1946ના દિવસોની વાત છે જ્યારે અમૃતાનો પુત્ર ‘નવરાઝ’ તેમના ગર્ભમાં ઉછરી રહ્યો હતો, આ એ સમય હતો જ્યારે સાહિરનો પણ કબજો અમૃતાના દિલ દિમાગમાં છવાયેલો હતો તે સમયે તેમણે એવું સાંભળેલું કે ‘સ્ત્રી માતા બનવાની હોય ત્યારે જે પ્રકારની છબીઓ જોવે અથવા જેવા રૂપની કલ્પના કરે તેવો જ બાળકનો ચહેરો થઇ જાય છે. અમૃતા ‘રેવન્યુ સ્ટેમ્પ’ માં કહે છે કે, ‘મારી કલ્પનાએ જાણે દુનિયાથી છુપાઈને ધીરેથી મારા કાનમાં કહ્યું, ‘જો હું સાહિરના ચહેરાનું આખો વખત ધ્યાન ધરું તો મારા બાળકનો ચહેરો એના જેવો થશે’ જાણું છું, જે જિંદગીમાં નહોતું મેળવ્યું, એને પામવાનો આ એક ચમત્કાર જેવો પ્રયત્ન હતો. દિવાનાપણાની એ દુનિયામાં જાણે કે ૩ જુલાઈ, ૧૯૪૭નાં દિવસે બાળકનો જન્મ થયો, પહેલી વાર એનું મોઢું જોયું, ઈશ્વર હોવાનો વિશ્વાસ બેસી ગયો અને બાળકના ઉછરતા ચહેરા સાથે એ કલ્પના ઉછરતી રહી કે એનો ચહેરો સાચેસાચ સાહિરને મળતો આવે છે.’

પ્રેમનો એક અલગ જ પડાવ કહી શકાય ને. જ્યારે આ વાત અમૃતાએ સાહિરને કહી ત્યારે સાહિર હસવા લાગ્યા અને બસ એટલું જ કહ્યું ‘ વેરી પુઅર ટેસ્ટ’. સાહિરને હંમેશા એવું લાગતું કે તેમનો ચહેરો કદરૂપો છે પણ ખરેખર પ્રેમ તો મનથી પણ થાય ને ? અને અમૃતા સાહિરના કિસ્સામાં તો પ્રેમ શબ્દ દ્વારા થયેલ છે એવું કહી શકાય.
એક વખત જ્યારે અમૃતાનો પુત્ર નવરાઝ 13 વર્ષનો હતો ત્યારે એણે અમૃતાને પૂછ્યું કે ‘એક વાત પૂછું? સાચેસાચું કહીશ? શું હું સાહિર અંકલનો દીકરો છું? અમૃતાએ જ્યારે ‘ના’ કહ્યું ત્યારે નવરાઝએ કહ્યું કે ‘પણ જો હું હોઉં તો કહી દો, મને સાહિર અંકલ ગમે છે’ ત્યારે અમૃતાએ કહ્યું કે, ‘ હા દીકરા, મને પણ ગમે છે, પણ જો એ સાચું હોત તો મેં તને જરૂર કહી દીધું હોત’ સત્યનું એક બળ હોય છે અને એટલે જ તેમના પુત્રને તેમની વાત પર વિશ્વાસ બેઠો.
જ્યારે પ્રેમની પરાકાષ્ઠા હોય, ભલે તેમાં શરીર ન જોડાયેલું હોય પરંતુ મનમાં ફક્ત સ્વીકાર જ હોય છે. લાહોરમાં જ્યારે સાહિર અમૃતાને મળવા જતા ત્યારે જાણે કે અમૃતની ખામોશીનો એક કકડો ખુરશી પર બેસતો અને ચાલ્યો જતો એવું તેમને લાગતું. સાહિર ચુપચાપ સિગારેટ પીવે, અર્ધી સિગારેટનાં ઠુઠા એશ ટ્રે માં રાખે અને નવી સળગાવે. અને રૂમની ખામોશી કદાચ સિગારેટના ધુમાડામાં ભળી જતી હશે, અમૃતાને સાહિરના હાથને સ્પર્શવાની ઈચ્છા થતી પણ એ સંસ્કારોનું એવું અંતર હતું જે કાપી શકાતું નહોતું તેથી અમૃતા આ સિગારેટના ટુકડાઓને સંભાળીને રાખતા, એકલા બેઠા બેઠા એક એક ટુકડાને સળગાવતા અને સાહીરનો સ્પર્શ અનુભવતા અને સિગારેટના એ ધુમાડામાં તેમને સાહિરની અનુભૂતિ થતી.
