મહાભારતના લાક્ષાગૃહ ની દુર્ઘટના આજના પત્રકારની નજરે…

9
776
Photo Courtesy: nisachar.deviantart.com

શ્રીદેવી તેમજ અગાઉ દિવ્યા ભારતી, પ્રિયા રાજવંશ અને સુનંદા પુષ્કર જેવી પ્રતિષ્ઠિત મહિલાના આકસ્મિક મરણ વખતે પત્રકારોએ જે રીતે કવરેજ કર્યું એ તદ્દન હીંન્ન કક્ષાનું હતું. આ રિપોર્ટિંગ જો મહાભારતના લાક્ષાગૃહ ઘટના સમયે થઇ હોત તો? બાય ધ વે હાલના સમયમાં બનેલી ઉપરોક્ત ઘટનાઓનું કવરેજ કટ્ટરપંથી ઔવેસી BJPને હિન્દુત્વના સમર્થન બદલ વખોડે એટલું હાસ્યાસ્પદ હતું!

Photo Courtesy: nisachar.deviantart.com

હું મારી કલ્પનાના ઘોડા છુટા મૂકું એ પહેલાં લાક્ષાગૃહ વિશે થોડી છણાવટ કરી દઉં. હસ્તિનાપુરમાં પાંડવો પોતાનું સ્ટડી પૂરું કરી ચુક્યાં હતા. રાજગાદી પર યુધિષ્ઠિરને યુવરાજ તરીકે ઘોષિત કરવાની ઘડીઓ ગણાતી હતી. …હા રાહુલ ગાંધીની જેમ જ વગર ચૂંટણી એ! પણ બેઉંમાં તાત્વિક ભેદ ખરો. દુર્યોધનની આ વાતથી બરાબરની હટી ગઈ. તે પાંડવોનો કાંટો કાઢવા પગ પછાડતો પોતાના કક્ષમાં આંટા મારી રહ્યો હતો. શકુની તેના ભાણેજની વારે ધાયો. એક યોજના બનાવી. તે યોજના અન્વયે પાંડવોને માતા સહીત લાક્ષાગૃહ નો મેળો જોવા મોકલવાનો વિચાર આવ્યો. લાક્ષાગૃહ માંજ એક આલીશાન ભવન બનાવી પાંડવોની દિર્ઘરોકાણની વ્યવસ્થા કરાવી. આ ભવનમાં દીવાલ બનાવવા માટે જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ થયો હતો. લાક્ષાગૃહ ભવનના નિર્માણ અને આ જ ભવનને આગ લગાડવા માટેનો કારસો રચી દુર્યોધન પાંડવોને વૈકુઠધામ પહોંચાડવા માંગતો હતો. દુર્યોધને પોતાના વિશ્વાસુ પુરોચનને આ કામ શોપ્યું. તેણે આ યોજના આબાદ પાર પાડી.

હાલના ઉત્તરપ્રદેશ સ્થિત લાક્ષાગૃહ મધરાતે આગની જ્વાળાઓમાં અચાનક લપેટાઈ ગયું. આગની જવાળાઓ જોઈ અડધી ઊંઘમાંથી લોકો એકઠા થયા. ત્યાંના જ એક લોકલ પત્રકાર આંખો ચોળતો આવ્યો. અર્ધી ઊંઘમાં ને અડધી બાટલીમાં જ એણે પોતાનું રીપોર્ટીંગ ચાલુ કર્યું.

