આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: શું આપણી નોકરીઓ ખતરા માં છે?

0
487
Waymo - Google's Self Driving car - courtesy: Waymo Press

અત્યારે સમય બહુ રસપ્રદ છે, એક તરફ વિરોધ પક્ષ બેરોજગારી ઘટી હોવાના દાવા કરે છે, અને ટેકનો-સેવી એવી આપણી સરકાર ટેક્નોલોજી નો પહેલા કદી ન થયું હોય એ રીતે અને એવા સ્કેલ પર દેશ નાં ભલા માટે ઉપયોગ કરી રહી છે. ઘણીખરી સેવાઓ ને ઓનલાઇન કરી ને સરકાર માત્ર નાગરિકો ની મુશ્કેલી હળવી નથી કરી રહી, સાથે સાથે પહેલા કદી ન મળ્યો હોય એવો અને એટલો ડેટા પણ બે મોઢે ભેગો કરી રહી છે. અને આ ગંજાવર ડેટા ની મદદ થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને પણ પહેલા ન મળ્યું હોય એવું પીઠબળ મળી રહ્યું છે. અને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામે ઉભા થયેલા મહત્વ ના સવાલો માંથી વારંવાર ચર્ચાતો સવાલ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એટલે A.I.) ના લીધે ઘણા બધા લોકો ની નોકરીઓ જઈ રહી છે, અને A.I. ના લીધે કદી ન સર્જાઈ હોય એવી વિશ્વ વ્યાપી બેકારી સર્જાઈ શકે છે.

આવો દાવો કરનારા લોકો સાવ હવામાં વાતો નથી કરતા, એ લોકો પાસે નજરો ની સામે દેખાય એવું સત્ય છે. છેલ્લા છ વર્ષ થી ટેસ્ટિંગ માં રહેલી ગૂગલ ની સેલ્ફ ડ્રાઇવિંગ કાર આવતા વર્ષ સુધીમાં કેલિફોર્નિયા ના રસ્તાઓ ઉપર દોડવા મંડી હશે. એમેઝોન માંથી મંગાવેલી નાની અને હળવી વસ્તુઓ ની ડિલિવરી ડ્રોન્સ થી થઇ રહી છે. માઈક્રોસોફ્ટ વર્ડ વર્ષો થી લખાણ ની ભૂલો સુધારી રહ્યું છે, અને એ સાવ બાળક કહેવાય એ હદે A.I. પ્રૂફરીડર સોફ્ટવેર આવી રહ્યા છે. અમેરિકા ની એક સ્કુલ માં બાળકો ઓનલાઇન હોમવર્ક સબમિટ કરે છે અને એ શિક્ષક સુધી પહોંચે એ પહેલા જ એક સોફ્ટવેર એ હોમવર્ક માંથી વ્યાકરણ ની અને લખાણ ની ભૂલો કાઢી ને એ પ્રમાણે ગ્રેડ આપે છે. મતલબ A.I. એ અત્યારથી જ ડ્રાયવર, ડિલિવરી બોય, કુરિયર વાળા, પ્રૂફ રીડર અને અમુક કેસ માં તો શિક્ષકો ના કામ કરવા મંડ્યા છે. અને A.I. હજી તો પાપા પગલી ભરવા થી ય ઘણું દૂર છે.

આ તો સામાન્ય ટેક્નોલોજી ની વાત થઇ, જે મારા તમારા જીવન માં ઉપયોગી થઇ શકે છે. પણ રોજ-બરોજ ની ન હોય એવી અસામાન્ય વસ્તુઓ માં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પ્રગતિ ના શિખર સર કરી રહ્યું છે. જેમકે ચેસ જેવી આપણને અઘરી લગતી રમત માં કમ્પ્યુટર ની જીત એ વર્ષો જુના સમાચાર છે પણ ગૂગલ ના જ A.I. આલ્ફા-ગો એ ગો (જે ચેસ કરતા ક્યાંય અઘરી ગેમ છે-ગો માં ચેસ કરતા લગભગ સો ગણી શક્યતાઓ હોય છે ) માં વર્લ્ડ વાઈડ ટોપ રેન્કિંગ ધરાવતા લી સિડોલ ને બે વર્ષ પહેલા 4-1 થી શિકસ્ત આપી હતી. એ જ વર્ષે રિલીઝ થયેલી Rogue One – A Star Wars માં ગ્રાન્ડ મોફ ટર્કીન નો ઘણો લાંબો રોલ હતો, એ રોલ ભજવનારા એક્ટર પીટર કશિંગ નું મૃત્યુ 1994 માં જ થઇ ગયું હતું. નીચે ના ફોટા માં કોણ એક્ચ્યુઅલ પીટર કશિંગ છે અને કોને કમ્પ્યુટર ઇફેક્ટ થી જનરેટ કર્યો છે એ પહેલી વખતમાં કળવું મુશ્કેલ છે.

Peter Cushing-Resurrected after 22 years
Peter Cushing – 22 વર્ષે પુનર્જન્મ : Courtesy www.belloflostsouls.net

તો શું ખરેખર આપણી નોકરીઓ ખતરા માં છે? જવાબ લેખ ના અંત માં વાંચવા મળશે.

