રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પોતાના આક્રમક સ્વભાવ માટે જાણીતા છે. ગમેતે સમસ્યા હોય પુતિન ત્વરીત નિર્ણય લેતા ખચકાતા નથી. વ્લાદિમીર પુતિન માટે રશિયાનું હિત કાયમ સર્વોપરી રહેતું હોય છે અને રશિયાને એક ઘસરકો પણ ન પડે તે નિશ્ચિત કરવા તેઓ કોઇપણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે. આવી જ એક ઘટના બની હતી જ્યારે 2014માં રશિયાના સોચીમાં વિન્ટર ઓલિમ્પિક્સનું આયોજન થયું હતું.

આ રમતોના ઉદ્ઘાટન સમારોહના અમુક કલાકો અગાઉજ વ્લાદિમીર પુતિનને સમાચાર મળ્યા હતા કે યુક્રેનથી તુર્કી જનારા એક પેસેન્જર એરક્રાફ્ટમાં એક વ્યક્તિ બોમ્બ સહીત સવાર થયો છે અને તેણે એ એરક્રાફ્ટને હાઈજેક કરી લીધું છે. આ હાઈજેકરની યોજના પ્લેનને સોચીના ઉદ્ઘાટન સમારોહ પર ક્રેશ કરવાની હતી. વ્લાદિમીર પુતિન જે પોતાના નિર્ણયો ત્વરિત લેવા માટે જાણીતા છે તેમણે આ સમચાર મળ્યા કે તરતજ પોતાના સંબંધિત અધિકારીઓને એ પ્લેનને ઉડાડી દેવાનો હુકમ આપી દીધો હતો.
જો કે બાદમાં પુતિનના અધિકારીઓએ કન્ફર્મ કર્યું હતું કે પ્લેન અંગે મળેલી માહિતી ખોટી હતી અને આવું કોઈજ પ્લેન રશિયા તરફ આવી રહ્યું નથી.
વ્લાદિમીર પુતિન ખુદ આ વાત એક ઓનલાઈન ડોક્યુમેન્ટ્રીમાં કરી રહ્યા હોવાનું કરોડો દર્શકો અત્યારસુધીમાં જોઈ ચૂક્યા છે. ફિલ્મમાં જોવા મળેલા એક ઇન્ટરવ્યુમાં વ્લાદિમીર પુતિન કહે છે, “મને મારા ઉચ્ચ અધિકારીઓ તરફથી એવી માહિતી મળી કે યુક્રેનથી ઈસ્તાંબુલ જઈ રહેલા એક પ્લેનનું અપહરણ કરવામાં આવ્યું છે અને અપહરણકારે તેનું લેન્ડિંગ સોચીમાં કરવાનું કહ્યું છે. મેં તેમને કહ્યું કે, “પ્લાન મુજબ કાર્ય કરો.”
આ ‘પ્લાન મુજબનું કાર્ય’ નો મતલબ એટલે સોચી પર જમીન કે અવકાશ કોઇપણ દિશાએથી આવી રહેલી મુસીબતને નષ્ટ કરી દેવાની યોજના જે આ રમતોની સુરક્ષા માટે ખાસ બનાવવામાં આવી હતી. રિપોર્ટર આન્દ્રે કોન્દ્રાશોવના એક રિપોર્ટ અનુસાર તુર્કીનું પેગાસસ એરલાઈન્સનું Boeing 737-800 જે યુક્રેનના ખાર્કીવથી ઈસ્તાંબુલ જઈ રહ્યું હતું અને તેમાં 110 મુસાફરો સવારી કરી રહ્યા હતા તેમાંથી એક મુસાફર પાસે બોમ્બ હતો અને તેણે પાઈલટ્સને પ્લેન સોચીમાં લેન્ડ કરવાનું જણાવ્યું હતું.
વ્લાદિમીર પુતિન દ્વારા ‘યોજના અનુસાર કાર્ય’ પાર પાડવાના હુકમ કરવાની અમુકજ મીનીટો બાદ એ કન્ફર્મ કરવામાં આવ્યું હતું કે અપહરણના સમાચાર ખોટા હતા. વ્લાદિમીર પુતિન અગાઉનો ઓર્ડર આપ્યા બાદ તુરતજ સોચી જવા માટે રવાના થઇ ગયા હતા.
રશિયાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આ ડોક્યુમેન્ટરી ધૂમ મચાવી રહી છે. સ્થાનિક પ્રેસનો દાવો છે કે આ ડોક્યુમેન્ટરીને 18 માર્ચે રશિયામાં થનારી ચૂંટણીઓ અગાઉ એક ખાસ યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે. પ્રમુખપદની આ ચૂંટણીઓમાં વ્લાદિમીર પુતિન જીતી જશે એવી પુરેપુરી સંભાવનાઓ તો છે પરંતુ આ વખતે પુતિનને લોકપ્રિય નેતા એલેક્સી નાવાન્લી તરફથી સારોએવો પડકાર પણ આપવામાં આવી રહ્યો છે.
eછાપું
તમને ગમશે: નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ પર અવેલેબલ આ ચાર હોલિવુડ મુવિઝ ક્યારેય ન જોશો