આવ્યો માર્ચ મહિનો. માર્ચ મહિનો એટલે ધૂળેટી અને પરીક્ષાના રંગો. આ રંગોની સાથે વિદ્યાર્થીઓ માટે આવતી શુભેચ્છાની મીઠાઈઓ અને ટેન્શન ન લેવાનું પ્રેશર! વાલીઓ અને વડીલો, શુભેચ્છકો અને હિતેચ્છુઓ ઘરે આવીને બાળકોને બોર્ડ એક્ઝામ માટે જાણે કે વધામણા દેતા હોય છે અને તું ફેઈલ થઈશ તો પણ કોઈ વાંધો નહીં નામનું ફિક્કું આશ્વાસન આપી વાતો ડોકટર અને એન્જીન્યર બની ગયેલા પોતાના બાળકોની કરતા હોય છે.

એની વે, જે વાત ૩-ઈડિયટ્સે કરી છે એ વાત પર આપણે નહી જઈએ, અને કૈક બીજી વાત કરીશું. મતલબ કે આ શુભેચ્છકોના મૂળમાં જઈએ તો લોકોને શુભેચ્છા આપવા માટે આવવાની જરૂર જ શું છે?? આપણે ક્યા કોઈ રણભૂમિમાં જઈ રહ્યા છીએ? ડીપ્રેશનનો સ્પેલિંગ ન આવડતો હોય એ વ્યક્તિને પણ આવા શુભેચ્છકો ડીપ્રેશનમાં નાખી શકે છે. જો કે આ ડીપ્રેશન પાછળનું કારણ કોઈ વડીલો, પરીક્ષા કે આપણા એક્સ નથી હોતા પણ હોય છે આપણો સિલેબસ.
હા, અને આ વાત ખુદ આપણા HRD મીનીસ્ટર પ્રકાશ જાવડેકરે કહી છે. તેમના જણાવ્યા મુજબ સ્કુલનો અભ્યાસક્રમ B.A અને B.Com કરતા પણ લાંબો છે. આથી તેમાંથી અડધા જેટલો અભ્યાસક્રમ બાદ કરી નાખવો જોઈએ. જેથી વિદ્યાર્થીઓને બીજી પ્રવૃત્તિ માટે પણ સમય રહે. પરિણામે, 2019થી શાળાનો અભ્યાસક્રમ બદલાઈ જશે અને ટૂંકો પણ થઇ જશે. આ નિર્ણય અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષણીક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા જાહેર ખબર પણ બહાર પાડવામાં આવી હતી. જેનો વિષય છે: “શાળા અભ્યાસક્રમને બુદ્ધિગમ્ય/નિયમસર કરવા માટેના આમંત્રિત સૂચનો.”
સારું છે ચલો, 2019 પછીના બાળકો બધા ધોરણો પૂરી રીતે ભણી તો શકશે. બાકી આપણે તો 10માં ધોરણ માટે અડધું જ 9મુ ભણ્યા હતા અને 11મુ ધોરણ તો ભણ્યા હતા કે નહીં તે પણ યાદ નથી. જી હા, બોર્ડનો અભ્યાસક્રમ પૂરો કરવાની લ્હાયમાં વિદ્યાર્થીઓ જ્ઞાન છોડી અને માર્ક્સ પાછળ જ ભાગતા. ટ્યુશન કલાસીસ પણ પોતાના નામ ચમકાવવા માટે આગળા શૈક્ષણીક વર્ષના માર્ચ મહિનાથી જ બોર્ડની તૈયારીઓ શરુ કરવાતા અને આજે પણ કરાવે છે. અને વિદ્યાર્થીઓનું તો શું? એ તો બસ ભણવાની રેસમાં દોડ્યા રાખે અને શિક્ષકો ભણાવે એ ભણ્યા રાખે. પરિણામે ડોકટર, એન્જીનયર અને P.hd થનારા વિદ્યાર્થીઓ ની સંખ્યામાં ચોક્કસથી વધારો થયો પણ માત્ર થીસીસ પર. આવા શિક્ષિતોએ સમાજ માટે કોઈ સારું કાર્ય કર્યું હોય તેવું કોઈ ઉદાહરણ હાથવગું નથી. જો કે હોઈ પણ કઈ રીતે શકે? વિદ્યાર્થીઓ માટે તો નાનપણથી કવિ શું કહેવા માગે છે એ જ પૂછવામાં આવ્યું છે. માત્ર પરિણામલક્ષી પદ્ધતિ હોવાના કારણે વિદ્યાર્થીઓ શું અભિપ્રાય ધરાવે છે એ પૂછવામાં આવતું જ નથી. જો તે એક સામાન્ય પ્રશ્નનો જવાબ પોતાની રીતે ન આપી શકે તો પોતાના જીવનની દિશા કઈ રીતે નક્કી કરી શકે?? ચોક્કસથી એનો જવાબ પણ ગોખાણીયો જ હોવાનો: જે બીજાએ કર્યું એ આપણે કરીશું.
જો કે આ બધું હું નહીં અલગ-અલગ સંસ્થાઓના રીપોર્ટસ કહે છે. જેમકે, RTEના જણાવ્યા મુજબ, પ્રાઈમરી સ્કુલના બાળકો પોતાના જીવનના 800 કલાક શાળામાં વિતાવે છે. જે બાકીના દેશોની તુલનામાં ઘણા વધારે છે પરિણામે બાળકો પાસે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરવા માટે પુરતો સમય જ નથી રહેતો. વળી, આપણી પ્રાથમિક શાળાનો અભ્યાસક્રમ પણ વર્ષોથી એવો જ છે, કદાચ લખાણ ફર્યું હોઈ શકે પણ પદ્ધતિ તો એ જ છે. ચીન જેવા દેશો પણ પ્રાથમિક શાળાના અભ્યાસક્રમ માટે મોટી માત્રામાં રોકાણ કરે છે. અને આપણે પાયામાં ધ્યાન ન આપીને 10માં ધોરણના વિદ્યાર્થીને કહીએ છીએ કે ‘બેટા, 90% તો લાવવા જ રહ્યા’!!
એન્યુલ સ્ટેટ ઓફ એજ્યુકેશનના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, સ્કુલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે માત્રામાં વધારો થવાના કારણે શિક્ષણ બગડ્યું છે. ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ સામાન્ય સરવાળા-બાદબાકી કરી શકતો નથી. આપણો અભ્યાસક્રમ માત્ર માર્ક્સ અને પરીક્ષાના હિસાબે બનાવવામાં આવે છે જેમાં વિદ્યાર્થીની પોતાની સર્જનાત્મકતા માટે કોઈ સ્પેસ જ નથી. આજે પણ આપણે ચોક-ડસ્ટરના યુગમાં જીવીએ છીએ. DIY (Do It Yourself) જેવી સ્વતંત્રતા આપી આપણે આપણા બાળકોને સેલ્ફ-લર્નિગના પાઠ તો શીખવી જ શકીએ જેથી તે કોઈ સિલેબસ ઉર્ફે અભ્યાસક્રમના મોહતાજ ન રહે…
eછાપું
તમને ગમશે: આશ્ચર્યમ! ન્યૂઝીલેન્ડનું તુઈ બર્ડ સારા સ્પર્ધકને સહન કરી શકતું નથી