નવુંનવું Startup છે? તો આ 5 ખાસ ટિપ્સ ધ્યાનમાં જરૂર લેજો

0
451
Photo Courtesy: csbj.com

ગુજરાતી ફિલ્મ ‘Wrongside રાજુ’ માં હિરો પ્રતિક ગાંધી પોતાના સ્વપ્ન એટલેકે ટ્રાવેલ એજન્સીના બિઝનેસને Startup તરીકે ઓળખાવે છે. બહુ ઓછા વર્ષ પહેલા નવા શરુ થતા બિઝનેસને ‘નવો ધંધો’ કે ‘નવો બિઝનેસ’ કહેવામાં આપણે સંકોચાતા ન હતા. પરંતુ હવે એજ નવા ધંધા થવા બિઝનેસને ‘Startup’ જેવું રૂપાળું નામ આપવામાં આવ્યું છે.

ગમે તે હોય પરંતુ છેવટે Startup પણ એક નવો બિઝનેસ જ છે ને? એટલે ધંધો જ્યારે નવોસવો હોય ત્યારે કેટલાક જોખમો ધ્યાનમાં લઈને ચાલવું અત્યંત જરૂરી બને છે અને આ માટે કેટલીક કુશળ ટિપ્સ મેળવવી પણ એટલીજ જરૂરી છે. આજે અમે તમને તમારા નવા Startup માટે પાંચ અત્યંત મહત્ત્વની ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જેને ધ્યાનમાં લેવાથી તમારા Startupની ગાડી ક્યારેય પાટા પરથી નહીં ઉતરે.

નવા Startup માટે ધ્યાનમાં લેવા જેવી 5 ખાસ બાબતો

Photo Courtesy: csbj.com

ફાઈનાન્સરના આવવાની રાહ ન જુઓ, જાતે શોધો

કોઇપણ Startup માટે મૂડીરોકાણની જરૂર હોય છે. એવું કહેવાય છે કે મૂડી રોકવા માટે તમારા પોતાના સ્ત્રોત જેટલા ઓછા એટલા તમે સફળ બિઝનેસમેન. ન સમજ્યા? જો તમારી પાસે મૂડીરોકાણ માટે નાણા ઓછા હશે તો તમારે કોઈ ફાઈનાન્સર ગોતવો પડશે. આમ કરવાથી તમે કોઈના પૈસા લઈને ધંધો કરી રહ્યા છો એવી ભાવના સતત તમારા મનમાં રમતી રહેશે અને એમ કરતા તમે તમારા કાર્ય પર વધુ ફોક્સ રાખી શકશો અને સરવાળે તમે સફળ થઇ શકશો. પરંતુ ફાઈનાન્સર એમ રસ્તામાં તો નથી પડ્યા? કે પછી કોઈ એવો ફાઈનાન્સર પણ દુનિયામાં નથી જે સામેચાલીને તમારા Startup માટે મૂડી રોકે? તો ઓફિસની કમ્ફર્ટની બહાર નીકળીને વ્યવસ્થિત બિઝનેસ પ્લાન સાથે ફાઈનાન્સરને જાતેજ શોધી કાઢો.

કામ આરામ નથી કરવા દેતું એજ મોટો આરામ

જ્યારે પણ નવુંનવું Startup હોય ત્યારે રોજિંદુ જીવન વેરવિખેર થઇ જાય તે સ્વાભાવિક છે. તમારે આખો દિવસ ઘાણીના બળદની જેમ જોતરાવું પડે છે, દિવસના 15-18 કલાક કામ કરવું પડે છે એટલુંજ નહીં તમારી ઓફિસમાં તમેજ પટાવાળાથી બોસ સુધીના તમામ રોલ ભજવો છો. આ ઉપરાંત નવો ધંધો વધારવાની ઈચ્છા અને એ ઈચ્છા પૂરી કરવા માટેની દોડાદોડી તો જુદી. જો તમારી સાથે પણ આવું બનતું હોય તો તમે બરોબર રસ્તે જઈ રહ્યા છો એવું માની લેજો. જ્યારે પણ નવું Startup શરુ કરો ત્યારે શો ઓફ્ફ કરવાથી માઈલો દૂર રહેજો. મિત્રો સાથે રોજ સાંજ ગાળવાના દિવસો જ્યારે તગડું બેન્ક બેલેન્સ હશે ત્યારે આવશેજ પણ અત્યારે તો માત્ર હું, હું અને હું જ!