“અંદર પાંડવો પોતાની માતા સહીત શાંતિથી પોઢી રહ્યાં હતા એવી પરિસ્થિતિમાં આજ લાક્ષાગૃહ માં બાર વાગ્યે આગ લાગી. આગ એટલી ભીષણ છે કે અંદર રહેલા કોઈપણનું બચવું અશક્ય છે. આગ કયા કારણોસર લાગી તે હજુ કોયડો છે. કોઈ સ્થાનિક અધિકારીઓ અત્યાર સુધીમાં ફરક્યા નથી. ફાયર ફાઈટરની ગાડીઓ હજુ સુધી સ્થળ પર પહોચી નથી. તંત્રની પોલ ફરી એક વખત ખુલતી આપ નજરે જોઈ શકો છો.” પોતાના કેમેરામેનને લાક્ષાગૃહ ભવન તરફ કેમેરો ફેરવવા વિનંતી કરી. ટીવી પર “લાક્ષાગૃહ ધૂ ધૂ સળગ્યું” “પાંડવોની જાન ખતરામાં” આવી હેડલાઈન હાઈલાઈટ થતી રહી. તે રિપોર્ટર ફરી બોલવા લાગ્યો: “લાક્ષાગૃહ ની આ અતિભવ્ય ઈમારત હાલમાં જ બનાવી હતી. આ ઈમારતમાં ફાયર એલાર્મ સીસ્ટમ, સ્મોક ડિટેકટર જેવી અદ્યતન સુવિધાઓ રાખવામાં નહોતી આવી તે અમે જ અમારી ચેનલ દ્વારા થોડા દિવસો પહેલાં સૌ પ્રથમ આપને કહ્યું હતું. અમારી ચેનલ ફરી વખત આપના વિશ્વાસ પર ખરી ઊતરી છે. આધારભૂત સુત્રોના કહેવા મુજબ આ ઈમારતમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય એવી શંકા સેવાઈ રહી હતી. આ ઈમારતનો કોન્ટ્રાકટ લાગવગથી હસ્તિનાપુરના કદાવર નેતાના કોઈ સગાવહાલાને આપેલો હોય તેવો અંદેશો અમને લાગી રહ્યો હતો જે અમે જ તમને થોડા દિવસ અગાઉની અમારી ચેનલ પરની એક કવર સ્ટોરીમાં કહ્યું હતું.

આ અત્યંત ગંભીર દુર્ઘટનાની તપાસ થશે કે દર વખતની માફક ભીનું જ સંકેલાઈ જશે એ એક મહત્વનો પ્રશ્ન છે. જોતા રહો અમારી ચેનલ. અમે તમને આ લાક્ષાગૃહ સળગવાની દુર્ઘટનાનો સૌ પ્રથમ અહેવાલ આપ્યો છે. અને દરેક અપડેટથી તરત જ વાકેફ કરાવીશું.” આટલું કઈ તે રીપોર્ટરે હાંફી ગયો. કેમેરામેનને કેમેરો બંધ કરવાની સુચના આપી. લેંઘાના ખિસ્સામાંથી મસાલો કાઢી ફાંકડો ભર્યો. પછી તે ન્યુઝ ટીવી પર જાહેરાતોનો મારો શરુ થયો.

બીજી એક ન્યુઝ ચેનલમાં એક રિપોર્ટરે પણ ઊપર મુજબના વર્ણનો કર્યા, તે રિપોર્ટર ‘વન એન્ડ હાફ’ ડાહ્યો થઈ વાર્ણાવતનાં એક આગેવાનને પોતાનો મત દર્શાવવા ઉપાડી લાવ્યો. તેણે પૂછ્યું: “જી, વડીલ. તમે તો આ ગામના લોકલ છો. મહેરબાની કરી લાક્ષાગૃહ શું છે અને આ વિશાળ ભવન વિષે થોડું વિસ્તારથી બતાવો.”

