પરણેલા પુરુષ માટે પત્ની ની ઈચ્છા એજ સુપ્રિમ કોર્ટનો આદેશ

0
386
Photo Courtesy: dailymail.co.uk

ઈચ્છા મુત્યુ અંગે સુપ્રિમ કોર્ટે ગાઈડલાઈન્સ આપી જે દરેક જગ્યાએ આજે ચર્ચાનો મુદો છે, કે આ વસ્તુ સારી કહેવાય કે ખોટી કહેવાય પણ સુપ્રિમકોર્ટની ગાઈડલાઈન્સ ફક્ત ઈચ્છા મુત્યુ માટે જ છે. જીવન જીવવા અંગે પરણેલા પુરૂષ માટે ફક્તને ફક્ત એક જ ગાઈડલાઈન્સ છે કે તેમણે એમની પત્ની ની ઈચ્છા મુજબ જ જીવવાનું રહેશે. ભલે સુપ્રિમ કોર્ટે આ વાત કીધી ના હોય પણ બધા સમજે છે કે પરણેલા પુરૂષ માટે ફક્ત એક જ ગાઈડલાઇન્સ છે કે તમારે ઘરની સુપ્રિમ કોર્ટ એવી પત્નીનાં ઇશારે જ આખું જીવન જીવવાનું રહેશે.

Photo Courtesy: dailymail.co.uk

તો જો પરણેલા પુરૂષની સુપ્રિમ કોર્ટ એવી પત્ની પતિને જીવન જીવવાની ગાઈડલાઈન્સ આપે તો કેવી હોય? આ કેસનો ચુકાદો કેવો હોય ? પરણેલા પુરૂષ માટે કેસ ઘરની સુપ્રિમ કોર્ટ એવી પત્ની ચલાવે, પત્ની જ વકીલ હોય અને પત્ની જ જજ અને સાક્ષી પણ પત્ની જ હોય. હા હિંદુ પતિઓ માટે અગ્નિ પણ સાક્ષી હોય પણ એ ફક્ત સાત ફેરા ફરવા સુધી, પછી બધું પત્નીની સાક્ષી એ જ હોય છે. તો ઘરની સુપ્રિમ કોર્ટ એવી પત્નીએ પતિ માટે જીવન જીવવાની ગાઈડલાઈન્સ નક્કી કરી છે જે નીચે મુજબ છે.

પરણેલા પુરૂષ માટે જીવન જીવવાની ગાઈડલાઈન્સ. – સુપ્રિમકોર્ટ (પત્ની)

 1. લગ્નનાં દિવસ પુરતા જ પુરૂષને ‘વરરાજા’ તરીકે ઓળખવામાં આવશે બાકી આખી જિંદગી ઘરમાં રાજ તો પત્નીનું જ રહેશે.
 2. સવારે પત્ની મોડા સુધી ઉંઘે તો સુતેલી પત્નીને ઉઠાડવી એ કાયદેસરનો ગુનો ગણાશે. પતિએ પત્નીની ઉઠવાની રાહ જોયા વગર જાતે દૂધની થેલી લઈને દૂધ લેવા જવું પડશે.
 3. શાકમાં મીઠું વધારે લાગે તો ચુપચાપ અથાણાનો ડબ્બો ખોલીને જમી લેવાનું રહેશે. મીઠું વધારે ઓછું અંગેની તકરાર ચાલશે નહીં, સબ્જેક્ટ ટુ પિયર જ્યુરીસ્ડીક્શન.
 4. પત્નીનાં પિયરમાંથી કોઇપણ આવ્યુ હોય, પતિને એ વ્યક્તિ ગમતી હોય કે નહીં એ જોયા વગર પતિએ પત્નીનાં પિયર વાળા જોડે હસતા મોઢે જ વાત કરવાની રહેશે.
 5. બહાર જતા કપડા તમારી પત્નીની પસંદનાં અથવા તો પત્નીને મેચિંગ હોય એવા પહેરવા પડશે એ અંગે તમારી પસંદગી ચાલશે નહીં. તમારી જિંદગીની છેલ્લી પસંદગી એ તમારી પત્ની હતી ત્યાર પછી પરણેલા પુરૂષને પસંદગી કરવાનો કોઈ અધિકાર નથી.
 6. પત્નીને બહાર જમવા ઈચ્છા મુજબ લઇ જવાની રહેશે. બહાર જતી વખતે તમારી બાઈકની પાછલી સીટ પણ સરખી સાફ કરવાની રહેશે, કોના ઘરે પ્રસંગમાં જવું અને કોના ઘરે પ્રસંગમાં ના જવું એ તમામ નિર્ણયોનાં હક્ક પત્ની પાસે રહેશે જેમાં પતિનાં કોઈ વાંધા વચકા ચાલશે નહી.
 7. કામવાળા બહેન/ભાઈને તમારે પણ પત્ની જેટલું જ માન-સન્માન આપવાનું રહેશે. જે દિવસે કામવાળા રજા પર જાય ત્યારે તમારે પણ રસોડામાં વગર આગોતરી નોટીસે રજા ગણવાની રહેશે.
 8. હું કેવી લાગુ છું? આપણે બહાર જઈએ? મારે તમને પૂછવું તો પડેને? આ બધા પ્રશ્નોનાં જવાબ પત્નીની ઈચ્છા મુજબના જ આપવાના રહેશે. આ સવાલોના જવાબમાં ભૂલ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં.
 9. જમવામાં શું બનાવું? આ પ્રશ્નનો ફક્ત જવાબ આપવાનો અધિકાર જ પતિને રહેશે બાકી પત્ની જે બનાવે એ ચુપચાપ જમી લેવાનું રહેશે. પતિ ખાલી ઘરનો વડો છે એવો દેખાડો જ કરવાનો રહેશે પણ નિર્ણયો લેવાની બાબતમાં ઘરની સુપ્રીમ કોર્ટ પત્નીને પૂછ્યા વગર નિર્ણય લઇ શકાશે નહિ.
 10. ઉપરોક્ત તમામ ગાઈડલાઈન્સમાં સુધારો વધારો કરવાનો તમામ હક્ક અધિકાર પત્નીનો અબાધિત રહેશે. ઉપરોક્ત ગાઈડલાઈન્સ પત્નીની ઈચ્છા તેમજ મૂડ મુજબ ગમે ત્યારે સુધારો વધારો કે રદ્દ કરી શકાશે.
 11. આ લેખના લેખક પોતે પણ એક પતિ હોઈ પત્નીની ઈચ્છા વગર આ લેખ લખી શક્યા ના હોત. એમણે પોતાના લેખ એડિટરને મોકલતા પહેલા પત્ની ને વાંચવો પડે છે અને એડિટર પણ કદાચ પત્નીની મંજૂરી વગર તેને eછાપું પર પબ્લિશ નહીં જ કરી શકતા હોય એવું માની લે છે.

અજ્ઞાન ગંગા

ભલે સુપ્રિમ કોર્ટએ ઈચ્છા મુત્યુ આપ્યુ પણ યાદ કરો સાવિત્રી (પત્ની) ની ઈચ્છા વગર તો યમરાજા પણ સત્યવાન (પતિનાં)  પ્રાણ નહતા હરી શક્યા.

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here