દેશભરમાં વર્ણવ્યવસ્થા ઘર કરી ગઈ છે. જ્યારે એક મોટો પત્રકાર પણ તમે કેવા? કે પછી તમારી જાત કઈ? એ પૂછવામાં શરમ ન અનુભવતો હોય ત્યારે આપણે કોઈ બીજા પાસે કેવી રીતે આશા રાખી શકીએ? સુધાને ખુબ જ નફરત છે આ પ્રશ્નથી..! જયારે જયારે કોઈ આ સવાલ સુધાને પૂછે છે ત્યારે તેને ખુબ જ ચીડ આવે છે, તે સવાલથી અને તે પૂછનાર વ્યક્તિથી પણ. કારણ કે તે પ્રશ્નથી સુધાના મનમાં રહેલી તે કડવી યાદ તાજી થઈ જાય છે અને નાનપણમાં બનેલી તે ઘટના તેને યાદ આવી જાય છે અને તેના મન પર ઉઝરડા પાડી જાય છે. જાણીએ એ વાત સુધાના જ શબ્દોમાં…

પંદરેક વર્ષ પહેલાની આ વાત છે. મારી ઉમર 8 કે 9 વર્ષની આસપાસ હશે. તાત્કાલિક કઈક કામથી મારા મમ્મીને નજીકના ગામ (આમ તો એ શહેરની અંદર જ હતું પણ અમારા વિસ્તારથી ખાસ્સું દુર હતું એટલે મને ત્યારે તે કોઈ ગામ લાગેલું) જવાનું થયું. ઘરે મારા મમ્મી સિવાય કોઈ બીજું હતું નહીં એટલે મમ્મીએ અમને ત્રણેય ભાઈ-બહેનને સાથે લઈ જવાનું નક્કી કર્યું. હું સૌથી મોટી હતી અને મારાથી નાના બે ભાઈઓ, એક પાંચ વર્ષનો તુષાર અને સૌથી નાનો ભાઈ દોઢ વર્ષનો પારસ હતો. ઘરે કોઈ હતું નહીં અને ત્યાં જવું જરૂરી હતું એટલે અમે રીક્ષામાં જવાનું નક્કી કર્યું.
એમાં થયું એવું કે જ્યાં અમારે જવાનું હતું તે વિસ્તાર મમ્મીએ ક્યારેય જોયો ના હતો એટલે ખોટા સરનામાના કારણે કે પછી જે કોઈ કારણ હોય તે, રિક્ષાવાળા ભાઈએ અમને ખોટી જગ્યાએ ઉતારી મુક્યા. ત્યારે તો આજના જેવી મોબઈલ જેવી કોઈ સુવિધા પણ ના હતી કે તરત જ ફોન કરીને સાચું સરનામું પૂછી શકીએ. ઉતારી મુક્યા પછી બે-ત્રણ વ્યક્તિને પૂછ્યા પછી મમ્મીને ખ્યાલ આવ્યો કે અમારે જ્યાં જવાનું છે તે તો આ જગ્યાથી ઘણું દુર હતું અને હવે બીજી રીક્ષા મળવી પણ મુશ્કેલ હતી એટલે પગપાળા જવાનું નક્કી થયું .
ત્યારે કદાચ ઉનાળાની શરુઆત થઈ ગઈ હશે. કારણ કે તડકો ખુબ જ લાગી રહ્યો હતો અને ચાલી ચાલીને અમે થાકી ગયા હતા. ત્યાં મારો સૌથી નાનો ભાઈ પારસ કે જે દોઢ વર્ષનો હતો તે રડવા લાગ્યો, એને તરસ લાગી હતી. સાચું કહું તો મને અને તુષારને પણ ખુબ તરસ લાગી હતી. આસપાસ કોઈ દુકાન દેખાતી ના હતી કે કોઈ વાહન પણ આવતું દેખાતું ન હતું. મારો ભાઈ પારસ હવે તરસના કારણે ખુબ જોર-જોરથી રડવા લાગ્યો એટલે મમ્મીએ મને સામે દેખાતા એક ઘરમાંથી પાણી લાવવાનું કહ્યું .એટલે હું ત્યાં દોડીને પાણી લેવા ગઈ. ત્યાં કોઈ ભાઈ બેઠા હતા.મે એમની પાસે પાણી માંગ્યું.
થોડી વાર મારી સામે જોઇને એ ભાઈએ મને પૂછ્યું. ’તમે કેવા??’
‘એટલે??!’ મને કઈ ના સમજતા મે પૂછ્યું.
’એટલે તમે નાતે કેવા??’
