1990ના દાયકામાં જેમની યુવાની વીતી હશે તેમના માટે Pen વિડીયોનું નામ નવું નહીં હોય. આ સમયે ઘરે વિડીયો કેસેટ્સ લાવીને કે પછી કેબલ પર નવું મુવી આવે ત્યારે Pen નો લોગો જરૂર જોવા મળતો. આ જ Pen ના સર્વેસર્વા અને હિન્દી અને હવે તો ગુજરાતી ફિલ્મોના પણ નિર્માતા એટલે જયંતિલાલ ગડા. Popular Entertainment Network એટલેકે Pen ના જયંતિલાલ ગડાએ eછાપુંને ગત અઠવાડિયે એક વિશેષ મુલાકાત આપી હતી અને આ દરમ્યાન તેમણે પોતાના જીવનના, ફિલ્મ પ્રોડક્શનના, ડીસ્ટ્રીબ્યુશનના, તેમજ હિન્દી અને ગુજરાતી ફિલ્મો વિષેના અનુભવો શેર કર્યા હતા.

પોતાની કરિયરની શરૂઆત અંગે વાત કરતા જયંતિભાઈએ કહ્યું હતું કે મુંબઈના કુર્લામાં તેમના પિતાની એક કરિયાણાની દુકાન હતી અને ઘાટકોપર ગુરુકુળ હાઈસ્કુલમાં SCC સુધી ભણનારા જયંતિભાઈએ પોતાની વ્યવસાયિક લાઈફ બસ એ દુકાનથી જ શરુ કરી હતી. પરંતુ જયંતિલાલ ગડાનો મૂળ જીવ મનોરંજનનો એટલે થોડા સમય બાદ એ જ દુકાનમાં એમણે એક વિડીયો લાયબ્રેરી શરુ કરી. વિડીયો લાઈબ્રેરીના અનુભવથી જયંતિભાઈ ધીરેધીરે એ શીખતા ગયા કે મિડિયા એટલે શું?
ગુજરાતી માધ્યમમાં માત્ર SSC સુધીનું ભણતર એટલે અંગ્રેજી પર કાબુ ઓછો પણ વાણિયાનો દિકરો એટલે ધંધામાં વિસ્તાર કેમ કરવો એ આવડત અહીં તેમને કામમાં આવી ગઈ અને Time વિડીયોના ધીરુભાઈ શાહ જયંતિલાલ ગડા માટે ગુરુ બનીને આવ્યા. Timeની કેસેટ્સની ઓલ ઇન્ડિયા ડીસ્ટ્રીબ્યુટરશીપ લેવાથી આખા ભારતમાં કામ કેમ થઇ શકે તેનું જ્ઞાન જયંતિભાઈએ લેવા માંડ્યું. 1988-89ના સમયમાં વિડીયો કેસેટ્સનો ધંધો ધીમેધીમે ઓછો થતા થતા સાવ બંધ જ થઇ ગયો અને જયંતિલાલ ગડા ખૂબ નાની ઉંમરે એક મોટી નાણાકીય તકલીફની વચ્ચે આવીને ઉભા રહી ગયા.
પરંતુ, મિત્રોનો સાથ આ સમયમાં જયંતિભાઈને બરોબર મળતો રહ્યો અને ફિલ્મો સપ્લાય કરવાના બિઝનેસમાં તેમને ફાવટ આવવા લાગી. આ જ સમયે ભારતમાં સેટેલાઈટ ટીવીએ પગપેસારો કર્યો અને જયંતિલાલ ગડાને આજે જેને મિડિયા મુગલ કહી શકાય એવા Zee ના સુભાષ ચંદ્રા સાથે ઓળખાણ થઇ. જયંતિભાઈએ વિવિધ સેટેલાઈટ ચેનલો ઉપરાંત Zeeને પણ ફિલ્મો સપ્લાય કરી. ધીમેધીમે Pen નો માર્કેટમાં ડંકો વાગવા લાગ્યો. આમ થવા પાછળ જયંતિભાઈએ eછાપુંને કારણ આપતા જણાવ્યું હતું કે તેઓ ઉચ્ચ ક્વોલીટીના સોફ્ટવેર્સ ખરીદતા જાણે છે અને ક્વોલીટી સાથે તેઓ ક્યારેય તડજોડ કરતા નથી.
