World Sleep Day… અરે કાન્હા જરા ઉંઘ તો લેતા જા…

0
693
Photo Courtesy: topsante.com

કાલે આપણો સહુનો ફેવરીટ World Sleep Day છે. એટલે કુંભકર્ણના કપડા પહેરી ઉંઘ લેવાની? ઓફિસે નહીં જવાનું?? ના સૂર્યવંશીઓ (SETMAX કોણ બોલ્યું લા?) હરગીજ એવું નથી.. જો કે આજે World Contact Day છે એટલે નવા કોન્ટેક્ટ બનાવવાના નહીં પણ અવકાશ માં રહેતા અન્ય જીવ સાથે સમ્પર્ક સાધવાનો દિવસ. જેમ રિતિકના ટકલુ પપ્પા એ એક મેસેજ અવકાશ માં છોડેલો “ટે..ટુ.. ટે..ટુ” ને રેખા એ બે ધોલ મારેલી રિતિકને . બસ એવો જ મેસેજ 1953 થી આપણેય છોડ્યો છે. હજી રીપ્લાય તો શું ડીલીવરી રીપોર્ટ ય નથી આયો ને અહી પબ્લિક સહેજ ચકેડું ફરે કે કોકિલાબેન ને ગાળો દેવા બેસી જાય છે.

Photo Courtesy: topsante.com

ખેર એવું તો રોજ Facebook પર આપણે કરીએ જ છીએ નવા જીવો ને રીક્વેસ્ટ મોકલી ઢગલા એટલા કરીએ કે ઝુકરીયો હર એક રીક્વેસ્ટપર પૂછે “લ્યા ઓળખે છે ને?” ને અમુક દિવસ બ્લોક ય કરી નાંખે…ને? ચાલો ચાલો ઉંઘ તરફ પાછા વળીએ..

આજે ઉંઘ એટલેકે sleep સંબધિત તકલીફો અને તેના ઉપાયો પર ચર્ચા કરવાનો દિવસ. ભલું થાજો ધોળીયાવનું કે દરેક દિવસ ઉજવે છે ને આપણે હિન્દુસ્તાન તહેવારો નો દેશ છે કહી ફાંકા મારીએ છીએ ટ્રૂડો ને ખબર હવે એતો…

ઉંઘ કેમ આવે છે?: જ્યારે થાકેલું મન પોતાની ઇન્દ્રિયો ને વિષયો માંથી પાછી વાળે છે ત્યારે ઇન્દ્રિયો તેના વિષયો ને ગ્રહણ કરી શકતી નથી. ઉંઘ આવવાની શરૂઆત થાય છે થોડો સમય મન જાગતું હોવાથી સ્વપ્નો આવે છે અને છેલ્લે Deep sleep માં મન અને આત્મા બન્ને ઉંઘ ખેંચે છે..

રાત્રિ નો પોતાનો સ્વભાવ જ ઉંઘ લાવવાનો છે, વળી તમોગુણ રાત્રે વધતો હોઈ મન ના સત્વ ને ઘેરી ઉંઘ લાવી દે છે. નિંદર દરેક વ્યક્તિ નું પોષણ કરે છે અને તેનું આરોગ્ય જાળવી રાખે છે. એક વાર ઇંગ્લેન્ડના સૈનિકો ને રાત દિવસ જાગતા રાખવાનો પ્રયોગ કરવામાં આવ્યો. સૈનિકોને બીજા ત્રીજા દિવસે જાત જાતના અવાજો અને દ્રશ્યો દેખાવાના ચાલુ થયા કોક ને પ્રેમિકા બોલાવતી હોવાનો ભાસ થયેલ ને પછી તમામ પાગલ બનવાની અવસ્થા સુધી પહોંચી ગયેલ .ટૂંકમાં ભવિષ્યના 12 કલાક સંપૂર્ણ સફળતા માટે 6-7 કલાક ઉંઘની ખાસ જરૂર છે.

શું તમે આમાંથી કોઈ સમસ્યા અનુભવો છો?

દિવસે ૩-૪ કલાક ઉંઘરેટી મુડ હોય? જાગવા છતાં ફ્રેશ ના લાગે? કારણ વગર થાક લાગે ને ઘણી વાર તંદ્રાની જેમ મન થઇ જાય.વારંવાર કોઈ બોલાવે છતાં આપ બેધ્યાન હોવ ને અચાનક ચમકી ને જવાબ આપતા હોવ..

શું તમે અચાનક ચમકી ને ઉંઘમાંથી જાગી જાવ છો?