મને યાદ છે જયારે બેંકો નું કમ્પ્યુટરાઇઝેશન થઇ રહ્યું હતું ત્યારે બધી બાજુ એક ચિંતા હતી કે કમ્પ્યુટર ના આવવા ના લીધે નોકરી ખતરા માં છે.બધું કમ્પ્યુટર જ જાતે કરી લેશે તો આપણું શું કામ રહેશે? આજે શું આ બધી બેંકો બંધ થઇ ગઈ? આનાથી ઉલટું કમ્પ્યુટરાઇઝેશન પછી જ ઘણી નવી બેંકો શરુ થઇ અને ઘણી બેંકો ની નવી બ્રાન્ચ પણ ખુલવા લાગી. જો લોકો ની નોકરી ને ખતરો હોય તો અને બેકારી વધવાની હોય તો બિઝનેસ ઘટે કે વાર્તા ની રાજકુમારી ની વધે? હા અમુક નોકરી ઓ ખતરા માં હતી, પણ માઈન્ડ વેલ એ નોકરી ઓ ખતરા માં હતી, કર્મચારીઓ નહિ. એ વખતે દરેક બેંકો એ કર્મચારીઓ ને કમ્પ્યુટર ટ્રેનિંગ આપવાનું શરુ કર્યું હતું, અને ઘણી બેંકો એ ફરજીયાત પણ કર્યું હતું (મારા દાદા એ રિટાયરમેન્ટ ના મહિના-બે મહિના પહેલા એ ફરજીયાત ટ્રેનિંગ લીધેલી). અને જે કર્મચારીઓ નવા સમય ની માંગ પ્રમાણે એડજસ્ટ થઇ શક્યા એ (થોડી ઘણી અગવડતા ને બાદ કરતા) લોકો એ પોતાની રિટાયરમેન્ટ સાચવી લીધી.જે લોકો એડજસ્ટ ન થઇ શક્યા એની પાછળ એનો ડર, આળસ કે પછી વર્ષો થી જમા થયેલું એનું જડ વલણ કારણભૂત હતું, કમ્પ્યુટર નહિ. અને એટલે જ એની નોકરી ગઈ એનો દોષ કમ્પ્યુટર ના માથે આવ્યો. By the way અત્યારે કેશિયર નું કામ ATM એ લઇ લીધું છે, અને નેટબેન્કિંગ ના લીધે ATM પણ હાંસિયા માં ધકેલાઈ રહ્યા છે. અને છતાંય લગભગ બધી જ બ્રાન્ચ માં કેશિયર તો છે જ.

ટેક્નોલોજી એ એક ઝાટકે એટલી બધી નોકરીઓ ને નકામી કરી નાખી છે કે એક સમયે સહુથી વધુ વળતર આપતી એ હોદ્દા ઓ ના મારી જેવા લોકો ને નામ અને કામ પણ ખબર નથી. ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના લીધે ઘણી નોકરી ઓ પહેલા કરતા ઓછા સમય માં અને સસ્તા માં થવા મંડી છે. જેના લીધે ઘર ના બે છેડા ભેગા કરવા માટે કર્મચારીઓ ને તુટાવું પડે છે, એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી આનું સહુથી ખરાબ ઉદાહરણ છે. એવી ઇન્ડસ્ટ્રીઓ ને બાદ કરતા A.I. આપણને સસ્તા માં, ઓછા સમય માં અને સારી વસ્તુઓ આપે છે. અને એટલે ઘણી બધી વસ્તુઓ ના ભાવ નીચે જઈ શકે છે. ધારો કે સેલ્ફ ડ્રાયવિંગ કાર ના લીધે ટેક્સી ડ્રાયવિંગ બંધ થઇ જશે પણ ટેક્સી ડ્રાયવરો ની સંખ્યા કુલ વસ્તી નો અડધો ટકો પણ નથી. આંકડો ભલે મોટો હોય પણ સરખી ટ્રેનિંગ થી એ લોકો ને પણ ધંધા સગડ રાખી શકાય છે.

Amazon Prime Air- Amazon's Drone
Amazon Prime Air. Amazon’s Drone Delivery – Courtesy: Amazon

અને જો આ વસ્તુઓ ના ભાવ નીચે જશે તો એક રીતે ફાયદો આપણને ગ્રાહકો ને જ થવાનો છે. એક જગ્યા એ થી બીજી જગ્યા એ આવવું જવું સસ્તું થઇ જશે, માલ સામાન ની ડીલીવરી સસ્તામાં થઇ જશે, બહાર જમવાનું પણ સસ્તું થઇ જશે. અને એટલે ઘણી બધી વસ્તુઓ ની ડીમાંડ વધશે, અને આ ડીમાંડ ને પહોચી વળવા માટે કંપનીઓ એ માણસો રાખવા પડશે. આ એ જ માણસો હશે જે ઉપર કહેલી જોબ્સ ના ઓટોમેશન માંથી ફ્રી થયા હશે.

