સ્નેપચેટ: એરોગન્સ કે પછી આ બૈલ મુજે માર?

0
17104
Photo Courtesy: digiday.com

હમણાં હમણાં ના કૈલી જેનર ના નીચે ના એક ટ્વીટ અને સ્નેપ ઇન્ક એટલેકે સ્નેપચેટ ની પેરન્ટ કંપનીના શેરના ભાવ ગગડવાના ચાલુ થઇ ગયા હતા એ સમાચાર એક જ દિવસે આવ્યા. મીડિયા એ રાબેતા મુજબ ખાય ભીમ અને જાય શકુની ના ન્યાયે આ બન્ને વાતો ને ભેગી કરી દીધી અને સ્નેપચેટ (રાબેતા મુજબ) ફરી એકવાર આ બૈલ મુજે માર કહી ને વિવાદો માં ફસાઈ હતી. (મને કૈલી જેનર કોણ છે એ ખબર નથી, અને મેં સ્નેપચેટ વાપરવાનું તો છોડો કદી એનું પ્લે સ્ટોર પેજ પણ ખોલ્યું નથી, તો શું સમાજ મને સ્વીકારશે? 😉 )

સ્નેપચેટ ને આ પ્રોબ્લેમ શા માટે થઇ રહ્યો છે એ પાછળ એક નાની પણ રસપ્રદ વાર્તા છે. અને આ વાર્તા એના કમ્પિટિટર ફેસબુક અને એની શરૂઆત ની વાર્તા ની જેમ જ અવિશ્વાસ, લોભ અને એરોગન્સ થી ભરેલી છે. અને અત્યારે સ્નેપચેટની જે પરિસ્થિતિ છે એમાં ઇગ્નોરન્સ અને એરોગન્સ નો બહુ મોટો હાથ છે.

સ્નેપચેટ ફેસબુક ની જેમ જ સોશિયલ નેટવર્ક તરીકે શરુ થયું હતું, અને સ્નેપચેટમાં પણ ફેસબુક ની જેમ જ કંપની ના સહ સ્થાપકો વચ્ચે કાનૂની લડાઈ થઇ હતી. ફોન માં મોકલેલા અમુક ફોટા જેની જરૂર 5-10 મિનિટ થી વધારે ન હોય. એવા ફોટા મિત્રો ને મોકલી શકાય અને અમુક સમય પછી જાતે જ ડીલીટ થઇ જાય એ આઈડિયા અત્યારે ઘણી એપ્પ્સમાં જોવા મળે છે. પણ આ આઈડિયાનો પ્રથમ વાર ઉપયોગ કરી એને પોપ્યુલર બનાવવા માં સ્નેપચેટનો ફાળો અગત્ય નો છે. સ્નેપચેટ આઈફોન માં જુલાઈ 2011 માં અને એન્ડ્રોઇડ માં વરસ પછી ઓક્ટોબર 2012 માં આવી હતી, અને એ સમય ની 80% મોબાઈલ એપ્પ્સ ની જેમ સ્નેપચેટ પણ આઈફોનની ડિઝાઇન ને વધારે પ્રાધાન્ય આપતું હતું અને એન્ડ્રોઇડમાં એજ ડિઝાઇન હોય એનો હઠાગ્રહ રાખતું હતું.

