માસિક ધર્મ દરમ્યાન મહિલાઓની સ્વચ્છતા અંગે આપણા દેશમાં ભાગ્યેજ કોઈ કાળજી લેવામાં આવે છે. શહેરોમાં આ અંગે જાગૃતિ જરૂર છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગની મહિલાઓ એવી છે જેમણે સેનેટરી નેપકિન્સ એટલે શું અથવાતો તેનું નામ સુદ્ધાં સાંભળ્યું નથી. તો બીજી તરફ શહેરોમાં પણ એવી મહિલાઓ છે જે સેનેટરી નેપકિન્સનો ઉપયોગ તો કરવા માંગે છે પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ એવી નથી કે તેઓ આ નેપકિન્સનો વપરાશ કરી શકે.

આમ, ગ્રામીણ અને શહેરી મહિલાઓની બે જુદીજુદી તકલીફોને ધ્યાનમાં લઈને ભારત સરકારે પોતે બાયોડીગ્રેડેબલ સેનેટરી નેપકિન્સ વેંચવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય પેટ્રોકેમિકલ્સ અને રસાયણ મંત્રી અનંત કુમારે આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વસંધ્યાએ આ સેનેટરી નેપકિન્સ વિષે માહિતી અપાતા તેને લોન્ચ કર્યા હતા. આ સેનેટરી પેડ્સ દેશભરના ગામડાઓમાં તેમજ શહેરોમાં ફેલાયેલા લગભગ 3,200 થી પણ વધુ પ્રધાનમંત્રી ભારતીય જનૌષધી પરિયોજના કેન્દ્રો પર 28 મે સુધીમાં ઉપલબ્ધ થઇ જશે.
તમને ગમશે: સોશિયલ મીડિયા અને ચૂંટણી કોણ શું કરે છે?
સ્ત્રીઓની સ્વચ્છતા હેતુ તો આ સેનેટરી નેપકિન્સ કામમાં આવવાના જ છે પરંતુ સરકારે એ બાબતનું પણ ધ્યાન રાખ્યું છે કે મહિલાઓને આ સ્વચ્છતા માટે વધુ પડતો ખર્ચ ન કરવો પડે. આ માટે સરકારે દરેક બાયોડીગ્રેડેબલ સેનેટરી પેડ માત્ર રૂ. 2.50 ના દરે વેંચવાનું પણ નક્કી કર્યું છે. દસ રૂપિયાના પેકમાં કુલ ચાર સેનેટરી પેડ્સ મહિલાઓ એકસાથે ખરીદી શકશે.
જો અત્યારે બજારમાં મળતા સેનેટરી પેડ્સની વાત કરીએ તો અત્યારે તેનો ભાવ રૂ. 8 જેટલો છે અને તેનું એક પેક રૂ. 32 જેટલું થવા જાય છે. સ્વાભાવિકપણે ગરીબ મહિલાઓ જે માસિક ધર્મ પાળતી વખતે સ્વચ્છતાનું મહત્ત્વ સમજતી હોવા છતાં સેનેટરી પેડ્સની વધારે પડતી કિંમતને લીધે તેનો વપરાશ ટાળતી હોય છે. હવે આ પ્રકારની મહિલાઓ માટે પણ સસ્તાદરે કેન્દ્ર તરફથી સેનેટરી પેડ્સ મળી રહેશે.
મંત્રી અનંત કુમારે જો કે સ્પષ્ટતા કરી હતી કે બજારમાં જે સેનેટરી પેડ્સ મળી રહ્યા છે તે નોન-બાયોડીગ્રેડેબલ છે જ્યારે સરકાર તરફથી બાયોડીગ્રેડેબલ પેડ્સ વેંચવામાં આવનાર છે.

નેશનલ ફેમિલી હેલ્થ સરવે 2015-16 અનુસાર 15 થી 24 વર્ષ વચ્ચેની મહિલાઓમાંથી 58 સ્થાનિક રીતે બનાવવામાં આવેલા સેનેટરી પેડ્સનો વપરાશ કરતી હોય છે, જે સંપૂર્ણપણે સ્વચ્છતાની ગેરંટી આપી શકતા નથી. આ કારણોસરજ સરકાર હવે ખુદ મેદાનમાં આવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્ય કે દેશના દરેક વ્યક્તિને ગુણવત્તાસભર આરોગ્ય પોષણક્ષમ કિંમતે મળી રહે તેને પૂરું કરવા માટે તે હવે રાહત દરે સેનેટરી નેપકિન્સનું વેચાણ કરશે.
eછાપું