન પર એ પૂતળું બની રહ્યું છે ત્યાંના રહેવાસીઓએ ઓલરેડી ગેરકાનૂની જમીન સંપાદન મામલે કેસ કરેલો જ છે. મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં હિંદુ મિલ્સની જગ્યાએ ૪૨૫ કરોડ રૂપિયાના ખર્ચે ડૉ. આંબેડકરનું ‘સ્ટેચ્યુ ઑફ એક્વાલિટી’ Statue of Equality બની રહ્યું છે.

ધર્મ-ધુરંધર હોય, રાજનેતા હોય, અભિનેતા હોય, કુદરત હોય, ઈશ્વર હોય કે કોઈ પણ પ્રકારનો આદર્શ હોય – કોઈને પૂજવું એ માણસનો સ્વભાવ છે. આદર જ્યારે અહોભાવ બને છે ત્યારે આસ્થાની સરવાણી ફૂટે છે. લોકપ્રિયતા જ્યારે સીમા વટાવી દે, આસમાનને આંબે ત્યારે આદરનું રૂપાંતર આરતીપૂજામાં અને પ્રશંસાનું રૂપાંતર પ્રાર્થનામાં થાય છે. આપણા પૂજનીય આદર્શ હોય તો તેની પૂજા એકલામાં આપણા ઘરે પણ થઈ શકે છે. આવા દરેક ચોકમાં ને ચાર-રસ્તે પૂતળાઓ, પ્રતિમાઓ બનાવીને સરકારી ભંડોળનો વ્યય કેટલો વ્યાજબી છે? આ જ ભંડોળ રાજયોના વિકાસમાં વાપરવામાં આવે તો ‘ટોઈલેટ’ અને ‘પૅડમેન’ જેવી ફિલ્મો, ફક્ત ફિલ્મ ન રહેતાં લોકોની સગવડતામાં વધારો કરશે. હજારો ખેડૂતો દર વર્ષે આપઘાત કરે છે. તેમના દુઃખ દર્દને સમજીને એમની મદદ ન થઈ શકે?

અને એથી મહત્ત્વનો આવા પૂતળાઓ પાછળ રહેલો જાતિવાદ, કોમવાદ અને પોલિટિકલ પાર્ટીઓની ‘ડિવાઈડ એન્ડ રુલ’ની નીતિને આપણે ક્યારે સમજશું? સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટના આ જમાનામાં આપણા મગજને કોઈ પ્રોગ્રામ કરી જાય અને આપણે આંધળી દોટ મૂકી એમાં શામિલ થઈ જઈએ તો આપણે ફોરવર્ડ જઈએ છીએ કે બૅકવર્ડ?

બાળપણમાં એક રમત રમાતી, જેમાં કોઈ તમને આવીને ‘સ્ટેચ્યુ’ કહે એટલે તમારે એ જ જગ્યાએ એ જ સ્થિતિમાં સ્થિર થઈ જવાનું. જ્યાં સુધી ‘ઓવર’ ન બોલાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું હલનચલન વર્ધ્ય હોય. બસ એ જ વાત છે, આ પૂતળાઓને-પ્રતિમાઓને-સ્મારકોને ઊભા કરનારા ખરાં ‘સ્ટેચ્યુ’ તો આપણે છીએ. વધુ નુકસાન થાય અને બધુ ‘ઓવર’ થઈ જાય એ પહેલાં પોતે જ સમજી લઈએ.

પડઘોઃ

જયંતીની પાછલી રાતે ચારે બાજુ સૂમસામ થયા પછી

પૂતળા એ

ખંખેરી નાખ્યા શરીર પર ભેગા થયેલા અસંખ્ય નમસ્કાર

અને તે ગણગણ્યું: સદ્‍ભાગ્યે આવતી જયંતી સુધી મારે ફક્ત કાગડા જ સહન કરવા પડશે.

(કુસુમાગ્રજ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here