ડ્રાઈવિંગ કરતી વખતે તમારો એટીટ્યુડ છોડો અને જીવન બચાવો

0
15375
Photo Courtesy: allianz.com

2 પૈડાં થી લઇ ને લગભગ 66 પૈડાં સુધી, 40 હજારની બાઈકથી લઇને કરોડો રૂપિયાની કાર, ટ્રક, બસ  સુધી તમામ કેટેગરીના વાહનો આપણી સમક્ષ દોડતા નજર આવે છે. ગુજરાતના એકમાત્ર એક્સપ્રેસ હાઇવે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આપણે બધા ડ્રાઈવિંગ કરતા હોઈએ છીએ, શું આપણે મહત્તમ ઝડપના નિયમ નો પાલન કર્યું છે ખરું? ઓવરટેક કર્યા બાદ ફરી ક્યારેય ડાબી સાઈડ આવ્યા? ભારેખમ ટ્રક બીજા ટ્રકને ઓવરટેક કરતી હોય ત્યારે રાહ જોવાને બદલે ડાબી સાઈડ થી 70% લોકો ઓવરટેક કરતા મેં મારી નજરે જોયા છે. કેમ? આપણે એવા કેવા કરોડોના કામ અટકી પડ્યા છે કે 2 મિનિટ રાહ જોવા ને બદલે આપણે આપણું અને સાથે બીજાનું સંપૂર્ણ જીવન જોખમને અર્પણ કરીયે છીએ?

Photo Courtesy: allianz.com

કોઈ પણ સીટીમાં રેડ સિગ્નલ હોય ત્યારે કોઈ ફેરિયા કે ભીખ માંગવાવાળાને આપણે પૈસા આપીએ કે પછી ઇવનપાણી બોટલની ખરીદી કરીએ છીએ પણ એ ગુનો છે તેની કેટલાને ખબર છે? આવો ગુનો કરનારને 100 રૂપિયા દંડનું પ્રાવધાન પણ છે. મોટા શહેરોમાં ટ્રાફિક સિગ્નલ રેડ થાય એટલે ડ્રાઈવિંગ બંધ કરી અને ઝીબ્રા ક્રોસિંગની અંદર પોતાનું વાહન ઉભું રાખવાનું હોય પણ આપણે તો ઝીબ્રા ક્રોસિંગ ની બહારની સાથેસાથે સર્વિસ રોડ પર પણ ઉભા રહીયે છીએ અને હોર્ન તો મારતા જ રહેવાનું. અને હા! 30 સેકેંડથી વધારે સિગ્નલ બંધ હોય તો આપણું વાહન બંધ કરવાની તસ્દી પણ લેવી જોઈએ.

તમને ગમશે: Project Loon દ્વારા પ્યુર્ટો રિકોના એક લાખ અસરગ્રસ્તો સુધી ઈન્ટરનેટ પહોંચ્યું

ડ્રાઈવિંગ માટે સરકારે બનાવેલા સામાન્ય નિયમોનું પાલન કરીયે તો પણ 50% થી વધારે ટ્રાફિક સમસ્યાનો હલ થઇ જાય. બીજું હેલ્મેટ પહેરવા માટે સરકાર કાયદો બનાવે કે ન બનાવે આપણે પહેરવી તો જોઈએજ. એક શહેર થી બીજે જવું હોય તો એક કારમાં એકલા મુસાફરી કરવાને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટને પસંદ કરીએ. ઝડપ પર કાબુ મેળવો ખુબ જરૂરી બન્યું છે, રેસ લગાવી અને પોતાના બીજા કરતા વધારે ઝડપ બતાવવી એ કોઈ મહાન કાર્ય નથી. માર્ગ અને વાહનવ્યવહારના નિયમ બધા માટે સરખા જ લાગુ પડે છે, પછી એ સામાન્ય નાગરિક હોય કે પછી કોઈ સરકારી અમલદાર કે મંત્રી કે પછી કોઈ પણ. કોઈ નિયમમાં દોષ કાઢવા કે પછી આપણે શું? કહી ને જવા દેવું ન જોઈએ.