બધુંજ તૈયાર હોય તો પણ ઉતાવળમાં કુદકો ન મારશો

નવો ધંધો શરુ કરવો હોય તો શું જોઈએ? એક તો મૂડી, બીજું રણનીતિ, માર્કેટમાં શું ચાલી રહ્યું છે અથવાતો આવનારા છ થી બાર મહિનામાં શું ફેરફાર થવાનો છે એની જાણકારી અને બહુ બહુ તો એક દુકાન કે પછી ઓફિસ. બસ આટલું હોય એટલે Startup શરુ રાઈટ? રોંગ! કોઇપણ નવું Startup શરુ કરવા માટે ઉપરોક્ત બાબતો તો મહત્ત્વ ધરાવે જ છે પરંતુ તેની સાથે અને કદાચ સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે આ નવું સાહસ કરવાની તમારી માનસિક તૈયારી. નવો બિઝનેસ શરુ કરવાનો ઉત્સાહ અને માનસિક તૈયારી આ બંને જુદીજુદી અવસ્થાઓ છે એ ધ્યાનમાં રહે. નવો ધંધો એટલે છ મહિનાથી માંડીને એક વર્ષ સુધી આવક વગર કાઢવાના અને એ ઉપરાંત રોજીંદી જવાબદારી તો નિભાવવાની છે જ. જો તમે આ માટે પણ માનસિકરીતે તૈયાર હોવ તો પછી કરો કંકુના.

શરૂઆતની આવક વેડફો નહીં

એવું બની શકે છે કે તમારી દિવસ રાતની મહેનત બહુ જલ્દીથી રંગ લાવે અને ઉદ્ઘાટન કર્યાના અમુક મહિનામાં જ તમને તમારું Startup મોટી આવક આપી દે. હવે આ આવક થઇ એટલે નવો મોબાઈલ લેવો કે પછી ઓફિસ માટે જ નવું કમ્પ્યુટર લેવું અથવાતો ઘરમાં નાનુંમોટું રિનોવેશન કરાવી લઉં, આવા વિચારો જો મનમાં આવતા હોય તો એને દબાવી રાખશો. શરૂઆતની આવક એ તમને કદાચ જીવનભર કામમાં આવશે અને ખાસકરીને જ્યારે બિઝનેસમાં મંદી આવશે ત્યારે. આથી શરૂઆતની નાની મોટી જે કોઇપણ આવક હોય તેની બચત કરો. જો આવકની રકમ મોટી હોય તો તમારા નામે કે તમારા કોઇપણ કુટુંબીજનના નામે તેને ફિક્સ્ડ ડિપોઝીટમાં મૂકી દો.

મૂડીને સાચવીને વાપરો

તમે ફાઈનાન્સ લઇ લીધું કે પોતાના જ પૈસે બિઝનેસ શરુ કર્યો છે તો તેનો ઉપયોગ ધંધો વધારવા માટે કે Startup મજબૂત બને તેના માટે કરવો સલાહભર્યું છે. જેમ ઉપર આપણે આવકને સાચવીને વાપરવાની વાત કરી એવી જ રીતે મૂડીનો વેડફાટ થઇ જાય એ પણ કોઈ કાળે ન ચાલે. મૂડીનો મહત્તમ ઉપયોગ માર્કેટિંગ અને તેને લગતા સામાનની ખરીદીમાં કરવો. જો મૂડીરોકાણ ઘણું વધુ હોય તો તમારી મદદ માટે કોઈ એક્ઝીક્યુટીવની નિમણુંક પણ કરી શકાય. પરંતુ આ મૂડીને ડબલ કરવાના મોહમાં આડેધડ રોકાણ કરવાથી બિલકુલ દૂર રહેજો નહીં તો ક્યાંક રજનું ગજ થઇ જશે અને તમે દેવાના ડુંગર નીચે દબાઈ જશો.

આશા છે કે આ 5 ટિપ્સ તમારા નવા Startup માટે સંજીવની બૂટી તરીકે કામ કરશે. તો તમારી સફળતા માટે ઓલ ધ બેસ્ટ!

eછાપું

તમને ગમશે: ચીનની દાદાગીરી સામે Marriott હોટેલ્સ લાચાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here