A.I. માત્ર પુનરાવર્તિત (રીપીટીટીવ) કામો માં જ સારું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક પ્રોગ્રામ છે અને પ્રોગ્રામ ને પોતાની બુદ્ધિ નથી હોતી, એને પોતાની કોઈ રચનાત્મકતા નથી હોતી. એક પ્રોગ્રામ ને A.I. બનાવવા માટે એને ઢગલા મોઢે ડેટા આપવો પડે છે. અને ડેટા ને કોઈ ક્રિએટીવીટી કે કોઈ ગટ ફીલિંગ જેવું નથી હોતું. A.I. સુર અને તાલ ને ભેગા કરી ને એક ગીત બનાવી શકે છે, કે વધી ને બીટ્સ ભેગા કરી ને એક સારું EDM બનાવી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામે બેઠેલા માણસ વિષે તમને બતાવી શકે છે, પણ એ માણસ સાથે કઈ રીતે વર્તવું એ નથી કહી  શકતું. એટલે જો તમારે માણસો સાથે કામ પાડવાનું છે (જેમકે HR, શિક્ષકો, પ્રોગ્રામર્સ) કે તમારી જોબ માં જ ક્રિએટીવીટી છે, તો તમારી નોકરી ને ખતરો નથી. આ નોકરીઓ માં માણસો ની જરૂર પડવાની જ છે.

અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને સહુથી વધારે નડતો પ્રોબ્લેમ છે એડોપ્શન નો. A.I. ટેકનોલોજી થી બને છે અને એ ટેકનોલોજી હજુ સર્વવ્યાપી નથી બની. ઘણા પ્રોગ્રામર્સ એવા છે જે નવી ટેકનોલોજી વાપરતા ડરે છે અને દર મહીને કે છ મહીને આવતો બદલાવ આ લોકો ને ગભરાવે છે, અને પ્રોગ્રામિંગ ની જોબ જ એવી છે જેમાં તમે નવું ન શીખો તો તમે પોતે જુના થતા જાઓ. હવે જે લોકો ટેકનોલોજી સાથે દિવસ રાત કામ કરતા હોય એ લોકો ની આવી હાલત છે, તો સામાન્ય માણસો ની શું હાલત હશે? એક તરફ વોઈસ ઓપરેટેડ આસિસ્ટન્ટ કોમન થઇ રહ્યા છે જયારે બીજી તરફ આજે પણ હિસાબો ચોપડા માં લખાઈ રહ્યા છે. આની પાછળ નું કારણ જે હોય તે, આવા માહોલ માં A.I. ને પહેલી નોકરી મળવામાં જ બહુ સમય લાગી જશે. અને એ સમય એટલો વધારે હશે કે એમાં કોઈ પણ પ્રકાર ના એડજસ્ટમેન્ટ થઇ શકે.

ઉપર કહ્યું તેમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હજુ બાલ્યાવસ્થા માં જ છે, અને એનો ઉછેર કરવા માટે માણસો ની જરૂર છે. એને ડેટા આપવા માટે, એ ભૂલ કરે એને સુધારવા માટે અને એને સાચા રસ્તે રાખવા માટે બહુ મોટી વર્કફોર્સ ની જરૂર ઉભી થઇ રહી છે. પહેલા જે કેશિયર લોકો ને પોતાની નોકરી ખતરા માં લાગતી હતી એ કેશિયર ના સંતાનો અત્યારે ઓનલાઈન પેમેન્ટ કે બ્લોક ચેઈન ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે, જે પેમેન્ટ નું વર્તમાન અને ભવિષ્ય છે.  A.I. જયારે સર્વવ્યાપી બનશે ત્યારે એ પોતે નવી ચેલેન્જ લાવશે. અત્યારે A.I. ન્યુઝ રીપોર્ટ બનાવી શકે છે, અને એ ફેક ન્યુઝ છે કે નહિ એ નક્કી કરવા એક માણસ જ જોશે. રસ્તા પર ડ્રાઈવર વગર ની ગાડી ઓ ચાલશે પણ એને ગાઈડ કરવા માટે ભૂતપૂર્વ ડ્રાઈવર્સ જ જોશે, જુના એક્ટર્સ ના ચહેરાઓ લાવી શકાશે, પણ એ ચહેરાઓ ને હાવભાવ તો કોઈ એક્ટર જ આપી શકશે.

જો તમે નવા જમાના પ્રમાણે અનુરૂપ નથી થઇ રહ્યા તો તમારી નોકરી ખતરા માં છે જ. જો તમે તમારી વિચારસરણી કે તમારી જૂની ટેવો નથી બદલી શકતા તો તમને પહેલા ય ખતરો હતો અને આજે ય છે જ. પણ એ જે કઈ થઇ રહ્યું છે એમાં કમ્પ્યુટર કે એમાં લખાયેલા એડવાન્સડ પ્રોગ્રામ નો કોઈ વાંક નથી. અને એટલે જ ઉપર ના સવાલ નો  જવાબ છે : ઈટ ડિપેન્ડસ.

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here