અમૃતાના જ શબ્દોમાં :
‘There was a pain
I inhaled it silently
Like a cigarette
There are a few songs
I’ve flicked off,
Like ashes,
From the cigarette’
સાહિરની જેમ જ, સાહિરના કારણે જ, સાહિરની યાદોમાં જ સિગારેટ એ અમૃતાની આદત બની ગઈ હશે, જેમ સાહિરને પ્રેમ કરવો એ આદત બની ગઈ હતી એ જ રીતે.
‘ में फिरभी इसकी राह में, दीऐ से कुछ जला रही,
तेरे गीत के बदन से भी, तेरी महक आती रही,
એવું પણ નહોતું કે સાહિરને અમૃતા માટે ઓછો પ્રેમ હતો, એક વાર અમૃતા પ્રીતમનાં ગયા પછી સાહિરએ તેમની માતા ને કહેલું કે ‘ वो अमृता प्रीतम थी, वो आपकी बहु बन सकती थी’ . આ પ્રસંગને અમૃતા ‘અક્ષરો કે સાયે’ માં એક વાર્તા સ્વરૂપે કહે છે પણ આ તેમના જ જીવનની એક ખુબ સરસ ઘટના છે. એક વાર અમૃતા એક મીટીંગમાં સાહિરના શહેરમાં ગયા હતા જ્યાં સાહિર પણ હતા. મીટીંગ પત્યાં પછી સાહિર અમૃતાની ટીકીટ લઇ લે છે અને કહે છે કે ઘરે માં રાહ જુએ છે , અમૃતા ઘરે આવે છે અને સાહિર- અમૃતા તેમના મિત્રોને પાર્ટી માટે આમંત્રણ આપી આવે છે. અમૃતા જાણે પોતાના ઘરમાં હોય તે જ રીતે બધું કામ કરે છે ત્યારે વિચારે છે કે કાશ ખરેખર હંમેશ માટે હું અહિયાં હોત તો? સાંજે બધા મિત્રો આવ્યા પછી અચાનક સાહિરને છાતીમાં દુખાવા લાગ્યું ત્યારે તેમની માતા એ બ્રાન્ડી આપીને અમૃતાને કહ્યું કે આ સાહિરની છાતીમાં ઘસી દે અને અમૃતાએ સહજતાથી ઘસી પણ આપ્યું.
વર્ષો પછી સાહિરે એક વાર અમૃતાને કહ્યું હતું કે, જયારે આપણે લાહોરમાં હતા ત્યારે ઘણી વાર હું તારા ઘરની બારી જે શેરીમાં પડતી ત્યાં પાનના ગલ્લે આવતો, તને જોવા કે ક્યારે તારી બારી ખુલે અને હું તને જોવું.
પ્રેમમાં જ્યારે સહજતા ભળી જાય ત્યારે પ્રેમની વિભાવનાઓ બદલાઈ જતી હોય છે. અમૃતા અને સાહિર માટે પણ કદાચ પ્રેમ સહજ હતો, કદાચ સહજતાથી પણ આગળ. અમૃતા અને સાહિર જયારે મળતા ત્યારે એક જાદુનું ઘર રચાતું. એક વાર ટ્રેનમાં અચાનક મળ્યા, ઠંડી હતી એટલે સાહિરની માતા એ એક ધાબળો આપ્યો બન્ને માટે. અડધો અમૃતાએ અને અડધો સાહિરએ ઓઢ્યો ત્યારે પણ આ જાદુનું ઘર રચાયું હતું.
સાહિરની કૃતિઓમાં પણ ક્યાંક ક્યાંક તેમનો પ્રેમ દેખાઈ આવતો.
‘तेरा मुझसे हे पहेले का नाता कोई,
यु ही नहीं दिल लुभाता कोई ‘
અને એક વાર અમૃતા જયારે સાહિરને ફોન લગાવવા જઈ રહ્યા હતા ત્યારે જ એવા સમાચાર મળ્યા કે સાહિરના જીવનમાં કોઈ બીજી પ્રેમિકા આવી છે ત્યારે અમૃતા થીજી જાય છે, બરફની જેમ, જે ક્યારેય મળવાનું નાં હતું, તેના ઉપર હવે કોઈ બીજાનો હક્ક હશે તે વાતથી કદાચ. અને ફોન મૂકી દે છે. જો કે પછી અમુક સમય પછી એ પ્રેમ કહાનીનો પણ અંત આવે છે , સાહિર અને અમૃતા બસ આવી જ રીતે ક્યારેક ક્યારેક મળતા રહે છે.
ક્યારેક અધુરો રહી જતો પ્રેમ જ યાદગાર બની જતો હોય છે જેમકે સાહિરે ખુદ કહ્યું છે ને કે…
“ वो अफसाना जीसे अंजाम तक लाना ना हो मुमकिन, उसे इक खुबसूरत मोड दे कर छोडना अच्छा।। “
ક્રમશ:
eછાપું