1992 થી 2004 સુધી સુભાષ ચન્દ્રાએ જયંતિભાઈ ગડાની કામ કરવાની સ્ટાઈલ પર બરોબર ધ્યાન આપ્યું અને છેવટે 2004માં તેમને Zee માટે ફિલ્મો ડીસ્ટ્રીબ્યુટ કરવાનું કામ સોંપ્યું. બસ ત્યારથી તે છેક જુન 2016 સુધી એમ સળંગ બાર વર્ષ સુધી જયંતિલાલ ગડાએ સમગ્ર Zee Network માટે ફિલ્મોની સપ્લાયનું કામ હાથ ધર્યું. આ બાર વર્ષમાં જયંતિલાલ ગડા એકલાએ Zee Network માટે ત્રણ હજાર કરોડનું ટર્નઓવર કરી બતાવ્યું.
અહીં એમને ફિલ્મ નિર્માતાઓ સાથે ઓળખાણ થઇ. આ ઉપરાંત ઘરમાં પણ પોતાના અને ભાઈઓના બાળકો મોટા થવા લાગ્યા હતા. એમના માટે પણ કારકિર્દીનો વિકલ્પ શોધવાનો હતો. આ સમયે જયંતિભાઈને લાગ્યું કે પૈસા કમાવામાં જ જો જીવન વીતી જશે તો ઘરના ચારેય બાળકોની કરિયર પર ધ્યાન નહીં અપાય. એમના ભાઈનો એક પુત્ર, પોતાના બે પુત્રો અને પુત્રી આ તમામે અત્યારસુધી એવી લાઇફસ્ટાઇલ જોઈ હતી કે તેઓ નોકરી તો કરવાના જ નથી તેનો તેમને ખ્યાલ હતો. અન્ય વિકલ્પો અંગે વિચાર કરવાની તક હોવા છતાં ગડા પરિવારના ચારેય સંતાનોએ મિડીયામાં જવાનું જ પસંદ કર્યું.
આમ સંતાનોની કરિયરને ટેકો મળી રહે તે માટે 2014માં જ Zee છોડવાનો નિર્ણય લઇ લીધો હતો અને એ સમયે વિદ્યા બાલનની કરિયરમાં માઈલસ્ટોન ધરાવતી ફિલ્મ ‘કહાની’ જયંતિલાલ ગડાએ પ્રોડ્યુસ કરી અને તેને સફળતા મળી. ત્યારબાદ જયંતિભાઈના પુત્રી ભાવિતા ગડાએ મહાભારત એનિમેશન ફિલ્મ પ્રોડ્યુસ કરી જેને પણ ખુબ વખાણ મળ્યા. નામકરણ, ઉડાન અને લાડો થી જયંતિલાલ ગડાના પુત્ર ધવલે પણ ટીવી સિરિયલ્સમાં પોતાનું એક વિશિષ્ટ એમ્પાયર ઉભું કર્યું. સૌથી નાનો પુત્ર અક્ષય ગડા બે એપ અને ચાર બ્રોડકાસ્ટિંગ ચેનલ્સ દ્વારા પોતાનો બિઝનેસ શરુ કરવા જઈ રહ્યો છે.
આમ આ આખા મિડિયા હાઉસમાં ફ્રન્ટમેન તરીકે ભલે જયંતિલાલ ગડા નામ દેખાતું હોય પરંતુ વિવિધ વિભાગો જેવા કે ડિજીટલ, બ્રોડકાસ્ટિંગ, ટેલિવિઝન અને ડિજીટલ સ્ટુડિયોમાં તે કાર્ય કરી રહ્યું છે. 2016માં જયંતિભાઈ એ 16 મહિનાની નિવૃત્તિ લીધી હતી પરંતુ તેમને લાગ્યું કે હેલ્થ માટે નિવૃત્તિ ક્યારેય સારી નથી હોતી. મોટા પુત્રએ હિન્દી ઉપરાંત સાઉથની તમામ ચાર ભાષાઓમાં ફિલ્મો અને અન્ય મનોરંજનની શાખાઓ વિસ્તારી દીધી હોવાથી જયંતિભાઈએ નિવૃત્તિને પડતી મુકીને ફરીથી બોર્ડ પર આવી જવાનું નક્કી કર્યું.