Photo Courtesy: digiday.com

એ સમય ના એન્ડ્રોઇડ યુઝર્સે કચડાઈ ગયેલા પ્રજાજનોની જેમ રાબેતા મુજબ કોઈ ફરિયાદ ન કરી અને સ્નેપચેટને એવું લાગ્યું કે બધું બરાબર ચાલે છે. પણ સમય જતા (2016ના અંત સુધીમાં) સ્નેપચેટ એન્ડ્રોઇડમાં એકદમ ધીમેથી અને અવિશ્વસનીય રીતે ચાલતું હતું. અધૂરામાં પૂરું ઘણી બધી મેસેજિંગ એપ્સે સ્નેપચેટના ફીચર્સ પોતાના માં કોપી કરી લીધા હતા અને એ સ્નેપચેટની સરખામણીએ બહુ સારો એક્સપિરિયન્સ આપતા હતા, અને આ બધાના લીધે સ્નેપચેટમાંથી યુઝર્સ બીજી ચેટ એપ્સ પર મુવ થવા લાગ્યા હતા. આ ઉપરાંત સ્નેપ ઇન્ક (સ્નેપચેટની પેરન્ટ કંપની) એ કેમેરા યુક્ત સ્માર્ટ ગોગલ્સ લોન્ચ કર્યા જે દસ સેકન્ડના વિડીયો બનાવી ને સ્નેપચેટ પર મોકલતા હતા. આવા સ્માર્ટ ગોગલ્સ, સ્માર્ટ વોચ વગેરે વેરેબલ ટેક્નોલોજી કહેવાય અને એપ્પલ અને ગૂગલ જેવા મહારથીઓ પણ વેરેબલ ટેક્નોલોજી ના ઉપયોગ અને એની કમર્શિયલ વેલ્યુ સમજી ન શકતા હોય, તો સ્નેપચેટ ક્યાંથી સમજી શકે? અને એટલે લાખોના ખર્ચે અને હજારો ની સંખ્યા માં બનેલા સ્માર્ટ ગોગલ્સ વેચાયા વગરનાં પડ્યા રહ્યા.

અને આ બધી જ ભૂલો ની અસર સ્નેપચેટને 2017 ના શરૂઆત ના મહિનાઓ માં દેખાઈ. સ્નેપ ઇન્ક ને 230 કરોડ ડોલરના ખર્ચ સામે માત્ર 15 કરોડ ડોલર જ આવક થઇ અને આટલી હાઇપ અને માર્કેટિંગ પછી પણ સ્નેપચેટ નુકસાન કરી રહ્યું હતું. ઉપરાંત નજીકના ભૂતકાળમાં સ્નેપચેટના CEOના Poor Countryનાં વિવાદિત વિધાનોના લીધે ભારત અને સ્પેન જેવા મહત્વના માર્કેટમાં સ્નેપચેટની નેગેટિવ ઇમેજ ઉભી થઇ હોવાને લીધે માર્કેટનો સ્નેપચેટ પર થી વિશ્વાસ ઉઠી ગયો હતો. એટલે ગયેલો વિશ્વાસ અને અન્ય પ્લેટફોર્મ પર જઈ ચૂકેલા એન્ડ્રોઇડ યુઝર્સ ને પાછા મેળવવા ગયા નવેમ્બરમાં સ્નેપચેટ દ્વારા એની એન્ડ્રોઇડ એપને નવેસરથી અને વધુ સારી રીતે રી-ડીઝાઈન કરવાનું નક્કી કર્યુ. એ નવી ડિઝાઇન CEO ઈવાન સ્પીગલ ના કહેવા પ્રમાણે ધીમી નહીં હોય અને એપ વાપરવા માં સહેલી પડશે.

પણ થયું એકદમ ઊંધું. નવી એપ્પની જાહેરાત ના એકાદ બે અઠવાડિયા બાદ જ સ્નેપચેટની નવી ડિઝાઇનવાળી અપડેટ રિલીઝ થઇ અને એ પહેલા કરતા ઉપયોગીતાની દ્રષ્ટિએ અઘરી હતી. વ્હોટ્સએપની જેમ જ ફ્રેન્ડ્સનું લિસ્ટ અને સ્ટોરીઝ (જે વ્હોટ્સએપમાં સ્ટેટ્સ તરીકે કોપી થયું છે) નું લિસ્ટ અલગ અલગ જોવા મળતા હતા. અને સ્ટોરીઝમાં ફ્રેન્ડ્સ ની સ્ટોરીઝ અને ફેમસ બ્રાન્ડ્સની સ્ટોરીઝ અલગ અલગ જોવા મળતી હતી. (આ ફીચર સામે સ્નેપચેટ ના યુઝર્સ ને મોટો વાંધો હતો) પણ હવે ફ્રેન્ડ્સનું લિસ્ટ અને સ્ટોરીઝ બંને ભેગા થઇ ગયા છે અને એ લિસ્ટ સુધી પહોંચવાનો રસ્તો પણ બદલાઈ ગયો છે અને બ્રાન્ડ્સ ની સ્ટોરીઝ પહેલા જ્યાંથી ફ્રેન્ડ્સનું લિસ્ટ જોવા મળતું હતું ત્યાંથી દેખાય છે.

