નરેશ અગ્રવાલ – રાજ્યસભાની એક સીટ માટે ભાજપે લાખો ટેકેદારોને નિરાશ કર્યા

0
944
Photo Courtesy: indianexpress.com

કલ્યાણસિંહ અને માયાવતીએ જ્યારે ઉત્તર પ્રદેશમાં છ-છ મહિના માટે સરકાર બનાવી હતી ત્યારે તેના કિંગ મેકર તરીકે નરેશ અગ્રવાલ રાષ્ટ્રીય રાજકારણના ફલક પર ઉભર્યા હતા. પછી વિવિધ પાર્ટીઓની એમણે મુસાફરી કરી અને ગઈકાલે નરેશ અગ્રવાલ ભાજપમાં જોડાઈ ગયા. ભાજપે નરેશ અગ્રવાલને પાર્ટીમાં જોડ્યા તેનાથી ઘણાબધા આશ્ચર્યમાં છે પણ પાર્ટીના કટ્ટર ટેકેદારો નિરાશામિશ્રિત રોષ અનુભવી રહ્યા છે.

Photo Courtesy: indianexpress.com

આ રોષનું કારણ છે નરેશ અગ્રવાલે ગયા વર્ષે રાજ્યસભામાં હિંદુઓના તમામ મોટા દેવતાઓને શરાબના વિવિધ પ્રકારો સાથે સાંકળીને અપમાન કર્યું હતું. એ સમયે ભાજપના રાજ્યસભાના સભ્યો ઉછળી ઉછળીને અગ્રવાલને ભાંડી રહ્યા હતા અને આજે એ જ નરેશ અગ્રવાલ જેમણે હિન્દુ ધર્મનું અપમાન કર્યું હતું એ હિન્દુ હિતની વાત કરતી ભારતીય જનતા પક્ષમાં ‘like a boss’ જોડાઈ ગયા છે.

નરેશ અગ્રવાલને ભાજપમાં જોડવા પાછળનું કારણ છે ભાજપને ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા માટે એક એક્સ્ટ્રા સીટ મળી શકવાની સંભાવના. ગયા વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં અકલ્પનીય બહુમતી મળ્યા બાદ ભાજપ રાજ્યસભાની ખાલી પડેલી 10 બેઠકોમાંથી 8 પર પોતાના ઉમેદવારો આસાનીથી જીતાડી શકે એવું ગણિત બેઠું હતું. ભાજપે અગાઉ આ પ્રમાણે જાહેરાત પણ કરી હતી કે તે માત્ર 8 ઉમેદવારો જ ઉભા રાખશે. પરંતુ ગઈકાલે છેક છેલ્લી ઘડીએ નરેશ અગ્રવાલના પુત્ર નિતીન અગ્રવાલ જે અત્યારે સમાજવાદી પાર્ટીના હરદોઇથી વિધાનસભ્ય છે તેને ભાજપે પોતાના નવમા ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા.

હવે પુત્રને ભાજપમાં લઇ આવનાર પિતાને તો ભાજપ ના ન જ પાડી શકેને?

ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભામાં જવા માટે દરેક ઉમેદવારને 37 મતની જરૂર પડે છે. અત્યારે ભાજપની વિધાનસભામાં સ્થિતિ એવી છે કે તેની પાસે 28 મત સ્પેરમાં એટલેકે વધારાના પડ્યા છે. સમાજવાદી પાર્ટીએ આ વખતે નરેશ અગ્રવાલ જેમની રાજ્યસભાની ટર્મ 2 એપ્રિલે પૂર્ણ થાય છે તેમને રિપીટ ન કરતા જયા બચ્ચનને રિપીટ કરવાની જાહેરાત કરી હતી, કારણકે ગણિત અનુસાર તે એકજ ઉમેદવારને રિપીટ કરી શકવાની સ્થિતિમાં છે. પણ સમાજવાદી પાર્ટીએ પોતાના બચેલા 10 મત બહુજન સમાજ પક્ષને ટ્રાન્સફર કરવાનો વાયદો પણ કર્યો હતો.