16 મહિના દુનિયાભરમાં ફરી લીધા બાદ જયંતિભાઈ સ્ટુડિયોમાં પરત ફર્યા અને ‘સિંઘ ઈઝ બ્લિંગ’, ‘એન્ટરટેઈનમેન્ટ’ અને ‘ઐયારે’ જેવી ફિલ્મોના પ્રોડક્શન પર કામ શરુ કર્યું. આ સમયે ગુજરાતી ફિલ્મ બનાવવાનું દબાણ પણ વધવા લાગ્યું હતું કારણકે જયંતિભાઈ ખુદ એક ગુજરાતી છે. હિન્દી અને સાઉથની તમામ ફિલ્મોમાં પ્રોડક્શન ક્વોલીટી સાથે જરા પણ કોમ્પ્રોમાઈઝ ન કરનાર જયંતિલાલ ગડા ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’ સાથે ગુજરાતી ફિલ્મોના પ્રોડક્શનમાં પણ એન્ટર થયા અને આ ફિલ્મ જોનાર તમામને તેની ઉચ્ચકક્ષાની પ્રોડક્શન વેલ્યુ વિષે ખ્યાલ આવી જ ગયો હશે!
ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડના પ્રોડક્શન ઉપર ફિલ્મને એટલું બધું બજેટ ફાળવવામાં આવ્યું હતું કે તેનું માર્કેટિંગ પણ કોઈ હિન્દી ફિલ્મ કરતા જરાય ઉતરતી કક્ષાનું ન હતું. સારી ક્વોલીટીવાળી અને સારી વાર્તાવાળી ફિલ્મ ચાલે જ છે અને આથીજ ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ તેના પહેલા બે અઠવાડિયામાં જ દસ કરોડની કમાણી કરી ગયું હતું જે એક રેકોર્ડ છે. જો કે જયંતિભાઈ કહે છે કે આ રકમ પણ હજી વધશે કારણકે Pen ફિલ્મનું પ્રોડ્યુસર હોવાથી હવે દેશના કેટલાક નાના શહેરો જ્યાં ગુજરાતીઓની સંખ્યા સારી એવી છે એટલેકે નાશિક, ગોવા વગેરે ત્યાં પણ આ ફિલ્મ રિલીઝ થઇ ચુકી છે અથવાતો થવાની છે.

ગુજ્જુભાઈ માટે જયંતિભાઈ કહે છે કે ફિલ્મની સફળતાની ક્રેડિટ સિદ્ધાર્થ રાંદેરિયા કરતા તેમના પુત્ર અને ડિરેક્ટર ઇશાન રાંદેરિયાને તેઓ આપશે. આ પાછળનું કારણ કહેતા જયંતિભાઈ કહે છે કે પહેલો ભાગ તો સિદ્ધાર્થભાઈની લોકપ્રિયતાને લીધે સફળ થયો પરંતુ હવે બીજા ભાગને સફળ બનાવવાની જવાબદારી ઈશાનની હતી અને જો આ ફિલ્મ નિષ્ફળ ગઈ હોત તો એ ઈશાનની નિષ્ફળતા હોત અને આથી તેમને આનંદ છે કે ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ એ ઇશાન રાંદેરિયાની સફળતા બનીને ઉભરી આવી છે.
ગુજરાતી ફિલ્મોમાં Pen આગળ શું કરવા માંગે છે તે અંગે જયંતિલાલ ગડા કહે છે કે તેમણે ગુજ્જુભાઈ શરુ કરી ત્યારેજ કહ્યું હતું કે હવે તેઓ દર વર્ષે બે ગુજરાતી ફિલ્મો પ્રોડ્યુસ કરશે અને Penની બીજી ગુજરાતી ફિલ્મ એપ્રિલમાં આવી રહી છે. આ ઉપરાંત જો હિન્દી ફિલ્મોની વાત કરવામાં આવે તો Pen દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી પ્રભુદેવાની ફિલ્મ ‘મરક્યુરી’ આવતા મહીને આવશે.
આપણને યાદ છે કે 2014માં હિન્દી ફિલ્મોની મહાભારત કહી શકાય એવી શોલે ને જયંતિલાલ ગડાની જ Pen દ્વારા 3Dમાં કન્વર્ટ કરીને રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ જોનારાઓને 3D અનુભવ અંગે તો કોઈજ ફરિયાદ ન હતી પરંતુ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જેને રિમિક્સ કરવામાં આવ્યું હતું તેના વિષે અસંખ્ય ફરિયાદો હતી. eછાપું સાથેની મુલાકાતમાં જયંતિભાઈએ આ અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે એ સમયે સ્ટીરીયોફોનિક સાઉન્ડ હતો જ્યારે મલ્ટીપ્લેક્સમાં હવે ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ આવી ગઈ હતી જે જૂની સિસ્ટમને સ્વિકારતી ન હતી અને આથી અસંખ્ય ટેક્નીકલ પડકારોનો સામનો કર્યો હોવા છતાં મજબુરીમાં તેમણે ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિકને રિમિક્સ કરાવવું પડ્યું હતું.