પહેલા જે આસાનીથી ફીચર્સ જોવા મળતા હતા એ ફીચર્સ સુધી પહોંચવું પણ અઘરું થઇ રહ્યું છે અને જે ફીચર્સની યુઝર્સને જરૂર પણ નથી એ ફીચર્સ પર વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે. ઉપરાંત ઘણા લોકોને એવું લાગતું હતું કે હમણાં કરેલી જાહેરાત પ્રમાણે આ નવી રી-ડિઝાઇન છે. પણ આ ડિઝાઇન અપડેટ પેલી જાહેરાતના ભાગરૂપે ન હતી અને એક અલગ જ અપડેટ હતી અને આ ડિઝાઇન માત્ર એન્ડ્રોઇડ માં જ નહિ, આઈફોનમાં પણ લાગુ પાડવા માં આવી છે. અને આ રી-ડિઝાઇન સામે લોકોને એટલો બધો વાંધો પડ્યો હતો કે આ અપડેટને રીમુવ કરવા માટે change.org પર મહિના પહેલા એક પિટિશન પણ થઇ હતી અને એ પિટિશન ના સમર્થન માં 12 લાખ યુઝર્સ પણ આવ્યા હતા.

એ પિટિશન ના જવાબ માં 20 તારીખે સ્નેપચેટની ટીમે એવું કહી દીધું હતું કે આ ફીચર અને અપડેટ રીમુવ નહીં થાય. એમણે પોતાની નવી ડિઝાઇન નો બચાવ કરતા એમ પણ કહ્યું હતું કે આ ડિઝાઇન થી તમે તમારા મિત્રો સાથે આસાની થી કનેક્ટ થઇ શકશો અને તમને ગમતી બ્રાન્ડ્સ અને સેલિબ્રિટીઝ અને તમારા મિત્રો બંને સાથે અલગથી ઈન્ટરેક્શન કરી શકશો, આગળ જતા તમે એ લોકો સાથે કઈ રીતે ઈન્ટરેક્શન કરો છો એ પ્રમાણે આ બંને લિસ્ટ એની રીતે એડજસ્ટ થશે અને તમે એ મિત્રો સાથે ઝડપથી અને સારી રીતે કનેક્ટ કરી શકશો અને તમારી ફેવરિટ બ્રાન્ડની નવી આપડેટ પણ આસાનીથી મળી જશે.

સ્નેપચેટનો આ જવાબ ઘણા લોકો એ સ્પષ્ટ ‘ના’ તરીકે ગણ્યો છે અને સ્નેપચેટ ની મુશ્કેલી દૂર જવાના બદલે હજુ વધવા લાગી છે. ઉપરાંત કૈલી જેનર ના ઉપર ના ટ્વીટ ના લીધે સ્નેપચેટ ની આ બૈલ મુજે માર જેવી પરિસ્થિતિ થઇ ગઈ છે. જો કે કૈલી જેનર એ નીચેનો ટ્વીટ કરી ને પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો તો છે. પણ ઘોડા ભાગી ગયા પછી તબેલા ને તાળા દેવાનો શું મતલબ?

સ્નેપચેટ ની (પેલી જાહેરાત કરેલી) રી-ડિઝાઇન હજી આવવાની બાકી છે. આશા રાખીએ કે એ સ્નેપચેટ ના સ્વભાવ થી વિપરીત એક સારી અને ઉપયોગી અપડેટ હોય અને ત્યાં સુધી માં સ્નેપચેટ નો આ શતમુખ વિનિપાત અટક્યો રહે એવી આશા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here