હવે સ્થિતિ એવી ઉભી થઇ કે નિતીન અગ્રવાલના ભાજપમાં જોડાઈ જવાથી સમાજવાદી પક્ષ પાસે 9 મત બચ્યા છે. 3 અપક્ષ વિધાનસભ્યોએ ભાજપને ટેકો આપવાની જાહેરાત કરી છે. આવામાં કોંગ્રેસના 7 સભ્યો અને બસપાના ખુદના 19 વિધાનસભ્યો પણ તેના ઉમેદવાર ભીમ રાવ આંબેડકરને (હા, આ નામની ખાતરી કરી લીધી છે) મત આપે તો પણ 35 મત થાય એટલેકે જરૂરી 37થી બે ઓછા! કદાચ ભાજપ આ પ્રકારે કોઈ રમત રમી શકે છે એવું માયાવતી પહેલેથી જ કળી ગયા હતા એટલેજ એમણે રાજ્યસભામાં પરત આવવાની પોતાની ખરજ પરાણે દબાવી રાખી હોય એવી શક્યતા નકારી શકાય તેમ નથી.

આ બધામાં મરો ભાજપના કટ્ટર ટેકેદારોનો થયો છે. રાજ્યસભામાં ભાજપ અને તેના સાથી પક્ષો બહુમતીથી હજીપણ ઘણા દૂર છે પરંતુ એક પછી એક રાજ્ય જીતી લેવા બાદ આ ગૃહમાં બહુમતી મળે એવા ઉજળા ચાન્સીઝ ભાજપ પાસે ક્યારેય ન હતા. આમ પોતાના કાયદાઓ સંસદમાંથી આરામથી પસાર કરાવવા માટે ભાજપ માટે એક-એક સીટ મહત્ત્વની બની જાય છે. પણ તેને માટે નરેશ અગ્રવાલ જેવા વ્યક્તિ સાથે તડજોડ કરવી એ ભાજપના સમર્થકને કોઈ કાળે પચે એમ નથી. ગઈકાલ સાંજથી જ સોશિયલ મિડિયા પર ભાજપના સમર્થકોને અન્ય પક્ષોના સમર્થકોના ટોણા સાંભળવા પડી રહ્યા છે.

ભાજપના કેટલાક સમર્થકો માયાવતીને દૂર રાખવા કે પછી ઉપર રાજ્યસભાની બહુમતી વગેરેને કારણ ગણાવીને ભલે નરેશ અગ્રવાલના ભાજપગમનને સમર્થન આપતા હોય પરંતુ જ્યારથી આ જાહેરાત થઇ છે ત્યારથી સોશિયલ મિડીયામાં ભાજપના દિગ્ગજ ટેકેદારો કાં તો ખુલ્લેઆમ અને આકરા શબ્દોમાં પક્ષની ટીકા કરી રહ્યા છે અથવાતો હળવા ટુચકાઓ અને વન લાઈનર્સ દ્વારા વિરોધ કરી રહ્યા છે. કદાચ આ જ ડિફરન્સ છે ભાજપ અને અન્ય પક્ષોના સમર્થકોમાં.

ભાજપના સમર્થકો સમય આવે પક્ષની અને ટોચની નેતાગીરીની આકરામાં આકરી ટીકા કરતા પણ અચકાતા નથી જ્યારે અન્ય પાર્ટીના સમર્થકો આંધળા બનીને પક્ષના સાચાખોટા નિર્ણયો મુંગામોઢે સ્વિકારી લે છે. ટૂંકમાં કહીએ તો રાજ્યસભાની એક સીટ માટે ભાજપે નરેશ અગ્રવાલને પાર્ટીમાં લઈને તેના લાખો ટેકેદારોનું દિલ દુભવ્યું છે અને હવે આ તમામને હિલીંગ ટચ આપવાની તત્કાલિક જરૂરિયાત આવી પડી છે.

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here