વકીલો વિષે આપણા સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે: અનિલ કેલ્લા

0
16995
Photo Courtesy: eChhapu

વકીલો વિષેની આપણી માન્યતા વ્યક્ત કરતા આ શબ્દો છે અમદાવાદ તેમજ ગુજરાતના ખ્યાતનામ અને વરિષ્ઠ વકીલ અનિલ કેલ્લાના. અનિલભાઈએ પિતાની પ્રેરણાથી વકીલાતની શરૂઆત કરી હતી. તેઓ છેલ્લા 35 વર્ષથી વકીલાતના વ્યવસાયમાં છે. 1986માં એક આંદોલન થયું હતું જેમાં બહારના રાજ્યના ચીફ જસ્ટીસ ગુજરાતમાં નિમાતા હતા જ્યારે ગુજરાત રાજ્યના કોઈ હાઈકોર્ટ જજને બહારના રાજ્યમાં નિમણુંકક નહોતી અપાતી. આ અન્યાય વિરુદ્ધ વકીલો આંદોલનના માર્ગે ચાલ્યા હતા અને તેની માટે છ મહિના સુધી ચળવળ ચાલી હતી જેમાં અનિલ કેલ્લાએ અગ્રીમ ભૂમિકા ભજવી હતી.

Photo: eChhapu

ક્રિમીનલ પીનલ કોડની કલમ 107 અને 151 હેઠળ કોઇપણ સમયે શાંતિનો ભંગ થાય તો તેની માટેની  કાર્યવાહીના હક્કો મેજીસ્ટ્રેટને હતા પરંતુ સરકાર દ્વારા આ હક્કો આસિસ્ટન્ટ પોલીસ ને આપવા બાબતે સરકારશ્રી ના આદેશ સામે તેમણે સફળતાપૂર્વક આંદોલન કર્યું હતુ. આ ઉપરાંત અમદાવાદમાં જ્યુડીશીયલ કોમ્પ્લેક્સ ઉભું કરવા માટે તેમણે સતત 3 વર્ષ સુધી જેહમત ઉઠાવી અને તેના માટે અનિલભાઈએ વકીલો તરફથી આંદોલનો કરવા પડ્યા. ન્યાય વ્યવસ્થા સારી મળી રહે તે માટે તેમને રસ્તા રોકો આંદોલન પણ કરવું પડ્યું હતું.

1989ની સાલમાં વકીલો પર વ્યવસાયવેરો લગાવેલો હતો તેના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં આંદોલન થયું. આ સમયે અનિલ કેલ્લાએ કોર્ટની અંદર સુત્રોચાર કરેલા અને તેમાં વકીલોને બે દિવસની જેલની સજા થયેલી હતી. આ 13 વકીલો જેમણે જેલવાસ ભોગવ્યો હતો તેમાં અનિલભાઈ પણ સામેલ હતા. આમ અનિલભાઈના શબ્દો કે સમાજમાં વકીલો વિષે જે એક તરફી માન્યતા પ્રવર્તે છે એ સંપૂર્ણ યોગ્ય છે. અનિલ કેલ્લાના જીવનથી એ સંદેશ મળે છે કે વકીલો પણ સંઘર્ષ કરે છે જેનાથી સમાજને વ્યવસ્થિત ન્યાય મળી શકે.

તમને ગમશે: ઓછી RAM ધરાવતા સ્માર્ટફોન્સ માટે આશિર્વાદ બનીને આવ્યું GMail Go

ગુજરાતની બાર કાઉન્સિલ વિષે અનિલભાઈ અત્યંત ભાવનાત્મક વિચારો ધરાવે છે. અનિલભાઈનું કહેવું છે કે બાર કાઉન્સિલ એ વકીલોની એક માતૃસંસ્થા છે અને તેઓ 18 વર્ષથી આ સંસ્થામાં તેઓ સક્રિય ભાગ ભજવે છે. આ સંસ્થા મુખ્યત્વે વકીલોના હક્કો માટે કામ કરે છે. આ કામગીરીમાં મુખ્યત્વે વકીલોના અવસાન બાદ તેના વારસદારને 2000ની સાલમાં રૂ. 35000ની સહાય મળતી હતી  જે હાલ માં તેમના સક્રિય પ્રયત્નો બાદ અત્યારે સ્વર્ગસ્થ વકીલોના પરિવારને રૂ. 3,00,000 ની સહાય મળતી થઇ છે.

અનિલ કેલ્લાના પ્રયાસોને કારણે સરકાર દ્વારા વકીલોને e-લાયબ્રેરી માટે 2 કરોડની ગ્રાન્ટ મળી હતી જેના થકી અત્યારે નાના નાના તાલુકા અને ગામડાંમાં વકીલો માટે તમામ સુવિધા અને વાંચવા માટે પૂરતા મટીરીયલની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત જો ગુજરાતના વકીલો દેશના કોઇપણ ખૂણે વકીલાત કરવા માંગતા હોય તો તેમણે BCI EXAM પાસ કરવી પડે છે, તો આ પરીક્ષા માટેની દરેક પ્રકારની વાંચનની સામગ્રી વકીલોને મળી રહે તે માટે અનિલભાઈ કેલ્લા સતત પ્રયત્નશીલ રહે છે. એટલુંજ નહીં તેમણે આ પરીક્ષાની ફી માં પણ મોટી રાહત અપાવી છે.