ઉંઘમાં નસકોરા બોલાવો છો કે શ્વાસ અટકીને નસકોરા બોલાવો છો?

રાત્રે ઘણીવાર બાથરૂમ જવા માટે જાગતા રહો છો?

સવારે ઉઠતા વેંત માથું ભારે લાગે છે?

ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવાય છે? યાદશક્તિ ઘટી હોય એમ લાગે છે?

જાતીય ઇચ્છા ઘટી છે? સાથે ચીડિયા પણ થઇ રહ્યા છો?

આ ઉપરાંત તમે નીચેના માંથી કોઈ લક્ષણો ધરાવો છો?

સ્થૂળતા – બોડી માસ ઇન્ડેક્સ (BMI) 30 કે તેથી વધુ

મોટી ગરદન – પુરુષો માટે 17 ઇંચ અથવા વધુ, 16 ઇંચ અથવા વધુ મહિલાઓ માટે

વિસ્તૃત જીભ અથવા કાકડા, નાક માં મસા કે નાક નો પડદો વાંકો હોવો…

કે પછી હાઈ બ્લડ પ્રેશર, મૂડ ડિસઓર્ડર્સ, કોરોનરી ધમનીની બિમારી, સ્ટ્રોક, હદય રોગ, ડાયાબિટીસ માંથી કોઈ રોગ થી પીડાવ છો??

જો ઉપરના 2-3 પોઈન્ટમાં તમારી હા હોય તો ક્યાંક તમે ઉંઘને લગતા રોગ થી પીડાવ છો.

મનનો ઉચાટ, શરીરનો ક્ષય કરતા રોગો, વિવિધ ઓપરેશન, અતિશય કામનો બોજો, વૃદ્ધાવસ્થા, તાવ-દુઃખાવા જેવા રોગો વગેરેને કારણે પણ ઉંઘ ઓછી થઇ જાય છે.

શું કરવું?

આખા શરીરે હુંફાળાતેલની માલીશ અને પછી વરાળીયો શેક લેવો અથવા ગરમ પાણીથી નાહી લેવું જે શરીરનું બ્લડ સર્ક્યુલેશન વધારી થાક દુર કરી સામાન્ય અવસ્થામાં ઉંઘ લાવે જ છે. ઉનાળે શરીરે હળવી ચંપી કરાવવી કે ઠંડા લેપ માથે લગાવવા.

માથા પર શિરોધારા કરાવવી કે ટોપી પહેરી શિરોબસ્તી કરાવવી, શરીરનો મળ દુર કરવા એનીમાં કે અન્ય પંચકર્મ કરાવવા ત્યાર બાદ તેલના એનીમા લેવા. આ પંચકર્મથી શરીરનો તમોગુણ અને વાયુ દુર થઇ ગાઢ નિંદરઆવે છે. ઘણીવાર દર્દી શિરોધારાના ટેબલ પર જ નસકોરા બોલાવે એવા દાખલા બન્યા છે. તો ક્યારેક પેટ સાફ કરવાનો એનીમા લીધા બાદ ઘસઘસાટ ઉંઘ આવી હોવાનું પણ જણાયેલ છે. કાનમાં પણ તેલના ટીપા નાખવા પણ તે પહેલા કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન અવશ્ય લેવું.

મનનો ઉચાટ દુર કરવો, મનને ગમે તેવું જોવું સાંભળવું, પાર્ટનરના હળવા સ્પર્શથી મન શાંત કરવું,

ભેસનું દૂધ, ખીર, ઘઉંની મીઠી વાનગીઓ, દ્રાક્ષના મીઠા શરબત, શેરડીના રસ વગેરે આહાર ઉંઘ લાવવામાં ચોક્કસ મદદરૂપ થાય છે.

મોટેભાગે નશાકારક વ્યસનો મૂકી દેવા, ઉંઘની દવાઓના ચક્કરમાં પડવું નહીં.

કાંસાની વાટકીથી પગના તળીયે ગાયનું ઘી અથવા દીવેલ ઘસવાથી ઉંઘ આવે છે, યોગીજી મહારાજ ખાસ આ પ્રયોગ કરતા. સાથે પોચા ચપ્પલ પહેરવા અને કઠણ જગ્યાએ ચાલવાનું મૂકી દેવું. દિવસમાં 4-5 વાર ગરમ પાણી થી પગ ધોવા.

પોતાની પથારી જાતે પાથરવી, નવી ચાદર સફેદ ઉઘડતા કલર વાળી, પોચા ગાદલા, ધોયેલા નાઈટ ડ્રેસ વગેરે ઉંઘ લાવવા પ્રાથમિક જરૂરિયાત છે જ.