“ભયલા, હું તો જ્યારથી આ લાક્ષાગૃહ મહેલ બનતો હતો ત્યારથી જ કહેતો હતો કે આ કામ એસ્ટીમેટ પ્રમાણે થતું નથી. રાત્રે લાખ જેવી વસ્તુઓના ખટારા ઢગલા મોઢે અહી ખડકાતા હતાં. મેં તો હસ્તિનાપુર લેખિતમાં ફરિયાદ પણ કરી હતી. તો ત્યાંથી વાયા વાયા મારા વેવાઈ થકી વાત કરાવી મારી ફરિયાદ દબાવી દેવામાં આવી. લાક્ષાગૃહ બનાવવા માટેનો બધો માલ સમાન તદ્દન હલકી ગુણવતાનો વાપરવામાં આવ્યો હતો. ગંગા નદી અહી જ હોવા છતાં દીવાલ, કોન્ક્રીટમાં પાણી નહોતાં છાંટતાં! મેં તો માધીયાની દુકાને બધાની હાજરીમાં જ કહ્યું હતું કે નક્કી આની પાછળ કઈક કાવતરું થતું હોય એવું લાગે છે, ઠેકેદાર મલાઈ તારવી ગયો તેવું મેં છાતી ઠોકીને કહ્યું હતું પણ મારું માને કોણ?” ગામના જ આગેવાનના આ બયાનનું તે ન્યૂઝ ચેનલમાં અડધો દિવસ સુધી એક ને એક ઈન્ટરવ્યું આવતું રહ્યું!

એક જાણીતી ન્યૂઝ ટીવીવાળા એ કોઈ ઇલેક્ટ્રિક એક્સપર્ટ સાથે ફોન પર વાત કરી તેનો અભિપ્રાય માંગ્યો. એક્સપર્ટે જણાવ્યું કે,”આગ કદાચ ઇલેક્ટ્રિક શોટ સર્કિટના લીધે લાગી હોય તેની શક્યતાઓ નકારી ન શકાય. ઊતરતી કક્ષાના ઇલેક્ટ્રિક વાયર વપરાયા હોય, MCB લાગી હતી કે નહી તે બાબતે તપાસ થવી જોઈએ!” આ વાતથી ન્યૂઝ ચેનલને નવો મુદ્દો મળ્યો. તેમણે પણ ગાઈ વગાડીને આ આશંકાનો જોરશોરથી પ્રચાર કર્યો.

કરુણ ઘટનામાં આફેડી સાંત્વના પમાડે તેવી ફૂટડી મહિલા રિપોર્ટર અડધું લાક્ષાગૃહ બળી ગયું પછી આવી. કદાચ મેકઅપ ચોટાડવમાં વાર લાગી હશે. તે સીધી વાનમાંથી ઊતરી હાથમાં માઈક લઈ મહેલ તરફ દોડી. પાણીના લાયબંબાને એણે રોકી થોડીવાર પોતે પલળે નહી તે માટે આગ ઠારવાનું બંધ કરાવ્યું. મુખ્યદ્વાર પાસે પહોંચીને તે લટકા કરતી બરાડા પાડી ઘટનાની છણાવટ કરવા લાગી.

છઠ્ઠીમાં ગળથૂથી સાથે રેપીડેક્સ પીવડાવી હોય તેવો એક ઈંગ્લીશ ન્યૂઝ ચેનલનો પત્રકાર લાક્ષાગૃહની આગ સમવા આવી ત્યારે આવ્યો. ટાઈ-કોર્ટમાં સજ્જ થઈ, માઈક લઈ તેણે અટમસટમ અંગ્રેજી દોડાવી, હાથના અવનવા આકારો કરી ઘટનાની જાણ કરવા લાગ્યો. તેની ચેનલ રાજકીય ઊંચી પહોંચ ધરાવતી હોવાથી તે સમગ્ર લાક્ષાગૃહમાં ભમવા લાગ્યો. તેણે ઘણા ચોકાવનારા તથ્યો આપ્યા, મૃતદેહ પાસે જઈ પોતાનો અંદાજો લગાવવા માંડ્યો. રસોડામાં પડેલી એક કદાવર લાશ જોઈ તેણે કહ્યું કે નક્કી આ ભીમનો મૃતદેહ હોવો જોઈએ, અડધી રાત્રીએ ભૂખના લીધે તે રસોડામાં ખાવાનું શોધતો હશે તેવામાં જ આગના લીધે તેનું મૃત્યું થયું હશે. દીવાનખંડના સોફા પર પડેલા બે મૃતદેહને જોઇને તેણે કહ્યું કે આ બંને મૃતદેહો નકુલ અને સહદેવના હશે. નીંદર ન આવવાને લીધે તેઓ ચોપાટ રમતા-રમતાં દેવશરણ પામ્યા હશે! અર્જુન, યુધિષ્ઠિર અને માતા કુંતીના મૃતદેહો તેણે ઓળખીને તેના વિષે પણ નવાઈ પમાડે તેવા તથ્યો અને મનઘડત વાતો કહી. તે બધું તેની અંગ્રેજી ચેનલમાં આખો દિવસ પ્રસારિત થયું!