જોકે ડ્રાઈવિંગ ના અમુક નિયમ તો અચંબિત કરે એવા છે. તમે કારના ગ્લાસ પર કાળી ફિલ્મ ન લગાવી શકો પણ પડદા લગાવી શકો. દરેક કાર, બસ, ટ્રકમાં જમણી સાઈડની હેડલાઇટમાં જમણી સાઈડ માં પીળી પટ્ટી લાગવાની, અરે તમે કઈ મોંઘીદાટ કાર માં પીળી પટ્ટી જોઈ? કોઈ મંત્રીની ગાડીમાં જોઈ? કલેક્ટરની ગાડીમાં જોઈ? અને દરેક વાહનને હેડલાઇટની સાઈઝ અને ડિઝાઇન અલગ અલગ હોય છે તો પટ્ટી મારવી ક્યાં?

આ જ પ્રમાણે દરેક રાજ્યમાં પણ ડ્રાઈવિંગ માટે અલગ નિયમ. રાજસ્થાનમાં હેડલાઇટની વચ્ચે કાળું ટપકું કરવાનું. ભારત એક દેશ છે, એક સંવિધાન છે, તો ટ્રાફિકના નિયમ ધોરણ એક સરખા કેમ નહીં? અરે હા! દરેક શહેરના રીક્ષા ચાલકો કેમ ભૂલાય? શહેરના ભરચક રસ્તાઓ વચ્ચે જાણે ફોર્મ્યુલા રેસની પ્રેક્સિસ કરતા હોય એવું વર્તન આ લોકો ઘણીવાર કરતા હોય છે. સાઈડ સિગ્નલ આપવાના બદલે ટાંટિયો બહાર કાઢે એવું પહેલા ફક્ત અમદાવાદ પૂરતું સીમિત હતું હવે તો લગભગ શહેરો માં આવું જોવા મળે છે. એક વખત મેં રીક્ષા ચાલાક ને કહ્યું, ભાઈ જરા ધીરે ડ્રાઈવિંગ કરો મારે કોઈ ઉતાવળ નથી. તો મને સામે જવાબ મળ્યો: “સાહેબ મને ઉતાવળ છે, બીજા વધારે ફેરા કરવા છે, વધારે રૂપિયા કમાઈ ને છોકરા ને બાઈક લઇ આપવું છે.” મેં કહ્યું ભાઈ આપણે 4 કિમી દૂર જવું છે, 40ની સ્પીડ રાખો કે 60 ની ખાસ ફર્ક નહીં પડે.

પણ અહીં સમજી જાય એ બીજા. યુવા વર્ગ માટે ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી ઝડપ થી ચાલતી સ્પોટ્સ બાઈક જે ગણતરીની સેકંડોમાં 80 થી વધારેની સ્પીડ પકડી લે છે અને સાથે યમદૂત પાસે જ જલ્દી થી પહોંચાડવામાં પણ મદદ કરે છે એવી બાઈકના ઉત્પાદન પર કાપ ન મુકવો જોઈએ? ટ્રકમાં ઓવરલોડ માલ સમાન ભરીને અને ખાનગી ટ્રાવેલ્સની બસ નિયમ ધોરણ નેવે મૂકી ને વધારે પેસેન્જર બેસાડી પૂર ઝડપથી દોડતી હોય છે અને વળાંક પર જયારે ગંભીર અકસ્માત થાય ત્યારે વાંક વળાંકનો? આપણે કરીયે એ પુણ્ય અને બીજા કરે એ પાપ?

અહીં ફક્ત શોભા માટે સીટ બેલ્ટ કે હેલ્મેટ પહેરવા, ઓવરલોડ, ઓવર સ્પીડ, રોન્ગ સાઈડ ઓવરટેક ની વાત નથી; અહીં વાત ફક્ત ડ્રાઈવિંગ સંબંધિત સામાન્ય નિયમના પાલનની છે. આપણા અને બીજા ના જીવન ની છે.

Have a Happy and Safe Drive!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here