હવે…આ મનોશારીરિક કસરત રોજ કરજો…

મૃદુ ચાંદની જેવા પ્રકાશ વાળા બલ્બમાં શરીર અને મન ને ક્રમશ: એક એક મસલ્સ શિથિલ કરતા હોવ એમ શવાસન માં ઢીલા મુકતા જાવ. પગ થી માથા સુધી શરીરનું વજન માત્ર શૂન્ય બરાબર થઇ જાય તેવું અનુભવો. એક અકર્મણ્ય અવસ્થામાં આવી જાવ કે જાણે શરીરમાં કોઈ જ કર્મ થઇ રહ્યું નથી એવું જાત ને ફિલ કરાવો. ધીરે ધીરે ઊંડા શ્વાસ લઇ ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા સ્વમાં વિલીન થતા જાવ. શ્વાસ લેવાય એમાં પણ બોજ લાગતો હોય એટલા શૂન્ય થાવ. મન દ્વારા કોઈ વિષય પર ચિંતન સાવ મૂકી જ દો.

ને ઉંઘવાના એક કલાક પહેલા તમામ હેવી શારીરિક શ્રમ મૂકી દો થોડું બ્રહ્મચર્યપાલન કરો

ને સાંજે ને સવારે ખુલ્લા વાતાવરણ માં ફરવા ટહેલવા નીકળો… તો ચોક્કસ ઉંઘ આવશે જ

દિવસે કોણ ઊંઘી શકે?

જુના રોગોથી પીડાતા રોગીઓ, ઓપરેશનના શરીરવાળા, નાના બાળકો, ગર્ભીણી સ્ત્રી, રાતપાળી કરનાર કર્મચારીઓ અને વૃદ્ધો દિવસે દરેક ઋતુમાં ઉંઘી શકે છે. ઉનાળામાં દિવસે શરીર ખુબ થાક્યું હોવાથી અને રાત ટૂંકી હોવાથી બધા જ લોકો દિવસે એકાદ કલાક ઊંઘી શકે છે. સૌરાષ્ટ્ર જેવા પ્રદેશ અનેક નગરોમાં બપોરિયા ઉંઘ થી લોકો ટેવાયેલા હોઈ તેઓ દરેક ઋતુ માં ઊંઘી શકે છે.

રાતપાળી કરનારે અથવા રાત્રે ઉજાગરો કરનારે ઉજાગરાના સમયથી અડધો સમય દિવસે ઉંઘવું જોઈએ. આમતો ઉંઘ્યા સિવાય બેઠા બેઠા ઝોલા ખાવા એ બેસ્ટ છે. એનાથી શરીર ને અન્ય કોઈ રોગો થતા નથી પણ ખાસ ભરપેટ જમીને તરત આડા પડી ઉંઘવાથી અજીર્ણ, કળતર, સોજા, માથાનો દુઃખાવો, ભારેપણું જેવા રોગો થઇ શકે છે.

ખાતો નથી ખાવા દેતો નથી એમ ઉંઘતો નથી અને ઉંઘવા દેતો નથી એવા પ્રચંડ ખલેલવાળા કાર્યો મૂકી સમાજને ઉંઘવા દેવો એ પણ એક પુણ્ય જ છે. અને ઉંઘેલા સમાજને આંખો ચોળી બેઠો કરવો એ મહાપુણ્ય છે.

હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ, પુરતી ઉંઘ યાદશક્તિ વધારી તમારા સુષુપ્ત મગજમાંથી વાંચેલું ચોક્કસ માનસપટ પર લાવશે. ઉજાગરાથી મગજ ના કમાડ મિક્સ થઇ ભુલાઈ જશે.જાગવા માટે ચા-કોફી સતત પીવાના બદલે હળવો ખોરાક અને ફ્રેશ પીણાં પીવો, પેટ સાફ રાખો તો ચોક્કસ પુરતું જગાશે.

યા હોમ કરીને પડો… તમને ઉંઘાડવા કોઈ દેવસેના ગાવા આવવાની નથી તમારી કટપ્પા જેવી જિંદગીના તમે જ સુકાની છો. એક ટીકડીને સહારે ઉંઘ લાવી તંદ્રામાં પડી રેહવાને બદલે ફ્રેશ અને કુદરતી ઉંઘ લાવતા શીખજો…

બસ રાત વહી રહી છે… કાન્હા સો જા જરા…

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here