એક દિવસ થવા આવ્યો હશે, બીજી રાત્રીના પ્રાઈમ-ટાઈમ ડીબેટ શો માટે ન્યૂઝ ટીવી ચેનલો પોતે જ બીજા કરતા શ્રેષ્ઠ છે તેવું બતાવવા કમરકસવા લાગી. રાત્રીના બરાબર આઠ વાગ્યે એક ન્યૂઝ રૂમમાં ચર્ચાનો દોર શરુ થયો. ડીબેટ માટે આવી જ આગને લગતા એક્સપર્ટ, સલગ્ન મહાશયોને બોલાવવામાં આવ્યા. એન્કરે સૌ પ્રથમ હસ્તિનાપુરના પ્રવક્તાને આગના કારણ અંગે પૂછ્યું. દુર્યોધન જૂથના એ પત્રકારે ગોળગોળ ભાષામાં ઘટના માટે પાંડવોને જ જવાબદાર ઠેરવ્યા. મદિરાપાનની પાંડવોને કેવી ટેવ હતી તે અંગે ચોકાવનારા ખૂલ્લાસા પોપટ પઢે તેમ કર્યા. આટલી આગ લાગવા છતાં કેમ કોઈ પાંડવો જાગ્યા નહી તેવો પ્રતિપ્રશ્ન પૂછ્યો. ચર્ચામાં શરૂઆતથી જ ઉગ્ર વાતાવરણ ન સર્જાય એટલે હોશિયાર એન્કરે તેને સીફતાઈથી વાળીને વાસ્તુશાસ્ત્રના વિદ્વાનને આગનું કારણ પૂછ્યું. તે વિદ્વાને લાક્ષાગૃહ ની જગ્યા, મુખ, દરવાજા, દીવાનખંડના, શયનખંડના સ્થાન અને  કલર વિશેના દોષ કહ્યાં. એન્કરે ત્યારબાદ જ્યોતીશાસ્ત્રને આ જ સવાલ પૂછ્યો તેણે શિલાન્યાસનો સમય તથા ઉદ્ઘાટન વખતેના ચોઘડિયા સારા નહોતાં તેવું આ દુર્ઘટના માટેનું કારણ બતાવ્યું.