Photo: eChhapu

હાલમાં આવી રહેલી બાર કાઉન્સિલની ચુંટણી વિશે માહિતી આપતા તેઓ કહે છે કે, આ ચૂંટણી 5 વર્ષમાં એકવાર આવે છે અને તેની ખૂબ અગત્યતા હોય છે. બાર કાઉન્સિલના એટલાબધા મતદારો હોય છે કે તેની મત ગણતરી 6 થી 7 દિવસ ચાલતી હોય છે અને તેની મત ગણતરીમાં સ્ટેટેસ્ટીક વિભાગ ના લોકો કામગીરી કરે છે. આ આખી પ્રક્રિયા ખૂબ પારદર્શક હોય છે.

અનિલ કેલ્લા સામાન્ય માણસને બાર કાઉન્સિલ સાથે સાંકળતા કહે છે કે સરકાર અમુક વખતે  કાયદાને ધ્યાનમાં રાખીને દંડનાત્મક પગલા લેતી હોય છે જેમાં સામાન્ય નાગરિક તથા જનતાને ભોગ બનવું પડતું હોય છે. એક કાયદા મુજબ સાત વર્ષની સજાના કેસો પોલીસ સ્ટેશન પર જ જામીનપર છુટી જઈ શકે છે  તો તેમાં સામાન્ય નાગરિક વકીલોની સલાહ લઇ શકે તે માટે તેમને મદદરૂપ થવું પડે છે, ક્યારેક સરકાર કોર્ટ ફી વધારી દેતી હોય છે તો તેમાં પણ આ સંસ્થા દ્વારા સરકારનો વિરોધ કરી સામાન્ય માણસ પર બોજો ના વધે તેનું ધ્યાન રાખવું પડે છે.

દેશમાં ચાલી રહેલા લાખો પેન્ડીંગ કેસો વિષે વાત કરતા તેઓ જણાવે છે કે 2015-16માં એકવીસ લાખ કેસો પેન્ડીંગ પડેલા હતા પણ અત્યારે માત્ર ચૌદલાખ કેસો પેન્ડીંગ પડેલા છે. તેઓ માને છે કે અત્યારના કોમ્યુટર યુગમાંમાં એક સીસ્ટમ સરકાર દ્વારા લાવવામાં આવે તો પેન્ડીગ કેસો જલ્દીથી ચાલશે. ક્યારેક જે અધિકારી એ તપાસ કરી હોય તેની ટ્રાન્સફર થઇ જતી હોય છે, ક્યારેક સાક્ષીઓ હાજર નથી હોતા, આવી બાબતોમાં સરકારએ એક વ્યવસ્થિત માળખું બનાવવું પડશે. સમન્સ બજાવાનું અને બીજી કામગીરી માટે જો વ્યવસ્થિત માળખું હશે તો આવા કેસો જલ્દી પુરા થશે.

વકીલાત ઉપરાંત અનિલભાઈ પોતાના સમાજમાં પણ અગ્રગણ્ય રીતે કામગીરી કરે છે અને કેટલાય કુટુંબોને તેમણે કોર્ટમાં જતા અટકાવ્યા છે. આપણા સમાજમાં, જ્યારે કોઈ એક વકીલ એમ કહે કે તેણે કોઈ કુટુંબને જોડ્યું છે ત્યારે તેમને ઘણો આનંદ મળે છે. અનિલભાઈ એવું માને છે કે જ્યારે પણ આવી ઘટના બને ત્યારે ત્યારે મને એમ થાય કે “માનવતા હજી જીવે છે.”

અનિલ કેલ્લાના જ શબ્દોમાં કહીએ તો “લગભગ 50 જેટલા કુટુંબોને  ભેગા કર્યા છે અને તે બધાને સાથે જોઇને મને ખુબ આનંદ થાય છે. આર્થિક રીતે નબળા લોકોનો જયારે કેસ આવે અને તેને અમે ખંતથી ફી ની કોઈ અપેક્ષા વગર લડીએ તો તે અમારા જીવનની યાદગાર ક્ષણોમાંથી એક બની જતી હોય છે.“  વરિષ્ઠ અને જાણીતા વકીલ હોવા છતાં તેઓ પોતાના વ્યસ્ત સમયમાંથી તેમના કુટુંબ માટે સમય કાઢે છે પણ તેઓ સાથે એ પણ ઉમેરે છે કે લગભગ 15 વર્ષ તેમણે જેટલો સમય ફેમીલી ને નથી આપ્યો તેના કરતા વધુ સમય તેમણે વકીલો કેવી રીતે ઉત્કર્ષ પામે તે વિચારને અમલમાં મુકવા માટે ફાળવ્યો છે .

વકીલોની પણ સંખ્યાબંધ મુશ્કેલીઓ છે. શરૂઆતમાં કામ શરુ કરતા વકીલો ને સ્ટાઇપેંડ મળે અને મોટી ઉમરના વકીલોને પેન્શનના લાભો મળે તે અનિલભાઈના મતે અત્યંત જરૂરી છે. ગુજરાતના વકીલો – તાલુકા લેવલના વકીલો જો હાઇકોર્ટના કામે અમદાવાદ આવે તો તેમને રહેવાની સગવડ સરકાર દ્વારા મળે તેવી કામગીરી કરવાની તેમની ઈચ્છા છે. સાથેસાથે નવા વકીલો અંગેના ઘડતરમાં સમાજને અને નાગરિકને મદદરૂપ થાય તેવી કામગીરી કરવાની ઈચ્છા છે.

અનિલ કેલ્લાએ સાલ 2013-14 માં બાર કાઉન્સીલના ચેરમેન તરીકે સેવા આપી છે અને સંખ્યાબંધ સમયે તેઓ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના મેમ્બર તરીકે દિલ્હી પણ ગયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના 50 વર્ષની ઉજવણીનો સમારોહ આયોજીત કર્યો હતો જેમાં દસ હજારવકીલો સામેલ થયા હતા.

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here