‘એ શું??’ (ત્યારે મને નાત એટલે શું એ ખબર ના પડતી)
‘તું કોની સાથે આવી છો?’ મે મારા મમ્મી તરફ ઈશારો કર્યો. મને પાણી લાવવામાં મોડું થતા મારા મમ્મી અમારી તરફ આવ્યા.
‘મમ્મી..આ ભાઈ તમે કેવા એમ પૂછે છે?! ભાઈ તમે એ પછી પૂછજોને?? પહેલા મને પાણી આપો. મારા ભાઈને તરસ લાગી છે.’ મે પેલા ભાઈને કહ્યું.
પણ એ ભાઈએ મારી વાત સાંભળી નહીં અને મને જે સવાલ પૂછ્યો હતો એ જ મમ્મીને પૂછ્યો કે ‘તમે કેવા?
હવે તુષાર અને પારસ બને રડતા હતા એટલે મમ્મીએ પેલા ભાઈને શું જવાબ આપ્યો. એ હું જાણી ન શકી પણ એ ભાઈએ અમને પાણી દેવાની સ્પષ્ટ ના પાડી દીધી. મારા મમ્મીની લાખ સમજાવટ અને મારા ભાઈઓ ને રડતા જોઇને પણ તે ભાઈ ટસના મસ ના થયા. એ ભાઈ કદાચ એવું બોલતા હતા કે ‘તમે નીચી જ્ઞાતિના છો એટલે હું તમને પાણી ના આપી શકું. અમે અભડાઈ જઈએ!!’ આટલું સંભાળતા જ મમ્મી અમને ત્રણેય ને લઈને ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયા.
તમને ગમશે: WhatsApp નું નવું વોઈસ મેસેજ ફીચર સારું કે ખરાબ
છેવટે પૂરી એક કલાક ચાલ્યા પછી અમારે સગાને ત્યાં જઈને અમે પાણી પીધું. પણ ત્યારે હું તે ભાઈની વાત ન સમજી શકી કે એ ભાઈએ અમને પાણી કેમ ના આપ્યું? પણ પછીથી મમ્મી ને પૂછતા એમને મને સમજાવ્યું કે તે ભાઈ ઉચી જ્ઞાતિના હતા અને આપણે નીચી જ્ઞાતિના. એટલે તેઓ આપણને પાણી ના આપે. બસ..ત્યાર પછીથી મને નાત અને જ્ઞાતિ એટલે શું એ સારી રીતે સમજાઈ ગયું..
એટલે આ બનાવ પછી સુધાને એ પ્રશ્નથી સખ્ત ચીડ હતી કે માત્ર કોઈ નીચી જાતિનો વ્યક્તિ છે એટલા માટે થઈને તમે કોઈ રડતા બાળકને પાણી પણ ના આપો? શું લોકોને પરેશાન કરવા માટે બનાવી છે આ જાતી વ્યવ્સ્થા? આ આજથી પંદર વર્ષ પહેલાની વાત છે. પણ આજે પણ આ જાતિવ્યવ્સ્થામાં કોઈ ખાસ બદલાવ નથી આવ્યો. હા ક્યાંક ક્યાંક સુધારો જરૂર થયો છે. પણ માત્ર શિક્ષિત લોકોમાં અને મોટા શહેરોમાં જ. આજે પણ નાના શહેરો અને ગામડામાં આ પ્રકારના કિસ્સા બને જ છે.
જ્યાં સુધી આ પ્રશ્ન પૂછાતો બંધ નહીં થાય કે ‘તમે કેવા?’ ત્યાંસુધી આ વ્યવ્સ્થામાં બદલાવ નહીં આવે કારણકે સામાન્ય સવાલોમાં પણ આ સવાલ બહુ જ સામાન્ય છે કે તમે કેવા? પરંતુ આ સામાન્ય સવાલ ઘણી વ્યક્તિઓના આત્મસન્માન પર મોટો ઘા પાડી શકે છે. અભણ કે ઓછા ભણેલા લોકો આ રીતે સવાલ આ રીતે પૂછે છે અને ભણેલા-એજ્યુકેટેડ લોકો બાય કાસ્ટ તમે કેવા ?? એમ પૂછે છે.
આ જાતિ વ્યવ્સ્થામાં ધીરે-ધીરે સુધારો થઈ જશે. પણ સવાલ પૂછવાનો બંધ નહીં થાય કે તમે કેવા? પછી તે ગમે તે અર્થમાં હોય ત્યાંસુધી આ સુધારો પૂર્ણ થયેલો નહીં ગણાય.
આ સવાલ પૂછવાનો બંધ કરવાની શરૂઆત પણ આપણે જ કરવી પડશે..
ભાવિકા વેગડા
eછાપું
?????
Superb ????