રાજ્યસભાની ચૂંટણીઓ ગુજરાતમાં સસ્પેન્સ ડ્રામાનો પર્યાય બની ગઈ છે કે શું?

0
711
Photo Courtesy: indiatv.com

ગયે વર્ષે ગુજરાતમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી સમયે જોવા મળેલો જેવો હાઈ ડ્રામા આ વખતે કદાચ નહીં જોવા મળે પરંતુ ઉમેદવારીપત્ર ભરતી વખતે ગઈકાલે જરૂર નાટકના કેટલાક એપિસોડ્સ ભજવાઈ ગયા હતા. કોંગ્રેસે એક દિવસ અગાઉજ અમીબેન (કે એમીબેન?) યાજ્ઞિક અને નારણભાઈ રાઠવાને આ વખતની રાજ્યસભાની ચૂંટણીઓ માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા, પણ ગઈકાલે છેલ્લી ઘડી સુધી નારણભાઈ માટે “નારાયણ નારાયણ” જેવી પરિસ્થિતિ બની ગઈ હતી.

Photo Courtesy: indiatv.com

રાજ્યસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાં આ વખતે આમતો પરિસ્થિતિ એકદમ સરળ અને સરળ છે. આ વખતના વિધાનસભા સમીકરણો એવા બેઠા છે કે ભાજપ અને કોંગ્રેસ બંને બે-બે સભ્યો જ રાજ્યસભામાં મોકલી શકવાના છે. પણ કોંગ્રેસે નારણભાઈ રાઠવાને ઉમેદવાર બનાવતી વખતે અમુક ટેક્નીકલ બાબતોને ધ્યાનમાં નહોતી લીધી અને તેને લીધે હવે આ ચૂંટણી પણ રસપ્રદ બની ગઈ છે. કોંગ્રેસ માટે શું કહીશું? આટલી મોટી અને આટલી જૂની પાર્ટી હોવા છતાં કોઇપણ ઉમેદવારની પસંદગી કરતા અગાઉ તેની પાસે બધાજ ડોક્યુમેન્ટ્સ છે કે નહીં એની આ પક્ષમાં વ્યવસ્થિત તપાસ પણ નહીં થતી હોય?

તમને ગમશે: ભારતની ગ્રામીણ મહિલાઓનો સાથી ઈન્ટરનેટ સાથી કાર્યક્રમ

જાણવા મળ્યા મુજબ ગઈકાલે નારણભાઈ રાઠવાને જે તકલીફ પડી એ એવી હતી કે જ્યારે તેઓ મનમોહનસિંહ સરકારમાં મંત્રી હતા ત્યારે દિલ્હીમાં જે બંગલામાં રહેતા હતા તેનું ‘No Due Certificate’ એમની પાસે ન હતું. આ પ્રકારના તમામ સર્ટીફીકેટો ઉમેદવારોએ કોઇપણ ચૂંટણીના ઉમેદવારીપત્રક ભરતી વખતે જોડવા પડે એ સામાન્ય બાબત છે. પણ આ તો કોંગ્રેસ છે, આદિવાસી મતોને અંકે કરવાની લ્હાયમાં આવી ટેક્નીકલ બાબત ભૂલી ગઈ હોય એવું જરૂરથી બની શકે.

ગઈકાલે અમીબેને તો સમયસર રાજ્યસભાની પોતાની ઉમેદવારી કરી દીધી (અહીં પણ કોંગ્રેસનો આંતરિક વિરોધ તો  હતોજ) પણ નારણભાઈને બપોરે ત્રણ વાગ્યાની ડેડલાઇનના માત્ર અડધા કલાક પહેલા સુધી રાહ જોવી પડી. આટલુંજ નહીં કોંગ્રેસની રાજ્યસભામાં ક્યાંક એક સીટ ઓછી ન થઇ જાય એટલે રાજીવ શુક્લાને દિલ્હીથી ગાંધીનગર મોકલવાનો પ્લાન પણ અમલમાં મુકાઈ ગયો. પણ હાયરે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ! અહીં રનવે રિપેર થઇ રહ્યો હોવાથી શુક્લા અહીં સમયસર લેન્ડ કરી શકે એમ ન હતા.

ત્યારબાદ કોંગ્રેસે નારણભાઈ રાઠવા સાથે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાના જ નેતા પી કે વાલેરાને ઉમેદવારીપત્ર ભરવાનું કહ્યું. આનો સીધો મતલબ કદાચ એ છે કે કોંગ્રેસ રાઠવાનું પેલું No Due Certificate કાં તો રજૂ કરી શકી નથી, અથવાતો તેને શંકા છે કે કોઈને કોઈ ટેક્નીકલ કારણોસર રાઠવાનું ઉમેદવારીપત્ર રદ્દ થઇ શકે છે. અહીં એ વાત નોંધવા જેવી છે કે વાલેરાને તો આ ચૂંટણી લડવી જ હતી અને તેઓ રાહુલ ગાંધીને મળ્યા પણ ખરા, પણ રાહુલ ગાંધીએ રાઠવા માટે વાલેરાને ના પાડી હતી. પણ છેવટે કોંગ્રેસે વાલેરાનો સહારો લેવો જ પડ્યો.

બીજી તરફ કોંગ્રેસના નારણભાઈ રાઠવાનું ઉમેદવારીપત્ર જો રદ્દ થાય તો પોતાનો ત્રીજો ઉમેદવાર જીતી શકે એવી સંભાવના દેખાતા ભાજપે પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા ઉપરાંત લીમડીના ભૂતપૂર્વ વિધાનસભ્ય અને મંત્રી કિરીટસિંહ રાણાને છેલ્લી ઘડીએ ઉમેદવારી કરવાનું કહી દીધું.

પરંતુ હવે કોંગ્રેસે પણ બેકઅપ પ્લાન તરીકે વાલેરાને અપક્ષ તરીકે ઉભા કર્યા છે એવામાં કોઈ ચમત્કાર થાય તો જ રાણા જીતી જાય એવી કોઈ પરિસ્થિતિ ઉભી થશે. આજે ઉમેદવારીપત્રોની ચકાસણી છે અને આજે પરિસ્થિતિ ક્લિયર થઇ જશે. જો નારણભાઈનું ઉમેદવારીપત્ર રદ્દ નહીં થાય તો કદાચ કોંગ્રેસ વાલેરાને અને ભાજપ રાણાને પોતપોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લેવાનું કહીને બિનજરૂરી ટેન્શન ઉભું નહીં કરે એવું લાગી રહ્યું છે. નહીં તો ફરીથી એજ રિસોર્ટ અને એજ દોડાદોડી આપણને ફરીથી જોવા મળશે.

ગમે તે હોય પણ ગુજરાતમાં રાજ્યસભાની છેલ્લી બે ચૂંટણીઓ કોઈને કોઈ કારણોસર અત્યંત રસપ્રદ બની ગઈ છે. અહમદ પટેલની રાજ્યસભાની ચૂંટણીને પડકારતી અરજી પરની સુનાવણી આજે પણ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે, એવામાં આશા કરીએ કે રાજ્યસભાની આ વખતની ચૂંટણી હવે કોઈ ભદ્દી મજાક બનીને ન રહી જાય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here