એક ઇલેક્ટ્રિક એક્સપર્ટ પોતે જ્ઞાની છે એવું દર્શાવા ઇલેક્ટ્રિકને લગતા બધા ડેટા પોતાની પાસેના કાગળમાં જોઈને બોલ્યો. આગનું કારણ શોટ સર્કિટ હોવું જોઈએ તેવો નક્કર મત દર્શાવ્યો. અંતમાં એન્કરે દુનિયાના સૌથી પહેલાં એન્જીનીયર વિશ્વકર્માને પૂછ્યું કે, “શું હશે આનું કારણ, સાહેબ? તમે તો દ્વારિકાથી લઈ મોટી મોટી ઈમારતો બનાવવાના અનુભવી છો.” આવું કહી વિશ્વકર્માના જવાબની પ્રતિક્ષા કરવા લાગ્યો. વિશ્વકર્મા એ જવાબ આપ્યો કે, “સમગ્ર મહેલ બળીને ખાખ થયો એનો મતલબ મહેલ બનાવવાના માલસામાનમાં ગોટાળો હોઈ શકે! આગ તો લંકામાં પણ લાગી હતી તે પણ હનુમાનજીના પુછડાથી! તે આગમાં લંકાને બળતા એક અઠવાડિયું થયું હતું! જયારે અહી તો માત્ર પાંચ-સાત કલાકમાં પૂરું લાક્ષાગૃહ બળીને રાખ થઈ ગયું! અસંભવ. મારા મનમાં અસંખ્ય પ્રશ્નો ઊઠે છે, આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.” ગરમા ગરમ ચર્ચામાં અંતે રોજ જેવું થતું હતું એવું જ થયું. કોઈ પણ નિર્ણય પર આવ્યા વગર એક કલાકના પોતાના બાંધેલા સમય મર્યાદામાં એન્કરે બધા એક્સપર્ટનો આભાર માની દુકાન આડી પાડી દીધી!

સવારમાં આ બહુચર્ચિત ખબરથી વંચિત એક પ્રતિષ્ઠિત સમાચારપત્ર એ વધારો બહાર પાડી મોડી સાંજે પ્રકાશિત કર્યો. તે સમાચારપત્રમાં નવાઈની વાત એ હતી કે મુખપુષ્ઠ આખું જાહેરાતોથી ભરેલું હતું. અંદરના પાના પર લાક્ષાગૃહ ની આગના ફોટા અને વિગતો હતી!  પાંડવો એ રાત્રીએ મદિરાપાન કર્યું હતું તેવું  સાબિત કરવા એક દુર્યોધન પક્ષી RMP ડોકટરના પોસ્ટમોર્ટમ રીપોર્ટની કોપી છાપી આ ઘટનાને નવો વળાંક આપ્યો. જે વાંચીને લોકોમાં જાતજાતના સવાલો ઊઠયા.

હસ્તિનાપુરના એક વયસ્ક રિપોર્ટરે વિદુરજી અને ભીષ્મ પિતામહનો સંપર્ક સાંધીને આકરા સવાલો પૂછ્યા. તે બંને પણ હાલના અડવાણીજી અને મુરલી મનોહર જોશીના કાર્બન કોપી સમા જ હતા! તેણે ઘટનાની તપાસ પછી જ આગના કારણો અંગે કહી શકાય એવો વિનમ્ર ઉત્તર આપ્યો. હસ્તિનાપુરને ઉની આંચ નહી આવે તથા આ મામલાની CBI તપાસ થશે એવું  વચન પણ આપ્યું.

એક રિપોર્ટર સ્વર્ગમાં જઈને અગ્નિદેવને મળ્યો. હસ્તિનાપુર અને પાંડવો સાથે તેમની કોઈ અંગત અદાવતને લીધે  તમે આગ લગાડી હતી કે કેમ એવો સીધો પ્રશ્ન પૂછ્યો. અગ્નિદેવમાં અગ્નિ પ્રવેશી તેણે રિપોર્ટરને મારવા લીધો. જેમ-તેમ કાઠલો છોડાવી તે માઈક અને કેમેરો ત્યાં જ મુકીને નાઠો.

ઘણા રિપોર્ટરો દુર્યોધન, શકુની, કર્ણ તેમજ બીજા પાંડવોના સગાવહાલાને મળી તેનો ઈન્ટરવ્યું લઈ ચુક્યા. ચોવીસ કલાક માત્ર લાક્ષાગૃહ જેવીજ આગ ન્યૂઝ ચેનલોમાં પણ ચમકવા માંડી. ન્યૂઝ ચેનલોની TRP વધી. તેમની આવકમાં વધારો થયો. કિન્તુ હજુ સુધી આગનું ચોક્કસ કારણ જાણવા ન મળ્યું. પાંડવોના મૃત્યુનું કોકળું ગુચવાયેલું જ રહ્યું, દિવસે દિવસે રહસ્ય વધું ઘેરું બન્યું. પાંડવોના પાર્થિવ દેહને હસ્તિનાપુરમાં લાવી શાસ્ત્રોકવિધિથી અગ્નિદાહ આપ્યો. ન્યૂઝ ચેનલોએ ઠાઠડીઓને નડી, વચ્ચે જઈને તેનું જીવંત પ્રસારણ કર્યું. વિલાપ કરતાં ચહેરાઓ બતાવ્યા.