શોર્ટ ફિલ્મ્સ અને YouTube, Netflix અને Amazon Prime ના જમાનામાં Pen નો શો પ્લાન છે તે અંગે જયંતિભાઈ એકદમ સ્પષ્ટ છે. તેમના માટે પૂર્ણ ફિલ્મો પ્રત્યેનો તેમનો પ્રેમ અકબંધ છે એટલે ઉપરોક્ત પ્લેટફોર્મ્સ માટે ખાસ નવું પ્રોડ્યુસ કરવાની તેમની કોઈજ ઈચ્છા નથી. પરંતુ હા તેમની એક એપ અત્યારે ડેવલોપમેન્ટ સ્તરે છે જેનું નામ છે ‘Play My Movie’.
પોતાનો વિડીયો લાઈબ્રેરીઓ અનુભવ અહીં કામે લગાડતા જયંતિભાઈએ મહિનાના માત્ર દસ રૂપિયા ફી રાખી છે એટલેકે વર્ષના માત્ર રૂ. 120. જેમને આટલા રૂપિયા પણ ખર્ચ નથી કરવા તેમના માટે અત્યારે પણ 500 ફિલ્મો ફ્રી છે. કોઈને Pay per View માં રસ હોય તો ભવિષ્યમાં એ સિસ્ટમ પણ અહીં આવશે. ભવિષ્યમાં એવું બને કે કોઈ ફિચર ફિલ્મ આ એપ પર તેની રિલીઝ બાદ તુરંત જોવા મળી જાય. ટૂંકમાં જયંતિલાલ ગડા શોર્ટ ફિલ્મ નહીં પરંતુ ફૂલ ફ્લેજેડ ફિલ્મોને ડિજીટલ માધ્યમ પર પણ જીવંત રાખવા માંગી રહ્યા છે.
eછાપું ના રિડર્સ માટે જયંતિલાલ ગડાનો મેસેજ છે કે, જેમની પાસે પૈસા છે તેમણે ફિલ્મો જોવા થિયેટરમાં જ જવું જોઈએ કારણકે તેનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વિક્સે છે. જયંતિભાઈ કહે છે કે આજે પણ ફિલ્મો જોનારાઓની સંખ્યા ભારતમાં ત્રણ કરોડથી ખાસ વધારે નથી જે પૈસા ખર્ચીને થિયેટરો ભરી શકે છે. ગુજરાતી ફિલ્મોનો તો હજી સુધી કોઈ આધિકારિક આંકડો નીકળી શકે એટલી સંખ્યા જ નથી અને એટલેજ ગુજરાતી ફિલ્મો મોટી બની શકતી નથી. ફિલ્મો સારી અને ખરાબ બંને આવશે જ કારણકે બધા જ ડિરેક્ટર્સ કાયમ સારી જ ફિલ્મો બનાવે એ શક્ય નથી અને આથીજ ફિલ્મો થિયેટરોમાં જ જોવાનો આગ્રહ રાખવો જોઈએ.
માતાપિતા માટે જયંતિભાઈ સલાહ આપે છે કે જો તેમના સંતાનોને ફિલ્મોમાં આવવું હોય તો તેમને રોકશો નહીં. આ ઇન્ડસ્ટ્રી ખુબ સારી છે. હવે સમય બદલાયો છે અને અહીં પણ યોગ્ય લોકોની સંખ્યા વધી છે, અહીં લાઈફ છે જે અન્ય ક્યાંય નથી. અહીં દરેક નવી ફિલ્મે નવું એક્સાઈટમેન્ટ રહે છે જે અન્યત્ર શક્ય નથી.
આમ, સંઘર્ષથી સફળતાના શિખરે પહોંચેલા જયંતિલાલ ગડા ખુદ એક ઇન્સ્ટીટયુશન છે અને તેમના જીવન પરથી આપણે બધાજ ઘણું બધું શીખી અને સમજી શકીએ છીએ.
eછાપું