અચાનક એક ન્યૂઝ ટીવીના બાહોશ ચીફ એડિટરને કશું યાદ આવ્યું. તેણે દ્વારિકામાં મફતિયા, પોતાની ચેનલનું નામ વટાવી તોળપાણી કરતાં એક રિપોર્ટરનો સંપર્ક સાંધ્યો. એને બરાબરનો ધમકાવ્યો. ત્યારબાદ તેણે હુકમ કર્યો કે કોઈ પણ હાલમાં શ્રીકૃષ્ણનો સંપર્ક સાંધી લાક્ષાગૃહ ની આ ઘટના અંગે તેનો અભિપ્રાય સ્તવરે લેવો. તે અંતર્યામી છે, તેને તો ચોક્કસ માહિતી હશે જ. જો એ આપણી ચેનલને ઈન્ટરવ્યું આપે તો આપણો બેડો પાર થઈ જાય. તે રિપોર્ટર ગભરાતો કૃષ્ણ મહેલમાં પ્રવેશ્યો. ગદાયુદ્ધની પ્રેક્ટીસ કરતાં બલરામજીનું ધ્યાન તે રિપોર્ટર પર પડ્યું.

બલરામજી એ બૂમ પાડી પણ રિપોર્ટર સીધો કૃષ્ણના રાણીવાસ તરફ દોડ્યો. બલરામજી પાસે કૃષ્ણનું સુદર્શન ચક્ર હોત તો એ છુટું મારત એવા ક્રોધે ભરાયા. તે એની પાછળ થયા. ત્યાં જ રિપોર્ટર કૃષ્ણના રાણીવાસમાં પ્રવેશી ચુક્યો હતો. હાંફતા-હાંફતા બલરામજી એ આવીને તેની બોચી પકડી. સોનાના હિંડોળે રુકમણી સાથે હિંચકતા કૃષ્ણએ તેમને વાર્યા. શાંત સ્વરે રિપોર્ટરને અહી આવવાનું પ્રયોજન પૂછ્યું. રિપોર્ટરમાં થોડી હિંમત આવી. તેણે શર્ટના કોલરને ઠીક કરતા પ્રભુશ્રીકૃષ્ણને પૂછ્યું કે, “હે દ્વારિકાનાથ, આપ તો અંતર્યામી છો. લાક્ષાગૃહ માં આગ લાગવાની દુર્ઘટનાની સાચી માહિતી આપો તો મને પ્રમોશન મળશે. મારી ચેનલની TRP વધશે. પ્રભુ મારી મદદ કરો. કૃષ્ણ એ સહ્સ્મિત ઉત્તર આપ્યો કે, “હે મુર્ખ, એના માટે તું મહેનત કર. થોડો પરસેવો પાડ. સ્થળ પર જ ઝીણવટ ભરી તપાસ કર. તને અવશ્ય તેનું કારણ મળશે. મહેનત કર ફળની ઈચ્છા પાર પડશે.” રીપોર્ટરે આ વાત પોતાના ચીફ એડિટરને કરી. હોશિયાર એડિટરે વાતનો મર્મ પકડ્યો. પોતે જ લાક્ષાગૃહ જવા એક ચેનલના જ પાર્ટનર, મોટા બિઝનેશમેનનું ચાર્ટર વિમાન લઈ તાત્કાલિક રવાના થયા.

તે એડિટર હજુ વાર્ણાવત પહોચ્યાં ત્યાં જ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા તેની ચેનલના લોકલ રિપોર્ટર હાજર હતો. તેમનું ભવ્ય સ્વાગત કરી, ચેનલની જ આલીશાન ગાડીમાં લાક્ષાગૃહ તરફ જવા રવાના થયા. સ્થળ પર પહોંચી એડિટરે લાક્ષાગૃહના મહેલની તપાસ કરી. આજુબાજુના સ્થળની તપાસ કરી. એક ખૂણામાં તેમને માટીના ઘણા ઢગલાં દેખાયા. તેમના ભવા તંગ થયા, સોનેરી ફ્રેમના ચશ્માં નાક પરથી એક ઈંચ ઊંચકાયા. થોડે ચાલી એક શીલા પાસે જઈ એણે પોતાના રિપોર્ટરને તે શીલા ખસેડવાનો હુકમ કર્યો. શીલા હટતા તેમને એક બોગદું દેખાયું. ચશ્માં ઉતારી એનો ડાંડલો ચાવતાં તે કશું વિચારવા લાગ્યાં. બે મિનીટબાદ તે હસ્યાં. ખુબ હસ્યાં. તેણે આ મૃત્યુની દુર્ઘટનાનું સમગ્ર સળયંત્ર ક્રેક કરી દીધું હતું! (વધુ વિગતો માટે બી.આર. ચોપરાની મહાભારત સીરીયલ જોવી, હું બધું કહેવા નવરો નથી, હુહ)

તરત તેણે ત્યાં જ લાઈવ થઈ આખા રહસ્ય પરથી પરદો હટાવ્યો. પોતાની ચેનલ પરથી અપાયેલી સચોટ થીયરીથી પ્રજા હચમચી ઊઠી. લોકો એ એડિટરની વાહવાહી કરી.

તે ચેનલ હવે સમગ્ર ભારતવર્ષમાં વિશ્વસનીય ચેનલનો દરજ્જો પ્રાપ્ત કરી ચુકી!

 

eછાપું

9 COMMENTS

  1. આ ચેનલ જેવીજ અનેક ચેનલ એક નંબર પર છે…એક નંબર પર ઘણી બધી જગ્યા છે લગભગ પાંચ થી સાત એકર જેટલી જેથી કોઈ વિવાદ ના રહે …એક નંબર પર બધાનો હક છે!!

  2. આખા સડયંત્ર માં આપ સામેલ છો.. અમારા ખબરપત્રીએ પાન્ડવોનો હમણાજ ઇન્ટરવ્યૂ લીધો તેવો જીવીત છે…શંકાની સોઇ આપના તરફ છે…અમારા નિવ્રત જજનુ તપાસપંચ નિમીયે છીએ… દુબઈ તરફ પણ સગડ જાય છે..બનાવની રાતે પણ દુબઈ હતા તે પાકા સગડ મલ્યા છે…આ તપાસ નો અહેવાલ વહેલામાં વેલો ૨૦વર્ષમા આપવાની તાકીદ કરવામાં આવી છે…તેટલી જ મુદત બે વખતથી વધુ આપવામાં આવસે નહી..ઇતિ સિધ્ધમ…

  3. વિશ્વસનીય ચેનલ માંNDTV નું નામ લખી જ નાખવા નું હતું…?????

  4. તમે એક ખાસ નોંધ લખતા ભૂલી ગ્યા, આ રીપોર્ટને તાજેતરની કોઈ ઘટના સાથે સંબંધ નથી.
    બીચાળા રીપોર્ટર, કેટલૂ સહન કરી ખબર મેળવતા હોય છે.
    મજા આવી ગય. જબરદસ્ત.

  5. કેસ solve કર્યા પછી દુર્યોધન નો ઇન્ટરવ્યૂ લેવા કોઈ ને તો મોકલવો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here